‘શોલે’નાં પાંચ ડાઇમેન્શન :ઠાકુર, ગબ્બર, જય, વીરુ અને સંગીત

05 October, 2019 03:45 PM IST  |  મુંબઈ | રાજ ગોસ્વામી

‘શોલે’નાં પાંચ ડાઇમેન્શન :ઠાકુર, ગબ્બર, જય, વીરુ અને સંગીત

ફિલ્મ શોલેના સ્ટાર કાસ્ટ

કબસ્ટર ફિલ્મથી જ ‘બ્લૉકબસ્ટર’ કૉલમની શરૂઆત કરીએ.

‘શોલે’ (૧૯૭૫) ફિલ્મ વિશે એટલું લખાઈ ગયું છે કે એનો દરેક ફૅન એક નાનકડી પુસ્તિકા લખી શકે. કેટલીક ફિલ્મો એટલી મોટી બ્લૉકબસ્ટર હોય છે કે વર્ષોવર્ષ એની ક્રિંવદંહી આગળ જ વધતી જાય છે. ઍરોપ્લેન માટે કહે છે કે રનવે પર દોડવું અને પછી લિફ્ટ થવું જ સૌથી કટોકટીનો સમય હોય છે. એ એક વાર ફ્લાઇટ-મોડમાં આવી જાય પછી એન્જિન બંધ થઈ જાય અને ઍરોપ્લેન સમુદ્રના જહાજની જેમ હવામાં તરવા લાગે. એટલા માટે જ અમુક ફિલ્મો માટે અંગ્રેજીમાં ‘રન-અવે ‌િહ‌ટ’ શબ્દ વપરાય છે. ‘શોલે’ આવા ઍરોપ્લેન જેવી છે જે હિન્દી ફિલ્મોના ચાહકોની ચેતનામાં વર્ષોથી તર્યા કરે છે.

એની એક બાબત પર નહીંવત લખાયું છે અને તમે આ વાંચશો પછી તમને થશે કે નજર સામે જ (કાનમાં જ) હતું છતાં કેવી રીતે છૂટી ગયું! અને એ છે એનું ટાઇટલ સંગીત. ‘શોલે’નાં તમામે-તમામ ગીત બ્લૉકબસ્ટર છે. ત્યાં સુધી કે જય (અમિતાભ બચ્ચન) ઝાંખા અજવાળામાં જે હાર્મોનિકા (માઉથ ઑર્ગન) વગાડે છે એ પણ લોકોને બહુ પરિચિત છે. સંગીતકાર રાહુલ દેવ બર્મનની ટીમમાં ભાનુ ગુપ્તા નામના સંગીતકારે આ હાર્મોનિકા વગાડ્યું હતું. ભાનુ ગુપ્તાની એમાં માસ્ટરી હતી. મૂળ રંગૂનમાં જન્મેલા અને ૧૮ વર્ષની ઉંમરે કલકત્તાની નાઇટક્લબોમાં તે હાર્મોનિકા વગાડતા હતા. ૧૯૫૯માં કલકત્તા છોડીને કામની તલાશમાં મુંબઈ આવેલા અને દિલીપકુમાર-વૈજયંતીમાલાની ‘પૈગામ’ (૧૯૫૯)માં સંગીતકાર સી. રામચંદ્રએ તેમને બ્રેક આપેલો. ૧૯૬૩માં તે આર. ડી. બર્મન સાથે જોડાયા. ૧૯૯૩માં ૮૭ વર્ષની વયે તેમનું અવસાન થયું ત્યાં સુધી ભાનુ ગુપ્તા પંચમની ટીમમાં હતા. એક કિસ્સો એવો છે કે ભાનુ ગુપ્તા એક વાર મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને તેમને ઉતાવળ હતી, પણ પોલીસવાળો જવા ન દે. એટલે તેમણે પોતાની ઓળખાણ આપવા હાર્મોનિકા કાઢીને ‘શોલે’વાળી ધૂન વગાડી હતી!

બહરહાલ, પંચમની ટીમમાં બીજાં બે નામો પણ હતાં : ભૂપિન્દર સિંહ અને કેરસી લૉર્ડ. ભૂપિન્દર એટલે ‘નામ ગુમ જાએગા, ચેહરા યે બદલ જાએગા’ અને ‘દિલ ઢૂંઢતા હૈ, ફુરસત કે રાત દિન’ વાળા ગાયક કલાકાર અને કેરસી એટલે ‘હંસતે જખમ’માં ‘તુમ જો મિલ ગએ હો..’માં નવીન નિશ્ચલની ટૅક્સી જે ગતિએ દોડે છે એ ગતિએ અકૉર્ડિયન વગાડનાર મ્યુઝિક અરેન્જર. ‘આરાધના’માં ‘રૂપ તેરા મસ્તાના...’માં પણ કેરસીના અકૉર્ડિયને આવી જ કમાલ કરી હતી. આ બન્ને આર. ડી. બર્મનની ટીમમાં ગિટાર પ્લેયર હતા.

