કાયદાનો દુરુપયોગ થતો હોય ત્યારે એની સામે કવચની જોગવાઈ પણ જરૂરી

25 June, 2019 11:37 AM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

કાયદાનો દુરુપયોગ થતો હોય ત્યારે એની સામે કવચની જોગવાઈ પણ જરૂરી

કરણ ઑબેરૉય

થોડા સમય પહેલાં મુંબઈમાં અભિનેતા કરણ ઑબેરૉય વિરુદ્ધ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરેલી અને કરણને જેલમાં ધકેલી દેવાયો હતો. દિવસો સુધી કરણે પેલી યુવતીનું યૌનશોષણ કર્યું અને તેને લગ્નનું વચન આપીને પછી ફરી ગયો એવા જાત-જાતના સમાચારો મીડિયામાં છવાયેલા રહેલા. સાથે સાથે કરણના કેટલાક મિત્રો અને સ્વજનોનાં મંતવ્યો પણ મીડિયામાં પ્રકાશિત થતા રહેતા હતા. એમાં અભિનેત્રી પૂજા બેદી કરણના સપોર્ટમાં અડીખમ ઊભી રહેલી જોવા મળી હતી. દરમ્યાન જે યુવતીએ કરણ પર યૌનશોષણ અને છેતરપિંડીના આરોપો મૂક્યા હતા એણે ફરી પોલીસમાં ફરિયાદ કરી કે તેના પર હુમલો થયો હતો અને કરણ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તેના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ ફરિયાદ સાથે જ તેણે અદાલતને કરણને જમાનત ન આપવાની અરજી કરી હતી.

આ બૅકગ્રાઉન્ડમાં અચાનક એ યુવતીને જ જેલ થઈ એ સમાચાર વાંચતાં કેટલી નવાઈ લાગે? પરંતુ કરણ પરના આક્ષેપો તેણે ઊપજાવી કાઢેલા હતા એ વાત તેના છળ પરથી પડદો ખસી ગયો ત્યારે પ્રકાશમાં આવી હતી. તેણે પોતે જ પોતાની ઉપર હુમલો કરવા રકમ આપીને માણસો રોક્યા હતા એ વાત જ્યારે તેના વકીલે જ સ્વીકારી ત્યારે તેનાં જૂઠાણાં બહાર આવ્યાં હતાં. પછી કરણની જમાનત થઈ. અને હવે એ યુવતીને જેલ થઈ છે, પરંતુ આ દરમ્યાન કરણ ઑબરૉઈ અને તેના પરિવારજનાએ એક અત્યંત પીડાદાયક તબક્કામાંથી પસાર થવું પડ્યું છે. કરણ પર આક્ષેપો મુકાયા ત્યારે તેણે વારંવાર પોતાની સફાઈ આપવાની કોશિશ કરી હતી, તેને જાણનાર સૌ કોઈને ખાતરી હતી કે કરણ આવું ન કરે. અભિનેત્રી અને કરણની ફ્રેન્ડ પૂજા બેદીએ કરણનો જોરદાર બચાવ કર્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે કરણ આવું કરી શકે જ નહીં. આમ છતાં કરણે જેલના એ નરક જેવા માહોલમાં રહેવું પડ્યું. તેની બદનામી થઈ, તેના પરિવારજનોને પુત્ર પર થયેલા જૂઠા આક્ષેપોની અણી ભોંકાઈ. તેમને દુ:ખદ આઘાત સહેવો પડ્યો.

યૌનશોષણ કે ઈવન બળાત્કારની ફરિયાદોના અનેક કિસ્સામાં ફરિયાદો તરફ નજર કરીએ તો ખબર પડે કે પુરુષ અને સ્ત્રી બન્નેએ સ્વેચ્છાએ બાંધેલા સંબંધમાં જો આગળ જતાં એકમેકને ન ફાવ્યું તો સ્ત્રી તેને બળાત્કાર કે યૌનશોષણ ગણાવે છે અને પુરુષ વિરુદ્ધ ફરિયાદ કરે છે. આ રીતે ઘણી વાર સ્ત્રીઓ તેમનાતરફી કાયદાનો ગેરલાભ ઉઠાવે છે એ હકીકત છૂપી નથી. છતાં પણ કોઈ સ્ત્રી ફરિયાદ કરે એટલે એ પુરુષને તરત જ ગુનેગાર માની લેવાય છે કે બ્રાન્ડ કરી દેવાય છે? પુરુષ નિર્દોષ હોય તો પણ તેની વાત પહેલાં સાંભળવામાં આવતી નથી અને સ્ત્રીની ખોટી રજૂઆતને પ્રાથમિકતા અપાય છે. આ પક્ષપાતી કાયદો નથી? ‘મી ટુ’નું અભિયાન સ્ત્રીઓની જેમ પુરુષો પણ ચલાવી શકે. તેમને પોતાનું ‘મૅન ટુ’ અભિયાન છેડવાની જરૂર શા માટે પડે?

