લિખે જો ખત તુઝે

09 October, 2019 04:14 PM IST  |  મુંબઈ | રુચિતા શાહ

લિખે જો ખત તુઝે

પંકજા અને સચિન બાફના

ફ્રી મેસેજના જમાનાએ પત્રોના પ્રાણ હરી લીધા. પ્રેમપત્રો હોય કે સ્નેહી સ્વજનોએ લખેલા લાગણીથી લથપથ બોધપત્રો, હર હાલમાં ટપાલની રંગત નોખી જ હતી. ટપાલીની રાહ જોવાની અને પ્રિયજનના સંદેશના ઓરતા સેવવાની મજા હવેની પેઢી મિસ કરી રહી છે. ઇન્સ્ટન્ટ કમ્યુનિકેશને ઇન્તેજારીને તિલાંજલિ આપી છે ત્યારે પ્રેમપત્રો લખનારા અને મેળવનારા કેટલાક લોકોને આજે ‘વર્લ્ડ પોસ્ટ ડે’ નિમિત્તે મળીએ અને જાણીએ કેવી સુગંધ હતી તેમની એ દુનિયામાં

કૃષ્ણ સાથે લગ્ન કરવા માગનારાં રુક્મિણીજીના ભાઈએ તેમનાં લગ્ન કૃષ્ણના પિતરાઈ ભાઈ શિશુપાલ સાથે નક્કી કરી નાખ્યાં હતાં. મનોમન દુઃખી થયેલાં રુક્મિણીજીએ લગ્નની આગલી રાતે શ્રીકૃષ્ણને એક પત્રમાં પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી અને આ પત્ર તેમણે એક બ્રાહ્મણ કન્યા સાથે શ્રીકૃષ્ણને મોકલાવ્યો. પત્ર વાંચ્યા પછી શ્રીકૃષ્ણએ ભાઈ બલરામની મદદથી રુક્મિણીનું અપહરણ કર્યું હતું. શ્રીમદ ભગવદ્ગીતામાં એનો ઉલ્લેખ છે. કહેવાય છે કે આ જગતનો પહેલો પ્રેમપત્ર હતો. આજે વર્લ્ડ પોસ્ટ ડે છે. વિશ્વમાં કમ્યુનિકેશન રેવલ્યુશન લાવનારા યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની યાદમાં છેક ૧૯૬૯થી આ દિવસની ઉજવણી શરૂ થઈ છે. પત્ર દ્વારા થનારું શૅરિંગ તો જાણે હવે બંધ જ થઈ ગયું છે. કમ્યુનિકેશન માટે પત્રો પર નિર્ભર રહેવાની જરૂર નથી રહી એટલું એ ઝડપી બન્યું છે. સ્વાભાવિક છે કે હવે કોણ પત્રો લખે જ્યારે ઘડીની છઠ્ઠી સેકન્ડે તમારો મેસેજ તમને ગમતી વ્યક્તિ સુધી પહોંચી જવાનો હોય. એ છોડો, અડધી મિનિટમાં તમે સાત સમંદર પાર પણ તમારી માનીતી વ્યક્તિને જોઈ શકતા હો એવામાં કોઈ શું કામ પત્ર લખે? સ્વાભાવિક છે. જોકે જે પત્રો લખતા હતા તેનો પોતાનો દબદબો હતો. કેવી રીતે એ જાણીએ તેમની જ પાસેથી...

સરપ્રાઇઝ આપવા ક્યારેક કાંદાના રસથી પત્ર લખ્યો તો ક્યારેક અરીસામાં જ વંચાય એમ ઊંધા અક્ષરોથી પણ લખ્યો

