દુનિયાને મોટી નકારાત્મકતાથી બચાવતાં નાનાં-નાનાં જેસ્ચર્સ

07 January, 2020 03:41 PM IST  |  Mumbai | Taru Kajaria

દુનિયાને મોટી નકારાત્મકતાથી બચાવતાં નાનાં-નાનાં જેસ્ચર્સ

પ્રતીકાત્મક તસવીર

થોડા દિવસ પહેલાં મુંબઈની એક પૉશ સ્કૂલના કેટલાક સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કેમ કે તેમણે સ્કૂલની કેટલીક છોકરીઓ વિશે હલકી અને અભદ્ર ભાષામાં કમેન્ટ્સ કરી હતી. એ ઘટના વિશે મીડિયામાં પણ ખાસ્સી ચર્ચા ચાલી હતી. એ હરકત વિશે જેમણે પણ સાંભળ્યું એ સૌએ એ છોકરાઓની ટીકા કરી હતી. પોતાની સાથે ભણતી વિદ્યાર્થિનીઓ વિશે આવી ગંદી ભાષા વાપરનારા એ છોકરાઓ શ્રીમંત અને શિક્ષિત પરિવારના હતા. એ જાણીને કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, કેમ કે તેઓ પાસેથી તો મૅનર્સ અને ગુડ બિહેવિયરની અપેક્ષા સહજ હતી. પરંતુ ખરેખર એ જરૂરી છે? એ અપેક્ષા એવી માન્યતા પર આધારિત છે કે શ્રીમંત અને શિક્ષિત પરિવારોમાં બધા શાલીનતાથી જ વર્તતા હોય. તેઓ અપશબ્દો નહીં બોલતા હોય કે સ્ત્રીઓ સાથે આદરથી વર્તતા હોય. શું હકીકતમાં આવું હોય છે?

એ ચર્ચાઓ વાંચતાં મને એકાદ વર્ષ પહેલાં વાંચેલો એક કિસ્સો યાદ આવી ગયો. વાયવ્ય અમેરિકાના ઇડાહો રાજ્યના હેડન શહેરમાં છ વર્ષની એક બાળકી આમિહા હિલે એક બહુ મજાનું જેસ્ચર કર્યું હતું. તેણે પોતાના ઘરની બહાર એક લેમનેડનો સ્ટૉલ નાખ્યો. તેનું નામ આપ્યું લેમનેડ ફૉર લંચ. સ્ટૉલ પર જે લોકો આવ્યા એ સૌને આમિહાએ સ્કૂલમાં બાળકોને મળતાં લંચ માટે ડોનેશન આપવાની અપીલ કરી, કેમ કે કેટલાંક બાળકો એ ફીઝ ભરી નહોતાં શકતાં. લોકોએ નાનકડી બાળકીનું આવું સમજણભર્યું પગલું જોઈ ખુશી-ખુશી તેને સપોર્ટ કર્યો. આપણને સવાલ થાય કે આવડી નાનકડી છોકરીને આવું કરવાનું કેવી રીતે સૂઝ્યું? જવાબ છે તેનાં મા-બાપ અને તેનો ઉછેર. અમેરિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે લંચની જોગવાઈ હોય છે. એ માટે ફી હોય છે. પરંતુ ઘણી વાર અનેક પેરન્ટ્સ એ ફીઝ ભરી ન શકતા હોઈને સ્કૂલો પર લંચ પેટેની ઉધારી કે દેવાનો બોજ વધી ગયો છે. આ વાત આમિહાની મમ્મી રૅચલે તેને કરી હતી. એમાંથી તેમને એ કમનસીબ બાળકોની તેમ જ સ્કૂલોની મદદ કરવાનો વિચાર સૂઝ્યો અને આમિહાએ લેમનેડનો સ્ટૉલ નાખીને ખરેખર પોતાની સ્કૂલનાં બાળકોની ફીઝની રકમ ઊભી કરી દીધી! જેમ આ બાળકીના વર્તનનાં મૂળમાં તેની મમ્મી અને તેનો વ્યવહાર હતા એમ જ પેલા છોકરાઓના વર્તન પર પણ તેમના પેરન્ટ્સની અસર ન હોઈ શકે?

