આ બેલડી પાસેથી ખેતર ભાડે રાખો અને ઉગાડો તમારાં મનગમતાં શાકભાજી

19 January, 2020 03:44 PM IST  |  Mumbai Desk | shailesh nayak

આ બેલડી પાસેથી ખેતર ભાડે રાખો અને ઉગાડો તમારાં મનગમતાં શાકભાજી

તસવીરમાં ડાબે તાન્યા ખંભોળજા અને જમણી બાજુ રાધિકા શાહ.

હમણાં ઉત્તરાયણનું પર્વ ગયું. મોટા ભાગના સ્વાદના શોખીનોએ ધરાઈને ઊંધિયું ખાધું હશે. હળવાશમાં કહીએ તો ઊંધિયું એ શાકભાજીનો મેળો છે, પણ અત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. એવામાં ઑર્ગેનિક વેજિટેબલ્સનો તો વિચાર પણ કરવો અસંભવ લાગે છે. સુપર-માર્કેટ્સમાં મળતાં ઑર્ગેનિક શાકભાજી પણ ખરેખર રસાયણ વિનાનાં હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.

શહેરીજનો માટે તો શાક હંમેશાં માર્કેટમાંથી જ આવતું હોય, પણ શું એવું સંભવ છે કે તમે ડાયરેક્ટ ખેતરમાંથી ઊગેલું શાક ખાઈ શકો?
તમને શુદ્ધ, કોઈ જ રાસાયણિક ખાતર વિના ઊગેલાં શાકભાજી તમારા જ ખેતરમાં ઉગાડી આપે તો? કઈ જમીનમાંથી તમારા ઘરે શાક આવી રહ્યું છે એની પણ તમને ખબર હોય તો? ધારો કે તમારે ઑર્ગેનિક શાકભાજી ઉગાડવાં છે, પણ તેના માટે તમારી પાસે જગ્યા નથી, સમય નથી અને સ્કિલ પણ નથી? એમ છતાં તમે તમારા પોતાના ફાર્મનાં ઑર્ગેનિક વેજિટેબલ્સ ખાઈ શકો તો?

આ બધું વાંચીને તમે કદાચ મનોમન વિચારી રહ્યા હશો કે કુછ જ્યાદા હો ગયા! પણ એવું નથી. ગુજરાતની બે બહેનો રાધિકા શાહ અને તાન્યા ખંભોળજા તમારું આ સપનું સાકાર કરી શકે એમ છે. તેમણે એક રિવર ફાર્મ નામે ફાર્મલેટ વિકસાવ્યું છે જ્યાં તમે તમારા મનપસંદ ઑર્ગેનિક વેજિટેબલ્સ ઉગાડી શકો છો. કઈ રીતે એ જરાક સમજીએ.

અમદાવાદ – ગાંધીનગર હાઇવે પર કોબા નજીક ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી પાસે સાબરમતી નદીના કિનારે આવેલા રિવર ફાર્મમાં જ્યાં ૯૦થી ૫૦૦ સ્ક્વેર ફીટના નાના – નાના ભાગલા પાડી દેવામાં આવ્યા છે. આ નાના ખેતરના એક ભાગને તમે ભાડે રાખીને તમારી મનગમતી શાકભાજી ઉગાડી શકો છો. નાના ખેતરમાં ઑર્ગેનિક રીંગણ, વાલોળ, પાપડી, મૂળા, ટમેટાં, બ્રોકલી, કેબેજ, ફુલાવર, શક્કરિયાં, લીલી ચા, ગાજર, વરિયાળી, ફુદીનો, સુવાની ભાજી, પાલક, મેથી સહિતની શાકભાજી ઉગાડવામાં આવી રહી છે. અહીં તમને લીલા સેતુર, જાંબુ, પપૈયાં, કેળા, મોસંબી, અંજીરના નાનાં મોટાં વૃક્ષ – વેલા પણ જોવા મળશે.

કોબા પાસે સાબરમતી નદીના કિનારે રાધિકા શાહનું મોટું ફાર્મ છે. રાધિકાની ઇચ્છા હતી કે એનો કોઈક સારા કામ માટે ઉપયોગ થાય, બીજી તરફ તાન્યા ખંભોળજા પાસે ઑર્ગેનિક ફાર્મિંગ માટેની સ્કિલ અને સૂઝબૂઝ હતાં. બન્નેને જોઈતું મળી ગયું અને ભેગા મળીને સર્જન કર્યું ઑર્ગેનિક વેજિટેબલ્સ અને ફાર્મલેટના અનોખા કન્સેપ્ટનું.