દહિસરમાં રહેતા દિલીપ અને બીના ઠક્કરનાં લગ્નને હવે ૩૬ વર્ષ થઈ ગયાં છે. માત્ર છ મહિના જ તેમની સગાઈ રહી, પરંતુ એ ગાળામાં તેમણે એકબીજાને ૮૦થી વધારે પત્રો લખ્યા છે અને મજાની વાત એ છે કે એ પત્રો આજે પણ તેમની પાસે મોજૂદ છે. પત્ર લખવામાં પણ તેમણે જે-જે ક્રીએટિવિટી વાપરી છે એ જાણીને તમે પણ રોમાંચિત થઈ ઊઠશો. દિલીપભાઈ કહે છે, ‘એ સમય જ એવો હોય કે તમારી અંદર લાગણીઓનું ઘોડાપૂર આવ્યું હોય. તમારે ઘણું કહેવું હોય, પણ ફોન પૂરતો ન થાય. એક તો ફોન મોંઘા પડે અને એમાં ધારી વાત ન થાય. ધાર્યા ફોન ન લાગે. પત્ર એક જ પર્યાય હતો અને સાચું કહું તો બહુ જ સારો પર્યાય. એ લખવામાં અમારી ક્રીએટિવિટી બહુ ખીલી ગઈ એમ કહું તો ચાલે. તમારું આખું હૈયું ઉલેચી નાખ્યું હોય અને સાથે એમાં દુનિયાભરની ગઝલો, શાયરીઓ અને હિન્દી ગીતો સાથે લાગણીઓની અભિવ્યક્તિ મળે. રોજ પત્રની જે રીતે રાહ જોવાતી હોય અને સાથે જ એ કોઈ બીજાના હાથમાં ન ચાલ્યો જાય એ માટે ઓળખીતા ટપાલી સાથે થોડુંક સેટિંગ પણ કરી લીધું હોય. આ બધું જ એ જમાનામાં થતું અને ખૂબ મજા આવતી. એમાં હું થોડો વધુ ક્રીએટિવ હતો. એક વાર મેં પત્ર લખ્યો, પણ સામેવાળાને એમાં કંઈ વંચાય નહીં. બીના મને પૂછે કેમ કંઈ વંચાતુ નથી, પત્ર તો કોરો છે. મેં કહ્યું, સાચા દિલથી વાંચ, વંચાશે. પહેલી વાર તો એ ન વંચાઈ રહેલા પત્ર પર જ અમે બીજા પત્રોથી વાતચીત કરી હતી. છેલ્લે મેં રહસ્ય ખોલ્યું કે રોટલી શેકવાની તવી પર પત્ર મૂક, બધું વંચાતું જશે. જોકે તેણે વધુ વખત રાખ્યો એટલે થોડાક શબ્દો દાઝી ગયા. હકીકતમાં મેં એ પત્ર કાંદાના રસથી લખ્યો હતો એટલે અક્ષરો વંચાય નહીં. સહેજ ગરમાટો આપો તો અક્ષર ઊપસી આવે.’

એવો જ એક પત્ર તેમણે લખ્યો પણ કોઈ વાંચી ન શકે. ભાષા ગુજરાતી જ, પણ ન સમજાય એવી. દિલીપભાઈ કહે છે, ‘ઊંધું ગુજરાતી લખ્યું હતું જેથી વાંચનારને સીધેસીધી કંઈ સમજ ન પડે. મારી પત્ની પણ મુંઝાઈ ગઈ કે આ કેવું ઉર્દૂ જેવું ગુજરાતી લખ્યું છે. મને કહે કે સમજ નથી પડતી કે શું લખ્યું છે. મેં કહ્યું એક કામ કર, અરીસામાં તારો ચહેરો જોતાં-જોતાં પત્ર વાંચ, બધું વંચાશે અને તેને વંચાવા લાગ્યું. બે કાર્બન પેપરના ઉપયોગથી આ રીતે મેં ઊંધા અક્ષરો પાડ્યા હતા. આવા સરપ્રાઇઝ આપીને એકબીજાને સતાવવાની અને પછી રીઝવવાની પણ મજા પડતી. એક-એક અક્ષર સાથે અમારી વચ્ચેના પ્રેમ, લાગણી અને સમર્પણ ભાવ ઘટ્ટ થતાં જતાં. કદાચ એટલે જ પહેલાંનાં લગ્નજીવનો વધુ ટકાઉ બની શક્યાં.’

