પણ ભગવાન છે, ભગવાન પણ છે

28 December, 2018 10:20 AM IST  |  | રશ્મિન શાહ

પણ ભગવાન છે, ભગવાન પણ છે

પ્રતાકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ 

હા, એકસમાન લાગતી આ બન્ને વાતને બરાબર સમજવાની અને સમજીને એને જીવનમાં ઉતારવી આવશ્યક છે. જો તમે ઇચ્છતા હો કે તમારા આશાવાદને સાચી દિશા મળેલી રહે તો એ માટે આ જરૂરી છે અને જો તમે ઈશ્વર પરની આસ્થાને સદા અકબંધ રાખવા માગતા હો તો પણ આ અનિવાર્ય છે. અહીં કહેવાયેલા પહેલા વાક્યની વાત પહેલાં કરીએ. પણ ભગવાન છે. ક્યાંક ને ક્યાંક આ વાક્ય સાથે સહમતી ધરાવતી કે પછી આ વાક્યમાં દર્શાવવામાં આવી છે એ પ્રકારની માનસિકતા ધરાવતી વ્યક્તિ આસ્તિકતાની ચરમસીમા પર છે અને આ ચરમસીમા અયોગ્ય છે. યાદ રાખજો, આસ્તિક નહીં હો તો ચાલશે, નાસ્તિક નહીં હો તો પણ ચાલશે; પણ વાસ્તવિક હોવું ખૂબ જરૂરી છે. આપણે ત્યાં આસ્તિકતાની ચરમસીમા કોઈ એક તબક્કે વાતને ભગવાન પર છોડી દેવાની માનસિકતા આપવાનું કામ કરે છે અને જ્યારે પણ વાતને, મુદ્દાને, તકલીફને કે પછી મુશ્કેલીને ભગવાન પર છોડવામાં આવી છે ત્યારે અજાણ્યું નાસીપાસપણું મનમાં ઘર કરવાનું શરૂ કરે છે. આ ઘર એક તબક્કે કાં તો સિમેન્ટનું બની જાય છે અને એવી દૃઢ ગ્રંથિ ઘર કરી જાય છે કે ભગવાન છે જ અને ધારો કે ભૂકંપ આવે અને ધાર્યું હતું એ સપનું ધારાશાયી થયું તો ભગવાન પર અવિશ્વાસ પ્રગટવાનું શરૂ થઈ જાય છે. બન્ને તબક્કાઓ અયોગ્ય છે. ઈશ્વર પરની અતિશ્રદ્ધા અંધશ્રદ્ધાનો કઝિન બ્રધર છે અને ઈશ્વર પરનો અવિશ્વાસ સઢ વિનાના વહાણ જેવો છે. મઝધારમાં ભટક્યા કરે અને એ ભટકતી એવી અવસ્થાને પણ મંઝિલ તરફની ગતિ માની લેવામાં આવે. યાદ રહે, ગતિ જરૂરી છે; પણ ‘પણ ભગવાન છે’માં એ ગતિનો ક્ષય છે.

ભૂલતા નહીં, એ ઈશ્વર છે; તમારી કોઈ જાગીર નથી. જો આમ જ, તે તમારી સેવામાં ઉપસ્થિત રહેશે તો ઇન્ડોનેશિયામાં આવેલા સુનામીને રોકવા કેવી રીતે જશે? શાસ્ત્રો પણ એને હજાર હાથવાળો કહે છે. જરા કલ્પના તો કરો, ગોવર્ધનને ટચલી આંગળી પર ઊંચકેલા કાનાને એ સમયે તેના પ્રખર ભક્તે બોલાવી લીધો હોત તો ગોવર્ધન કોને સોંપીને, કોની ટચલી આંગળીએ મૂકીને કાનો ભક્તની મદદે આવ્યો હોત? બીજો મુદ્દો, શું તેણે એ રીતે પોતાની મહત્વની જવાબદારી બીજાના ખભે મૂકીને ભાગવું પણ જોઈએ ખરું? શું એ એક ભક્તને સાંજના ટંકની બે રોટલી પહોંચાડવા માટે ગોવર્ધન તળે આશરો લઈને ઊભેલા સેંકડો ગામવાસીઓને ચગદી મારવાનું પાપ કાનાએ પોતાના શિરે લેવું જોઈએ ખરું? કે પછી એ પાપ તેના શિરે ન આવે અને પાપ-પુણ્યનો હિસાબ રાખતો ચિત્રગુપ્ત આ પાપને તેને હાંક મારનારા ભક્તના ખાતામાં ઉમેરે? શબ્દોમાં પણ ઈશ્વર પર આધીન થવાને બદલે ઈશ્વરે તૈયાર કરેલી તેની આ રચના પર ભરોસો રાખીને આગળ વધવું એનું નામ શ્રદ્ધા છે.

વાત હવે બીજા દૃષ્ટિકોણની, ભગવાન પણ છે.

