સંબંધો છે કે વૉટ્સઍપ સ્ટેટસ : વ્યવહાર અને લાગણીમાં ફરક છે

14 December, 2019 01:41 PM IST  |  Mumbai | Sanjay Raval

સંબંધો છે કે વૉટ્સઍપ સ્ટેટસ : વ્યવહાર અને લાગણીમાં ફરક છે

પ્રતીકાત્મક તસવીર

આપણે વાતો કરતા હતા સંબંધોની, જે વાતોમાં ગયા વીકમાં તમને એક કિસ્સો કહેવાનું શરૂ કર્યું હતું. એ જ વાત સાથે આજે આપણે ફરીથી આગળ વધીએ.

હસબન્ડ-વાઇફ વચ્ચે બહુ ઝઘડો થાય. આખી સોસાયટી સાંભળે. એક સમય એવો આવ્યો કે ડાહ્યા માણસોએ વચ્ચે પડવું પડ્યું. વડીલો અને ડાહ્યા, સમજદાર લોકોએ મીટિંગ કરી, જેમાં નક્કી થયું કે બન્નેને એકબીજા સામે જે ફરિયાદો હોય એ બન્નેએ એક ડાયરીમાં લખી લેવી. રોજનું કામ રોજ કરવું, જેથી બધી ફરિયાદો લખાઈ જાય અને એક મહિના પછી બધાએ ફરીથી સાથે બેસીને એ ફરિયાદોનું નિરાકરણ લાવવું. બન્નેને ડાયરી આપવામાં આવી અને વડીલો રવાના થઈ ગયા. હસબન્ડ-વાઇફને ખબર હતી કે હવે એક મહિનો બન્ને કંઈ પણ કરે તોય કોઈ વચ્ચે પડવાનું નથી એટલે એ બન્ને ચૂપ થઈ ગયાં. ઝઘડો કરવાની નોબત આવે એવી ઘટના ઘટે એટલે બન્ને યાદ રાખી લે અને રાતે ડાયરીમાં એ ઝઘડો ટપકાવી લે. મહિનો પૂરો થયો એટલે વાઇફે વડીલોને બોલાવી લીધા. વડીલો આવ્યા અને મીટિંગ શરૂ થઈ.

મીટિંગમાં વાઇફે પેલી ડાયરી ખુલ્લી મૂકી દીધી. એક પછી એક ફરિયાદો વાંચવાની શરૂ થઈ. નાનામાં નાની વાતને પણ વાઇફે નોંધી હતી, જે નોંધ જોઈને વડીલોને પણ અચરજ થયું. ચોકસાઈ સાથે એ કામ તેણે કર્યું હતું અને એ ચોકસાઈનાં વખાણ પણ થયાં. હવે આવ્યો હસબન્ડની ડાયરીનો વારો. બધાએ હસબન્ડ સામે જોયું, પણ હસબન્ડ તો પોતાના પ્રત્યે થયેલી ફરિયાદો લખવામાં વ્યસ્ત હતો. વડીલોએ હસબન્ડની ડાયરી જાતે જ ઉપાડી લીધી અને એનાં પાનાં ખોલ્યાં. પાનાં કોરાં. એક કે બે નહીં, બદ્ધેબદ્ધાં પાનાં કોરાં. બધાને નવાઈ લાગી એટલે હસબન્ડનું ધ્યાન ખેંચીને પૂછ્યું તો હસબન્ડે જવાબ આપ્યો ઃ મને એવી કોઈ ફરિયાદ જ નથી. તમારા સૌની સલાહ મુજબ રાતે મારે ડાયરીમાં ફરિયાદો લખવાની હતી, પણ રાત પડતાં મને બધા ઝઘડા અને કજિયાઓ ભુલાઈ જતા એટલે મારી પાસે કશું લખવા જેવું રહેતું નહીં.

