રિશ્તોં કો કુછ ઇસ તરહ બચા લિયા કરો કભી માન લિયા કરો, કભી મના લિયા કરો

16 December, 2019 03:40 PM IST  |  Mumbai

રિશ્તોં કો કુછ ઇસ તરહ બચા લિયા કરો કભી માન લિયા કરો, કભી મના લિયા કરો

દીકરીના ભવિષ્યની ચિંતા દરેક મા-બાપને હોય છે. કહેવાય છે કે સારો જમાઈ મળે તો સમજી લેવું કે દીકરો મળ્યો અને ખરાબ મળે તો માની લેવું કે દીકરી ગુમાવી. વયમાં આવેલી દીકરીની ચિંતા કરતા પિતાએ લખેલા પત્રને આગળ વધારીએ...

‘વત્સલા, છેલ્લે મેં તને લખ્યું હતું કે આજકાલ મોહક પરિધાન, આકર્ષક વાણી, યુવતીઓની છટા, માદક ચાલ અને હાવભાવ પુરુષોની વાસનાને ઉત્તેજિત કરી નાખે છે અને સમાજમાં વિકારનું વાતાવરણ ફેલાવે છે. 

તો પછી આવા પુરુષો સાથે તારે કઈ રીતે કામ લેવું? બુરખો પહેરીને? પુરુષોને વરુ માનીને તેનાથી દૂર ભાગીને? હરગિજ નહીં. પુરુષોના સંપર્કમાં જરૂર આવવું, પણ કોઈનેય ભ્રમણામાં તો ન જ નાખવો કે સંપર્કમાંથી તેને પ્રેમ મળી જશે. તારે કોઈની પણ સાથે એવું દ્વિમુખી વર્તન ન રાખવું જેથી તેને ખોટી આશા ઊભી થાય. પુરુષો સમક્ષ માદક બનવાનો પ્રયત્ન કદાપિ ન કરવો, કારણ કે એનો અર્થ પુરુષ એવો કરી બેસે છે કે સ્ત્રીની અંદરખાનેથી તેની સાથે પ્રેમ કરવાની ઇચ્છા થઈ હશે એથી જ તેની સામે ટાપટીપ કરતી હશે.

પુરુષોની દાનત પારખતાં પણ તારે શીખી જવું જોઈએ. જો કોઈ યુવક કોઈ ને કોઈ બહાને તારી આસપાસ ભમ્યા કરતો હોય, કોઈ ને કોઈ કામ પાડ્યા કરતો હોય, વખતોવખત તારી સામે ટગર-ટગર જોયા કરતો હોય, પર્યટનો ઊભાં કરીને એમાં તને સાથે લઈ જવા આમંત્રણ આપ્યા કરતો હોય, નાટક ભજવવામાં તારી સાથે પાત્ર લેવા માટે આગ્રહ કરતો હોય, તારા ફોટો પાડીને તને ખુશ કરવા મથતો હોય, તારી સાથે લાંબો સમય પાનાં કે બીજી રમત રમવાનો આગ્રહ કરતો હોય, તારી સમક્ષ નટનટીઓના પ્રણય કિસ્સાઓ અને પોતાનાં પરાક્રમો વર્ણવ્યા કરતો હોય, ટ્રેન-બસ અને સિનેમામાં હંમેશાં તારી બાજુની જ બેઠક પકડીને તારા નિકટસ્પર્શને ઝંખતો હોય, વખતોવખત પ્રેમનાં કાવ્યગાન અને ઉચ્ચ આદર્શની વાતો વહાવ્યા કરતો હોય તો તારે સમજી જવું કે એ ‘ભાઈ’ને પ્રેમજ્વર લાગુ પડી ચૂક્યો છે અને તેને માથે બરફ મૂકવાનો વારો આવી ચૂક્યો છે.

