ભૂલોને ભૂલી જવામાં જ સાર છે

14 January, 2019 12:55 PM IST  |  | Falguni Jadia Bhatt

ભૂલોને ભૂલી જવામાં જ સાર છે

સોશ્યલ સાયન્સ

આપણને હંમેશાંથી કહેવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે, શીખવાડવામાં આવ્યું છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ તો બધાથી જ થાય. ક્યારેક કશું ખોટું કરી દેવાય, કશું અણછાજતું બોલી દેવાય, ખોટી પસંદગીઓ થઈ જાય, ખોટા નિર્ણયો લઈ લેવાય. આ બધું અત્યંત મનુષ્યસહજ હોવાથી સાવ સ્વાભાવિક છે, પરંતુ બોલવા અને કરવાની બાબતમાં આપણી વૃત્તિ મોટા ભાગે હાથીના દાંત જેવી જ રહે છે. માણસથી ભૂલ થઈ જાય એ આપણે બોલીએ તો છીએ, પરંતુ એ ભૂલોને માફ કરી ભૂલી જવા જેટલું મોટું મન કેળવી શકતા નથી. એથી ભૂલ કરનારને સંભળાવવામાં, ગુસ્સો કરવામાં, ગાળો આપવામાં કશું બાકી નથી રાખતા. બીજાની વાત તો જવા દો, ક્યારેક જીવનમાં ખુદ આપણાથી જ કેટલીક એવી ગલતીઓ થઈ જાય છે કે કેમેય કરીને પોતાની જાતને પણ માફ નથી કરી શકાતી. આવા વખતે આપણા વિષાદનું વાદળ એટલું ઘેરું હોય છે કે એમાં કશું દેખાતું નથી, કશું સમજાતું નથી, કશું સૂઝતું નથી. રહી જાય છે ફક્ત ઘેરો અંધકાર અને આપણે, એ અંધકારની ગર્તામાં અહીંતહીં અથડાતાં, ડૂબતાં, ગડથોલાં ખાતાં.

બધા કહે છે કે સુખની સીમા રાખવી આવશ્યક છે. સુખનો દેખાડો ન કરાય, એનો ઢંઢેરો ન પિટાય કે એનો અતિરેક પણ ન કરાય, પરંતુ હકીકત તો એ છે કે જેટલું આ સત્ય સુખને લાગુ પડે છે એનાથી અનેક ગણું દુ:ખને લાગુ પડે છે. સુખની જેમ દુ:ખની પણ પાળ બાંધવી આવશ્યક છે અન્યથા આપણે એમાં વહી જવાની, તણાઈ જવાની સંભાવના રહે છે, કારણ કે સુખમાં સાથ આપવા બધા તૈયાર હોય છે, પરંતુ દુ:ખમાં આપણો પડછાયો (અહીં પડછાયાનો અર્થ પડછાયા જેવા સ્વજનો થાય છે) પણ આપણી સાથે રહેવાની ના પાડી દે છે. આવા વખતે ચારેબાજુથી ઘેરી વળતી એકલતાની જે પીડા ઊભી થાય છે એનો અનુભવ તો જેણે કર્યો હોય તેને જ સમજાય.

વળી આવું તો કોઈની પણ સાથે બની શકે, ક્યારેય પણ બની શકે. આમ પણ મુસીબતો આવે છે ત્યારે બાય ઇન્વિટેશન નથી આવતી કે કહીને પણ નથી આવતી. એથી આવા વખતે શું કરવું? આ પ્રશ્નનો જવાબ પહેલેથી શોધી રાખવો સારો અને જવાબ એ છે કે જ્યારે કોઈ જ આપણો સાથ આપવા તૈયાર ન હોય ત્યારે આપણે પોતે જ આપણો સાથ આપવો પડે. જ્યારે પકડવા માટે કોઈનો હાથ ન મળે, રડવા માટે કોઈનો ખભો ન મળે ત્યારે આપણે જ આપણો હાથ પકડવો પડે અને આપણે જ આપણાં આંસુ લૂછવાં પડે. આ માટે સુખની જેમ દુ:ખમાં પણ સભાનતા જાળવી રાખવી જરૂરી છે. દુ:ખમાં ભાન ન ભુલાય, ઘેલા ન કઢાય, ગાંડા ન થઈ જવાય કે પછી કોઈ ગેરવાજબી પગલાં પણ ન ભરી બેસાય. બલકે જ્યારે કોઈ જ આપણી સાથે ન હોય ત્યારે પોતે જ પોતાની જાતનો ટેકો બની પોતાની પડખે ઊભા રહેવાય.

