ટીનેજર્સ માટે ફૅમિલી બોન્ડિંગ એક મજબૂત સપોર્ટ સિસ્ટમ

12 March, 2019 12:42 PM IST  |  | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

ટીનેજર્સ માટે ફૅમિલી બોન્ડિંગ એક મજબૂત સપોર્ટ સિસ્ટમ

પ્રતીકાત્મક તસવીર

માઇક્રોસૉફ્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરને પૂછવામાં આવ્યું કે તમે રિલૅક્સ થવા માટે શું કરો? ત્યારે તેમણે રશિયન લેખકોનાં પુસ્તકો વાંચું કે ક્રિકેટ જોઉં એમ તો કહીને પછી ઉમેર્યું: ‘ખરું કહું જે થોડી પળો કે કલાકો મળે એ મારી દીકરીઓ સાથે ગાળું છું અને એ સમયે ત્યાં જ હાજર રહું છું.’ ï

મતલબ કે એ વખતે નેટ, મોબાઇલ જેવાં સાધનોથી દૂર રહીને તેઓ સો ટકા તેમની દીકરીઓ સાથે જ રહે છે. આવાં સાધનો આપણને દુનિયા સાથે જોડી દે છે અને આપણે જ્યાં હોઈએ ત્યાંથી માનસિક રીતે ગેરહાજર કરી દે છે તેનો તો આપણને સૌને અનુભવ છે. પોતાની દીકરીઓ સાથે સમય ગાળીને રિલૅક્સ થઈ જવાની વાત વાંચી ગયા અઠવાડિયે આ અખબારમાં કેટલીક મમ્મીઓએ કહેલી વાતો યાદ આવી ગઈ. તેમણે પણ પોતાનાં સંતાનો સાથે વિતાવેલા સમયને સૌથી ટોચ પર મૂક્યો હતો. હકીકતમાં પેરન્ટિંગના નિષ્કર્ષ પર એ મમ્મીઓ અને સત્યા નાદેલા બહુ નિકટ ગણાય.

સંતાનો માટે સમય અને સંતાનો સાથેનો સમય - આ બાબત સંદર્ભે થોડા દિવસ પહેલાં જ સાંભળેલા સાઇકોથેરપિસ્ટ સૂચિ વ્યાસના અનુભવોની વાતો શૅર કરવાનું મન થાય છે. અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં વસતાં સૂચિ વ્યાસ છેલ્લા ચારેક દાયકાથી ત્યાંના ડ્રગ ઍડિક્ટ્સ અને આલ્કોહોલિક્સ ટીનેજર્સ અને યુવાઓ સાથે કામ કરી રહ્યાં છે. નશાના રવાડે ચડીને જાતને શારીરિક, માનસિક અને સંવેદનાના સ્તરે ખુવાર કરી બેઠેલાં એ કિશોર-કિશોરીઓની સાથે વાતો કરીને, તેમની સાથે દોસ્તી કરીને, તેમનું કાઉન્સેલિંગ કરીને તેમને એ ઘાતક આદતની નાગચૂડમાંથી મુક્ત કરાવવાની પ્રવૃત્તિ તેઓ અને તેમના અન્ય સાથીઓ કરે છે. અભ્યાસનું દબાણ, સાથીઓની અને ફ્રેન્ડ સર્કલની પ્રચંડ અસર તથા મુગ્ધાવસ્થાની મૂંઝવણોથી ઘેરાયેલી એ નાજુક વય મોસ્ટ વલ્નરેબલ હોય છે. વળી છૂટાં પડેલાં મા-બાપને કારણે ખંડિત પરિવારોમાં ઊછરેલાં બાળકો માટે તો આ અવસ્થા વધુ નાજુક બને છે. એ વખતે પારિવારિક હૂંફ અને સાથની ગેરહાજરીમાં કોઇ પણ ટીનેજર માટે આવી આત્મઘાતક લતે ચડી જવાનું અને ગુનાખોરીની દુનિયામાં પહોંચી જવાનું સૌથી સહેલું હોય છે.

આ લતે ચડેલા ટીનેજર્સનું પ્રારંભિક લક્ષણ સંવાદનું શૂન્ય થઈ જવું હોય છે. પંદર-સોળ વરસનાં છોકરા-છોકરીઓ પેરન્ટ્સ સાથે બહુ વાતો ન કરે કે તેમની સાથે બહાર ન જાય એવું આપણે ઘણી વાર જોઈએ છીએ, અને મા-બાપ પણ ‘છોકરાઓ મોટા થાય પછી તેમને આપણી સાથે ન ગમે, સરખેસરખા દોસ્તો સાથે ગમે’ એમ કહીને એ વાતને સહજપણે સ્વીકારી લેતા હોય છે, પરંતુ છોકરાઓ મા-બાપથી અંતર રાખવા લાગે, ઘરના સભ્યોને અવૉઇડ કરે કે પોતાના રૂમમાં ભરાઈ રહે ત્યારે મા-બાપના મનમાં અલાર્મ વાગવી જોઈએ. જોકે આજે તો મોબાઇલ અને ઇન્ટરનેટનો નશો પણ બાળકો સામે વધુ એક જોખમ બનીને ઝળૂંબી રહ્યો છે. ટીનેજર્સને ડ્રગ્સ જ નહીં, પૉર્નોગ્રાફી જેવાં અન્ય દૂષણો ભણી પણ ધકેલી શકે છે.

