મોબાઇલ-સોશ્યલ મીડિયા મુક્તિના ઉપાય કરવા છે?

22 August, 2019 03:24 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

મોબાઇલ-સોશ્યલ મીડિયા મુક્તિના ઉપાય કરવા છે?

સોશિયલ મીડિયા ઍડિક્શન

જો તમે કોઈની આંખો સામે જોવા કરતાં વધુ સમય મોબાઇલ સામે જોતા હો તો માની અને સ્વીકારી લેજો કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો. મોબાઇલે માણસો વચ્ચેનું ભૌગોલિક અંતર ઘટાડી નાખ્યું હોવાનું કહેવાય છે અને આ સત્ય પણ છે, પરંતુ આ જ મોબાઇલે જેઓ વચ્ચે ભૌગોલિક અંતર જ નથી તેમની વચ્ચે હવે માનસિક અંતર ઊભું કરી નાખ્યું છે એટલું જ નહીં, વધારી પણ નાખ્યું છે. માત્ર ભૌગોલિક અંતરની જ વાત નથી હવે બલકે મોબાઇલને કારણે લોકો વચ્ચે, પરિવારના સભ્યો, સંતાનો, પતિ-પત્ની વચ્ચેનું અંતર પણ વધી રહ્યું છે. હા, આ અંતર વૈચારિક અને માનસિક સ્તરનાં છે. આને બીજા શબ્દોમાં બે વ્યક્તિ વચ્ચેની ઇન્ટિમસી પણ કહી શકાય. એક જ ઘરમાં જેટલા મોબાઇલ એટલી દુનિયા થઈ ગઈ છે, કારણ કે મોબાઇલ સાથે દરેક જણ પોતાની દુનિયા બનાવી બેઠા છે અને એ દુનિયામાં રચ્યાપચ્યા રહે છે. આ એવા લોકોની વાત છે જેઓ મોબાઇલ વિના ભાગ્યે જ વધુ સમય રહી શકે છે. આવા લોકોની યાદીમાં બહુ મોટાં-મોટાં નામો છે.

એક કવિની પંક્તિ યાદ આવે છે,

જીવનની સમી સાંજે મારે મારા જખ્મોની યાદી જોવી હતી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ
અંગત-અંગત નામ હતાં
આ પંક્તિ સહજ યાદ આવી ગયા બાદ મોબાઇલના સંદર્ભમાં કહી શકાય કે
મોબાઇલને કારણે મારાથી નજીકના કેટલાય લોકો દૂર થઈ ગયા
મારા જે હતા એ બધા મોબાઇલના થઈ ગયા

સ્ટ્રેસનું સર્જન છતાં એનું ઍડિક્શન

ચાલો જરા આ જ વિષયમાં થોડી હળવી–થોડી ગંભીર વાત કરીએ. મોબાઇલ જાણતાં-અજાણતાં મોટા-મોટા માણસોનું ઍડિક્શન બનતું જાય છે અને આને કારણે લોકોનું સ્ટ્રેસ-લેવલ પણ વધતું જાય છે. સિગારેટ કે દારૂ, તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું સદીઓથી કહેવાઈ રહ્યું છે, સમજાવાઈ રહ્યું છે, લખાઈ રહ્યું છે અને એ ખરેખર હાનિકારક હોવાનું સાબિત પણ થઈ રહ્યું છે તેમ છતાં લોકો બેફામ સિગારેટ, દારૂ પીએ છે. તમાકુ ખાય છે. આ જ રીતે મોબાઇલના અતિ વપરાશ માટે ક્યારનું કહેવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ એ ઘટવાને બદલે એના ઉપયોગનો અતિરેક વધતો રહ્યો છે. એક સરેરાશ અમેરિકન દિવસમાં કમ સે કમ ચાર કલાક જેટલો સમય મોબાઇલ સાથે વિતાવે છે. મોબાઇલ સતત તેમના હાથમાં હોય છે. ગૂગલના અહેવાલ મુજબ સોશ્યલ મીડિયા, ઈ-મેઇલ અને વિવિધ ન્યુઝ ઍપ્સથી ભરપૂર મોબાઇલ લઈ ફરતા લોકો સતત પોતાના માટે તાણ (સ્ટ્રેસ)નું સર્જન કરતા રહે છે. આઘાતની વાત તો એ છે કે મોટા ભાગના લોકો તો આ કડવી હકીકત જાણતા કે સમજતા જ નથી. જ્યારે કે હવે સ્માર્ટફોન અનેક સુવિધા અને મનોરંજન આપવા સાથે જિંદગી સામે મૃત્યુનું જોખમ પણ આપવા લાગ્યા છે. જાણીને નવાઈ લાગી શકે, પરંતુ સ્માર્ટફોનના ઉપયોગના અતિરેકથી બ્રેઇનના વપરાશનો પણ અતિરેક થઈ જાય છે. મગજ એકધારું મોબાઇલ ફોનનાં કિરણોનો સામનો તો કરે જ છે સાથે-સાથે એના પર જે મુજબ વિચારોનો પ્રવાહ વહેતો રહે છે એની નેગેટિવ અસર થયા વિના રહેતી નથી. તાજો દાખલો લઈએ તો ચૂંટણીના માહોલમાં મોદી ભક્તો અને રાહુલ ભક્તો તેમ જ તેમના વિરોધીઓમાં સ્ટ્રેસનું લેવલ સતત વધતું રહ્યું હતું. કારણ સીધું ને સરળ છે, આ બન્ને વર્ગ એકબીજા સામે સતત નેગેટિવ એનર્જી ફેંકતા રહ્યા હતા.