આપણે જોઈએ છીએ કે આજકાલ અનેક સાધનસંપન્ન અને એજ્યુકેટેડ પરિવારમાં પેરન્ટ્સ કે વડીલો પોતે પણ એવી ભાષામાં વાત કરતા હોય છે કે એ વાતાવરણમાં ઊછરતાં બાળકો પાસેથી શિષ્ટ કે શાલીન વર્તનની અપેક્ષા કરી જ ન શકાય. બાળકની હાજરીમાં ન કરવા જેવી વાતો કે વર્તન પતિ-પત્ની બેઝિઝક કરતાં હોય, મા કે બાપ સાથે તોછડાઈથી વર્તતાં હોય ત્યારે તેમનાં બાળકો બીજું શું શીખે? સ્વતંત્રતાને નામે સ્વછંદતા આચરતા પેરન્ટ્સ અજાણપણે જ પોતાનાં બાળકોને એક ખોટી અને ખતરનાક દુનિયા ભણી ધકેલી રહ્યા છે. સ્કૂલ સ્ટુડન્ટ્સ દ્વારા ક્લાસમાં ફાયરિંગ કરવામાં આવ્યું અને એમાં કેટલાય સ્ટુડન્ટ્સ કે ટીચર્સ માર્યા ગયા એવી ઘટનાઓ અમેરિકામાં અવારનવાર બનતી રહે છે. અને આવા મોટા ભાગના કિસ્સામાં એ બંદૂક ચલાવનાર બાળક કે કિશોર તૂટેલા પરિવાર કે કલહગ્રસ્ત પરિવારમાંથી આવતા હોવાનું જાણવા મળ્યું છે. જે પેરન્ટ્સ પોતે જ સારી રીતે વર્તી નથી શકતા તે બાળકને શું સદવર્તન શીખવી શકે?

પણ હા, અનેક અમેરિકન સ્કૂલોએ આ દિશામાં સુંદર પહેલ કરી છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં ઉદારતા, સહાનુભૂતિ કે કરુણા જેવા સદ્ગુણો કેળવવાના પ્રયાસ થાય છે. ૨૦૧૮માં તો અમેરિકાની ઘણીબધી સ્કૂલોમાં નવા વર્ષની શરૂઆત જ ‘ઇટ્સ કૂલ ટુ બી કાઇન્ડ’ થીમથી થઈ હતી. અન્યની સ્થિતિ સમજી તેમને મદદરૂપ થવાનો સંદેશ આપતા આ અભિયાનની વિદ્યાર્થીઓ પર બહુ ઊંડી અસર થઈ હતી. વિદ્યાર્થીઓના એવા કાઇન્ડનેસના ઍક્ટની સ્કૂલમાં શિક્ષકો દ્વારા નોંધ લેવાય અને તેમને પુરસ્કારો પણ અપાય. આ લેખની શરૂઆતમાં જે ઘટના નોંધી છે તેને આ સદવર્તન માટે ઘણી પ્રશંસા મળી. તેની મમ્મીએ બીજી સ્કૂલોની મદદ માટે એક ફન્ડ પણ શરૂ કર્યું અને ઘણા લોકો એમાં જોડાયા. સદવિચાર કે સદ્કાર્યનું એક બીજ અન્યો માટે પ્રેરક બન્યું છે.

આ સદ‍‍્વ્યવહારના અભિયાનમાં કેટલીક સ્કૂલો દ્વારા પેરન્ટ્સને પણ જોડવામાં આવ્યા છે. ફ્લૉરિડાની એક સ્કૂલના એક શિક્ષકે દરેક પેરન્ટને એક કાર્ડ આપ્યું. તેમને કાર્ડની એક તરફ પોતાના બાળકનું પૂરું નામ અને ક્લાસ લખવાના હતા અને બીજી બાજુ પોતાના બાળકને માટે એક પ્રેમાળ સંદેશો લખવાનો હતો. શા માટે? ટીચરે કહ્યું કે જ્યારે પણ કોઈ બાળક ઉદાસ કે અશાંત હશે ત્યારે તેને હું એ આપીશ. એ વાંચીને એવી નકારાત્મક માનસિક સ્થિતિમાંથી બહાર આવવાનું તેને માટે સરળ બનશે. આવાં નાનાં-નાનાં સરસ જેસ્ચર્સ ક્યારેક દુનિયાને મોટી નકારાત્મકતાથી બચાવવામાં કામિયાબ રહે છે.

columnists