શું વર્ક ફ્રોમ હોમમાં પેરન્ટ્સને મળવી જોઈએ એકસ્ટ્રા પેઇડ લીવ્સ?

16 September, 2020 06:13 PM IST  |  Mumbai | Varsha Chitalia

શું વર્ક ફ્રોમ હોમમાં પેરન્ટ્સને મળવી જોઈએ એકસ્ટ્રા પેઇડ લીવ્સ?

કોરોનાકાળમાં સ્કૂલો અને બેબી ડે કૅર સર્વિસ બંધ હોવાથી વર્કિંગ પેરન્ટ્સની જવાબદારી ખૂબ વધી ગઈ છે

કોરોનાકાળમાં સ્કૂલો અને બેબી ડે કૅર સર્વિસ બંધ હોવાથી વર્કિંગ પેરન્ટ્સની જવાબદારી ખૂબ વધી ગઈ છે. એવામાં ઘરેથી કામ કરતાં પેરન્ટ્સના માથાનો ભાર હળવો કરવા ફેસબુક, માઇક્રોસોફ્ટ, ટ્વિટર અને ગૂગલ જેવી નામાંકિત કંપનીઓ કર્મચારીઓને એક્સ્ટ્રા પેઇડ લીવ્સ આપી રહી છે. જોકે નોન-પેરન્ટ્સ કર્મચારીઓને આ વાત ખટકતાં તેમણે સવાલ ઉઠાવ્યો છે કે સંતાનોની જવાબદારી ન હોવી એ શું અમારો વાંક છે? ઑફિસના અને ઘરના કામ તો અમે પણ કરીએ છીએ તો પછી અમને ઓછી રજા આપવી એ યોગ્ય નથી. મુંબઈની કંપનીઓએ હજી સ્પેશ્યલ આવી જાહેરાત કરી હોવાનું ધ્યાનમાં નથી પણ મોટી ટેક્નૉલૉજી કંપનીઓએ નવા શરૂ કરેલા આ ચીલા બાબતે મુંબઈના લોકો શું માને છે એ જાણીએ

મમ્મીને લીવ્ઝ આપો ને નૉન-પેરન્ટ્સ કર્મચારીને ઍક્સ્ટ્રા પૅકેજ : કેયૂરી અને જયેશ દેસાઈ, કાંદિવલી