ધ રિવર ફાર્મનાં રાધિકા શાહ અને તાન્યા ખંભોળજા તેમના આ અનોખા ફામલેટ અંગે માંડીને વાત કરતા ‘મિડ ડે’ને કહે છે, ‘અમે જ્યારે છ મહિના પહેલાં મળ્યાં ત્યારે ખાલી ઘર માટે શાકભાજી નહોતા ઉગાડવા. અમે એક વિઝન સાથે આગળ વધ્યાં અને કમ્યુનિટી ફાર્મનો કન્સેપ્ટ ઊભો કર્યો કે કેવી રીતે બધાને બેનિફિટ કરી શકીએ? કેવી રીતે એજ્યુકેશનલ ફિલ્ડ જેવું પણ બની શકે ? એટલે ઑર્ગેનિક શાકભાજી ઉગાડવા માટેનું આયોજન થયું અને તેમાં સોસાયટીને પણ જોડવી હતી. મોટું ફાર્મ હતું એટલે મોટી ખેતી કરીએ અને જોઈએ તેવી સફળતા મળે ના મળે તેના કરતાં નાના – નાના પેચીસમાં ઑર્ગેનિક ફાર્મની ખેતી કરીએ તો બધું કન્ટ્રોલ થઈ શકે અને સફળતા પણ મળી શકે. એટલે મોટા ખેતરમાં ૯૦, ૧૦૦, ૨૦૦, ૩૦૦, ૪૦૦ અને ૫૦૦ સ્ક્વેર ફીટના અલગ અલગ ૨૯ પેચ પાડયાં. તેમાં ઑર્ગેનિક શાકભાજી ઉગાડીએ છીએ. વિન્ટર, સમર અને મોન્સૂનની સાઈકલ પ્રમાણે ઑર્ગેનિક શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. આ અમારી પહેલી સીઝન છે અને તેમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો છે. જેમની પાસે પોતાનું ખેતર નથી કે તેના જેવી જગ્યા નથી, સમય નથી, સ્કિલ નથી, પણ ઑર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે જેઓ જાગ્રત છે તેવા લોકો તરફથી અમને અદ્ભુત રિસ્પોન્સ મળ્યો છે અને તેમણે નાના પેચીસ રેન્ટ પર રાખ્યા છે.’

સાઇઝ મુજબનું રૅન્ટ
ઑર્ગેનિક શાકભાજી ઉગાડવા અને જગ્યા ભાડે આપવાની પ્રક્રિયા વિશે વાત કરતાં તેઓ કહે છે કે ‘અલગ અલગ સાઇઝના પૅચીસ પ્રમાણે અમે રેન્ટ લઈએ છીએ. જેમકે ૯૦થી ૧૦૦ સ્ક્વેર ફીટના પેચ માટે ત્રણ મહિનાનું રેન્ટ ૧૫૦૦ રૂપિયા છે. જે વ્યક્તિ આ પૅચ રેન્ટ પર લે તેમના માટે અમે ત્રણ મહિના સુધી અલગ અલગ ઑર્ગેનિક શાકભાજી ઉગાડીએ છીએ. બીજો કોઈ ખર્ચ આપવાનો રહેતો નથી. રેન્ટ પર જગ્યા રાખનાર વ્યક્તિ કહે તે શાકભાજી અમે ઉગાડી આપીએ છીએ. શિયાળામાં અત્યારે ત્રણ ટાઇપના રીંગણ જેમાં ભુટ્ટા, રવૈયા અને લાંબા રીંગણ ઉપરાંત સુરતી પાપડી, વાલોળ પાપડી, પાલક, ટમેટાં, ચેરી ટમેટાં, મેથી, લાલ અને સફેદ મૂળા, બ્રોકલી, ફુલાવર, કેબેજ, શક્કરિયાં, શેરડી, વરિયાળી, ફુદીનો, લીલી ચા, કોથમીર, ગાજર, સુવાની ભાજી સહિતની ઑર્ગેનિક શાકભાજી અમે ઉગાડી આપીએ છીએ અને અમારા પીકઅપ સ્ટેન્ડ પરથી કે ફાર્મ હાઉસ પરથી લોકો તેમના ઑર્ગેનિક શાકભાજી લઈ જાય છે. અમારા ફાર્મમાં ઑર્ગેનિક શાકભાજીની ખેતી માટે પાંચ ખેડૂતો કામ કરી રહ્યા છે અને દેખભાળ રાખી રહ્યા છે.’