ક્યાંક અને ક્યાંક કોઈ અદૃશ્ય શક્તિ પણ તમને સાથ આપવાનું કામ કરતી હોય એવો તમને વિશ્વાસ હોય, એનો તમને ભરોસો હોય ત્યારે આ વાત માનસપટ પર જન્મતી હોય છે અને જન્મેલી આ વાત માત્ર એ હજાર હાથવાળા પર જ નહીં, પણ એ હજાર હાથવાળાએ જે બે હાથવાળો ઘડ્યો છે તેના પરનો વિશ્વાસ પણ દર્શાવી રહ્યો છે. ઈશ્વર છે જ, પણ તેની હયાતી પર બધો ભાર મૂકીને અટકી જવામાં સાર નથી. લડવાનું છે, રક્તરંજિત થવાનું છે અને શરીરમાં રહેલા લોહીની અંતિમ બૂંદ સુધી લડતા રહેવાનું છે. બાકી બેઠો છે હજાર હાથવાળો; જરૂર પડશે, તકલીફ આવશે, મુશ્કેલી ખડકાશે તો તે આવવાનો જ છે. આ ધારણામાં જાત પરનો આત્મવિશ્વાસ જોરાવર બની રહ્યો છે અને જરૂર એ આત્મવિશ્વાસની પણ છે. માત્ર તમને જ નહીં, ઉપર બેઠેલા પેલા હજાર હાથવાળાને પણ એની જરૂર છે. ક્યાંક તો તેને ફ્રી કરીએ ફ્રેન્ડ્સ, ક્યાંકથી તો તેને રાહત આપીએ. બધા જો આમ જ હાથ ફેલાવીને બેસી રહેશે તો એક તબક્કો એવો આવશે કે તે પથ્થરદિલ ખરેખર લિસ્ટ બનાવીને કોને કેટલી અને કેવી આવશ્યકતા છે એ વિચારતો થઈ જશે અને ધારો કે તે એવું વિચારતો થઈ ગયો તો પછી શું ફરક રહેશે મારા, તમારા અને તેનામાં? કઈ જરૂરિયાત કેટલી મહત્વની અને કઈ ઇમર્જન્સી કેવી એ નક્કી કરીને તો આપણે ભાગીએ છીએ; પણ એવું તેની પાસે શું કામ કરાવવું છે, શું કામ તેને આપણા જેવી માનસિકતા આપવી છે? ફરીથી કહું છું, ભલે રહ્યો તે ભગવાન. ભલે તે પહોંચતો જે તેને યાદ કરે તેની પાસે, પણ એવું તો જ શક્ય બનશે જો તમે તેને વારંવાર, વાતે-વાતે અને વારેઘડીએ બોલાવવાનું બંધ કરશો તો. તૈયારી રાખો, તે તમારી સાથે જ છે અને આ સત્ય છે. જો તે તમારી સાથે ન હોત તો તમારી આ આજ આજ જેવી ન હોત. તમે પણ પડ્યા હોત જગતના એક ખૂણામાં. કોઈ દેરાસરની બહાર કે પછી હાજીઅલીની બહાર લાગેલી લાંબી કતારમાં. તે છે તમારી સાથે અને એટલે જ તમે અત્યારે પગ લાંબા કરીને, તમારા હૉલમાં ચાની ચૂસકી ભરતા વાંચી રહ્યા છો. તેણે આ વાંચવા માટે તમારા ગજવામાં સાત રૂપિયા મૂક્યા છે. આનાથી મોટો પુરાવો શું જોઈએ કે તે તમારી સાથે છે અને સાથે રહેવાનો છે. જો માનતા હો કે હા, આ સાચું છે તો પછી શું કામ દરેક સમયે, દરેક તબક્કે, દરેક ઘડીએ તેને હાંક મારવાની. હા, યાદ રાખવાનું, ભગવાન પણ છે. જરૂર પડશે ત્યારે, તેને લાગશે કે જશ મેળવવા માટે તેણે તમારી બાજુમાં ઊભા રહેવાનું છે તો એવા સમયે તે આવી જશે અને તે આવી જાય તો જશ પણ આપી દેવાનો. આપણે શું કરવું છે જશનું, જશની તો તેને જરૂર છે. બાકી તેણે તો બહુ આપી દીધું છે. બે હાથ આપ્યા, બે પગ આપ્યા, ચારેયનું સંકલન કરે એવું દિમાગ પણ આપ્યું. બહુ થઈ ગયું. હવે નથી જોઈતું બીજું કંઈ. વર્ષના આ અંતિમ દિવસોમાં પહેલી મુક્તિ તેને આપજો અને કહેજો, હવે આપવું હોય એ બીજાને આપ, મને તો તંે આપી દીધું. બે હાથ, બે પગ. બસ, બહુ થઈ ગયું, હું ધરાઈ ગયો.

columnists