‘શોલે’માં આ બન્નેએ જે જાદુ કર્યો એ એના ટાઇટલ સંગીતમાં. ટાઇટલ સંગીત એટલે ફિલ્મની શરૂઆતમાં ગુજરાતીમાં કહીએ તો ‘નંબરિયા’ પડતા હોય ત્યારે પાછળ જે ધૂન વાગે એ. હવે તો હૉલીવુડની ફિલ્મોની નકલ કરીને હિન્દી ફિલ્મોમાં ટાઇટલ્સ ફિલ્મના અંતે આવે છે, પણ એક જમાનામાં ટાઇટલ્સનું એટલું મહત્ત્વ હતું કે એના માટે વિશેષ સંગીત બનાવવામાં આવતું હતું. ‘શોલે’ ફિલ્મમાં મુશાયરાઓની ભાષામાં, માહોલ જમાવવાનું કામ આ ટાઇટલ સંગીતનું હતું.

તમને હું ‘શોલે’નો ઓપનિંગ સીન યાદ કરાવું.

બહુ ટૂંકો સીન છે. કૅમેરા દૂર જુએ છે. ફ્રેમમાં કોઈ માણસ નથી. ઉજ્જડ રેલવે ટ્રૅક છે. સ્ટીમ એન્જિનનો અવાજ આવે છે. ધુમાડા છોડતું એન્જિન પ્લૅટફૉર્મ પર અટકે છે. એક પોલીસવાળો ઊતરે છે અને કોઈને શોધતો હોય એમ રામલાલ (સત્યેન કપ્પુ)ને જોઈને પૂછે છે, ‘આહ, ઠાકુર સા’બ?’ રામલાલ ‘આઇએ જેલરસા’બ’ કહીને જેલરને દોરે છે. બન્ને નિર્જન સ્ટેશનની બહાર નીકળીને ઘોડા પર બેસે છે અને પાછળ ટ્રેન પ્લૅટફૉર્મ છોડે છે.

૭૦ એમએમના પડદા પર મોટા લાલ અક્ષરોમાં ‘સિપ્પી ફિલ્મ્સ પ્રેઝન્ટ્સ’ ઊભરે છે અને ગિટારની ધૂન સાથે ટાઇટલ શરૂ થાય છે. બે માણસો ઘોડા પર ઉબડખાબડ બંજર ભૂમિ પરથી પસાર થઈ રહ્યા છે અને પાછળ ભૂપિન્દરની ગિટાર વાગે છે. પછીથી એમાં કેરસી લૉર્ડની ગિટાર પણ જોડાય છે. તમે આ બન્ને બાબત, ઉબડખાબડ આઉટડોર અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, એકસાથે જુઓ/સાંભળો તો તમને કાળજામાં ‘ખબર’ પડવા માંડે કે આગામી સાડાત્રણ કલાક કેવા સાહસિક ગુજરવાના છે.

બે ઘોડાની ટાપમાં સૂર પુરાવવા માટે શરૂઆતની ધૂન બૉન્ગો પર છે. બૉન્ગો આફ્રિકન-ક્યુબન તબલાં છે. પાછળથી એ લેટિન અને આફ્રિકન-ક્યુબન જૅઝ સંગીતમાં બહુ પ્રચલિત થયાં હતાં. તમને જો ઓ. પી. નૈયરનાં ગીતો યાદ હોય તો તેમણે હિન્દી ફિલ્મસંગીતમાં બૉન્ગોનો છૂટથી ઉપયોગ કર્યો હતો. તેમના સંગીતમાં એક રિધમ હતો અને એના માટે તે બૉન્ગો વાપરતા હતા. જેમ કે માંગ કે સાથ તુમ્હારા, મૈને માંગ લિયા સંસાર (નયા દૌર, ૧૯૫૭).

પછી તો એમાં ફ્રેન્ચ હૉર્ન (વાજાંવાળા વગાડે એ) અને વાયોલિન પણ ઉમેરાય છે. બન્ને ઘોડેસવાર જેમ-જેમ રામગઢના રસ્તે આગળ વધે તેમ-તેમ બૅકગ્રાઉન્ડ સંગીતમાં નવાં વાદ્ય ઉમેરાતાં જાય અને ધૂનમાં ગતિ આવતી જાય. એમાં વચ્ચે સારંગીનો ઉપયોગ પણ થાય છે, જેથી આ ધૂન ભારતીય છે એવું સાબિત થાય. આર. ડી. બર્મન સંગીતમાં બહુ પ્રયોગ કરતા હતા. તે કાચની બૉટલો કે માટીના ઘડામાંથી સંગીત પેદા કરતા. ‘શોલે’ના ‘મેહબૂબા મેહબૂબા..’ ગીતમાં તેમણે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોનું કબીલાઈ સંગીત બનાવ્યું હતું. એમાં હેલનના સેક્સી ડાન્સને અસલી અહેસાસ આપવા માટે પંચમે બિયરની ખાલી બૉટલોનો ઉપયોગ કર્યો હતો (‘યાદોં કી બારાત’માં ‘ચુરા લિયા હૈં તુમને...’માં ખાલી ગ્લાસ અને ચમચીનો ઉપયોગ કર્યો હતો).