તું કહેશે કે આ પ્રમાણે મેં તને પુરુષોથી ભડકાવી મૂકી છે તો પછી તારે લગ્ન માટે પુરુષને પસંદ કેવી રીતે કરવો? આ લાખ રૂપિયાનો સવાલ છે. મુરતિયો પસંદ કઈ રીતે કરવો? આ કામ મુશ્કેલ છે છતાં એ પાર પાડવું જ રહ્યું. એ પાર પાડવા માટે વ્યવહારુ દૃષ્ટિ કેળવવી આવશ્યક છે. પ્રેમજ્વરનાં મેં ઉપર જણાવેલાં લક્ષણોવાળા બધા જ યુવકો કંઈ હંમેશાં ખરાબ જ હોય છે એવું પણ નથી. અમુક ઉંમરે તો સારા માણસોમાં પણ આવાં લક્ષણ વધારેપડતી ઊર્મિવશતાથી બહેકી ગયેલી કામવૃત્તિને લીધે પ્રકટ થઈ જાય છે. એથી એવું પણ બને કે આવાં લક્ષણોવાળા અનેક મિત્રોમાંથીયે ઊલટો તારે લાયકનો સારામાં સારો મુરતિયો પણ મ‍ળી આવે.

લગ્નમાં પરિણમે એવા પ્રેમજ્વર આવશ્યક પણ છે, નહીં તો પછી રોમાંચનો જે અદ્ભુત આનંદ છે એનાથી સાવ વંચિત રહી જવાય. પુરુષોના પ્રેમઆક્રમણથી ડરી જઈને પ્રેમને ગંદી વસ્તુ માની લેવાની ભૂલ ન કરવી, કારણ કે એમ કરવાથી તો દિવેલિયા જેવી અરસિક મનોદશા ઘર કરી બેસે છે. પ્રેમ એ તો જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. ગભરાટની મારી કેટલીક સ્ત્રીઓ પ્રેમ કરવાની હાથમાં આવેલી સુંદર તક ગુમાવી પણ દે છે અને પછીથી પસ્તાય છે. આપણે આંકેલા ધોરણનો યુવક સંપર્કમાં આવે અને પછી ભલે ઉપર જણાવેલાં કેટલાંક લક્ષણો દર્શાવે છતાં તેનાથી ડરી જઈને તેને તરછોડી ન દેવો જોઈએ. જેને પરણવું હોય તેને પણ કોઈ ને કોઈ લક્ષણો દ્વારા જ પોતાની એ ઇચ્છા તો વ્યક્ત કરવી જ રહીને!

એટલે પ્રેમજ્વરવાળા સૌકોઈ યુવકોની સામે વહેમાઈ જવાની જરૂર નથી. ફક્ત એટલું જ કે જેમાં લગ્નરૂપી પરિણામની સંભવિતતા નથી એવા કિસ્સાઓમાં સ્પષ્ટ અને મક્કમ રીતે પણ કશી કટુતા વગર પ્રેમઆક્રમણને ખાળી દેવું જોઈએ. બાકી લગ્નની સંભવિતતા હોય ત્યાં તો સામા આક્રમણ-રિસ્પૉન્સની પણ જરૂર રહે છે. નહીં તો વળી પાછું કરુણ પરિણામ આવે છે. મનમાં પાકો વસી ગયેલો યુવક ઠંડા ઉમળકાથી વણસી જઈને દૂર પણ ચાલ્યો જાય છે અને બીજે ઠેકાણે પરણી પણ જાય છે. એ જોઈને જીવ બાળવાનો પ્રસંગ આવે છે એથી એક વાર મનથી મુરતિયો ચૂંટી લીધા પછી તેનાથી કશો સંકોચ રાખવો નહીં, પરંતુ તે અડધેથી તરછોડશે તો નહીંને એનીય ચોક્કસ ખાતરી કરી લેવી જોઈએ. આ વિશે ઘણી બાળાઓ ગોથું ખાઈ જાય છે અને વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે.