સ્કૂલ અને ડે કૅર બંધ હોવાથી છ વર્ષની ખુશીને ઘરમાં રહેવાની મજા પડી ગઈ છે, પરંતુ અકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં કેયૂરી અને શૅરબજાર સાથે સંકળાયેલા જયેશ દેસાઈના માથે કામનો ભાર વધી ગયો છે. કાંદિવલીના આ વર્કિંગ પેરન્ટ્સનું માનવું છે કે કોરોનાકાળમાં ઘર, ઑફિસ અને સંતાનની જવાબદારી પૂરી કરવી એ ખાવાના ખેલ નથી. કેયૂરી કહે છે, ‘મુંબઈમાં બેબી કૅર સેન્ટર હજી ખૂલ્યાં નથી. નજીકના ભવિષ્યમાં ખૂલી જાય તો પણ સુરક્ષાની દૃષ્ટિએ કોઈ પેરન્ટ્સ સંતાનોને ત્યાં મોકલવાના નથી. બીજી તરફ મારી ઑફિસ શરૂ થઈ ગઈ હોવાથી ખુશીની દેખભાળ માટે તેના પપ્પાને ઘરેથી કામ કરવું પડે છે. આડોશપાડોશનો સપોર્ટ હોવાથી મૅનેજ થઈ જાય છે અન્યથા એક સાથે બધું મૅનેજ કરવું ડિફિકલ્ટ છે. આપણા દેશના કલ્ચર પ્રમાણે બાળકની સંભાળ માટે કૉર્પોરેટ કંપનીઓએ મમ્મીને વધારાની પેઇડ લીવ્ઝ આપવી જોઈએ. આ બાબત મારો અનુભવ સારો રહ્યો છે. સામાન્ય રીતે મહિલા કર્મચારીઓની સમસ્યાને મૅનેજમેન્ટ ગંભીરતાથી લે છે અને અન્ય કર્મચારીઓ પણ સપોર્ટિવ હોય છે એટલે જરૂરિયાત મુજબ લીવ્ઝ મળી રહે છે.’
આ સંદર્ભે જુદો જ જવાબ આપતાં જયેશભાઈ કહે છે, ‘કામનો ભાર અને પગારની વાત આવે ત્યારે બધા પ્રૅક્ટિકલ બની જાય એમાં કશું ખોટું નથી. દરેક વર્કિંગ કપલે ફૅમિલી પ્રૉબ્લેમને પોતાની રીતે મૅનેજ કરવું પડે છે. માઇક્રોસૉફ્ટ અને ગૂગલ જેવી મોટી કંપનીઓના નિર્ણયોની વૈશ્વિક સ્તરે અસર પડે છે. ગ્લોબલ માર્કેટમાં પોતાની બ્રૅન્ડ વૅલ્યુ બિલ્ડ કરવા મોટી કંપનીઓએ વર્કિંગ પેરન્ટ્સને એક્સ્ટ્રા પેઇડ લીવ્ઝ આપવાની સાથે અન્ય કર્મચારીઓને મોટિવેટ કરવા એક્સ્ટ્રા પૅકેજ આપવું જોઈએ. વધારાનું મહેનતાણું મળવાથી અન્ય કર્મચારીઓની કામ કરવાની ધગશ વધે છે અને ફરિયાદ રહેતી નથી.’

વર્ક પ્રેશર વધતાં નૉન-પેરન્ટ કર્મચારીઓની હેલ્થ બગડશે : રશ્મિ અને વિશાલ મહેતા, દહિસર

દરેક કર્મચારીને તેમની કાબેલિયત અને વર્ક પ્રોફાઇલ પ્રમાણે પૅકેજ મળે છે તો પછી પેઇડ લીવ્ઝ માટે ડિસ્ક્રિમિનેશન ન હોવું જોઈએ. દહિસરના બૅન્કર વિશાલ મહેતા કહે છે, ‘નાનાં બાળકો ધરાવતા પેરન્ટ્સની પોતાની સમસ્યાઓ હશે, પરંતુ એના કારણે અન્ય કર્મચારીઓ પર કામનો ભાર વધારવામાં કોઈ લૉજિક દેખાતું નથી. આમ કરવાથી તેમનું મેન્ટલ પ્રેશર વધશે અને એની અસર પર્ફોર્મન્સ પર પડશે. લાંબા સમયથી વર્ક ફ્રૉમ હોમના કારણે આમેય બધા ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે. શરીરનું હલનચલન ન હોવાથી વજન વધી રહ્યું છે. એમાં જો કામનો ભાર વધે તો તબિયત વધુ બગડે. મૅનેજમેન્ટે આ બાબત વિચારવું જોઈએ. નૉન-પેરન્ટ્સ કર્મચારીઓને એક્સ્ટ્રા મની ચૂકવવાનું ઑપ્શન મૂકો તો જરૂરી નથી કે બધા સ્વીકારે. પૈસાની ખૂબ જરૂર હોય એવા કેટલાક લોકો કદાચ દસ-બાર કલાક કામ કરવા તૈયાર થાય, બાકી મોટા ભાગના કર્મચારીઓ હેલ્થને જ પ્રાયોરિટી આપવાના છે.’
બૅન્કમાં જ નોકરી કરતાં રશ્મિ મહેતા હસબન્ડની વાતમાં સૂર પુરાવતાં કહે છે, ‘વર્તમાન સંજોગોમાં ઘરના કામની જવાબદારી બધાની એકસરખી હોવાથી કર્મચારીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ. ફૅમિલી બૉન્ડિંગ માટે ઘરની દરેક વ્યક્તિએ એકબીજાને સમય આપવાનો હોય છે. બેબી સેન્ટર બંધ હોવાથી કેટલાક પેરન્ટ્સને તકલીફ થતી હશે, પરંતુ એનો ઉકેલ તેમણે જાતે જ શોધવાનો છે. બધાની સમસ્યાઓ જુદા પ્રકારની હોય છે. ઘરની અંદર બાળકો ન હોય, વડીલો તો હોયને! સિનિયર સિટિઝન્સની પણ નાના બાળકની જેમ જ કૅર લેવી પડે છે. અન્ય કર્મચારીઓની લીવ્ઝના કારણે વધારાનું કામ થોપવામાં આવે તો મને ચોક્કસ તકલીફ થાય. હેલ્થના ભોગે એક્સ્ટ્રા વર્કલોડ હૅન્ડલ કરવા માટેની અમારી માનસિક તૈયારી નથી.’