આવો જ બીજો કાનૂન ઘરગથ્થુ હિંસા(ડોમેસ્ટિક વાયોલન્સ)નો છે. આ કાનૂનનો ગેરલાભ લઈને કેટલીક સ્ત્રીઓ પરિવારોને બાનમાં રાખે છે. પોતાની મરજી વિરુદ્ધ કંઈ પણ થાય તો ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી દેવાની ધમકી આપે છે. અદાલતોએ કેટલાક કિસ્સાઓમાં આ ચાલ પકડી પાડી છે કે કેટલાક નિર્દોષ પુરુષો આવી ખોટી ફરિયાદો અને આક્ષેપોનો શિકાર બને છે. બીજું, ડોમેસ્ટિક વાયોલન્સ માત્ર પુરુષ જ કરે કે કરી શકે એ જરૂરી નથી. સ્ત્રીઓ પણ એ કરે છે અને કરી શકે છે. અનેક પરિવારો તેના શિકાર બન્યા છે. આમ છતાં ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ માત્ર સ્ત્રીઓ જ કરી શકે! એ કેવો ન્યાય?

કરણ ઑબેરૉય તો જાણીતી વ્યક્તિ છે એટલે તેનો કિસ્સો આટલો ગાજ્યો. કરણે પોતે વેઠ્યું એટલે તેને અહેસાસ થયો કે આ કેટલું કપરું છે. ઇન્ટરવ્યુઝમાં કરણે કહ્યું છે કે ગંદા નાળા જેવા બાથરૂમ અને સૂરજનું એક કિરણ પણ ફરકી ના શકે એવી અંધારી કોટડીમાં વીતેલા એ દિવસો ભયંકર હતા. માત્ર અને માત્ર મિત્રો અને સમર્થકોના ટેકાથી જ એ ટકી શક્યો હતો. એ દિવસોમાં તેણે બીજા અનેક નિર્દોષ લોકોને વાંક વગર જેલમાં સહન કરતા જોયા. તેમની પાસે ના તો સપોર્ટ હતો, ના જમાનત માટ જરૂરી રકમ. કરણ કહે છે કે તેને તેમના માટે કંઈક કરવાની ઇચ્છા જાગી છે. સોશ્યલ મીડિયા પર પણ આ કિસ્સાએ ખાસ્સી ચર્ચા જગાવી છે. કેટલાય નેટિઝન્સે માગણી કરી છે કે અત્યાર સુધી કરણની ખાસ્સી બદનામી કરી ચૂકેલી એ સ્ત્રીનું નામ પણ હવે જાહેર કરવું જોઈએ.

આ પણ વાંચો : નકારાત્મકતામાં હકારાત્મક્તા શોધી લો

એણે પોતાની જાતને વિક્ટિમ ગણાવીને કરણ સામે આક્ષેપો કર્યા હતા. હવે જ્યારે ખબર પડી ગઈ છે કે એે વિક્ટિમ નહીં પણ ગુનેગાર છે ત્યારે તેનું નામ પણ દુનિયાને ખબર પડવી જોઈએ. સ્ત્રીઓની જેમ જ પુરુષોને માટે પણ કાનૂની રક્ષણની માગ ઊઠી છે. સમાનતાનો અધિકાર આપણને બંધારણ તરફથી મળ્યો છે તો સ્ત્રી-પુરુષ વચ્ચે આવા ભેદભાવ શા માટે? ખાસ કરીને જ્યારે એક કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો હોય ત્યારે તેની સામે કવચની જોગવાઈ પણ જરૂરી બને છે.

columnists