રસાયણમુક્તિ તાતી જરૂરિયાત
રસાયણિક ખાતરો વિના થતી ઑર્ગેનિક ખેતી દ્વારા શાકભાજી ઉગાડવાં અને લોકોને પણ એમાં ઇન્વૉલ્વ કરવાનો આઇડિયા કેવી રીતે આવ્યો તે અંગે વાત કરતા રાધિકા શાહ અને તાન્યા ખંભોળજા કહે છે કે ‘ઑર્ગેનિક અત્યારે બહુ જ જરૂરી છે. આપણી લાઇફ સ્ટાઇલમાં અત્યારે જે રીતે ન કળી શકાય એવા રોગ થઈ રહ્યા છે. એમાં આપણે જે શાકભાજી ખાઈ રહ્યા છીએ એનો પણ ફાળો છે. એ બહુબધું રસાયણિક ખાતરોવાળું મળતું હોય છે એટલે લોકોને રિયલ ઑર્ગેનિક ફૂડ મળી શકે તે જરૂરી છે. લોકો એમ સમજે છે કે ઑર્ગેનિક એટલે એક્સપેન્સીવ, પણ એવું નથી. ઑર્ગેનિક મોંઘું નથી. ઑર્ગેનિક બેઝિક વસ્તુ છે. તમે ઉગાડો અને તમે ખાઓ. તમે બહુ મિનિમમ કોસ્ટમાં પણ તમારા નોર્મલ શાકભાજી ખાઈ શકો છો. ઑર્ગેનિક એટલે મોંઘું તે મેન્ટાલિટી બ્રેક કરવી હોવાથી અમે ફાર્મમાં ખાતર બનાવવા માટે નેચરલ કંપોસ્ટ સિસ્ટમ બનાવી છે. ફાર્મમાં જે પાંદડા સહિત ડ્રાય વેસ્ટ હોય તેને એકઠો કરી છાણ નાખીને તેને હીટ થવા દઈએ અને તેનો ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. અમે પેસ્ટિસાઇડ નથી વાપરતા, પણ અમૃતજળ બનાવીએ છીએ. ગૌમુત્ર, છાણ, ગોળ મિક્સ કરીને ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ.’

ઑર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે જેઓ જાગ્રત છે તેવા લોકોનો રિસ્પોન્સ સારો છે અને રાધિકા અને તાન્યાનો તો દાવો છે કે ‘અમદાવાદમાં કે ગુજરાતમાં આવો કન્સેપ્ટ ક્યાંય નથી, આ પ્રકારનો આ પહેલો કન્સેપ્ટ છે. જગ્યા ભાડે રાખનાર વ્યક્તિને ફાર્મ પર આવીને શાકભાજી ઉગાડવા હોય તો તેઓ અમારા ગાઇડન્સ હેઠળ ખેતી કરી શકે છે. ઘણાં ફૅમિલી તેમનાં બાળકોને લઈને વીકએન્ડમાં અહીં આવે છે અને ઑર્ગેનિક ખેતી કઈ રીતે થાય છે એ બધું બતાવે છે.’

જેણે ફામલેટમાં જગ્યા ભાડે રાખી હોય તેની જગ્યા પાસે તેમનું નામ દર્શાવતા બોર્ડ.

કઈ રીતે શરૂ થઈ ખેતીયાત્રા?
બિઝનેસ ફૅમિલીમાંથી આવતાં અમદાવાદનાં રાધિકા શાહ કહે છે કે ‘અમારી પાસે સાબરમતી નદી કિનારે ફાર્મ હતું. હું વિચારતી હતી કે આ જગ્યાનો કંઈક ઉપયોગ કરવો જોઈએ. મને કોઈકે અર્બન ફાર્મિંગનું કામ કરતી તાન્યાનો સંપર્ક નંબર આપ્યો. હું તેને મળી, તેને મારા ફાર્મ પર લઈ ગઈ. તેને પણ ઇન્ટરેસ્ટ હતો અને પછી ટીમ વર્કથી ઑર્ગેનિક શાકભાજી ઉગાડવાનું કામ શરૂ કર્યું.’