વડીલોને ત્યારે વધારે આશ્ચર્ય થયું કે જ્યારે હસબન્ડે સ્પષ્ટતા સાથે કહ્યું કે ઝઘડા યાદ રાખીને કરવાનું પણ શું હોય. શું કામ બાકીના સમયે એ ઝઘડાનો ભાર રહેવો જોઈએ? મિત્રો, વાત ખોટી નથી. બહુ સાચી અને સારી રીતે આ વાત કહેવામાં આવી છે અને એનો જીવનમાં અમલ કરવાની સૌકોઈની જરૂર છે. ઝઘડાને સાથે લઈને નહીં ચાલો, ખાસ કરીને એવી વ્યક્તિ સાથેના ઝઘડાને જેને તમે ક્યારેય છોડવાના નથી કે છોડવા માગતા નથી. ભૂલવું નહીં, કજિયો અને મતભેદ એ જ સંબંધોમાં થાય જ્યાં અપેક્ષાને સ્થાન હોય અને અપેક્ષા એ જ જગ્યાએ હોય જે જગ્યાએ તમારી લાગણી જોડાયેલી હોય. તમે રસ્તા પરથી પસાર થતા કોઈ માણસ પાસેથી અપેક્ષા નથી રાખતા. શું કામ, જવાબ એક જ છે કે એ તમારો પોતાનો નથી. જો એ વ્યક્તિ તમારી પોતાની ન હોય તો પછી કેવી રીતે તમે અપેક્ષા રાખી શકો. આ જ વાતને જુદી રીતે પણ જાતને પૂછી લો. જે વ્યક્તિ તમારી પોતાની છે તેની પાસેથી અપેક્ષા રાખવાનો હક મળ્યો છે તો પછી તેની સાથેના કજિયાને કે મતભેદને શું કામ લાંબા સમય સુધી સાથે બાંધી રાખવાના? મનથી જોડાયેલા સંબંધોમાં પણ આ જ વાત લાગુ પડે અને જન્મ સાથે આવેલા સંબંધોમાં પણ આ જ વાત લાગુ પડે.

જન્મ સાથે મળતા સંબંધો જ આણાના સંબંધો નથી, અનેક સંબંધો એવા છે કે એ તમને આણામાં જ મળે છે. હું કહીશ કે વાઇફ એક સાથેના સંબંધો તમારી ઇચ્છા મુજબ આગળ વધાર્યા છે, પણ તેની સાથે જોડાયેલા તેના રિલેશનની વ્યક્તિઓ સાથેના સંબંધોને તમારે આવકારવાના છે. બીજો એક દાખલો પણ જોઈ લો. તમારે કોઈ સાથે બહુ સારી મિત્રતા છે તો આપોઆપ એ મિત્ર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ સાથે પણ તમારો સંબંધ બનવાનો છે, જોડાવાનો છે. મિત્રને તો તમે સાચવશો જ, પણ તેની ફૅમિલી સાથે જોડાયેલી વ્યક્તિ સાથે બનેલા સંબંધોને પણ તમારે જાળવવાના છે.

આજના સમયમાં બીજી એક સૌથી મોટી વાત જો નોંધવામાં આવતી હોય તો એ કે લગ્ન પછી દીકરાના સંબંધો ધીમે-ધીમે ઘટવા માંડે છે, જેને માટે બહુ બધાં કારણો છે, પણ એક કારણ એ પણ છે કે ક્યાંક ને ક્યાંક ઘરમાં આવેલી વાઇફ એવી રીતે વર્તે છે જેમાં હસબન્ડને એવું જ લાગવા માંડે કે તે એકલો જ આજ સુધી બધા માટે ઘસાતો હતો. હકીકત જરા જુદી હોય છે. નવી-નવી ઘરમાં આવેલી વાઇફ એ ભૂલી જાય છે કે તેણે આ સંબંધોને હજી હમણાં જ જોવાનું શરૂ કર્યું છે. ખોટું પણ નથી એમાં. તે હજી નવી આવી છે, તેણે હજી પૂરો ભૂતકાળ પણ જાણ્યો નથી. મિત્રો, એક વાત યાદ રાખજો કે આગળ-પાછળના અનુસંધાન વિના ક્યારેય કોઈના સંબંધો માટે જજ નહીં બનતા. તમારું જજમેન્ટ અન્ય કોઈના સંબંધોને અટકાવી દેવાનું, મુરઝાવી દેવાનું કે એને કાયમ માટે કાપી નાખવાનું કામ કરી શકે છે. તમારી આંખ સામે બનેલા એક કે બે ઇન્સિડન્ટથી તમે એવું ન માની શકો, ધારી શકો કે આ સંબંધો માટે તમારી વ્યક્તિ ઘસાઈ રહી છે. ભૂતકાળમાં વર્ષો સુધી જ્યારે તમારા પતિના ગજવામાં પૈસા નહોતા ત્યારે તેણે કોઈ પણ જાતના હિસાબ વિના રાખેલા એ સંબંધોને કારણે જ બધું સચવાઈ જતું હતું. જો એવું હોય તો પછી આજકાલના એકાદ-બે ઇન્સિડન્ટને આધારે તમે કશું વિચારી ન શકો. હું એક વાત કહીશ કે સંબંધો કોઈ ત્રાહિતના કારણે તો કોઈ હિસાબે ખરાબ ન થવા જોઈએ. આમ તો મને એ જ કહેવું છે કે સંબંધો ખરાબ થવા જ ન જોઈએ. આપણા સાહિત્યકારોએ એટલે જ સંબંધોને સોનાની ખાણ સમાન ગણાવ્યા હશે એવું હું ધારું છું, પણ એવું બનતું નથી. આપણે ત્યાં ત્રીજી વ્યક્તિ દાખલ થયા પછી સંબંધોનું ગણિત ઑટોમૅટિકલી ચેન્જ થવા માંડે છે, જે યોગ્ય નથી. જે તમારે માટે ૧ છે, એ સામેની વ્યક્તિ માટે ૧૦૦ સમાન પણ હોઈ શકે છે.

