તલત અઝીઝ, ફારુક શેખ, હું અને ફિર છિડી રાત, બાત ફૂલોં કી

15 January, 2019 12:51 PM IST  |  | Sanjay Goradia

તલત અઝીઝ, ફારુક શેખ, હું અને ફિર છિડી રાત, બાત ફૂલોં કી

સંજય ગોરડિયા

જે જીવ્યું એ લખ્યું

ફિલ્મ ‘બાઝાર’ના મ્યુઝિક-રેકૉર્ડિંગની આપણી વાત ચાલતી હતી. મેં તમને કહ્યું એમ પહેલા ગીતનું રેકૉર્ડિંગ મેહબૂબ સ્ટુડિયોમાં થયું અને એ ગીત લતાજીએ ગાયું હતું. સવારે નવથી એકની શિફ્ટ, આમ તો રેકૉર્ડિંગ પૂરું થઈ ગયું અને ફાઇનલ ટેક પણ લઈ લીધો, પણ એમ છતાં મ્યુઝિક-ડિરેક્ટર ખય્યામસાહેબને હજી પણ એવું લાગતું કે કંઈક એમાં ખૂટે છે એટલે તેમણે એ ફાઇનલ ટેકને ફાઇનલ માનવાને બદલે વધારે એક ટેક લેવાનું નક્કી કર્યું અને વધુ એક વાર ટેક લેવામાં આવ્યો. લતાજીએ સિંગલ ટેકમાં ગીત આપી દીધું એટલે માત્ર પાંચ જ મિનિટ એક્સ્ટ્રા થઈ અને એક્ઝૅક્ટ ૧.૦૫ વાગ્યે રેકૉર્ડિંગ પૂરું થયું.

આ જે વધારાની પાંચ મિનિટ થઈ એ પાંચ મિનિટે બરાબરનું કમઠાણ કરી દીધું.

રેકૉર્ડિંગ પૂરું થયું એટલે બધા સાજિંદા પોતપોતાનાં વાજિંત્રો પૅક કરીને સ્ટુડિયોની નીચે આવેલા હૉલમાં આવ્યા. આ હૉલમાં બધાએ લાઇનમાં ઊભા રહેવાનું અને અહીં જ બધાનું પેમેન્ટ લેવાનું. હું પ્રોડક્શન સંભાળું એટલે રેવન્યુ સ્ટૅમ્પ, વાઉચર્સ અને રોકડા રૂપિયા સાથે હું ત્યાં બેઠો. ખય્યામસાહેબનો જે માણસ હતો તેણે મને પેમેન્ટનું લિસ્ટ આપ્યું. એ લિસ્ટમાં જેમની સામે જે રકમ લખી હોય એ રકમ મારે ચૂકવતાં જવાની. લિસ્ટ આવી ગયું અને મેં પેમેન્ટ આપવાની તૈયારી કરી ત્યાં તો બધા સાજિંદાઓ એક થઈ ગયા અને બધાએ આવીને કહ્યું કે એક વાગ્યે ગીતનું રેકૉર્ડિંગ પૂÊરું થઈ ગયું હતું અને એમ છતાં પણ અમે લોકોએ ૧.૦૫ વાગ્યા સુધી કામ કર્યું એટલે એ હિસાબે તમારે અમને અડધી શિફ્ટના પૈસા વધારે આપવાના થાય. અડધી શિફ્ટના પૈસા વધારે એટલે જે બજેટ હોય એના કરતાં દોઢો ખર્ચ, કોઈ હિસાબે પોસાય નહીં. મેં બધાને સમજાવ્યા કે અમારું બજેટ નથી અને અમે ઘરેથી એટલા પૈસા પણ સાથે લઈને નથી આવ્યા. મેં તેમને કહ્યું પણ ખરું કે આ કંઈ અમારા માટે પહેલું કામ નથી, આપણે તો સાથે ઘણી ફિલ્મો બનાવવાની છે, પણ એમ છતાં કોઈ મારી વાત માનવા કે સાંભળવા રાજી જ નહીં એટલે મેં અમારા ડિરેક્ટર સાગર સરહદી અને અમારા પ્રોડ્યુસર વિજય તલવારને આવીને બધી વાત કરી. તેમણે પણ બધાને સમજાવ્યા, પણ કોઈ માનવા રાજી જ નહીં એટલે નાછૂટકે ખય્યામસાહેબ નીચે આવ્યા.