પોતાને ખેતીમાં કેવી રીતે રસ પડ્યો એ વિશે તાન્યા કહે છે, ‘આમ તો મેં કમ્યુનિકેશન ડિઝાઇન અને ફિલ્મ મેકિંગમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું હતું. મુંબઈમાં મેં ચાર વર્ષ કામ કર્યું, પણ મારે કુદરતના રિલેટેડ કંઈક કરવું હતું એટલે હું મુંબઈથી અમદાવાદ આવી. હું અલગ અલગ ફાર્મ પર ગઈ. ગ્રીન હાઉસ, કમર્શિયલ ખેતી અને ઑર્ગેનિક ખેતીના ખેતરોમાં જઈને ચાર – પાંચ મહિના પસાર કર્યા અને ખેડૂતો પાસેથી ઘણુંબધું શીખી. ત્યાર બાદ મેં અર્બન ફાર્મિંગનું કામ શરૂ કર્યું. મારા નાના વહીદ કુરેશી એગ્રીકલ્ચરમાં ગોલ્ડ મેડલિસ્ટ હતા. ગીર પાસે આવેલા તરોડા ગામે તેમનું ખેતર હતું. અમે ત્યાં બહુ જતાં હતાં. તે સમયથી મને ખેતીમાં રસ પડ્યો હતો.’

ઑર્ગેનિક શાકભાજીનો ટેસ્ટ કરો તો ખબર પડે
ધી રિવર ફાર્મના ફાર્મલેટમાં જગ્યા રેન્ટ પર રાખનાર અમદાવાદના ડાયના જોસેફ ‘મિડ ડે’ને કહે છે કે ‘ઑર્ગેનિક શાકભાજીનો ટેસ્ટ કરો તો ખબર પડે. ફાર્મમાંથી મને પાલક મળી હતી. તે દેખાવમાં સુંદર નહોતી પણ ટેસ્ટ કરો તો ખબર પડે. સૂપ – સલાડમાં તેનો ઉપયોગ કરો તો ટેસ્ટમાં રીચનેસ દેખાય કે ઇટસ ડિફરન્ટ. બજારમાંથી લાવેલી પાલક બગડવા માંડે છે પણ અહીંથી આવેલી પાલક બગડતી નથી, લાંબો સમય ચાલે છે.’

ફાર્મલેટમાં જોડાવા અંગેની વાત કરતાં ડાયના કહે છે કે ‘તાન્યા સાથે વાતો વાતોમાં ખબર પડી કે તે ઑર્ગેનિક શાકભાજી માટે ઇનિશ્યેટીવ લઈ રહી છે. ઑર્ગેનિક વેજિટેબલનું શું ઇમ્પોર્ટન્સ છે તે બધાને ખબર છે. મને વધારે ઇન્ટરેસ્ટ એટલા માટે થયો કે આપણે જાતે ફાર્મ રેન્ટ કરી શકીએ અને એક્સપર્ટ એડવાઇઝ મળે. મારી ઇચ્છા પ્રમાણે ઘર માટે જોઈએ તેવી શાકભાજી પેશન સાથે મળે છે. એટલે મેં નક્કી કર્યું હતું કે હું આમાં ભાગ લઈશ. ફામલેટ પાછળ કોન્સિયસ એફર્ટ છે, ઇકો ફ્રેન્ડલી ઇનિશ્યેટીવ છે. ઑર્ગેનિક ફૂડ મોંઘું હોય તેવું વિચારીએ છીએ પણ આ અફોર્ડેબલ છે. મને ફામલેટમાંથી રીંગણ, લેમન ગ્રાસ સહિતની શાકભાજી મળે છે. રીસન્ટલી હું ફામલેટ પર ગઈ હતી ત્યારે મારા સનની ઇચ્છા છે કે તેને ત્યાં પોમોગ્રેનેટનું ટ્રી બનાવવું છે. અહીં લર્નિંગ એક્સપિરિયન્સ પણ છે.’

shailesh nayak weekend guide columnists