પતિ, પત્ની અને બન્નેના મોબાઇલ

અમુક માણસો તો મોબાઇલ પર માત્ર આ રાજકારણના વિષયનું જ વાક્યુદ્ધ ચલાવતા રહે છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની જે ઘટના બની એ વખતે સોશ્યલ મીડિયા વધુ સક્રિય થઈ ગયું અર્થાત્ હૉટ વિષયમાં વૉટ્સઍપ જેવાં સાધનો સાચા-ખોટા સમાચાર વહેતા કરી ઘણી વાર લોકોને ઉશ્કેરે છે તો ઘણી વાર સમજાવે પણ છે. જોકે સમજાવવાવાળાની અને સમજવાવાળાની સંખ્યા કાયમ ઓછી હોય છે. આથી જ સંવેદનશીલ ગંભીર સમયમાં સરકાર પણ સોશ્યલ મીડિયા પર અંકુશ મૂકવા એની સુવિધા કામચલાઉ બંધ કરાવી દે છે.

રોજ સવાર-સાંજ કે મોડી રાત સુધી લાખો લોકો માત્ર ન્યુઝ ઍપ જોવામાં કે એ સંબંધી વિડિયો જોવામાં કલાકો કાઢી નાખતા રહ્યા છે. નિવૃત્ત હસ્તીઓમાં ખાસ કરીને પુરુષો માટે તો મોબાઇલ અને સોશ્યલ મીડિયા ટાઇમપાસનું સૌથી મોટું સાધન (રમકડું) બની ગયું છે. અગાઉ ગૃહિણીઓ મોબાઇલમાં ઓછો રસ લેતી હતી, જ્યારે હવે તેઓ આ વિષયમાં પુરુષો સાથે જોરદાર સ્પર્ધામાં ઊતરી ગઈ છે. ઘરના કામકાજમાંથી જેવી આ મહિલાઓ ફ્રી થાય કે મોબાઇલ હાથમાં અને વૉટ્સઍપ ચાલુ, ફેસબુક સક્રિય. રાતે આ બન્ને પતિ-પત્ની પોતપોતાના મોબાઇલ પર વ્યસ્ત થઈ જાય છે. અગાઉ એવું હતું કે પત્નીને પોતાના પતિ માટે ફરિયાદ રહેતી કે તેઓ આખો દિવસ મોબાઇલ પર જ રચ્યાપચ્યા રહે છે, હવે પત્ની માટે પતિઓ આવું બોલવા લાગ્યા છે. તેમની વચ્ચે બોલચાલનો વ્યવહાર ઓછો થતો જાય છે અને તેમનો પોતાના મોબાઇલ સાથેનો વ્યવહાર વધતો જાય છે.