ડ્રગ ઍડિક્ટ ટીનેજર્સની જિંદગીની ખળભળી ઊઠીએ એવી એ વાતો સાંભળતાં તેમણે એક સવાલ કર્યો હતો કે એમાંં ભારતીયો હોય છે? જવાબ મળ્યો બહુ ઓછા. અત્યાર સુધીમાં માંડ બે-એક! તેનું કારણ તેમના પરિવારોનું વાતાવરણ છે. ભારતીય પેરન્ટ્સ પોતાનાં સંતાનો સાથે કનેક્ટેડ રહે છે. એ ફૅમિલી બોન્ડિંગ બાળકો માટે બહુ મજબૂત સપોર્ટ સિસ્ટમ બની રહે છે. ખાસ કરીને કિશોર વયનાં છોકરા-છોકરીઓ માટે આ બોન્ડિંગ એક આર્શીવાદ પુરવાર થાય છે. ભારતીય ટીનેજર્સ નસીબદાર છે કે તેમના પેરન્ટ્સ અને પરિવાર સાથે તેમનું કમ્યુનિકેશન જીવતું છે. એ માટે એ પેરન્ટ્સે પ્રયત્ન કરવો પડતો હોય છે પરંતુ એ કાર્યક્રમના આયોજક સંજય પંડ્યાએ તાજેતરમાં જ કરેલા અભ્યાસ મુજબ મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં નશાખોરીનો શિકાર બનતા યંગસ્ટર્સની સંખ્યા ઓછી નથી. અલબત્ત, આ સમસ્યા પાછળનાં કારણો અમેરિકા જેવા સંપન્ન અને સમૃદ્ધ દેશ કરતાં આપણા દેશનાં જુદાં હોવાનાં, પરંતુ આજે આપણે ત્યાં અનેક પરિવારોમાં પેરન્ટ્સ બાળકો સાથેનું અનુસંધાન ગુમાવી બેઠેલા દેખાય છે એય હકીકત છે. આ ઘાતક ગલીઓમાં ભટકી જનારો વર્ગ મોટા ભાગે બે છેવાડાનો હોય છે. કાં અમીર બાપ કી બિગડી હુઈ ઔલાદ અથવા તો પેટ ભરવાના સાંસા છે તેવા અભાવગ્રસ્ત પરિવારોનાં સંતાનો આ કળણમાં ફસાયેલાં દેખાય છે. હા, મિડલ ક્લાસના યંગસ્ટર્સ પણ તેમાં હશે, પરંતુ સામાન્ય રીતે મધ્યમ વર્ગના અને અન્ય જે પણ પરિવારોમાં સંતાનો અને પેરન્ટ્સ વચ્ચેનો સંવાદ હજી જળવાઈ રહ્યો છે તેઓ આ અને આના જેવી બીજી ખુવારીથી બચી શક્યા છે.

આ પણ વાંચો : વાત છેલ અને છબોના શો કરવાની તેમ જ કૅન્ટીન ચલાવવાની

આ બધી પરિસ્થિતિ જોતાં વિચાર આવે છે કે આજકાલ મધ્યમ વર્ગના પેરન્ટ્સ પણ પોતાનાં સંતાનોની જે આદતો પોષી રહ્યા છે એ પણ ક્યાંક તેમને આવી કે અન્ય કોઈ આંધી તરફ તો નહીં ઘસડી જાય ને! બે-ત્રણ કે ચાર-પાંચ વર્ષનાં બાળકોને મોબાઇલના ઍડિક્ટ બનાવી રહેલા દરેક પેરન્ટ્સ કદાચ પોતાનાં બાળકોને અજાણતાં જ એક અનિક્ટ ભણી ધકેલી રહ્યાં છે. બાળકોના કુમળા હાથોમાં તેઓ એક એવી દુનિયાની ચાવી સોંપી રહ્યા છે જ્યાં પ્રવેશવાની ન તો તેમને જરૂર છે, ન તેમની પાત્રતા છે, પરંતુ સ્પર્ધાના આ યુગમાં પાછળ રહી જવાની બીકથી સતત દોડતા, હાંફતા પેરન્ટ્સ પાસે એ બધું વિચારવાનો સમય નથી. તેમની પાસે સંતાનો પાછળ ખર્ચવા માટે નાણાં છે, પણ સમય નથી. બાળકને વાર્તા કહીને જમાડતી મમ્મી આ દૃષ્ટિએ ઘણી સમૃદ્ધ છે, પરંતુ બાળક ટીવી કે મોબાઇલ જોતાં-જોતાં જલદી જમી લેશે એમ વિચારી તેની સામે એ ઑપ્શન્સ મૂકી દેતી મમ્મી ગમે એટલો મોટો પગાર લાવતી કૉર્પોરેટ પ્રોફેશનલ હોય તો પણ કંગાળ છે. સાંભળ્યું છે કે જૂના જમાનામાં ઘરના કામકાજમાં લદાયેલી રહેતી માતાઓ પોતાનાં રડતાં કે કજિયે ચડેલાં બાળકોને ચૂપ કરાવવા ને સૂવડાવી દેવા તેમને રબરની ટોટી મોમાં આપી દેતી. કલાકો સુધી બાળક એ ટોટી મોંમાં લઈને પડ્યું રહેતું! એ અભણ મા અને આજની આધુનિક ગણાતી આવી મમ્મીઓ વચ્ચે શું ફરક?

columnists