જિંદગી તને થૅન્ક યુ

23 January, 2019 12:34 PM IST  |  | સેજલ પોન્દા

જિંદગી તને થૅન્ક યુ

પ્રતાકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ 

૨૦૧૯નો પ્રથમ મહિનો પૂરો થવાની અણી પર છે. ૨૦૧૯નું વર્ષ કેવું જશે એ માટે ઘણા લોકોએ જ્યોતિષ, ગ્રહોની વીંટી, ટૅરો કાર્ડ, સ્ટોન્સ, વાસ્તુશાસ્ત્રનો સહારો લીધો હશે. વર્ષની શરૂઆતમાં ઘણા દૃઢ નિર્ણયો લીધા હશે. હું આમ કરીશ, હું તેમ કરીશ, આ નહીં કરું, ફલાણું નહીં કરું... નિર્ણયો પ્રમાણે જીવવાનંં શરૂ કરી દીધું હશે. અમુક નિર્ણયો કાયમ રહેશે તો અમુક નિર્ણયો વર્ષના અંત સુધીમાં વિખરાઈ જશે.

ગયા વર્ષ કરતાં આ વર્ષ સારું જાય એવી શુભેચ્છા આપણે વર્ષની શરૂઆતમાં એકબીજાને આપીએ છીએ. ભગવાન પાસે ગમતું મળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. આ બધામાં આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે જીવન સતત બદલાતું રહે છે.

આપણને ગયા વર્ષે જે કંઈ મળ્યું છે એ માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ; કારણ કે આવતા વર્ષે સંજોગો, પરિસ્થિતિઓ, સંબંધો એકસરખાં નહીં હોય. ગયા વર્ષે આપણે કેટકેટલું ગુમાવ્યું હશે, સપનાં તૂટ્યાં હશે, અમુક પૂરાં થયાં હશે. સંબંધોમાં ઘવાયા હોઈશું તો ક્યાંક સંબંધો ખીલી ઊઠ્યા હશે. ક્યાંક કોઈકના વિરહમાં બળ્યા હોઈશું તો ક્યાંક કહ્યા વગર મનગમતી હૂંફ મળી હશે. ધારેલું, ઇચ્છેલું, મનગમતું મળી જાય તો જીવન સુંદર લાગવા લાગે અને ન મળે તો જીવન કઠોર ભાસતું દેખાય.

જીવનમાં જે સારી ઘટનાઓ બને એ માટે જિંદગીને અને ઈશ્વરને થૅન્ક યુ કહેવું જોઈએ. જે અણગમતી ઘટનાઓ બની હોય એ માટે પણ જિંદગીને થૅન્ક યુ કહેવું જોઈએ. ખરેખર તો રોજેરોજ જિંદગીને થૅન્ક યુ કહી એનું સન્માન કરવું જોઈએ.

જિંદગી સ્થિર નથી હોતી. ક્યારે શું બનશે એની આપણને જાણ નથી. સવારે બહાર નીકળતો માણસ સાંજે સહીસલામત પાછો ફરશે એની કોઈ ગૅરન્ટી નથી. મૃત્યુ માત્ર બહાર જ ઘટશે એવું નથી હોતું. ઘરમાં બેઠાં-બેઠાં પણ મોત આવી શકે છે. મૃત્યુની શક્યતાઓ અનેક છે. અને એ નિãત છે. જીવવાની શક્યતાઓ આપણે ઊભી કરવાની હોય છે. જે માણસ સતત મૃત્યુના ભય હેઠળ જીવે છે તે ખરેખર તો મૃત્યુ પામેલો જ કહેવાય. મૃત્યુ આવતાં પહેલાં જ મરી જવાની કલ્પના એટલે આપણો ધી એન્ડ.

જીવવાની શક્યતાઓ અને કારણો અનેક હોય છે. દરેકની જિંદગીમાં ઈશ્વરે એક ટર્નિંગ પૉઇન્ટ મૂક્યો હોય છે. એને ઓળખવાની જરૂર છે. એ અચાનક જ આવી જાય છે. અણધાર્યો. વીતેલાં વર્ષોમાં તમે એક સપનું સેવ્યું હોય અને વર્ષો વીતતાં જો એ પૂÊરું ન થતું હોય તો આપણો આપણી પરનો અને જિંદગી પરનો ભરોસો તૂટવા લાગે છે. આવા સમયે ઈશ્વર સાથે રિસાઈ જવાનું પણ મન થાય. ઇચ્છેલું મળી જાય તો ઈશ્વર આપણો અને ન મળે તો ઈશ્વરને ગાળો તો ન ભંડાય.