તો પછી મુરતિયાની પસંદગીનું ધોરણ કઈ રીતે બાંધવું? પહેલું તો એ કે આપણે આપણી પોતાની મર્યાદાઓ સમજી લેવી જોઈએ. આપણે બુદ્ધુ હોઈએ તો બહુ બુદ્ધિશાળી વરની આશા ન રાખવી જોઈએ. આપણે કદરૂપાં હોઈએ તો રૂપાળા વરની આશા ન સેવવી જોઈએ. આપણી લાયકાત કરતાં વિશેષની આશા ન રાખવી, બલકે કદાચ આપણા કરતાં પાંચ-દસ ટકા ઊતરતી લાયકાત હોય તોયે ઘણી વાર તો એવાને પસંદ કરી લેવામાં ડહાપણ છે. એકાદ-બે ગૌણ ક્ષતિને ખાતર બીજી બધી રીતે સંતોષકારક દેખાતા યુવકને નાપસંદ ન કરી નાખવો જોઈએ. લગ્નસુખ માટે પ્રધાન વસ્તુઓ છે તંદુરસ્તી, ગુલાબી સ્વભાવ, સંતોષકારક આવક, શિક્ષણ અને બુદ્ધિનું ઉમદા ધોરણ. એ ઉપરાંત  બીજા ગુણો હોય તો આવકારદાયક છે, પરંતુ કાળો-ગોરો, ઊંચો-નીચો, નાત-જાત, વાડી-બંગલા જેવી ગૌણ વાતોને આગળ કરીને સારી તકો જતી ન કરવી. ૨૨થી ૨૫ વર્ષ સુધીમાં લગ્ન કરવાની મુદત બાંધી દેવી ઇષ્ટ છે. હજી વધારે સારો વર મળશે એમ માનીને લગ્નની મુદત લંબાવ્યા ન કરવી, કારણ કે પછી ગુલાબી રોમાંચ પણ નરમ પડી જઈને બીજાં વિકૃત સ્વરૂપો ધારણ કરે છે. ભરજુવાનીનો આનંદ ૨૨થી ૩૫ વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં જ ભોગવી લેવાનો હોય છે. ૩૫થી ૪૦ પછી જુસ્સો નરમ પડતો જાય છે અને ૫૦ પછી તો પતિ-પત્ની વચ્ચેના પ્રેમનું  સ્વરૂપ સદંતર પલટાઈ જાય છે એટલે ખરાં મહત્ત્વનાં વર્ષો સારા વરની રાહ જોયા વગર બરબાદ કરી નાખવામાં શાણપણ નથી.

પ્રેમનો આવેશ સ્ત્રી અને પુરુષને એકરૂપ બનાવી દે છે. બન્નેનાં શરીરને એકબીજામાં ઓતપ્રોત કરી દે છે. પછી તે પરણેલાં હોય કે કુંવારાં હોય કે વિધવા-વિધુર હોય. અને આ અદમ્ય આવેશનું પરિણામ ટૂંક સમયમાં જ સંતતિરૂપે આવીને ઊભું રહે છે. આ પરિણામ લગ્ન પછી આવે એ જ ઇષ્ટ છે, પણ અમુક સંજોગોમાં લગ્ન પહેલાં પણ સંતતિ આવવાનો અવસર આવી પહોંચે છે. આ પરિસ્થિતિ શરમજનક તો છે જ, પરંતુ કુદરતી પણ છે એથી છેક તિરસ્કારી કાઢવા જેવી નથી. આવા વખતે પ્રેમીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની જરૂર છે. સગર્ભા કુમારિકાની ઉપેક્ષા કરવાને બદલે તેની પ્રસૂતિ પણ પરિણીત યુવતીની પ્રસૂતિ જેટલી જ દરકારથી થવી જોઈએ, બલકે એનાથી પણ વધારે દરકારથી. કુમારિકાની ભયભીતતા કાઢી નાખવી જોઈએ, કારણ કે હજી તેને ભવિષ્યમાં જીવવાનું છે. એક જીવને નહીં, પણ બે જીવને અને પેલો વફાદાર હોય તો ત્રણ જીવને.

અહીં હવે નવો પ્રશ્ન શરૂ થાય છે. પ્રેમી વફાદાર રહેશે કે નહીં એની ખાતરી શી? વફાદારીનાં પણ અમુક લક્ષણો તો છે જ. પ્રેમીને ખાતર પોતાની કેટલીક પ્રિયમાં પ્રિય વસ્તુઓનો ત્યાગ કરી દેવો એ વફાદારીનું એક મુખ્ય લક્ષણ છે. ઘણાં યુવકો અને યુવતીઓ પ્રેમીની ઇચ્છાને માન આપીને સિગારેટ છોડી દે છે, ભપકો છોડી દે છે વગેરે, પરંતુ શરૂઆતનો આવો ત્યાગ કાયમ રહેતો નથી.

