કૉલમ: જો તમે ધારો તો અખાત્રીજ પણ જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ લાવી શકે

07 May, 2019 02:47 PM IST  |  | રુચિતા શાહ

કૉલમ: જો તમે ધારો તો અખાત્રીજ પણ જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ લાવી શકે

અખાત્રીજ

આજે છે અખાત્રીજ. ભારતીય પરંપરા મુજબ અનેક શુભ ઘટનાઓ આજના દિવસ સાથે જોડાયેલી છે. આજના દિવસને સર્વસિદ્ધ મુહૂર્ત ગણવામાં આવે છે. જે કરો એમાં સદા-સર્વથા સિદ્ધિ મળે જ મળે. આજે વણમાગ્યું મુહૂર્ત મનાય છે અને આજે જે સત્કાર્ય કરો એમાં સદૈવ વૃદ્ધિ થાય અને એમાં ક્યારેય કચાશ ન આવે. અક્ષય એટલે કંઈક એવું જેનો ક્યારેય ક્ષય ન થાય. આપણા જીવનમાં એવું શું છે જેનો ક્યારેય ક્ષય ન થવો જોઈએ એ વિશે જાણીતા કથાકાર ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝા અને મુંબઈના જાણીતા માનસશાસ્ત્રી હરીશ શેટ્ટી સાથે વાત કરીએ.

પરશુરામ બનીએ

આમ તો સારું કામ કરવા માટે અને શુભ શરૂઆત માટે એકેય દિવસ ખરાબ નથી હોતો, પરંતુ શુભ ઘડીમાં આરંભાયેલાં શુભ કાયોર્ની આવરદા લાંબી હોય છે એવી શ્રદ્ધાને કારણે અક્ષય તૃતીયાનું મહત્વ વધી જાય છે. અક્ષય તૃતીયાના દિવસે દાનનું મહત્વ છે. સુવર્ણ ખરીદવાની પરંપરા છે. ‘ભાઈશ્રી’ કહે છે, ‘અક્ષય તૃતીયાની વાત આગળ વધારીએ એ પહેલાં આપણે શ્રી પરશુરામજીની વાત કરીએ. આજે તેમની જન્મજયંતી છે. જ્ઞાનના પરમ ઉપાસક પરશુરામ સાત ચિરંજીવીઓમાંના એક છે. અક્ષય તૃતીયાના દિવસે જન્મેલા વિષ્ણુના આવેશાવતાર ગણાતા શ્રી પરશુરામજીએ જ્ઞાન ક્ષેત્ર સાથે બગડેલી શાસકીય વ્યવસ્થા વિરુદ્ધ ૨૧ વાર પૃથ્વી નક્ષત્રી કરી એટલે કે સત્તાપલટો કરાવડાવ્યો. આજના દિવસે પરશુરામના જીવન પાસેથી આપણે એ શીખવાની જરૂર છે કે જે જ્ઞાની છે, સમજદાર છે, બુદ્ધિમાન છે તેણે અવ્યવસ્થાઓનો વિરોધ કરવો જોઈએ. સત્તાપરિવર્તન માટે સામૂહિક આક્રોશ દાખવવો પડે તો દાખવવો જોઈએ. સારાની સ્થાપના માટે એ પણ જરૂરી છે. વ્યવસ્થાપરિવર્તન કરાવ્યા પછી પણ ક્યાંય પોતે સત્તાના લોભમાં પડ્યા નથી કે રાજગાદીએ બેઠા નથી, પણ સુજ્ઞ માર્ગદર્શક બનીને સમાજહિતનું કાર્ય કર્યું છે. આજના જમાનામાં આ પ્રકારની વિચારધારા સમાજના વિવેકી અને બુદ્ધિશાળી વર્ગે અપનાવવી જોઈએ.’

