વર્લ્ડ કપની ફાઇનલે તમને શું શીખવ્યું?

19 July, 2019 01:06 PM IST  |  | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

વર્લ્ડ કપની ફાઇનલે તમને શું શીખવ્યું?

ક્રિકેટ

ઇંગ્લૅન્ડ વર્સસ ન્યુ ઝીલૅન્ડની ફાઇનલને વૉટ્સઍપ ઉસ્તાદોએ હાસ્યાસ્પદ બનાવી દીધી અને જોક બનાવવાનું ચાલુ કરી દીધું, પણ હકીકત એ છે કે એ મૅચના રિઝલ્ટને જીવનમાં ઉતારવાની જરૂર છે. જો જીતવું જ હશે તો માત્ર અંતિમ રિઝલ્ટ કામ નહીં લાગે, જીતની તૈયારી દરેકેદરેક ક્ષણમાં દેખાવી જોઈશે.

રવિવાર ક્રિકેટપ્રેમીઓ માટે ઉત્સવનો દિવસ રહ્યો અને ઇંગ્લૅન્ડ-ન્યુ ઝીલૅન્ડની વર્લ્ડ કપની ફાઇનલે સૌકોઈને જલસો કરાવી દીધો અને મૅચના છેલ્લા બૉલ સુધી થ્ર‌િલ આપી. જોકે એ પછી જે કોઈ રિઝલ્ટ આવ્યું એ પણ બધાને ખબર છે અને એ પછી પણ યાદ કરાવવાના હેતુથી રિઝલ્ટની વાત પણ કરી લઈએ. મૅચ ટાઇ થઈ એટલે સુપર ઓવર રમવામાં આવી. સુપર ઓવર પણ ટાઇ થઈ એટલે મૅચમાં લાગેલી બાઉન્ડરીના આધારે હાઇએસ્ટ બાઉન્ડરી મારનારી ઇંગ્લૅન્ડની ટીમને વર્લ્ડ કપ વિજેતા જાહેર કરવામાં આવી. બહુ બધા જોક બન્યા અને વૉટ્સઍપ બહાદુરોએ આ નિયમને હાંસીપાત્ર પણ બનાવી દીધો. પરિણામ એ આવ્યું કે હસવામાં કાઢી નાખેલી આ આખી વાતમાંથી લેવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી એક બાબત સાવ હાંસિયા બહાર ધકેલાઈ ગઈ અને ધકેલાયેલી એ વાત સમજાવવાનું ચૂકી ગઈ કે દરેક સફળતા જીવનના અંતિમ તબક્કા પર આધારિત નથી હોતી, કેટલીક સફળતા તમે સફર કેવી રીતે આગળ ધપાવો છો એના પર પણ આધારિત હોય છે.

ઇંગ્લૅન્ડે જ્યારે બૅટિંગ શરૂ કરી ત્યારે સ્વાભાવિક રીતે એને ખબર નહોતી કે મૅચનું રિઝલ્ટ શું આવશે. એવું જ ન્યુ ઝીલૅન્ડ સાથે પણ હતું. ક્રીઝ પર ઊતરેલા પ્લેયરોને ખબર નહોતી કે રિઝલ્ટ શું આવશે. પણ હા, ધ્યેય બન્ને ટીમનું એક જ હતું, જીત. જીત તરફ આગળ વધવા માટે કેવું રમવું એ ધ્યાનમાં નહોતું અને કેન્દ્રસ્થાને હતા રન, જેને લીધે રન પાછળ ભાગી રહેલા ન્યુ ઝીલૅન્ડના પ્લેયર્સની સૌથી મોટી ભૂલ એ કે એણે રનને જ કેન્દ્રસ્થાને રાખ્યા. રાખવાના એ જ હોય, એમાં કશું ખોટું પણ નથી. પણ જો રન પછી કોઈ જુદી રીતે આખી ગેમના રિઝલ્ટને જોવામાં આવશે તો એના માટે કેમ રમવું એની કલ્પના પણ તેમણે નહોતી કરી.

