અર્થનું અર્થઘટન : જવાબદારીનો અર્થ માત્ર ફરજ કરનારાઓનો જગતમાં તોટો નથી

10 January, 2020 06:09 PM IST  |  Mumbai Desk

અર્થનું અર્થઘટન : જવાબદારીનો અર્થ માત્ર ફરજ કરનારાઓનો જગતમાં તોટો નથી

બહુ સાહજિક રીતે જ્યારે વાત જવાબદારીની કરવામાં આવતી હોય છે ત્યારે લોકો પોતાની ફરજને જવાબદારીના સ્વરૂપમાં ગણી લે છે, પણ હકીકતમાં એવું હોતું નથી. ફરજ અને જવાબદારી વચ્ચે બહુ મોટો અર્થભેદ છે અને એ અર્થભેદને સમજવો બહુ જરૂરી છે. ફરજનો અર્થ સરળ છે અને સમજવામાં થોડો આસાન પણ છે. ફરજનો અર્થ છે કે તમને જે કહેવામાં આવ્યું છે, તમને જે સૂચન કરવામાં આવ્યું છે એનું પાલન કરવું. પત્રકાર, પૉલિટિશ્યન કે પછી પોલીસ ખાતામાં ફરજ નિભાવતા સૌકોઈએ જે નિભાવવાની હોય છે એ ફરજ હોય છે. ડૉક્ટરે વ્યક્તિનો જીવ બચાવવો એ તેની ફરજ છે અને એન્જિન્યરે સારો પુલ બનાવવો એ તેની ફરજ છે અને આ ફરજ તેમણે નિભાવવી જોઈએ, પણ વાત જ્યારે જવાબદારીની આવી જાય ત્યારે એમાં નૈતિકતાનું મૂલ્ય ઉમેરાઈ જતું હોય છે.

જવાબદારી ક્યારેય કહેવામાં ન આવે એવું બને અને એવું પણ બને કે જવાબદારી નિભાવવા માટે કોઈ અંગુલિનિર્દેશ ન આપે એ પણ શક્ય છે. જવાબદારી તમારે સમજવી પડે, તમને સમજાવી જોઈએ અને જવાબદારી તમને મનથી ઊગવી જોઈએ. એક પુત્રએ પિતાની પાછળની ઉંમરમાં તેની સેવાચાકરી કરવી એ ફરજ હોય કે નહીં, પણ એ જવાબદારી તો છે અને છે જ. એ જવાબદારીમાંથી તે છૂટી શકે અને છૂટ્યા પછી તેને કોઈ સજા ન મળે એવું પણ બની શકે, પણ એ જવાબદારી માટે આત્મા ડંખ્યા વિના ક્યારેય રહેતો નથી. સારું કામ કરવું એ કોઈની પણ ફરજ હોઈ શકે, પણ સારું કામ યોગ્ય સમયે, યોગ્ય રીતે અને ઉચિત પ્રકારે કરવામાં આવે એ દરેકેદરેકની જવાબદારી છે અને આ જવાબદારી જ આત્મસંતોષ આપવાનું કામ કરે છે. ફરજ છે એ તો નિભાવવાની છે જ, પણ જવાબદારી ગણીને એ ફરજને નિભાવવામાં આવે તો એ નિભાવવાની પ્રક્રિયા સંતોષ આપવાનું કામ કરી જાય છે.
જો કામની વાત હોય તો એમાં પણ એ જ લાગુ પડે છે. ડૉક્ટર કહે એ મુજબ વર્તે તો એ કમ્પાઉન્ડરે ફરજ અદા કરી કહેવાય, પણ ડૉક્ટરની ગેરહાજરીમાં પણ ડૉક્ટરની હાજરી જેવું જ કામ આપીને દરદીની સેવા કરવામાં આવે તો કમ્પાઉન્ડરે જવાબદારી નિભાવી કહેવાય. આટલી લાંબી વાત પછી પૂછવાનો એક જ સવાલ છે કે તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે તમે દિવસ દરમ્યાનમાં ફરજ કેટલી નિભાવી અને કેટલી જવાબદારી નિભાવી? જો ન વિચાર્યું હોય તો એક વખત વિચારજો. એક વખત જાતને આ પ્રશ્ન પૂછશો તો તમને સમજાશે કે ફરજ અને જવાબદારી વચ્ચે જે ભેળસેળ કરી નાખી છે એ કેવી ગેરવાજબી છે. સમજાશે તમને કે ભગવદ્ગીતાના કર્મના સિદ્ધાંતોનું કેટલું ગેરવાજબી અર્થઘટન કરીને તમે ખોટી દિશામાં આગળ વધો છો. આગળ વધો છો અને પારાવાર લોકોની પીડાનો ભાર સહન કરવાનું કામ કરો છો.
વિચારજો, એક વાર, ફક્ત એક વાર વિચારજો.

manoj joshi columnists