ટીચર્સ અને સિંગલ સ્ટેટસ ધરાવતા કર્મચારીઓનો કપરો સમય : મોનીશ અને રિદ્ધિ પારેખ, કાંદિવલી

મલ્ટિનૅશનલ કંપનીઓએ આવો કોઈ નિર્ણય લીધો હોય એવું મારા ધ્યાનમાં નથી એમ જણાવતાં કાંદિવલીના આઇટી પ્રોફેશનલ મોનીશ પારેખ કહે છે, ‘કૉર્પોરેટ વર્લ્ડમાં પેરન્ટ્સ કે નૉન-પેરન્ટ્સ જેવા ભેદભાવો જોવા મળતા નથી. અમારી કંપનીએ બધા જ કર્મચારીઓને વધારાની પાંચ પેઇડ લીવ આપવાની જાહેરાત કરી છે. મારી વાઇફ ટીચર છે. પાંચ વર્ષના પુત્ર વિભવની દેખભાળ માટે તેને કોઈ રજા મળતી નથી તેમ છતાં મારું અંગતપણે માનવું છે કે નાનાં બાળકો ધરાવતા વર્કિંગ પેરન્ટ્સ કરતાં પણ ડિફિકલ્ટ સમય અત્યારે સિંગલ સ્ટેટસ ધરાવતા કર્મચારીઓ ફેસ કરી રહ્યા છે. સામાન્ય રીતે તેઓ ઑફિસની કૅન્ટીનમાં જમી લેતા હોય છે. ઘરમાં રસોઈ બનાવવાની કે બીજાં કામો કરવાની ટેવ ન હોવાથી તેમના માથે કામનો ભાર વધી ગયો છે. આપણે તો ઘરનાં કામ વહેંચી લઈ છીએ, પરંતુ તેઓ કોની સાથે કામ વહેંચવા જાય? અત્યારના માહોલમાં દરેક વ્યક્તિ જુદી સમસ્યા સામે ઝઝૂમી રહી છે ત્યારે કંપની તેમના કર્મચારીઓ વચ્ચે એક્સ્ટ્રા પેઇડ લીવ્ઝ આપવામાં ડિસ્ક્રિમિનેશન ન રાખી શકે.’
કૉર્પોરેટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ તો ભૂતકાળમાં ક્યારેક એકાદ દિવસ માટે ઘરેથી કામ કર્યું હશે, પરંતુ શિક્ષકો માટે આ તદ્દન નવો અને પહેલો અનુભવ છે. રિદ્ધિ કહે છે, ‘કોરોનાએ ટીચર્સની લાઇફ એકદમ ડિફિકલ્ટ કરી નાખી છે. ઑનલાઇન ટીચિંગનો અનુભવ ન હોવાથી કામનો ભાર વધી ગયો છે. અમારું વર્ક પ્રોફાઇલ એવું છે કે પોતાના સંતાનની સંભાળ લેવા રજા લઈએ તો બીજાં અનેક બાળકોનો અભ્યાસ બગડે. રજા લીધા પછી સિલેબસ અમારે જ પૂરું કરવાનું છે. એનો વિકલ્પ નથી. ટીચિંગના ફીલ્ડમાં સમર વેકેશન, ગણપતિ અને દિવાળીના તહેવારમાં સળંગ રજા હોય છે. આ વર્ષે એ પણ નથી મળી ત્યાં એક્સ્ટ્રા લીવ્ઝની અપેક્ષા નથી.’