બીજી બધી ફિલ્મોથી વિપરીત ‘શોલે’માં સંગીત એટલે ગીતો નહીં પણ બૅકગ્રાઉન્ડ સ્કોર એટલો જ મહત્ત્વનો હતો. આર. ડી. બર્મને અમર પ્રેમ, આપ કી કસમ, યાદોં કી બારાત, હરે રામા હરે ક્રિષ્ના, કટી પતંગ, નમક હરામ અને આરાધનામાં બ્લૉકબસ્ટર સફળતા મેળવી હતી. ‘શોલે’માં તેમણે ચાર ચાંદ લગાવી દીધા. ત્યાં સુધી કે જય જે સિક્કો ઉછાળે છે (જે બન્ને બાજુ એકસરખો હતો), એનો અવાજ સિનેમા થિયેટરમાં ગુંજતો કરવા માટે સાઉન્ડ રેકૉર્ડિસ્ટ મંગેશ દેસાઈએ હકીકતમાં દીવાલો પર સિક્કાને ઉછાળીને રેકૉર્ડિંગ કર્યું હતું. બસંતી ગબ્બરના માણસોથી છટકીને ટાંગામાં ભાગે છે ત્યારે બર્મને તબલાંનો જબરદસ્ત ઉપયોગ કર્યો હતો.

‘મેહબૂબા...’ પંચમનો આઇડિયા નહોતો. ડિરેક્ટર રમેશ સિપ્પીની ત્યારની પત્ની ગીતાએ લંડનમાં ગ્રીક સંગીતકાર ડેમી રુસ્સોનું એક ગીત સાંભળ્યું હતું અને તેણે આરડીને એ સૂચવ્યું હતું. પહેલાં આ ગીત આશા ભોસલે ગાવાની હતી, પણ એમાં આરડીએ જે ઉત્તેજક સંગીત વિચાર્યું હતું એને ન્યાય આપવા ખુદ ગાવાનું નક્કી કર્યું હતું. એમાં જે ઇરાનિયન સંતૂર વાગે છે એ પ્રસિદ્ધ સંતૂરવાદક (‘સિલસિલા’વાળા) શિવકુમાર શર્માએ વગાડ્યું હતું. ‘શોલે’ રજૂ થઈ પછી આરડી એની સફળતાનો આનંદ લઈ ન શક્યા. તેમની પર ‘મેહબૂબા...’ની ઉઠાંતરીનો આરોપ લાગેલો અને કહે છે કે પિતા સચિન દેવ બર્મન પણ આ ગીત સાંભળીને ભડકી ગયા હતા.

ટાઇટલ સંગીત પર પાછા આવીએ તો, ‘આર. ડી. બર્મન : ધ મેન, ધ મ્યુઝિક’ નામના સુંદર પુસ્તકમાં અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને બાલાજી વિઠ્ઠલ લખે છે કે આરડીએ એમાં ગિટાર કોર્ડ, ફ્રેન્ચ હૉર્ન, પર્કશન, તબલા તારંગ અને તાર શહનાઈનો ઉપયોગ કર્યો હતો. ઘોડેસવારો રામગઢમાંથી પસાર થાય છે ત્યારે શહનાઈ વાગે છે અને ઠાકુર બલદેવ સિંહના ઘરે પહોંચે છે ત્યારે ગિટારના તાર સ્વછંદી બનીને છેલ્લી વાર ઝણઝણે છે.

આ પણ વાંચો : નવરાત્રિની ઝાકમઝાળ આખા ભારતમાં છે હોં!

આ જ ધૂન પૂરી ફિલ્મમાં વચ્ચે વાગતી રહે છે. તમે જો ઉમદા સાઉન્ડ સિસ્ટમમાં ટાઇટલ સંગીત સાંભળો તો એમાં ઘોડાની ટાપને સંગીતમાં જોડવામાં આવી છે. એમાં દૃશ્યને વાસ્તવિક બનાવવાનો ઉદ્દેશ્ય તો ખરો જ સાથે જ કાવ્યાત્મક અને ભાવનાત્મક લગાવ પેદા કરવાનો હેતુ પણ હતો. બ્લૉકબસ્ટર સિનેમામાં સંગીતની આ ખાસિયત હોય છે ચાહે એ ‘મુગલ-એ-આઝમ’ હોય, ‘પાકીઝા’ હોય, ‘મધર ઇન્ડિયા’ હોય, ‘દીવાર’ હોય કે ‘શોલે’ હોય. હોલીવુડની જેમ્સ બૉન્ડ ફિલ્મોમાં પણ ટાઇટલ અને બૅકગ્રાઉન્ડ સંગીતની આવી ભૂમિકા રહી છે. એક સંગીત વિવેચકે કહ્યું હતું એમ ‘શોલે’નાં પાંચ ડાઇમેન્શન હતાં; ઠાકુર બલદેવ સિંહ, ગબ્બર સિંહ, જય અને વીરુ. પાંચમું ડાયમેન્શન એનું બૅકગ્રાઉન્ડ સંગીત હતું.

weekend guide columnists