આવું જ બને છે જીવનમાં. હેતુ સાથે ગોલની દિશામાં ભાગનારાઓ માટે માત્ર ગોલ જ મહત્ત્વનો હોય છે એટલે ગોલની દિશામાં દોટ મૂકનારાઓ એ ભૂલી જતા હોય છે કે માત્ર દોટ જ નહીં, પણ દોટ કેવા પ્રકારની છે અને કઈ રીતે એ દોટને પૂરી કરવાની છે. સાહેબ, યાદ રાખજો. એ દિવસો ગયા જ્યારે અર્જુનને માત્ર માછલીની આંખ જ દેખાતી હતી. હવે અર્જુન માછલીની આંખો જોઈને એ વીંધી નાખશે તો નહીં ચાલે. માછલી વીંધનારાઓનો હવે તૂટો નથી. આ હરીફાઈનો યુગ છે. ઢૂંઢોગે એક, મિલેંગે હઝાર. આ ઘાટ છે આજના સમયનો એટલે આવા સમયે તમે કોઈ એક વાતની માસ્ટરી પર મુશ્તાક નહીં રહી શકો અને રહેવું પણ ન જોઈએ. માત્ર રનની પાછળ નથી ભાગવાનું હવે તમારે. જો રન વધારે કરવાથી કે પછી ઓછામાં ઓછી વિકેટ ગુમાવીને રન ચેઝ કરી લીધા હશે તો પણ જીત ન મળે એવું બની શકે અને એવું બને તો જીતથી વંચિત ન રહેવું હોય તો દરેક ડગલે, દરેક પગલે તમારે સામેવાળાથી ચડિયાતા પુરવાર થવું પડશે. ઘર હોય કે ઑફિસ, કૉલેજ હોય કે પછી હરીફાઈનું કોઈ પણ સ્થળ હોય; દેખીતી જીત મેળવવાની માનસ‌િકતા તમારે છોડી દેવાની છે. હવે તમારે સર્વાંગી જીત મેળવવાની છે અને એ માટે તમારે દરેક ક્ષેત્રમાં દરેક ક્ષણે ચડિયાતા પુરવાર થવાનું છે. જરા વિચાર તો કરો, આ વર્લ્ડ કપ જીતનારી ટીમ કેટલા રને જીતી કે કેટલી વિકેટથી જીતી એની વાત નથી થતી, પણ કેટલી બાઉન્ડરીએ જીતી એની ચર્ચા થાય છે. જીવનમાં આ વર્લ્ડ કપને ઉતારજો, એના પરિણામને પણ ઉતારજો અને આ પરિણામમાંથી શીખજો તમે.

અંતિમ ઘડીએ દોડીને મંઝિલ સુધી પહોંચી જઈશું એ માનસિકતા હવે નથી ચાલવાની અને એવી માનસિકતા હજી પણ ચાલતી હોય તો એને તમારાં સદ્નસીબ માનીને આજથી તમારી આ સ્ટાઇલને બદલાવી નાખજો. હવે એવું નહીં ચાલે. ૨૦૧૯ના વર્લ્ડ કપે પુરવાર કર્યું છે કે અંતિમ ઘડીએ જાગનારો વિજેતા ન બને એવું પણ બને. ૨૦૧૯ના વર્લ્ડ કપે પુરવાર કર્યું છે કે હવે છેલ્લી ઘડીએ જાગનારાને વિજેતાનો હાર પહેરાવવામાં ન આવે એવું પણ બને. ૨૦૧૯ના વર્લ્ડ કપે સાબિત કર્યું છે કે તમારામાં હિંમત હોય તો આ જ સેકન્ડથી દોડવાનું શરૂ કરી દો, તમારી જીત વચ્ચેની કોઈ સેકન્ડ પણ નક્કી કરી જશે.

આ પણ વાંચો : તેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાયે

હાસ્યાસ્પદ નહીં બનાવો અને વાતને. ના, જરા પણ નહીં. હાસ્યાસ્પદ બનાવવાને બદલે આ આખી ઘટનાને જાગૃત થઈને જુઓ અને એને જીવનમાં ઉતારો. હવે માત્ર માછલીની આંખ પર નજર રાખશો તો નહીં ચાલે. હવે માછલી અને માછલીના શરીરનાં ભિંગડાંઓને પણ તમારે જોવાનાં છે. માછલીની આંખમાં રહેલી કીકીને પણ તમારે જોઈ લેવાની છે અને એ આંખમાંથી નીકળનારાં આંસુઓને પણ તમારે નોંધી લેવાનાં છે. હવે કોઈ એક વાતમાં મહારત હશે તો તમે વિશ્વવિજેતા નહીં બનો. વિશ્વવિજેતા બનવા માટે તમારી મહારત તમામ મુદ્દે અને તમામ દૃષ્ટ‌િકોણથી જોઈશે. હવે એક ક્ષેત્રનું ચડિયાતાપણું આઉટ થિંગ છે. તમામ ક્ષેત્રની માસ્ટરી ઇન થિંગ છે, તમામ ક્ષણની માસ્ટરી ઇન થિંગ છે. શરૂ કરો ત્યારે જ વિજેતા બનીને રહેવાનું શરૂ કરી દો, તમારો કપ તમારા હાથમાંથી કોઈ નહીં છીનવી શકે.

ગૅરન્ટી.

Rashmin Shah columnists