લાલચ પાડે બુદ્ધિ પર બાઘાઈનો પડદો

02 January, 2019 12:25 PM IST  |  | તરુ કજારિયા

લાલચ પાડે બુદ્ધિ પર બાઘાઈનો પડદો

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ 

ગયા અઠવાડિયે એક વડીલ મિત્રનો ફોન આવ્યો. તેમણે મને પોતાના પર આવેલા એક અજાણી વ્યક્તિના ફોન વિશે જાણકારી આપી. તેમને અજાણ્યા નંબર પરથી કોઈ વિજયકુમાર નામના શખ્સે ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે તે એક જાણીતી ટેલિકૉમ કંપનીમાંથી બોલી રહ્યો છે. તેણે કહ્યું કે અમારી કંપનીએ કરેલા લકી ડ્રૉમાં આપને ૧૧૪ નંબરની લૉટરી લાગી છે. આપને પચીસ લાખ રૂપિયા મળવાના છે. એ મેળવવા આપે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની નવી દિલ્હી ઑફિસના મિસ્ટર આકાશ વર્માનો સંપર્ક કરવાનો છે અને તેણે આકાશ વર્માનો નંબર આપ્યો.

સામે છેડે એક શિક્ષિત, સંપન્ન અને બિઝનેસ સંભાળતી બાહોશ મહિલા છે અને પેલી ટેલિકૉમ કંપનીના માલિકોના અંગત પરિચયમાં છે એવી તો એ બિચારાને ક્યાંથી ખબર હોય? તેને તો હશે કે કોઈ ભોળી ગૃહિણી પચીસ લાખની રકમ સાંભળીને ગાંડીઘેલી થઈને ફોન કરવા મચી પડશે. પણ મારાં ફ્રેન્ડે તો તેને પૂછ્યું કે ભાઈ, તું દિલ્હીનો નંબર આપે છે તો એમાં ૦૧૧ની બદલે આ ડબલ ઝીરો ક્યાંથી આવ્યા? તો શાણો કહે છે કે એ તો નવા નંબર છે!

આ પીઢ અને ચતુર ગુજરાતી મહિલા તો તેમની જાગરૂકતાથી આ સાઇબર માફિયાઓની જાળમાં ફસાતાં બચી ગયાં; પરંતુ બીજી ઘણી શિક્ષિત, પ્રોફેશનલ અને બિઝનેસવુમન સુધ્ધાં મોબાઇલ અને ઇન્ટરનેટ પર ચાલતાં આવાં કારસ્તાનોની શિકાર બની છે. દિલ્હીની એક યંગ બિઝનેસવુમનનો કિસ્સો તાજો જ છે. ફેસબુક પર જૉન હૅરી નામના એક અંગ્રેજ સાથે ઓળખાણ થઈ, ચૅટિંગ થવા લાગ્યું અને બન્ને વચ્ચે દોસ્તી બંધાઈ. એક દિવસ હૅરીએ યુવતીને કહ્યું મેં તારા માટે આપણી દોસ્તીના પ્રતીકરૂપે મૂલ્યવાન ભેટ મોકલી છે. તેના થોડા દિવસ બાદ મુંબઈ કસ્ટમ્સમાંથી યુવતીને ફોન આવ્યો કે તમારા નામનું એક પાર્સલ આવ્યું છે. એમાં ખાસ્સી કીમતી વસ્તુ જણાય છે. તમારે આ માટે ૩૫,૦૦૦ રૂપિયા ટૅક્સ ભરવો પડશે. પેલીએ હૅરીને પૂછ્યું તો તેણે કહ્યું કે હા, હમણાં ભરી દે પછી હું તારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશ. ટૅક્સ ઉપરાંત દોઢ લાખ રૂપિયાની કસ્ટમ ક્લિયરન્સ ફીઝ પણ ભરી. અને પેલા કસ્ટમવાળાનો ફોન આવી ગયો કે તમારું પાર્સલ રિલીઝ કરી દીધું છે.

હવે તો યુવતી મૂલ્યવાન ભેટની પ્રતીક્ષા કરી રહી હતી. ત્યાં તો હૅરીનો ફોન આવ્યો કે હું ઇન્ડિયા આવું છું, તને અને તારાં સગાંઓને મળવા! તેણે પોતાની લંડન-ન્યુ દિલ્હીની ટિકિટનો ફોટો પણ મોકલ્યો. યુવતી તો ખુશખુશાલ! પોતે દિલ્હી પહોંચી ગયો એનો ફોન પણ યુવતીને કરી દીધો. ત્યાં વળી યુવતીને ફોન આવ્યો. આ વખતે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાંથી હતો : તમારા ફ્રેન્ડ હૅરીને ડિટેન કરવામાં (અટકાવાયા) આવ્યા છે, કારણ કે તેમની પાસે પચાસ હજાર પાઉન્ડ જેવી મોટી રકમ છે.’ અને પેલી યુવતીએ મિત્ર હૅરીને છોડાવવા ફરી ચાર લાખ સાઠ હજાર રૂપિયાનો ચાંદલો કર્યો! આટલાબધા રૂપિયા ર્વેયા પછી પેલા હૅરીભાઈનો ફોન આવ્યો કે આ લોકોએ મને છોડ્યો તો ખરો, પણ હવે મને પાછો UK મોકલી રહ્યા છે એટલે આપણે મળી નહીં શકીએ! અને... ત્યારે એ આધુનિક અને કહેવાતી સ્માર્ટ યુવતીને બત્તી થઈ કે યે તો મૈં ઉલ્લુ બન ગઈ! અને તેણે પોલીસમાં ફરિયાદ કરી હૅરીના તેમ જ કસ્ટમવાળાના અને ઇમિગ્રેશનવાળાના ફોન જે નંબર પરથી આવતા હતા એ બધા જ નંબરો પોલીસને આપ્યા. એના પરથી તપાસ કરતાં પોલીસને એક ગઠિયો દિલ્હીના જ એક વિસ્તારમાંથી મળી આવ્યો જે પછી તેના બીજા સાગરીતો સુધી પોલીસને લઈ ગયો.