આપણે માણસોને પણ આ જ રીતે તોલીએ છીએ. આપણા સ્વભાવ પ્રમાણે, આપણી ઇચ્છા પ્રમાણે વર્તતો માણસ આપણને બહુ વહાલો લાગે છે. જો એ માણસ આપણી વિરુદ્ધ જાય તો આપણે તેને દુશ્મન કહીએ છીએ. દુશ્મન માટે પણ સારું વિચારી જુઓ, તેને પ્રેમ કરી જુઓ. કોઈએ આપણું ખરાબ કર્યું હોય તો આપણે તરત બોલીએ છીએ કે તેને તેનાં કર્મોની સજા મળશે. તેને પનિશમેન્ટ મળશે. તેને સજા મળે એવી પ્રાર્થના પણ કરીએ. પણ જો આપણે એવી પ્રાર્થના કરીએ કે આપણને એ વ્યક્તિ સામે ટકી રહેવાની શક્તિ મળે. એ વ્યક્તિએ આપણું ખરાબ કર્યું છે તો તે સજાનો ભોગ બને એવું વિચારી આપણે આપણી દૃãક્ટ સંકુચિત કરીએ છીએ. તેને સજા મળે એવું વિચારવાળા આપણે કોણ? આપણને માફક ન આવતા લોકોથી ભલે આપણે દૂર રહીએ, પણ તેની જિંદગીમાં તે સજાને પાત્ર બને એવી કામના આપણે શું કામ કરવી? એ વ્યક્તિ તેના સ્વભાવ પ્રમાણે વર્તી રહી છે. બીજાને હેરાન કરવાનો તેનો સ્વભાવ છે. એ આપણે બદલી નહીં શકીએ. તો પછી આપણે આપણું કામ કરતા રહીએ. તેની જિંદગીમાં શું થવું જોઈએ એ વિચારવા કરતાં આપણી જિંદગીમાં શું બદલાવ લાવી શકીએ એ વિચારવું જોઈએ. જિંદગીમાં મિત્રોને તો આપણે થૅન્ક યુ કહીએ જ છીએ, દુશ્મનોને પણ થૅન્ક યુ કહેવું જોઈએ.

જીવન સમજીવિચારીને જીવવું જોઈએ કે બેફિકર બની જીવવું જોઈએ? જીવવા માટે થોડીક સમજણ અને થોડીક બેફિકરાઈ બન્ને હોવાં જોઈએ. બહુ સમજણપૂર્વક જીવીએ તો જીવવાનો ભાર લાગે અને બહુ બેફિકરાઈથી જીવીએ તો જીવન વિખરાતું જાય છે. જ્યારે- જ્યારે આપણી ખુશી કોઈ વસ્તુ કે વ્યક્તિમાં બંધાઈને રહે છે ત્યારે આપણે ભાર અનુભવીએ છીએ. આપણી ખુશી આપણે જ ઊભી કરવાની હોય છે. કોઈ તમને ખુશી આપે એવી અપેક્ષા શું કામ રાખીએ? જેમ-જેમ આપણે બીજા પાસે ખુશી મેળવવાની અપેક્ષામાંથી મુક્ત થતા જઈએ છીએ તેમ-તેમ જીવન બેફિકર બનતું જાય છે. વ્યક્તિદીઠ અભિપ્રાયનાં પડીકાં બદલાતાં જાય. કોઈ આપણા વિશે સારો અભિપ્રાય બાંધે એવી ભાવનામાંથી આપણે બહાર આવી જવું જોઈએ. બીજી વ્યક્તિની નજરમાં હંમેશાં સારા સાબિત થવાની આપણી ઘેલછા આપણી ઓરિજિનાલિટીને ખતમ કરી નાખે છે અને એટલે જ આપણી ખુશીનો માપદંડ આપણે વ્યક્તિ આપણને કઈ રીતે તોલે છે એમાં ગૂંચવાયેલો રહે છે.

આ પણ વાંચો : મળો 102 વર્ષના ખાવા-પીવાનાં શોખીન જમનાબહેનને

જીવનમાં જે કંઈ મળ્યું છે એને ખુલ્લા હાથે વધાવવું જોઈએ. સવારે ઊઠતાંવેંત અહેસાસ થાય કે લ્યો આજે શ્વાસ ચાલે છે, આપણે જીવતા છીએ તો તરત જિંદગીને થૅન્ક યુ કહેવું જોઈએ. દરેક સારા-માઠા અનુભવ, ગમતા-અણગમતા લોકો, સંજોગો, પરિસ્થિતઓ દરેકને સ્માઇલ સાથે કહેવું જોઈએ વ્ણ્ખ્ફ્ધ્ Yબ્શ્.

columnists