જે રીતે ચાતક પક્ષી વરસાદની રાહ જુએ છે એ રીતે હું તારી રાહ જોઉં છું

સાંતાક્રુઝમાં રહેતાં નીતા કમલેશ પારેખે પોતાના જીવનમાં એક જ પત્ર લખ્યો છે. કુલ ચાર પાનાંનો પત્ર, પરંતુ એનો જવાબ આવ્યો એક જ લાઇનમાં. ૪૦ વર્ષ પહેલાં લવમૅરેજ કરનારાં નીતાબહેન કહે છે, ‘અમે પાડોશી હતાં અને રોજ મળવાનું થતું એટલે પત્ર લખવાની જરૂર નહોતી પડતી. જોકે મારા ઘરે અમારા વચ્ચેના સ્નેહભાવની ખબર પડી એટલે મારા પર અમુક બંધનો લાદી દેવામાં આવ્યાં. મને એકલી બહાર ન જવા દેવામાં આવે. હું તેને મળી નહોતી શકતી. અંદરોઅંદર હું ખૂબ દુઃખી હતી. સત્તર વર્ષની ઉંમર. મારા મનની તમામ પીડા, તમામ સંજોગોને મેં રડતાં-રડતાં ચાર પાનાંના પત્રમાં ઉતારી દીધાં અને એ પત્ર મારી ફ્રેન્ડ દ્વારા તેમને મોકલી દીધો. બીજા દિવસે તેમનો પત્ર આવ્યો. હું ખૂબ ઉત્સાહમાં હતી. ખોલીને જોયો તો એમાં એક જ લાઇન - જેમ ચાતક પક્ષી વરસાદની રાહ જુએ છે એમ હું તારી રાહ જોઈશ. સાચું કહું? એ એક જ લાઇને મને એટલો હાશકારો આપ્યો કે ન પૂછો વાત. બસ, એ પછી અમે સાથે થઈ ગયાં એટલે ફરી પત્રોની જરૂર ન પડી.’

લગ્ન પછી પણ પત્રોથી વાત ચાલુ રહી

માત્ર અઢી મહિનાના કોર્ટશિપ પિરિયડમાં પણ પત્રવ્યહારનો આશરો લેવો પડે એ માન્યામાં આવે છે? જોકે એવું બન્યું છે અને એક નહીં, પરંતુ લગભગ એક ડઝનથી વધારે પત્રો બોરીવલીમાં રહેતા અને ૨૦ વર્ષનું લગ્નજીવન ધરાવતા કપલ પંકજા અને સચિન બાફનાએ એકબીજાને લખ્યા હતા. પંકજા કહે છે, ‘હું અહમદનગરમાં રહેતી હતી અને તેઓ મુંબઈમાં. ફોન હતા પણ બધાની વચ્ચે કેવી રીતે વાત કરવાની એટલે પત્રો લખાતા. અમે બન્ને જૉબ કરતાં એટલે રાતે જાગીને પત્રો લખતાં. એમાં પણ જો કોઈ એકે પત્રનો જવાબ સમયસર ન આપ્યો હોય તો બીજા પત્રમાં એની ખીજ હોય અને એના પ્રત્યુત્તરનો પોણાભાગનો પત્ર શું કામ પોતે પત્ર ન લખ્યો એના ખુલાસામાં ગયો હોય.’

અઢી મહિનાના સગાઈગાળા ઉપરાંત લગ્ન પછી ડિલિવરી માટે મમ્મીના ઘરે ગયેલી પંકજા કહે છે, ‘આમ અમારા સમયમાં ફોન અવેલેબલ હતા, પરંતુ પત્રોમાં જે મજા હતી એ ફોનમાં નહોતી. ટપાલીની રાહ જોવાતી. એક-એક શબ્દ વંચાતો જાય અને સામે ચહેરો તરવરતો હોય. એ ઇન્તેજાર મીઠો હતો. સૌથી મોટી વાત થયેલી વાતચીત હવે ભુલાઈ ગઈ છે, પરંતુ પત્રો આજે પણ સામે છે. એ પત્રો વાંચીએ ત્યારે એ જ પ્રેમની ઉત્કટતા અને હૂંફ રિવાઇવ થઈ જાય છે. પત્રો દ્વારા વ્યક્તિ એકબીજાને ખૂબ ઘનિષ્ઠતાથી સમજી શકતી હતી.’