સંબંધો વૉટ્સઍપ સ્ટેટસ નથી કે ૨૪ કલાકમાં એ ચેન્જ થવા જોઈએ, જરાય નહીં. વિદેશમાં સંબંધોમાં આત્મીયતા નથી રહેતી તો લોકો જાતે જ રસ્તો જુદો કરી નાખે છે, પણ આપણે ત્યાં એવું નથી બનતું. આપણે ત્યાં આત્મીયતા ખૂટી ગયા પછી સંબંધોને પકડી રાખવામાં આવે છે. મારું કહેવું એમ છે કે આપણે નથી આજના રહેવાનું કે પછી નથી પાશ્ચાત્ય સંસ્કૃતિના થવાનું. આપણે સંબંધોમાં નવું સ્વરૂપ લઈ આવવાનું છે. આત્મીયતા ખૂટે નહીં એનું ધ્યાન રાખીને સંબંધો અકબંધ રાખવાના છે. જે સંબંધોને વર્ષો આપ્યાં, સમય આપ્યો એ તોડી નાખતાં એક મિનિટ પણ વિચારતા નથી એવા લોકોનો ક્યારેય ભરોસો કરવો નહીં. નાની-નાની વાતોમાં ખોટું લાગવું કે નાની-નાની વાતોમાં ઝઘડા થઈ જવા એ સારી વાત છે. એ દેખાડે છે કે સંબંધો સાચવવાની ઇચ્છા બન્ને પક્ષે પ્રબળ છે, પણ એ નાની વાતના ઝઘડા લાંબા ન ચાલે એને માટેની સક્ષમતા પણ અપનાવી લેવાની છે. સંબંધો માટે તમે જે વર્ષો આપ્યાં છે એ તમારું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. જો ઇન્વેસ્ટમેન્ટ રાતોરાત ડબલ ન થાય તો પછી ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું રિઝલ્ટ પણ તમને કેવી રીતે સરળતા સાથે, સહજતા સાથે મળે? યાદ રાખજો કે આ વ્યવહાર નથી. આ સંબંધ છે અને સંબંધો હંમેશાં જરૂરિયાતના સમયે જ પડખે આવીને ઊભા રહેશે.

યાદ રાખજો કે દરેકની એક જગ્યા છે, દરેકનું એક સ્થાન છે. ‘એક્સ’ ક્યારેય ‘વાય’ની અને ‘વાય’ ક્યારેય ‘ઝેડ’ની જગ્યા લઈ નથી શકવાનો, તમારે તમારી જગ્યા બનાવવાની હોય, તમારે તમારું સ્થાન બનાવવાનું હોય. કોઈને હટાવીને તમે તેનું સ્થાન લઈ નથી શકવાના. તમારી જગ્યા એટલી સ્ટ્રૉન્ગ બનાવો કે તમે કોઈનું સ્થાન પચાવી પાડવાને બદલે એ સ્થાનથી પણ આગળનું સ્થાન મેળવી શકો, પણ એને માટે તમારે મહેનત કરવી પડશે, ઘસાવું પડશે, સતત ઊભા રહેવાની તત્પરતા દેખાડવી પડશે અને જો એવું કરી શકશો તો જ તમારું સ્થાન અવિસ્મરણીય બનશે. દોસ્તો, એક વાત યાદ રાખજો કે તમે જેને સંબંધ માનો છો એ ખરેખર તો ઈશ્વરનું આપણી સાથેનું ઋણાનુબંધ છે. એને તોડશો નહીં, એનાથી ભાગશો નહીં, કારણ કે હવે જીવનના આપણે એવા તબક્કા પર છીએ જ્યાં ઓળખાણ દરરોજ થશે પણ સંબંધો નહીં બને. વ્યવહાર બધા નિભાવશે, પણ લાગણી કોઈ દેખાડશે નહીં.

columnists Sanjay Raval