પ્રાયોરિટી અને પ્રાધાન્ય : ટોચ સાંકડી છે, એકનું અસ્તિત્વ અકબંધ રહેશે

21 June, 2019 12:52 PM IST  |  | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

પ્રાયોરિટી અને પ્રાધાન્ય : ટોચ સાંકડી છે, એકનું અસ્તિત્વ અકબંધ રહેશે

અમિત શાહ અને નરેન્દ્ર મોદી

યાદ રાખજો, પ્રાધાન્ય અને સફળતા એક સમાન છે. જેમ-જેમ આગળ વધશો એમ-એમ આ જગ્યા સાંકડી થવા માંડશે અને ટોચ પર પહોંચ્યા પછી એ જગ્યા એટલી સંકોચાઈ જશે કે ત્યાં એકનું જ અસ્તિત્વ રહેશે અને આ એ અસ્તિત્વ અકબંધ રાખવા માટે પણ તમારે સતત મથ્યા કરવું પડશે, મચી પડવું પડશે. પ્રાયોરિટીની વ્યાખ્યા ક્યારેય જુદી ન હોય અને પ્રાયોરિટીની પરિભાષા પણ ક્યારેય જુદી નથી હોતી. એવું પણ ન હોય કે તમે એક્સને બાર ટકા મહત્ત્વ આપો અને ઝેડને સાડાઅગિયાર ટકા મહત્ત્વ આપો. એવું પણ ન બને કે ફલાણી પ્રક્રિયાને તમે સદંતર અવગણી દો અને ઢીંકણી રીતને તમે એકદમ કોરાણે મૂકી દો. ના, ક્યારેય નહીં. પણ એ બધું કરતી વખતે પણ તમારી વ્યક્તિને આપવામાં આવેલી પ્રાયોરિટીમાં, તમારી વ્યક્તિને આપવામાં આવેલું પ્રાધાન્ય સ્પષ્ટપણે અને નરી આંખે દેખાઈ આવે. જે તબક્કે એ નહીં દેખાવાની ફરિયાદ થાય છે એ સમયે બચાવ અઢળક હોઈ શકે અને તર્કબદ્ધ બચાવ હોઈ શકે; પણ આવેલો એ વિચાર ક્યારેય હવામાંથી નથી નીતરતો હોતો, એ અનુભવમાંથી જ આવ્યો હોય છે.

ઘર હોય કે ઑફિસ, અંગત સંબંધ હોય કે પછી સ્વજન સાથેના વ્યવહારો; પ્રાધાન્યપણું હંમેશાં સ્પષ્ટ રીતે દેખાવું જોઈએ અને એ પ્રાધાન્યપણું અન્ય કોઈ અન્ય સાથે વહેંચાયેલું ન હોવું જોઈએ. નરેન્દ્ર મોદી માટે અમિત શાહ પ્રાયોરિટી છે તો એ પ્રાયોરિટી નરેન્દ્ર મોદીએ દેખાડવી જ પડે અને અમિત શાહે પણ પોતાના પ્રાધાન્યને સ્વીકારીને આપવામાં આવેલી એ અગ્રતાને સન્માનિત રીતે પ્રતિક્રિયામાં ફેરવવી પડે. જો રાષ્ટ્રના શાસનથી મળેલા સંબંધોમાં પણ આ પરિભાષા કામ કરતી હોય તો આપણે તો પાંચ-પંદર કે પાંત્રીસ વ્યવહારોને સાચવવાના છે અને એટલા જ સંબંધોનાં ગણિત અને એની ત્રિરાશિને જોવાની છે એવા સમયે પ્રાયોરિટીના મુદ્દે, પ્રાધાન્યની બાબતમાં જો સાચા-ખોટાના કે પછી સારા-ખરાબના ભેદભાવની ખીચડી કરી નાખીએ તો સ્વાભાવિક રીતે એવું બનશે કે ગેરવાજબી વાતો કે વ્યક્તિઓના કારણે સ્વ-જનો સાથે અંતરાઈને આમંત્રણ મળી જશે અને એના પછી એના બચાવમાં પ્રાયોરિટી કે પ્રાધાન્યના આખા વિચારને મારી-મચકોડીને નવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવાનો વારો આવશે. એવું બને ત્યારે તમે તર્ક જીતી શકો; પણ એનાથી હકીકત બદલતી નથી, બદલી શકવાની નથી. વાસ્તવિકતા એ જ છે કે પ્રાયોરિટી અને સફળતા એકસમાન છે. સર્વોચ્ચ સ્થાન એક જ હોય. પેલું નંબર વન જેવું. બધા વિષયોમાં નંબર વન હોય તે જરૂરી નથી કે કોઈ એક સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ ન લાવ્યું હોય, પણ એક જ સબ્જેક્ટમાં હાઇએસ્ટ માર્ક્સ લાવનારો આખી સ્કૂલમાં તો નંબર વન ન જ કહેવાય. નંબર વનના તાજની પ્રાયોરિટી તો તેને જ મળે અને એ જ વાજબી તુલના છે.