ખય્યામસાહેબનો જે રુઆબ હતો, તેમનું જે કામ હતું અને કામને લીધે તેમની જે ઇજ્જત બની હતી એના વિશે વાત કરું તો એવું લાગે કે જાણે ફ્લૅશ લગાડીને આપણે સૂર્યનો ફોટો પાડી રહ્યા છીએ. યશ ચોપડા, ગુલશન રાય, યશ જોહર જેવા ડિરેક્ટર-પ્રોડ્યુસર પણ ખય્યામસાહેબને સલામ કરે. ખય્યામસાહેબે આવીને બધાને કહ્યું કે દોસ્તો, આ મારી ફિલ્મ છે. આ ફિલ્મ માટે તમે આ રીતે અડધી શિફ્ટના પૈસા લેવાની જીદ નહીં કરો. પણ ના, કોઈ માનવા તૈયાર જ નહીં. બધા એક જ જીદ લઈને બેઠા હતા અમને દોઢ શિફ્ટના પૈસા ચૂકવો. મિત્રો, હું અહીં એ આર્ટિસ્ટને ખરાબ કે ખોટા કહેવા નથી માગતો, પણ એક હકીકત એ પણ છે કે આ રીતે દરેક સેકન્ડ અને મિનિટને પૈસા સાથે તોલીને ક્યારેય ક્રીએટિવ કામ ન થઈ શકે. ઘણી વખત એવું બને કે નવ વાગ્યાની શિફ્ટ હોય અને સાડાદસે જ કામ પૂરું થઈ જાય. જો તમે પાંચ મિનિટ માટે અડધી શિફ્ટના પૈસા માગતા હો તો તમારે જે દિવસે એક શિફ્ટને બદલે અડધી શિફ્ટમાં જ કામ થઈ જાય તો અડધી શિફ્ટના પૈસા પાછા આપવાની નીતિ પણ રાખવી પડે. વાત અહીં પૈસાની નથી, નીતિની છે અને યાદ રાખજો, જીવનમાં ખરાબ સમય ક્યારેય મહત્વનો નથી હોતો, પણ ખરાબ સમયે તમારે નીતિ કેવી છે એ જ અગત્યનું હોય છે.

કજિયાનું મોં કાળું કરીને અમે લોકોએ નક્કી કર્યું કે દોઢ શિફ્ટના પૈસા ચૂકવી દેવા, પણ અમારી પાસે રોકડામાં એટલા પૈસા નહોતા એટલે નાછૂટકે અમારે તેમને ચેક આપવો પડ્યો અને આ રીતે અમારા ગીતનું રેકૉર્ડિંગ પૂરું થયું. આ અમારી ‘બાઝાર’નું પહેલું ગીત, ‘દિખાઈ દિએ યૂં...’

ગીતને અદ્ભુત સફળતા મળી, લોકોએ ખૂબ પસંદ કર્યું અને આજે પણ ફિલ્મી ગઝલમાં આ ગીત ટૉપ ટેનમાં આવે છે.

આ ગીત પછી હવે વારો હતો અમારા બીજા ગીતના રેકૉર્ડિંગનો, જેના શબ્દો હતા ‘ફિર છિડી રાત, બાત ફૂલોં કી...’ આ ગીત પણ લતા મંગેશકરે ગાયું હતું અને એમાં મેલ-વૉઇસ તલત અઝીઝનો હતો. એ સમયે તલત અઝીઝનું નામ ગઝલોની દુનિયામાં ખાસ્સું મોટું થઈ ગયું હતું. તેમનું એક ખાસ ફૅન-ફૉલોઇંગ ઊભું થઈ ગયું હતું. છ ફુટની હાઇટના તલત અઝીઝ ખૂબ સરસ દેખાતા, હીરો જ જોઈ લો જાણે.