પ્રેમની ભાષા

આ દુનિયામાં જે ખજાનો ક્યારેય ખૂટ્યો નથી કે ખૂટવાનો નથી એ છે પ્રેમનો ખજાનો. પ્રેમ આપનારને એનું ફળ પણ પ્રેમરૂપી જ મળે છે. આ ખજાનો ખરા અર્થમાં અક્ષય છે અને તેનું પરિણામ પણ અખૂટ છે. અક્ષય તૃતીયાના દિવસે પ્રત્યેક વ્યક્તિએ પ્રેમને જીવનમાં શું કામ અને કેવી રીતે સૌથી પહેલી પ્રાયોરિટી બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ એ વિશે ‘ભાઈશ્રી’ કહે છે, ‘આખું જગત પ્રેમનું ભૂખ્યું છે. જીવનનો વિકાસ, જીવનનું પોષણ પ્રેમથી થાય છે. આ દિવસે તમે નિર્ધાર કરો કે તમે દરેકને પ્રેમ આપશો. આ દુનિયામાં પ્રેમ જેવી એકેય બાબત એવી નથી જેનો ક્ષય થઈ શકે. જે કોઈને પ્રેમ કરતો નથી અને જેને કોઈ પ્રેમ કરતું નથી એ વ્યક્તિ જીવનના વિકાસથી ડિસ્કનેક્ટ થઈ જાય છે, જીવનની કૃતકૃત્યતાનો અનુભવ કરતો નથી. પ્રેમ વ્યક્તિને ખોલવાનું, ખીલવવાનું અને વિકસાવવાનું કામ કરે છે. પ્રેમ કરનારી વ્યક્તિ કૃતજ્ઞાથી સભર બની જાય છે. પ્રેમ એ માગવાની નહીં, આપવાની વસ્તુ છે. આપણે અપેક્ષાઓ સાથે ઊભા રહી જઈએ છીએ કે આપણને કોઈ પ્રેમ કરશે અને આપણને ગમે. આખા વિશ્વને, આખા બ્રહ્માંડના એકેક અંશને પ્રેમની ઝંખના છે. પ્રેમ પ્રાપ્ય બને એટલે આનંદ પથરાઈ જાય છે. જોકે પ્રેમ પામતાં પહેલાં પ્રેમ આપવો પડશે. પ્રેમ આપીશું તો પ્રેમ પામીશું એ બાબત આજના દિવસે સમજવાની જરૂર છે.’

ભાગવતમાં પ્રેમ

આપણું શ્રીમદ ભાગવત પણ વિશુદ્ધ પ્રેમનું શાસ્ત્ર છે, એ ઉલ્લેખ સાથે ‘ભાઈશ્રી’ કહે છે, ‘ભાગવતમાં ત્રણ પ્રકારનો પ્રેમ વર્ણવ્યો છે. મનુષ્યનો મનુષ્ય માટેનો પ્રેમ, મનુષ્યનો મનુષ્યેતર માટેનો પ્રેમ અને મનુષ્યનો પ્રકૃતિ માટેનો પ્રેમ. માણસ પ્રત્યેક માનવજાત માટે પ્રેમનો ભાવ રાખે અને કોઈ પણ જાતની અપેક્ષા વિના. એટલો ભંડાર આપણી પાસે છે કે આપણે આખા જગતને પ્રેમ કરી શકીએ. બીજો પ્રકાર મનુષ્ય નથી એવાં તત્વો માટે પ્રેમ. પશુ, પંખી માટે પ્રેમભાવ. અને ત્રીજો પ્રકૃતિ માટેનો પ્રેમભાવ. આ ત્રણેય પ્રેમને જો આપણે આત્મસાત્ કરી શકીએ તો આ દુનિયામાં એકેય પ્રકારની દુર્ઘટનાઓ ન ઘટે. વિશ્વના તમામ પ્રશ્નોનું સમાધાન આ ત્રણ પ્રકારના પ્રેમમાં સમાયેલું છે. માનવજાત માટે પ્રેમની ધારા વહેતી હોય તો યુદ્ધો અને આતંકવાદી અટૅકો અટકી જાય. પ્રકૃતિ માટેનો પ્રેમ હોય તો વૃક્ષો ન કાપીએ, નદીઓ અને સમુદ્રોમાં બગાડ ન ફેંકીએ. સ્વચ્છતા, ગ્લોબલ વૉર્મિંગ અને નાહકની હિંસા આ બધામાંથી પ્રેમનો અક્ષય ખજાનો જ આપણને બચાવી શકે એમ છે.’