એટલે વફાદારીની ખાતરી હોય છતાં સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે માનવીનું મન ઘણું ચંચળ છે. પોતાની પરણેતર કરતાં ઊતરતી પંક્તિનીયે કોઈ બીજી સ્ત્રીનો સાચો પ્રેમ મળી જાય તો પરિણીત પત્નીને પણ રઝળાવનારા પુરુષોની સંખ્યા ઓછી નથી, તો પછી કુંવારી પ્રિયતમાને ગર્ભવતી થયેલી જોઈને પ્રેમી પંખીડાંઓ ફસકીને ઊડી જાય તો એમાં કશું નવાઈ જેવું નથી. સ્ત્રીઓ કરતાં પુરુષોની નવા-નવા પ્રેમ કરવાની વૃત્તિ વધારે પ્રબળ હોય છે. આવા રોડસાઇડ રોમિયો ખૂબ ટાપટીપવાળા અને આકર્ષક પણ હોય છે એથી ઘણીવાર યુવતીઓને આકર્ષી શકવામાં સફળ પણ થાય છે અને પરિણામે પ્રભુતામાં પગલાં માંડતાં પહેલાં જ આવી યુવતીઓ  માતૃત્વમાં પગલાં માંડે છે.

લગ્ન એ સ્ત્રી અને પુરુષ વચ્ચે એકરાગતા પ્રગટાવવાની એક મહાસાધના છે એથી લગ્ન પહેલાં પસંદગી વખતે જ જોઈ લેવું જોઈએ કે આ બે વાજિંત્રોમાં સુમેળનાં મૂળ તત્ત્વો છે કે નહીં. આપણે આપણા જીવનમાં બૂટ, ચંપલ, રેડિયો કે મોટર જેવી વસ્તુઓ ઘણી ચોકસાઈ બાદ પસંદ કરીએ છીએ. તો લગ્ન એ તો જીવનની ઘણી મહત્ત્વની વસ્તુ છે એથી એના વિશે નિર્ણય કરવામાં ગફલત થઈ જાય તો જિંદગીભર પસ્તાવું પડે છે. તું જેના નિકટના સંપર્કમાં આવે એમાંથી પૂરેપૂરી નાડી પારખી શકે તેવા યુવકની પસંદગી કરજે. પહેલા જ આકર્ષણના આવેશમાં કોઈ પણ યુવકને તારે લગ્નનું વચન તો ન જ આપી દેવું.

લગ્નનો સાથી તું એવો પસંદ કરજે જેનામાં નીરોગી શરીર, સંતોષકારક આવક, શિક્ષણ અને સંસ્કાર અને છેલ્લે ઠંડો-મીઠો, ગુલાબી સ્વભાવ. આટલાં આવશ્યક તત્ત્વો તો હોય જ. આમાંથી તને પચે એટલી જ સલાહ પાળજે, પણ પૂરતો વિચાર કરીને જ દરેક પગલું ભરજે.

અહોનિશ તારું મંગળ ઇચ્છનાર, તારા પ્રિય પપ્પાના સપ્રેમ આશિષ.

અને છેલ્લે...

૮૦ના દાયકામાં લખાયેલો આ પત્ર સાંપ્રત સમયમાં પણ એટલો જ પ્રસ્તુત તો લાગે જ છે, પણ વયસ્ક થયેલી કન્યા માટે બદલાતા સમયમાં બીજાં પણ ઘણાંબધાં ભયસ્થાનો ઊભાં થયાં છે. સ્ત્રી-પુરુષની વૃત્તિ-પ્રવૃત્તિ ને પ્રકૃતિ બદલાઈ ગઈ છે. હવે તો પર્ફેક્ટ જોડી માત્ર ચંપલ-બૂટમાં જ જોવા મળે છે. લગ્નજીવન નોકરી જેવું થઈ ગયું છે. બીજે સારી ઑફર મળતાં પાત્ર બદલી નખાય છે. આજકાલ પ્રેમ એટલે કામચલાઉ ગાંડપણ, જેનો ઇલાજ છે લગ્ન.

એકાદ-બે ગૌણ ક્ષતિને ખાતર બીજી બધી રીતે સંતોષકારક દેખાતા યુવકને નાપસંદ ન કરી નાખવો જોઈએ. લગ્નસુખ માટે પ્રધાન વસ્તુઓ છે તંદુરસ્તી, ગુલાબી સ્વભાવ, સંતોષકારક આવક, શિક્ષણ અને બુદ્ધિનું ઉમદા ધોરણ. એ ઉપરાંત  બીજા ગુણો હોય તો આવકારદાયક છે, પરંતુ કાળો-ગોરો, ઊંચો-નીચો, નાત-જાત, વાડી-બંગલા જેવી ગૌણ વાતોને આગળ કરીને સારી તકો જતી ન કરવી.

columnists Pravin Solanki