આ કિસ્સા વિશે વાંચ્યું ત્યારે વિચારતી હતી કે અખબારો અને ઈવન સોશ્યલ મીડિયા પર પણ આ પ્રકારની છેતરપિંડીથી બચવા અને કાવતરાખોરોની ચાલમાં ન આવી જવા માટે અવારનવાર ચેતવણી આવે છે.

છતાં ફેસબુક પર બનેલા દોસ્ત પાછળ આ યુવતી આટલી ખેંચાઈ કેમ ગઈ? જ્યારે તેને મુંબઈ કસ્ટમ્સનો ફોન આવ્યો ત્યારે પણ તેને વિચાર કેમ ન આવ્યો કે મારે માટે ગિફ્ટ આવી હોય તો દિલ્હી કસ્ટમ્સમાં આવે, મુંબઈ કસ્ટમ્સમાંથી ફોન શા માટે આવે? કસ્ટમ્સ કે ઇમિગ્રેશનથી ફોન આવ્યા ત્યારે તેણે એ નંબરોની ખરાઈ તપાસવાનો પ્રયાસ કર્યો હતો? મારાં ફ્રેન્ડે જેમ તેમને ફોન કરનારને સવાલ કર્યો એવો કોઈ સામો સવાલ આ યુવતીને કેમ ન ઊઠ્યો? આ ઘટના પુરવાર કરે છે કે આવી બેદરકારી કે મૂર્ખાઈ માત્ર અશિક્ષિત કે ભોળી-ભાળી ગૃહિણીઓ જ દાખવે છે એ વાત સાચી નથી.

સારા-સંપન્ન પરિવારની છોકરીઓ કે સ્ત્રીઓ પણ આવી દોસ્તીની લાયમાં અને ભેટની લાલચમાં લાખો રૂપિયા ગુમાવી ચૂકી છે. બીજી વાત, નેટબૅન્કિંગ કે મોબાઇલ બૅન્કિંગના ઑનલાઇન વ્યવહારમાં પણ લોકો આવા ગુંડાઓની ચાલમાં ફસાઈ જાય છે અને પોતાની અંગત માહિતી તેમને આપી દે છે. હવે આ વિશે પણ છાપાંઓમાં અને સોશ્યલ મીડિયા પર પણ વારંવાર ચેતવણી આવે છે. આમ છતાં લોકો શા માટે છેતરનારાઓની ચાલમાં ફસાઈ જાય છે અને ખુવાર થાય છે? આ સવાલનો એક જવાબ છે : લાલચ. કીમતી ભેટની લાલચ, ફૉરેન ટ્રિપની લાલચ, હૅન્ડસમ જીવનસાથીની લાલચ કે રૂપાળી ગર્લફ્રેન્ડની લાલચ...! આ યાદી હજી લાંબી થઈ શકે એમ છે. ટૂંકમાં છેતરાઈ જનાર તમામ માત્ર દયાને પાત્ર નથી હોતા. તેમની સ્થિતિ માટે અમુક અંશે તો તેમની લાલચ (કોઈક ને કોઈક પ્રકારની) કારણભૂત હોય જ છે. તેમની એ લાલચ જ તેમની સામાન્ય બુદ્ધિ પર બાઘાઈનો પડદો પાડી દે છે, જેને કારણે તેમને થવી જોઈએ ત્યાં શંકા નથી થતી અને તેમના મનમાં ઊઠવા જોઈએ એવા સવાલો નથી ઊઠતા.

આધુનિક ટેક્નૉલૉજીએ આપણી જિંદગીમાં આજે ચમત્કારિક લાગે એવું પરિવર્તન આણી દીધું છે. હજી થોડાં વરસો પહેલાં આપણે બીજા શહેરમાં ટ્રન્કકૉલ લગાવતા, ટિકિટ-બુકિંગ માટે વહેલી સવારે સ્ટેશન જઈને લાઇન લગાવતા, વીજળી કે ટેલિફોનનાં બિલ ભરવા માટે કલાકો વેડફતા, બૅન્કમાંથી ડ્રાફ્ટ કઢાવવા કે મનીઑર્ડર કરવા પોસ્ટઑફિસે કલાકો વિતાવતા, પેમેન્ટ માટે ચેક કે કૅશ કઢાવતા એ બધી બાબતો ઇતિહાસ બની ગઈ છે. આવાં અનેક કામો એટલાં સરળ બની ગયા છે કે ટેક્નૉલૉજી પર ઓવારી જવાનું જ મન થાય. પરંતુ એ ઓવારણાં લેતી વખતે યાદ રાખવાનું કે આ સવલતોની જેમ જ આપણા સુધી પહોંચતાં જોખમોના માર્ગ પણ ખાસ્સા સહજ અને સરળ થઈ ગયા છે. આપણે ક્યારે એના શિકાર બની જઈએ એની કલ્પના પણ નહીં આવે! આ સ્થિતિમાં નવનિર્મિત સુવિધાનો ઉપયોગ આપણી સલામતીને જોખમાવ્યા વગર કરતાં શીખવાનું છે અને એ માટે પેલી લાલચને નિયંત્રણમાં રાખવી અનિવાર્ય છે.

columnists