જ્યારે રેવન્યુ વિભાગની રેઇડમાં પિતાને દીકરાનો પ્રેમપત્ર વાંચવાની ફરજ પડી

સામાજિક કાર્યકર તરીકે સક્રિય દીપક મોદી મુંબઈમાં હતા અને તેમનાં પત્ની કલકત્તા. લગભગ દોઢ વર્ષ તેમની સગાઈ ચાલી, જેમાં સોથી અધિક પત્રોની આપ-લે થઈ હશે. દીપકભાઈ કહે છે, ‘પત્રોમાં મનની તમામ વાતો એકબીજાને કહી દેવામાં આવતી હતી. ફોન લગાડતો, પણ એમાં પહેલાં ઇન્ફૉર્મ કરીને સામેવાળાને બોલાવવા પડે. ત્યાં આવીને તે બેસે ત્યાં સુધીમાં અહીં ફોન કટ થઈ ગયો હોય. પાછો નંબર લાગે નહીં. આમ કેટલીય વાર કલાકોના કલાકો વેડફાઈ ગયા હોય. એટલે પત્રોથી એ બધા ખુલાસા થાય. વાતોને વળ ચડાવીને કહેવામાં આવે. ગમે તે કહો, પણ મજા આવે એમાં. એ રાહ જોવાની, મનમાં કલ્પનાના મિનારા ચણાય, એ પત્રોમાં ઝિલાય અને પ્રિયજનને એમાં સામેલ કરાય. એનાથી સંબંધ મીઠો બની જતો. એકેય પત્ર પાંચ પાનાંથી નાનો ન હોય. અઠવાડિયામાં ત્રણથી ચાર આવા પત્રો લખાતા હોય, પરંતુ વાતો ખૂટી ન હોય. હું ઘણી વાર નેક્સ્ટ પત્ર ક્યારે લખીશ એની વિગત પણ લખી દેતો અને ત્યાં ઇન્તજાર ચાલુ થતો. આંગડિયાથી મોકલતો એટલે પત્ર મારા સસરા પાસે પહોંચતો. ઘણી વાર તો પત્ર મળ્યો જ નથી એમ કહીને તેના ઘરવાળાઓ પણ તેને ચીડવતા. જોકે એક કિસ્સો મારે ખાસ કહેવો છે. અમારાં લગ્ન થઈ ગયાં અને લગ્નના એક વર્ષ પછી અમારી દુકાનમાં રેવન્યુ વિભાગની રેઇડ પડી. એમાં વળી આ પત્રોનો જથ્થો તેમને હાથ લાગ્યો. ગુજરાતીમાં લખાયેલું એટલે ઑફિસરોને કંઈ ખબર ન પડે, પરંતુ હાર્ટ અને ફુલનું ચિતરામણ જોઈને તેમને એમાં શું છે એ જાણવાનું મન થયું. ત્યારે હું હાજર નહોતો એટલે મારા પિતાએ એ પત્ર વાંચવો પડ્યો.

આ પણ વાંચો : અંતર જનરેશનનું, વિચારોનું નહીં

હું તેને ખમણ ઢોકળા કહેતો અને એના જેવી અનેક પ્રેમભરી વાતો એમાં હતી. થોડુંક વાંચ્યું ત્યાં ઑફિસર સમજી ગયો અને બંધ કરાવ્યું. એ વખતે જે સ્થિતિ સર્જાઈ એના કારણે બધા જ પત્રો ફાડી નાખ્યા. થોડીક યાદગીરી બૅન્કના લૉકરમાં રાખી છે.’

columnists