ભીખની વસ્તુ નથી

દરેકને પ્રેમ કોઈક કરે એ ગમે છે, પણ કરતાં પહેલાં તમારે પ્રેમ આપવો પડશે એ વાત મગજમાં ઠસાવવા જેવી છે. ‘ભાઈશ્રી’ કહે છે, ‘પ્રેમની તમે ભીખ ન માગી શકો. એમ મળે પણ નહીં. પ્રેમ પામવાનો એક જ ઉપાય છે પ્રેમ આપો. અક્ષય તૃતીયાના દિવસે પ્રેમ આપવાનો સંકલ્પ કરીએ કે આપણને એનું અક્ષય ફળ પ્રાપ્ત થાય. આપવા માટે પ્રેમનો અક્ષય ભંડાર પડ્યો હોય. પ્રેમ છે પણ એવો કે જેટલો આપો એટલો વધે. યાદ રહે કે કૂવામાંથી જેટલુ પાણી ખેંચાશે એટલી સરવાણી આવશે. નવું પાણી આવશે અને એ તાજા-તાજા અને નિર્મળ પાણીથી કૂવો એકદમ લાઇવ લાગશે. જે કૂવા પાસેથી કોઈ પાણી ન પામે તે ગંધાવા લાગે છે, એમાં કચરો ભેગો થવા માંડે છે. જેને આપણે અવાવરું કહીએ છીએ. એવો પ્રયત્ન કરીએ, મારી અંદર પ્રેમના અક્ષય ભંડાર ભરેલા છે. જેમ જેમ આપીશ એમ એમ વધશે. ઓર નિર્મલ થતો જશે. પ્રેમનું સવોર્ત્કૃષ્ટ રૂપ એટલે ભક્તિ. આ પ્રેમ જ તમને ઈશ્વર સાથે જોડવાનું કામ પણ કરશે અને પરમતત્વ માટે ભક્તિ બનીને ઊધ્ર્વતામાં લઈ જશે.’

આ તમારા જીવનમાં કાયમી બનાવો તો ઘણું : ડૉ. હરીશ શેટ્ટી, મનોચિકિત્સક

આજના જમાનામાં લોકો વધુપડતા વાસ્તવિક બની ગયા છે, જેને કારણે મૂળભૂત આદશોર્થી તેઓ દૂર થઈ રહ્યા છે. આ સંદર્ભમાં જાણીતા મનોચિકિત્સક ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘બેઝિક વૅલ્યુઝ જીવનમાં જરૂરી છે. આજના સો કોલ્ડ પ્રૅક્ટિકલવાદે આ બેઝિક વેલ્યુને તડીપાર કરી દીધી છે. આજે માને કિડનેપ કરીને બાપ પાસે પૈસા માગતા છોકરાઓ છે. મા-બાપના નિધનમાં પણ વિદેશમાં રહેતા છોકરાઓ તેમનું મોઢું જોવા તૈયાર નથી. આપણાં પારંપરિક મૂલ્યો જે પ્રૅક્ટિકલ લોકોના પુસ્તકમાંથી ગાયબ થઈ રહ્યાં છે તેને પુન: સ્થાપિત કરવાનો સમય છે. જીવનમાંથી જેનો ક્ષય ન થવો જોઈએ એવી બાબતો વિશે પૂછો તો હું ચાર વસ્તુ પર ભાર મૂકીશ. ૧. ગમે તેટલી ઊંચાઈએ પહોંચું તો પણ હું મારા પગ જમીન પર રાખીશ. ૨. જાતને પ્રેમ કરીશ. ૩. મા-બાપની સેવા કરીશ. ૪. મારા જીવનના તમામ અંગતના દિલ દુભાય એવી જાણી જોઈને કોઈ હરકત નહીં કરું.

આજના દિવસની ખૂબીઓ

વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીનો આજે જન્મદિવસ છે.

આજના દિવસે જ સુદામા શ્રીકૃષ્ણને ત્યાં તાંદુળની ભેટ લઈને ગયા હતા.

વેદવ્યાસજીએ આજના દિવસે જ મહાભારત લખવાની શરૂઆત કરી હતી. સૂર્ય અને ચંદ્ર આજે પોતાની તેજસ્વિતાની ચરમસીમા પર હોવાનું મનાય છે.

મહાભારતમાં કહેવાયું છે કે આજના દિવસે સૂર્યદેવે પાંડવોને અક્ષયપાત્રની ભેટ આપી હતી.

ત્રેતાયુગની શરૂઆત પણ આજના દિવસથી થઈ હતી.

પુરાણો અનુસાર શ્રી ભગીરથ ઋષીએ ગંગાજીને ધરતી પર આવવાની તપસ્યા આ દિવસથી કરી હતી અને કેટલીક માન્યતાઓ મુજબ ગંગાજીએ સ્વર્ગમાંથી ધરતી પર આગમન પણ આ જ દિવસે કર્યું હતું એટલે જ ગંગાનો પ્રવાહ અક્ષય અને અવિરત છે.

columnists