સર્જનાત્મક શિક્ષણનો પ્રસાર કરવાની અનોખી રીત

19 February, 2019 12:35 PM IST  |  | તરુ કજારિયા

સર્જનાત્મક શિક્ષણનો પ્રસાર કરવાની અનોખી રીત

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ સાયન્સ

ગયા અઠવાડિયે આ જ અખબારમાં એક નાનકડા બાળકનો ફોટો જોયેલો. તેના બન્ને કુમળા હાથને દોરડાથી બાંધી દેવાયા હતા. ચાર વરસના તે ભૂલકાએ ક્લાસમાં ટીચરનું કહ્યું નહીં સાંભળ્યું હોય કે નહીં માન્યું હોય એટલે ટીચરે તેને સજા કરી હતી. બિચારું ક્લાસની બહાર એક બેન્ચ પર મુરઝાયેલા ફૂલ જેવું બેઠું હતું. એ બાળક એટલું વળી નસીબદાર હતું કે તેની જ સ્કૂલના એક અન્ય ટીચરને તેની હાલત જોઈને દયા આવી અને લાગ્યું કે આ બરાબર નથી એટલે તેમણે તેના હાથ ખોલી નાખ્યા હતા. જોકે સજા કરનાર ટીચરથી એ ન સહન થયું એટલે તેણે હાથ ફરી બાંધી નાખેલા. પેલા ઉદાર ટીચરે પ્રિન્સિપાલ પાસે જઈને પણ રજૂઆત કરી, પરંતુ કંઈ ન વળ્યું. બાળકે ટીચરની વાત નહીં માનવાનો ગુનો જે કર્યો હતો! તે ટીચરે બાળકની બાંધેલા હાથવાળી તસવીર ક્લિક કરી લીધી અને સોશિયલ મીડિયા પર આખી વાત મૂકી દીધી. પછી જે થવાનું હતું એ જ થયું. સ્કૂલે તેને કાઢી મૂક્યો. આપણા દેશમાં બાળકોને શિક્ષા કરવા પર પ્રતિબંધ હોવા છતાં આજે પણ શિક્ષકો બાળકોને કેવી-કેવી આકરી શારીરિક સજા કરે છે એ જાણીએ તો ધ્રૂજી જવાય.

આ ઘટના વિશે વાંચ્યું એના પાંચેક દિવસ પહેલાં જ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી અમેરિકન સ્કૂલમાં યોજાયેલી એક સુંદર ઇવેન્ટમાં હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા ખરા અર્થમાં તેમના વિકાસ માટે કામ કરતી એક સંસ્થાની એ વાર્ષિક સમિટ હતી. એમાં એક એક્ઝિબિશન હતું જેનું ર્શીષક હતું : મ્યુઝિયમ ઑફ ગ્રે સનશાઇન. એ ર્શીષક વાંચીને નવાઈ લાગી. સનશાઇન શબ્દ બોલતાં જ નજર સામે સોનેરી પ્રકાશ અને ખુશનુમા સવારનું ચિત્ર ઊપસી આવે. જોકે અહીં એની સાથે ગ્રે શબ્દ કેમ? ગ્રે એટલે કે રાખોડી તો શુષ્ક ઉદાસીનો રંગ. મ્યુઝિયમના પ્રવેશ પાસે એક પરદેશી કિશોરી ઊભી હતી. તે વૉલન્ટિયર હતી. તેને પૂછ્યું કે સનશાઇન એ વળી ગ્રે હોતો હશે? તો તેણે જવાબ આપેલો કે આ ર્શીષક જિંદગીની વાસ્તવિકતાનો અહેસાસ કરાવે છે, તમે આ પ્રદર્શનની મુલાકાત લેશો પછી તમને આ ર્શીષક બહેતર સમજાઈ જશે. અને ખરેખર, સ્કૂલનાં કિશોરો-કિશોરીઓ દ્વારા તૈયાર કરાયેલા એ મ્યુઝિયમની મુલાકાત લઈને બહાર નીકળતી દરેક વ્યક્તિની આંખોમાં ભીનાશ છલકતી હતી. એ પ્રદર્શનમાં માતા-પિતા, શિક્ષક કે અન્ય કોઈ પણ વડીલોનાં વાણી કે વર્તનથી બાળકોનાં જીવન પર કેવા ઉઝરડા અને ઊંડા ઘા થઈ જાય છે એનો સચોટ પરિચય કરાવવામાં આવ્યો હતો. ટીચર્સની કે પેરન્ટ્સની નેગેટિવ કમેન્ટ્સથી કેટલાંય બાળકોના મન પર એટલી ભયંકર અસર થાય છે કે જિંદગીભર તેઓ એનાં પરિણામો ભોગવે છે. એક જગ્યાએ એક ટ્રેમાં કેટલાક કોરા કાગળો અને પેન પડેલાં. સાથે એક બોર્ડ પર કેટલાંક અપમાનજનક વર્તન લખ્યાં હતાં. જેમ કે બધાની વચ્ચે ઠપકો આપવો કે ઉતારી પાડવું, ‘તારાથી થઈ રહ્યું’ કે ‘તારા કરતાં પેલો કેટલા સરસ માક્ર્સ લઈ આવ્યો’ જેવા આત્મવિશ્વાસ તોડી નાખતા શબ્દો વાપરવા. સાથે સૂચના આપી હતી કે તમે આમાંનું કોઈ વર્તન તમારાં સંતાનો સાથે કર્યું હોય તો એક કાગળ પર એ લખો અને એના માટે માફી માગો. પછી એ તમારા સંતાનને આપવું હોય તો આપજો અન્યથા ફાડીને નીચે રાખેલા ડસ્ટબિનમાં ફેંકી દેજો. એ કૉર્નરથી આગળ વધતા અનેક પેરન્ટ્સ આંખો લૂછી રહ્યા હતા.