તો શું થયું જો તમારાથી ભૂલ થઈ? શું થયું જો તમે પડ્યા? તમે ડૂબ્યા? પડવું કે ડૂબવું મહત્વનું નથી. મહત્વનું ત્યાંથી ઊઠીને કે તરીને બહાર નીકળવું છે, પરંતુ એ માટે સૌથી પહેલાં તો આપણે આપણી જાતને માફ કરવી પડે. જાતને સમજાવવી પડે કે હા, મારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ મેં કંઈ જાણીજોઈને ભૂલ નહોતી કરી. ક્યારેક સંજોગો એવા ઊભા થાય છે, ક્યારેક ઇચ્છાઓ કે મહત્વાકાંક્ષાઓ આપણા પર હાવી થઈ જાય છે તો ક્યારેક આપણે લાગણીના આવેશમાં ન કરવા જેવું કરી બેસીએ છીએ. મારાથી પણ એ થઈ ગયું તો ઠીક છેને. એ સમયમાં, એ સંજોગોમાં, એ બુદ્ધિશક્તિથી મને જે સૌથી વધારે સાચું અને સારું લાગ્યું એ મેં કર્યું, પરંતુ હું ખોટો ઠર્યો. મારાં પાસાં અવળાં પડ્યાં. હવે જે થઈ ગયું છે એને બદલી તો નહીં શકાય, પરંતુ મારા એ ભૂતકાળને કારણે હું મારો વર્તમાન કે ભવિષ્ય બગડવા નહીં દઉં. મારી ભૂલમાંથી પાઠ શીખી આગળ વધીશ. નવેસરથી પ્રયત્ન કરીશ, નવેસરથી શરૂઆત કરીશ, જરૂર પડી તો આખું જીવન નવી રીતે જીવીશ. આ અને આ પ્રકારની જેટલી પણ વાત પોતાની જાત સાથે થઈ શકે એટલી કરવાની. જેટલા દિલાસા પોતાની જાતને આપી શકાય એટલા આપવાના, કારણ કે એમ કરતાં-કરતાં જ આપણી નકારાત્મક માનસિકતા સકારાત્મક બની શકે. મુસીબતમાંથી બહાર નીકળવાના અને આગળ વધવાના રસ્તા જડી શકે.

યાદ રાખો, આવા સમયે દુનિયા તો તમારા માથે માછલાં જ ધોવાની. તમારા પોતાના પણ તમને પેટ ભરીને કોસવાના જ. બલકે અમે તો પહેલેથી કહેતા હતા, અમે તો પહેલાં પણ ચેતવ્યા હતા જેવાં વેધક વિધાનો કહી પોતાની જાતને ડાહ્યામાં ખપાવવા કેટલાક તો આપણી ભૂલોને ગ્લૉરિફાય પણ કરવાના જ. એથી એ બધાની સામે પોતાની જાતને ટકાવી રાખવા માટે થોડા જાડી ચામડીના થઈ જવું પડે તો થવાનું અને બે કાનનો ઉપયોગ કરી તેમની વાતોને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવી પડે તો એમ પણ કરવાનું. જોકે એનો અર્થ એ નથી કે નફ્ફટ કે નાલાયક બની જવાનું, પરંતુ જ્યારે આપણે અંતરના ઘાને રૂઝવવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ ત્યારે એને બાહ્ય આક્રમણોથી બચાવવાની જવાબદારી પણ આપણે જ નિભાવવી પડે છે.

આવા વખતે કરવું જ હોય તો આપણી આસપાસ એવી વ્યક્તિઓ શોધવી જોઈએ જેઓ આપણા જેવી જ ભૂલો કરી એમાંથી બહાર આવી હોય. આવી વ્યક્તિઓની વાતો, તેમના વિચારો કે તેમની કથાઓ આપણી હકારાત્મકતામાં ઈંધણ પૂરું પાડવાનું કામ કરે છે. અન્યથા ભૂલો તો દુનિયાભરમાં થઈ ગયેલી મહાનતમ્ વ્યક્તિઓથી પણ થઈ છે, અãગ્નપરીક્ષા તો સતી સીતાએ પણ આપવી પડી હતી, એથી તમારાથી જ કેમ આવું થઈ ગયું કે તમારી સાથે જ કેમ આવું થઈ રહ્યું છે જેવા વિચારોનો કોઈ અર્થ નથી, કારણ કે જે થાય છે એ આપણા સારા માટે જ થાય છે, આપણી કેળવણીના એક ભાગરૂપે જ થાય છે. આજથી 20-25 વર્ષ બાદ જ્યારે આ ઘટનાને યાદ કરીશું તો સમજાશે કે જે કંઈ થયું એમાં પણ ઈશ્વરનો ઇરાદો તો આપણને વધુ મજબૂત અને ખમતીધર બનાવવાનો જ હતો. જીવનનું આ મૂળભૂત સત્ય જ્યારે સમજાઈ જાય છે ત્યારે પોતાની કે બીજાની ભૂલોને માફ કરવામાં બહુ વાંધો નથી આવતો.

આ પણ વાંચો : 2019ની ચૂંટણી પાનીપતની લડાઈ જેવી

એથી હતાશ ન થાઓ, નિરાશ ન થાઓ કે નાસીપાસ પણ ન થાઓ. ઊઠો, જાગો, આગળ વધો અને પોતાની જાતને પ્રૉમિસ કરો કે મારાથી ઉડાતું હશે ત્યારે હું ઊડીશ, ભગાતું હશે ત્યારે ભાગીશ, ચલાતું હશે ત્યારે ચાલીશ અને જ્યારે ફક્ત ભાંખોડિયાં ભરાતાં હશે ત્યારે ફક્ત ભાંખોડિયાં ભરીશ, પરંતુ હું સતત આગળ વધીશ. આટલું પણ આપણે આપણા તરફથી કરવા તૈયાર થઈ જઈએ તો બાકીનું કામ સમય પોતાની રીતે સંભાળી લેવા તૈયાર જ હોય છે.

columnists