‘ફિર છિડી રાત, બાત ફૂલોં કી...’ના રેકૉર્ડિંગની વાત કરું એ પહેલાં તમને મારે આ ગીતના શૂટિંગની વાત કરવી છે. આ ગીત અમે ફારુક શેખ અને સુપ્રિયા પાઠક પર પિક્ચરાઇઝ કર્યું હતું, આ પણ એક ગઝલ છે અને ખૂબ જ સરસ ગઝલ છે, પણ એનો ઢાળ ગીતનો છે. મારા સાથી કૉલમનિસ્ટ પંકજ ઉધાસ કહે છે કે આ કામ માત્ર ખય્યામસાહેબ જ કરી શકે. આ ગીતનું શૂટિંગ અમે બૅન્ગલોરમાં કર્યું હતું, જ્યાં એકદમ બ્યુટિફુલ કહેવાય એવા લોકેશન પર આ ગીત શૂટ થયું હતું. ફારુક શેખ ખૂબ સારા ઍક્ટર એ તો હવે બધા જાણે જ છે, પણ સાગરસાહેબના ખૂબ સારા મિત્ર એવું કહું તો પણ ચાલે કે તેમને ગુરુ જ માને. ફારુક શેખને પહેલી વાર ફિલ્મમાં ચાન્સ પણ સાગરસાહેબના ભત્રીજા રમેશ તલવારે જ આપ્યો હતો. એ ફિલ્મ હતી ‘નૂરી’.

ફારુક શેખ પાંચ ટાઇમના પાક્કા નમાજી અને શૂટિંગને દિવસે પણ શુક્રવાર જ હતો. ફારુકસાહેબ કહે કે મારે નમાજ મસ્જિદમાં જઈને પઢવી છે. અમે લોકો શહેરથી દૂર હતા એટલે બપોરે અમે લંચ લેવા માટે ગયા ત્યારે તે અમારી સાથે ઍમ્બૅસૅડર કારમાં બેસી ગયા. લોકેશનથી ચાલીસ કિલોમીટર દૂર અમને એક મસ્જિદ મળી. અમે ત્યાં ગાડી ઊભી રાખી અને ફારુકસાહેબને ત્યાં ઉતાર્યા. તેમને નમાજ પઢી લેવાનું કહ્યું અને અમે ખાવાનું લેવા માટે માર્કેટમાં ગયા. ફારુકસાહેબને અમે કહ્યું હતું કે તમે અહીંથી ક્યાંય જતા નહીં. નમાજ પઢીને તમે બહાર ઊભા રહેજો. અમે ફૂડનો ઑર્ડર આપીને તમને પહેલાં લેવા આવીશું અને પછી તમને લઈને ફૂડ-પાર્સલ લેવા જઈશું.

એક અરબી કહેવત છે, ઊંટ પર બેઠા હોય અને તો પણ કૂતરું કરડી જાય એનું નામ અકર્મી. બસ, આવું જ કંઈક અમારી સાથે એ પછી બન્યું, પણ એની વાતો આવતા મંગળવારે તમને કહીશ.

