પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

25 September, 2019 03:33 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

પ્રાર્થના

ગાંધીજી પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. વ્યક્તિગત તેમ જ સામૂહિક પ્રાર્થનાનું તેમના જીવનમાં અનેરું સ્થાન હતું. ગાંધીજી માનતા કે જેમ શરીરને ખોરાકની જરૂર હોય એમ આત્માને પ્રાર્થનારૂપી ખોરાકની જરૂર હોય. આપણે કેટલીક વાર ખોરાક વગર રહી શકીએ, પણ પ્રાર્થના વગર રહેવું એટલે યંત્રવત્ જીવવું.

આપણે સ્કૂલમાં ભણતા ત્યારે પ્રાર્થના ફરજિયાત રહેતી. આંખ બંધ કરી ઈશ્વરને યાદ કરવાની અને જીવવાનું બળ આપવાની પ્રાર્થના આપણામાં ઊર્જાનું નિર્માણ કરતી. મોટા થયા પછી આપણને નિયમો સાથે જીવવું ગમતું નથી. જ્યારથી આપણને આપણી સ્વતંત્રતાનું ભાન થઈ જાય ત્યારથી આપણે નિયમો, સિદ્ધાંતો, મૂલ્યોને બાજુ પર મૂકી દઈએ છીએ. સ્વતંત્રતાની સાથે બંધનનું કોમ્બીનેશન ક્યાંય બંધબેસતું ન હોય ત્યારે આપણે આત્માની વાત સાંભળવાનું બંધ કરી દઈએ છીએ. જ્યારે અંતરનો અવાજ સાંભળવાનું બંધ થઈ જાય ત્યારે જીવન ખોટી દિશા પકડી લે છે. જેનું ભાન જ્યારે આત્મા ઈશ્વરનો સોંપવાનો હોય ત્યારે થાય. એટલે જ રોજેરોજની પ્રાર્થનાની આદતથી જીવનમાં એક સ્થિરતા આવે છે.

ગાંધીજીના પ્રાર્થના વિશેના વિચારો એટલા ઉત્તમ છે કે ફંટાયેલા જીવનને એક દિશા મળે છે. એમના થોડાક વિચારોને માણીએ.

જેને પ્રાર્થનામાં શ્રદ્ધા છે તેને કોઈ પણ પ્રકારની ચિંતા ન હોવી જોઈએ. પ્રાર્થનાનો એક અર્થ એ છે કે આપણે આપણી સઘળી ચિંતા રોજ ઈશ્વરને ચરણે ધરી દઈએ છીએ.

જો આપણે ઈશ્વરમાં માનતા હોઈએ તો એમાંથી એ ફલિત થાય છે કે આપણે તેની પ્રાર્થના કરવી જોઈએ.

જેમજેમ તમે પ્રાર્થનામાં રસ લેતા જશો તેમતેમ તમને નિર્ભયતાનો અનુભવ થતો જશે.

પ્રાર્થના હૃદયમાંથી આપોઆપ ઉભરાવી જોઈએ. જો કોઈને પ્રાર્થના બોજારૂપ લાગતી હોય તો તેણે પ્રાર્થના ન કરવી.

પ્રાર્થના જેટલી કરીએ તેટલી સારી. પ્રાર્થનામાં અતિશયતા જેવી કોઈ ચીજ નથી. મેં તો એવો એક પણ માણસ નથી જોયો જેને પ્રાર્થનાની અતિશયતાથી નુકસાન થયું હોય.

પ્રાર્થનાથી મનની હળવાશનો અનુભવ ન થાય તો તે પ્રાર્થના કૃત્રિમ સમજવી.

પ્રાર્થના એ કંઈ ડોસીમાના ફુરસદના વખતનો વિનોદ નથી. જો તેનું રહસ્ય બરોબર સમજાય ને તેનો ઉપયોગ બરાબર થાય, તો તે આપણને કાર્ય કરવાની અદ્ભુત શક્તિ આપે છે.

મનુષ્ય પ્રાર્થનામય રહેતો હશે તો તેની બધી પ્રવૃત્તિ દૈવી હશે રાક્ષસી ન હોય.

ઈશ્વર આપણી પ્રાર્થનાનો આપણે માગીએ તેમ આપણી ઢબે નહીં, પણ પોતાની રીતે જવાબ વાળે છે. પ્રાર્થના માટે પહેલાં શ્રદ્ધા આવશ્યક છે. કોઈ પણ પ્રાર્થના વ્યર્થ જતી નથી.

મન ભમે તોય પ્રાર્થના કરજો. એકાંતમાં બેસવું. આસનબદ્ધ થવું ને વિચારોને રોકવા. છતાં વિચારો આવે તોયે પ્રાર્થના પૂરી કરવી. રફતે રફતે ઠેકાણે આવી જશે. 

તમને પ્રાર્થના પ્રિય હોય, તમને પ્રાર્થનામાં શ્રદ્ધા થઈ હોય તો આ બંધનમાં ઈચ્છાપૂર્વક પડો.

ગાંધીજીનાં આ અવતરણો વાંચીને મનમાં એક ખળભળાટ જરૂર થઈ જાય. આજે ગાંધીજી પુસ્તકોમાં સ્થિતપ્રજ્ઞ થઈ ગયા છે ત્યારે એમના વિચારો આપણામાં સ્થિતપ્રજ્ઞ થઈ જાય તો કેવું સારું! પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. ગાંધીજીનું આ અવતરણ સ્કૂલમાં શીખ્યા પછી આપણામાંથી અદૃશ્ય થઈ ગયું છે. આપણા માટે કરેલી પ્રાર્થનાની સાથેસાથે બીજાના ભલા માટે કરેલી પ્રાર્થનાથી આપણા વિચારો શુદ્ધ થાય છે, એવું ગાંધીજી પણ માનતા. બીજા માટે શુદ્ધ હૃદયથી કરાતી પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે.

પ્રાર્થના આપણને આપણાથી મેળવે છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે દિવસમાં એક વાર જાત સાથે વાત કરવી જોઈએ નહીં તો દુનિયાના શ્રેષ્ઠ માણસને મળવાનો મોકો તમે ગુમાવી દેશો.

જાત સાથેનો સંવાદ એ પ્રાર્થના છે. આપણે એકબીજાની એટલા નજીક આવી ગયા છીએ કે આપણી જાત સાથેનું અંતર વધી રહ્યું છે; એવામાં પ્રાર્થના આપણા નકામા વિચારોને ફેંકી દે છે, આપણને ભયથી મુક્ત કરે છે અને આપણામાં સર્વમંગલની ભાવના જગાડે છે. 

columnists Sejal Ponda