માફક આવે એટલું જ

16 January, 2019 11:31 AM IST  |  | Sejal Ponda

માફક આવે એટલું જ

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

માફક નથી આવતું એવું કહી દેવાનો અર્થ એ નથી કે આપણે ઉદ્ધત છીએ, અહંકારી છીએ. ચાગલાઈ અલગ વસ્તુ છે. ચાગલાઈ કરવામાં માણસ શો-ઑફ વધારે કરતો હોય છે. જેને ખરેખર અમુકતમુક વસ્તુ માફક નથી આવતી એ બહુ જ નરમાશથી પોતાની તકલીફ રજૂ કરશે. સામેવાળી વ્યક્તિનું મન ન દુભાય એ રીતે પોતાની વાત મૂકશે, પણ જો વાતમાં હોશિયારી ઠોકાતી હોય, દેખાડો થતો હોય, અમને તો આવું જ ચાલે, અમને તો બ્રૅન્ડેડ કપડાં-શૂઝ જ માફક આવે એવી ચાગલાઈ ડોકાતી હોય તો સમજી લેવું કે માણસ માપસર જીવે છે.

માફક શબ્દ બધાને માફક આવે એવો છે. આ શબ્દ જાત માટે વાપરવાનો હોય તો બહુ ગમે. અને જ્યારે બીજા માટે એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણામાંથી ઘણાને એ માફક નથી આવતું.

મને અમુક વસ્તુ, સંબંધ, જમણ, માણસો માફક આવે છે અને અમુક નથી આવતા એવું કહી દેવામાં આપણે આપણી જાતને સેફ કરી દઈએ છીએ. અને એમાં કશું ખોટું નથી.

વાત ખાવા-પીવાની આવે ત્યારે અમુકતમુક ખાવાની વસ્તુ ન ફાવતી હોય અને કોઈક બહુ ફોર્સ કરે ત્યારે તેમને સમજાવવા પડે છે. અમે ખાઈએ છીએ એટલે તમારે પણ ખાવું જોઈએ એવો આગ્રહ કોઈ રાખે ત્યારે ક્યારેક ધર્મસંકટ થઈ જાય છે. આગ્રહને માન ન આપીએ તો ખોટું લાગી જાય એવી ઉપકારક સમજણ અંતે આપણને નુકસાન જ કરે છે.

અમુક લોકો ખાવા માટે જીવતા હોય એવું લાગે. જે મળે એ પેટમાં ઓહર્યા જ કરે અને તેમને બધું પચી પણ જાય, પણ લાંબા ગાળે સ્વાસ્થ્ય પર એની સીધી અસર પડે છે. મન ફાવે ત્યારે, મનને ભાવે એવું ખાઈ લેવાનું એવી તેમની વિચારધારા તે બીજા પર પણ ઠોકી બેસાડવા માગે ત્યારે તકલીફ ઊભી જાય. તમને ફાવે એટલે બધાને ફાવશે એવું તો ન હોય.

ઘણાને એટલી ચા-કૉફી કે કોલ્ડ ડ્રિન્ક્સ પીવાની આદત હોય કે જેવું કોઈક આવે કે તરત ચા-કોફી મગાવી જ લે. બીજાની આડમાં તેમની ચા-કૉફી પિવાય જાય. પાછા એટલો ફોર્સ કરે કે અરે! લોને, તમે તો પહેલી વાર આવ્યા છો. પછી બીજી વાર જવાનું થાય તો ફરી એ જ ફોર્સ કે લઈ લો, એ તો પિવાઈ જશે. ખવાઈ જશે. પચી જશે. અરે ભાઈ! તમને પચે એટલે બધાને પચે એવું ન હોય, પણ અમુક માણસોને એટલી સમજણ નથી હોતી કે કોઈક ના પાડે તો એની નાને માન આપવું જોઈએ. અમારે ત્યાંથી તો એમનેમ જવાય જ નહીં, તમને મારા સમ એવા ઇમોશનલ બ્લૅકમેઇલિંગના ડ્રામા કરે અને ભોગવવું પડે આપણા પેટને. જો આપણે એમ કહીએ તળેલું નથી ખાતા તો બાફેલું લઈ આવે. બાફેલું ના પાડીએ તો સૂકો

નાસ્તો લઈ આવે. તેમની પાસે વિકલ્પ તૈયાર જ હોય અને આપણે આવી જગ્યાએથી ભાગી છૂટવાના વિકલ્પો ગોતતા બેસીએ.