ફૂડ-ટિપ્સ

મિત્રો, હું હંમેશાં કહેતો હોઉં છું કે ખાવા માટે પૈસા નહીં, નસીબ હોવું જોઈએ. હમણાં બે દિવસ પહેલાં મારા બે શો સુરતમાં હતા. શો માટે સુરત પહોંચ્યો ત્યાં જ સુરતના મારા મિત્ર જયેશ સુરતીનો ફોન આવ્યો કે ચાલો, ગરમાગરમ પોંક અને પોંકનાં વડાં ખાવા માટે જઈએ. છ વાગ્યા એટલે અમે બન્ïને નીકળી પડ્યા. સુરત સાથે નાટકને કારણે છેલ્લાં તેત્રીસ વર્ષનો નાતો છે એટલે સુરત મને ઘણાખરા અંશે હવે મોઢે થવા માંડ્યું છે. સુરતમાં અગાઉ શીતલ ટૉકીઝ પાસે નેહરુ બ્રિજની નીચે પોંક-પાર્ટી હતી, પણ હવે એ પોંક-પાર્ટી પ્લૉટ ત્યાંથી ખસેડીને સરદાર બ્રિજ નીચે લઈ જવામાં આવ્યો છે. અહીં પોંક, પોંકનાં વડાં, તીખી સેવ, શક્કરિયાં બધું મળે અને એ પણ ગરમાગરમ. એક બાજુ પોંકનાં વડાં અને તીખી સેવની દુકાનો અને સામેની બાજુએ પોંકની દુકાનો. વચ્ચે ચાલવાનો રસ્તો. પોંકને ભઠ્ઠીમાં શેકીને બધો પોંક કાઢે, પછી એમાંથી ફોતરાં ઉડાડવાનાં અને પછી પીરસવાનો. તમને ખબર હશે કે મકાઈમાં બે વર્ઝન છે- કૉર્ન અને બેબી કૉર્ન, એવું જ આપણા આ પોંકનું છે. પોંક એટલે જુવારનું બેબી વર્ઝન. જુવાર એકદમ પાકી ન હોય ત્યારે એના ડોડા ખેંચી કાઢવામાં આવે અને એમાંથી પોંક ઉતારવામાં આવે. આજે તો મુંબઈકર માટે પોંક એક અલભ્ય વસ્તુ બની ગઈ છે. સુરતમાં હજી એનું અસ્તિત્વ અકબંધ છે.

પોંક ખાવાનો આઇડિયલ સમય એટલે

ડિસેમ્બર-જાન્યુઆરી એટલે કે અત્યારનો આ સમય. જો આ સમયે સુરત જવાનું બને તો ખાસ પોંક ખાજો. આ તક આ સમયગાળામાં જ મળશે, પછી એ તક નથી મળતી. પોંક, તીખી સેવ અને એમાં શક્કરિયાં નાખીને ખાવાની મજા જુદી છે. પોંકનાં વડાં અને કોથમીર-લસણની ગ્રીન ચટણીનું કૉમ્બિનેશન એટલે મારી નજરે રોમિયો-જુલિયટનું કૉમ્બિનેશન. પહેલાં સુરતના કવાસ, ઇચ્છાપુર, ભાઠા, પાલ જેવાં આજુબાજુનાં ગામોમાં જુવારનાં પુષ્કળ ખેતરો હતાં પણ હવે એ બધાં ખેતરોમાં સિમેન્ટનાં જંગલો ઊગી ગયાં છે એટલે આ પોંક છેક બારડોલીથી આવે છે. આ સીઝનનો લાભ લેવાય તો લઈ લેજો, નહીં તો પછી એક વર્ષ રાહ જોવી પડશે.

હૅન્ડસમ વૉઇસ : ‘બાઝાર’નું એક ગીત તલત અઝીઝ પાસે ગવડાવ્યું હતું. તલત અઝીઝ પોતે હીરો જેવા લાગતા. છ ફુટની હાઇટ અને આજના આ ત્રણ ખાનને પાછળ રાખી દે એવી પર્સનાલિટી.

આ પણ વાંચો : મશીન છો કે માણસ : શરીરને મશીન માનનારાઓને ક્યારેય પ્રેમ ન કરતા

જોકસમ્રાટ

ચૂંટણીના કારણે કોઈએ અંગત સંબંધોમાં વિખવાદ લાવવો નહીં.

જેને નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ હોય તેને ભગવાન મોદી જેવો દીકરો દે.

જેને કૉન્ગ્રેસમાં શ્રદ્ધા હોય તેને ભગવાન રાહુલ ગાંધી જેવો દીકરો દે.

columnists