છેલ્લે એક ઑડિયો. અંધારા ઓરડામાં પાંચ મિનિટ ઊભા રહેવાનું હતું. એમાં ઑડિયો ટેપ પરથી સરતા શબ્દો માત્ર સાંભળવાના હતા. ક્યાંક પેરન્ટ્સ અને ટીચર્સ સતત એક છોકરાના આત્મવિશ્વાસને ચાળણી કરી દે એવી કડવી ભાષામાં તેના પર પ્રહાર કરી રહ્યા હતા. મોટા ભાગના પેરન્ટ્સ અને ટીચર્સ એ કર્કશ અને કટાક્ષયુક્ત અવાજ સાથે પોતાની જાતને જોડી શકે એવા હતા. જ્યારે બીજી બાજુથી અત્યંત શાલીન અને પ્રેમાળ અવાજમાં વાત કરતા પેરેન્ટ્સ અને ટીચર હતા. અભ્યાસમાં નહીં પણ રમતગમતમાં રસ ધરાવતા એક છોકરાનું પરીક્ષામાં ખરાબ પરિણામ આવ્યું હતું. એ વખતે એ વડીલો તેને પ્રેમ અને હૂંફથી સહારો આપે એવા શબ્દો અને ભાષા બોલે છે. એ ઓડિયોરૂમમાં કોઈ ભાષણ કે શિખામણ નહોતી અપાઈ, પણ ત્યાં ગાળેલી પાંચ મિનિટ પેરન્ટલ બિહેવિયર માટેનું એક ઉમદા લેસન હતું એવું ત્યાં હાજર સૌને લાગ્યું હતું.

આ સમગ્ર આયોજન ‘ટીચ ફૉર ઇન્ડિયા’ નામની એક સ્વૈચ્છિક સંસ્થાનું હતું. આ સંસ્થા એના ‘કિડ્સ એજ્યુકેશન રીઇમેજિન્ડ’ અને ‘કિડ્સ એજ્યુકેશન રેવલ્યુશન’ (KER) પ્રોજેક્ટ હેઠળ આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગની સ્કૂલોના વિદ્યાર્થીઓને માટે કામ કરે છે. આ બાળકોને રસ પડે એવી રીતે શિક્ષણશૈલી વિકસાવવાનું કામ થાય છે. એમાં ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બન્ને સાથે મળીને શિક્ષણમાં નવા-નવા ઇનોવેટિવ પ્રયોગો કરે છે, ભણવાની મજા આવે એવા આઇડિયાઝ વિચારે છે અને એનો અમલ કરે છે. આ સંસ્થાએ દસ વર્ષમાં લાખો વિદ્યાર્થીઓની જિંદગીમાંથી રાખોડી રંગ દૂર કરીને સનશાઇનનો મૂળ સોનેરી રંગ ભર્યો છે એવું સંસ્થા સાથે સંકળાયેલા કાર્યકરો અને લાભાર્થી વિદ્યાર્થીઓને જોતાં લાગતું હતું.

આ પણ વાંચો : હવે તું નિર્માતા બની જા

પૂરા દિવસની એ ઇવેન્ટમાં બીજાં પણ ઘણાં પ્રેઝન્ટેશન્સ હતાં. પેલું મ્યુઝિયમ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું હતું. TFIના ટીચર્સ જુદી-જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગણિત શીખવે છે. આ વિદ્યાર્થીઓની કારર્કિદીમાં તેમના શિક્ષણની અત્યંત સુંદર અસર દેખાઈ રહી છે. જે વર્ગમાં TFIના તાલીમબદ્ધ ટીચર્સ શીખવે છે એ વિષયમાં વિદ્યાર્થીઓનો પર્ફોર્મન્સ જોઈને સ્કૂલોના પ્રિન્સિપાલ્સ પણ પ્રભાવિત થઈ જાય છે. TFI વિદ્યાર્થીમાં રહેલી ક્ષમતાને ઉઘાડવાની આ સુંદર તક એવાં બાળકોને આપી રહી છે જેમના માટે ભણવાનું જ દુષ્કર છે અને એવી જ મજાની વાત એ છે કે આ કામ સમાજના નસીબદાર કહી શકાય એવા સમૃદ્ધ અને સંપન્ન શિક્ષણસંસ્થાઓમાં ભણતા અને ભણેલા યંગસ્ટર્સ દ્વારા થઈ રહ્યું છે. મુંબઈ, પુણે, બૅન્ગલોર અને અમદાવાદનાં ગરીબ બાળકોને આનો લાભ મળી રહ્યો છે અને તેઓ આત્મવિશ્વાસથી છલકાઈ રહ્યાં છે. કાશ આવા પ્રયોગો અન્ય સ્કૂલોના દંડાત્મક શિક્ષકો સુધી પહોંચે!

columnists