આ તો થઈ ખાવા-પીવાની વાત. અમુક માણસો જ્યારે આપણને માફક ન આવતા હોય તો પણ તેની સાથે કામ પાડવાનું આવે ત્યારે અઘરું પડે. આવા સમયે અમુક મહાજ્ઞાનીઓ એવી સલાહ આપે કે બધા સાથે ઍડ્જસ્ટ થવાનું. ઍડ્જસ્ટમેન્ટ સારી વાત છે, પણ જો સામે બીજાની નિંદા કરતા, બીજાનું બૂરું ઇચ્છતા, કાવાદાવા કરતા માણસો હોય અને આપણને એવા માણસો માફક ન આવતા હોય તો બધું જ્ઞાન બાજુ પર મૂકી દેવું. આવા લોકો સાથે ઍડ્જસ્ટ કરવાની કોઈ જરૂર નથી કે એવા દેખાવ કરવાની જરૂર નથી કે મને તો બધા સાથે ફાવે. ના ભાઈ, મને બધા સાથે નથી ફાવતું અને આ જ મારી જિંદગીનું સત્ય છે.

માફક નથી આવતું એવું કહી દેવાનો અર્થ એ નથી કે આપણે ઉદ્ધત છીએ, અહંકારી છીએ. ચાગલાઈ અલગ વસ્તુ છે. ચાગલાઈ કરવામાં માણસ શો-ઑફ વધારે કરતો હોય છે. પૈસાનો, પ્રતિષ્ઠાનો દબદબો બતાડનારાઓની વાતોને ઑબ્ઝર્વ કર્યા પછી જ નક્કી કરી શકાય કે ખરેખર તેમને માફક નથી આવતું કે પોતાને બે વેંત ઊંચા બતાડવા માટેનો અહંકાર બોલી રહ્યો છે.

જેને ખરેખર અમુકતમુક વસ્તુ માફક નથી આવતી તે બહુ જ નરમાશથી પોતાની તકલીફ રજૂ કરશે. સામેવાળી વ્યક્તિનું મન ન દુભાય એ રીતે પોતાની વાત મૂકશે. તેમને સમજાવવાનો પ્રયત્ન કરશે. તેમની વાતમાં ક્યાંક માફીનો ભાવ હશે. તો સમજી લેવું કે તેમને માફક ન આવવાની વાત જેન્યુઇન છે, પણ જો વાતમાં હોશિયારી ઠોકાતી હોય, દેખાડો થતો હોય, અમને તો આવું જ ચાલે, અમને તો બ્રૅન્ડેડ કપડાં-શૂઝ જ માફક આવે એવી ચાગલાઈ ડોકાતી હોય તો સમજી લેવું કે માણસ માપસર જીવે છે.

આ પણ વાંચો : સર્વોચ્ચ અદાલતની આબરૂ ખરડાઈ રહી છે એ ચિંતાનો વિષય છે

માફક ન આવવાની વાત જેન્યુઇન હોવી જોઈએ અને સચ્ચાઈપૂર્વક એ કહી પણ દેવી જોઈએ. કહેવાની રીત અને શબ્દોથી ઘણુંબધું બદલાઈ જાય છે. એટલે ખરેખર માફક ન આવતી વસ્તુઓ અને સંબંધો માટે ના કહેતી વખતે આપણી નરમાશ છોડવી નહીં અને જ્યારે સામેની વ્યક્તિ તેમને જે માફક નથી આવતું એ વાત આપણી સમક્ષ મૂકે ત્યારે આપણે સમજદારીપૂર્વક તેમની નાને વધાવી લેવી. કહેવાની અને સાંભળવાની આ કલા માફક આવશે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે.

columnists