આનંદ મહિન્દ્ર અને સૈફ અલી ખાન

નવાઈ અને આઘાત બન્ને લાગી શકે, પરંતુ જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં નિખાસલ કબૂલાત કરી કે તેમનાં ધર્મપત્ની મોબાઇલથી અમુક મિનિટથી વધુ દૂર રહી શકતાં નથી. એક ટૉક-શોમાં જાણીતા ફિલ્મસ્ટાર સૈફ અલી ખાને પોતાની સુપરસ્ટાર પત્ની કરીના કપૂર ખાન માટે કહ્યું હતું કે તે સતત ફોન પર ચોંટેલી હોવાની બાબતે તે પોતે પણ સહન (ટૉલરેટ) કરે છે. આવા તો નહીં કહેવાયેલા કે નોંધાયેલા અનેક દાખલા હશે એમ બેધડક કહી શકાય; કેમ કે વાસ્તવમાં મોબાઇલ, સોશ્યલ મીડિયાનાં વિવિધ માધ્યમ હવે ઍડિક્શનની સીમાએ પહોંચી ગયાં છે. ભવિષ્યમાં આ ઍડિક્શનથી મુક્ત થવા માટેનાં સેન્ટરો ખૂલે અને ધમધોકાર ચાલે તો નવાઈ નહીં.

મોબાઇલના સ્ટ્રેસનો ઉપાય શું છે?

મોબાઇલ ફોનને લીધે તમે કાયમ સ્ટ્રેસફુલ બનો છો અથવા સ્વાસ્થ્ય જ બગાડો છો એવું માની લેવાની જરૂર નથી. પરંતુ તમે એમાં શું જુઓ છો, કઈ ઍપ્સનો મહત્તમ વપરાશ કરો છો, કેવી અને કેટલી કમેન્ટ કરો છો તેમ જ વાંચો છો યા દલીલોમાં ઊતરો છો વગેરે પર આધાર રાખે છે. જો તમારે આનાથી મુક્ત યા હળવા પણ થવું હોય તો તમે પોતે જ એ જાણી લો કે કઈ ઍપથી તમને વધુ ત્રાસ થાય છે અર્થાત્ તમારી ઍન્ગ્ઝાયટી વધે છે, સ્ટ્રેસ વધે છે? જો તમને એ સમજાઈ જાય તો એવી ઍપ્સને જોવાનું ધીમે-ધીમે ઓછું કરતા જાઓ અને પછી બંધ કરી દો યા એ ઍપ્સને જ ડિલીટ કરી નાખો. જમતી વખતે ફોનનો વપરાશ ટાળવો જ જોઈએ. તમને જે પસંદ છે અથવા તમને જેની જરૂર છે એવાં જ નોટિફિકેશનો ખોલો, બાકી બિનજરૂરી નોટિફિકેશનને ઑફ જ કરી દો. મોબાઇલના ઉપયોગમાં વચ્ચે-વચ્ચે બ્રેક લેવાનો નિયમ રાખો. એના પર તો ચોવીસ કલાક કંઈક ને કંઈક આવ્યા જ કરશે, તમે દર વખતે એ બધું જોવાનો અભિગમ રાખશો તો ૨૪ કલાક પણ ઓછા પડશે. મારા અમુક મિત્રો કહે છે કે તેઓ એક વાર ફેસબુક પર વીડિયો જોવાનું શરૂ કરે એ પછી એકસાથે ચાર-પાંચ વીડિયો જોવા સિવાય તે બંધ કરી શકતા જ નથી. એ વિડિયો એટલા રસપ્રદ હોય છે કે તમે એને અધૂરા છોડી શકતા નથી. ખાસ યાદ રાખો, આ બધા વિડ‌િયો લોકોને જકડી રાખવા માટે જ મુકાયા હોય છે.

તમારું મન કોની પાસે રહે છે?

ખરેખર તો મોબાઇલ હોય કે લૅપટૉપ; તમારે શું સ્ટાર્ટ કરવું, શું સેવ કરવું, શું ડિલીટ કરવું, ક્યારે અને કેટલું તેમ જ શું જોવું અને ક્યારે લૉગ આઉટ થઈ જવું એ બધાંની મર્યાદા તમારે જ નક્કી કરવાની હોય. જ્યારે કે હાલ થયું છે એવું કે આ તમારા હાથમાં જ રહ્યું નથી. આ બધું આપણું મન નક્કી કરે છે અને આ મન આપણું હોવા છતાં મોબાઇલનું થઈ ગયું છે તેથી મનને આપણા સ્વાસ્થ્યની કોઈ ચિંતા હોતી નથી, કેમ કે આ મનને મોબાઇલે પકડી અને જકડી લીધું છે. તમારું મન કોની પાસે છે સાચું કહો, તમારી પાસે કે તમારા મોબાઇલ પાસે?

columnists