પ્રાયોરિટી જરૂરી છે. પ્રાયોરિટી કેન્દ્રનું પ્રતીક છે. પરિઘ હંમેશાં કેન્દ્રની આસપાસ હોય અને જો વિજ્ઞાનનું કેન્દ્ર હોય તો એના અણુ અને પરમાણુ પણ કેન્દ્રની આસપાસ હોય. પ્રાયોરિટી એ શ્રદ્ધાનું પ્રતીક છે, પ્રાધાન્ય જવાબદારીની નિશાની છે અને પ્રાધાન્ય ગંભીરતાનું ચિહ્ન છે. ગંભીરતા દરેક વિષયમાં હોવી જોવી બહુ જરૂરી છે અને એમાં કશું ખોટું પણ નથી. સામાજિક પ્રાણી તરીકેની આ પહેલી જવાબદારી છે, પણ વાત જ્યારે શિરમોર ગંભીરતાની આવે ત્યારે એનું કેન્દ્ર એક જ રહેતું હોવું જોઈએ. જો પ્રાયોરિટીનાં કેન્દ્ર બદલાતાં રહેશે કે પ્રાયોરિટીની પાસે લઘુકેન્દ્રો બનવાં શરૂ થઈ જશે તો બનશે એવું કે પ્રાયોરિટીનું મૂલ્ય ઘટતું થઈ જશે અને ઘટી રહેલા મૂલ્ય વચ્ચે સંબંધોની લાગણીમાં ઓટ દેખાવી શરૂ થઈ જશે. જો ઇચ્છતા હો કે તમારા સંબંધોનું મૂલ્ય અકબંધ રહે, તમારા સંબંધોની લાગણીમાં ભરતીનું પ્રમાણ યથાવત્ રહે તો અજાણતાં કે ભૂલથી પણ પ્રાયોરિટીના કેન્દ્રબિંદુ આસપાસ એક પણ પ્રકારનાં લઘુબિંદુઓને જન્મ નહીં આપતા.

અનેક એવા કિસ્સાઓ જોયા છે જેમાં પ્રાયોરિટી માટે આજીવન જીવનમાં કોઈને સ્થાન નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય અને એ નિર્ણયને શ્ર્વસન પ્રક્રિયાની જેમ પાળવામાં પણ આવ્યો હોય. આ બાબતમાં પણ જો પહેલું ઉદાહરણ કોઈ યાદ આવતું હોય તો એ નરેન્દ્ર મોદી જ છે. રાષ્ટ્ર, રાષ્ટ્રભાવના અને દેશભક્તિ કેન્દ્રસ્થાને બેસાડ્યા પછી તેમણે પહેલો ત્યાગ પોતાના અંગત જીવનનો કર્યો. આ નિર્ણય છેક આજ સુધી અકબંધ રહ્યો છે અને અકબંધ રહેલા આ નિર્ણયમાં ક્યાંક ને ક્યાંક ભક્તિભાવ અને સમર્પણભાવના પણ સ્પષ્ટ નીતરે છે. આ પ્રાયોરિટી છે.

બોર્ડની એક્ઝામમાં ટૉપર બનવાના વિચારને પ્રાયોરિટીનું રૂપ આપ્યા પછી ત્યાગ સ્વરૂપે સોશ્યલ મીડિયા, મોબાઇલ અને મૂવીઝ છૂટી જાય એમાં કશું ખોટું નથી. જો એવું બને તો જ પ્રાયોરિટી, પ્રાધાન્યનું સાચું સ્વરૂપ જોવા મળે અને જે સમયે પ્રાધાન્ય પોતાનું સાચું સ્વરૂપ દેખાડે છે ત્યારે સમર્પણની ભાવના નવી ઊંચાઈઓ આપવાની જવાબદારી સંભાળી લે છે. આજના આ જ આર્ટિકલમાં ત્રીજી વખત જેનો ઉલ્લેખ આવે છે એ નરેન્દ્ર મોદીની જ આજની અવસ્થા જોઈ લેવી. વ્યક્તિ હોય કે સત્તા હોય, પ્રાયોરિટી સાથે એની માટે મચી પડનારાને ક્યારેય કોઈ અટકાવી નથી શક્યું, ક્યારેય કોઈ રોકી નથી શક્યું અને રોકી શકશે પણ નહીં.

columnists Rashmin Shah