મને એક્સ્ટ્રા લીવ્ઝની જરૂર નથી એવો પૉઝિટિવ ઍટિટ્યુડ રાખો : ભાવિકા અને રાજ રાયપંચોલિયા, મલાડ

મલાડના રાજ રાયપંચોલિયા કૉર્પોરેટ ઑફિસમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમનાં પત્ની ભાવિકા બિઝનેસ વુમન છે. આ વર્કિંગ કપલના હાથ નીચે અનેક કર્મચારીઓ કામ કરે છે. ઉપરોક્ત ન્યુઝ સંદર્ભે વાત કરતાં રાજ કહે છે, ‘મલ્ટિનૅશનલ કંપનીઓ પાસે કેટલાક કર્મચારીઓ માટે એક્સ્ટ્રા લીવ્ઝ મંજૂર કરવાનું સ્ટ્રૉન્ગ રીઝન છે. આઠ-દસ મહિનાનું કે દોઢ-બે વર્ષનું સંતાન ધરાવતા કર્મચારીઓ ડિફિકલ્ટ પિરિયડ ફેસ કરી રહ્યા છે. કોરોનાકાળમાં આ ઉંમરના સંતાનની સેફ્ટી મુખ્ય પ્રશ્ન હોવાથી તેમના માથેથી ઑફિસના કામકાજનો ભાર હળવો કરવામાં આવ્યો છે. મૅનેજમેન્ટ જો દરેક કર્મચારીને રજા આપવા લાગે તો બિઝનેસ કેમ ચાલે? આવા નિર્ણય સામે દલીલ કરવા કરતાં એને તક સમજીને ઝડપી લો. મારા ઘરમાં કોઈ સમસ્યા નથી તો હું ઑર્ગેનાઇઝેશન માટે વધુ કામ કરું એવો પૉઝિટિવ ઍટિટ્યુડ તમારી માટે પ્રગતિનાં દ્વાર ખોલી નાખશે. આ જ શ્રેષ્ઠ સમય છે જ્યારે તમે તમારી સ્કિલને પ્રૂવ કરી શકો છો. મારા મતે સ્ટ્રૉન્ગ રીઝન વગર એક્સ્ટ્રા પેઇડ લીવ્ઝ લેવી પણ ન જોઈએ. આખરે આપણે સૌએ મળીને ઇકૉનૉમીને ફરીથી બેઠી કરવાની છે.’
અગિયાર વર્ષના આરનવનાં મમ્મી ભાવિકા કહે છે, ‘અમારા ઘરમાં વડીલોની હાજરી હોવાથી દીકરાને સંભાળવાની ચિંતા નથી, પરંતુ મારા હાથ નીચે કામ કરતી મહિલાને આવી તકલીફ હોય તો ચોક્કસ રજા આપું. વાસ્તવમાં એક્સ્ટ્રા પેઇડ લીવ્ઝ માટે તમારી પાસે યોગ્ય કારણ હોવું જોઈએ. નાનાં બાળકોની જવાબદારી ન હોય ને વડીલોની તબિયત ખરાબ હોય તો તેમની કાળજી લેવા માટે રજા મળી શકે. અત્યારે સલામતીને સર્વાધિક પ્રાધાન્ય આપવાની જરૂર હોવાથી એક્સ્ટ્રા પેઇડ લીવ્ઝ માટે પેરન્ટ્સ કે નૉન-પેરન્ટ્સ જેવું ડિસ્ક્રિમિનેશન નહીં, ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. લિબર્ટી કોઈને ન આપી શકાય.’

Varsha Chitaliya columnists