રિજેક્શનની રાક્ષસી અસરોથી તમારી જાતને બચાવવી છે? તો રમો આ રમત!

08 October, 2019 04:35 PM IST  |  મુંબઈ ડેસ્ક | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

રિજેક્શનની રાક્ષસી અસરોથી તમારી જાતને બચાવવી છે? તો રમો આ રમત!

પ્રતીકાત્મક તસવીર

સોશિય સાયન્સ

છેલ્લા થોડા દિવસોમાં પરિવારોની સામૂહિક આત્મહત્યાના કેટલાક સમાચારો વાંચીને મન ખૂબ જ ખિન્ન હતું. ત્રણ-ત્રણ બાળકોને મારીને આત્મહત્યા કરી લેનારી મા કે બાળકીઓને નદીમાં ફેંકીને પોતે પણ નદીમાં કૂદી પડતી અને બચી જતી માની માનસિકતાનો વિચાર કરતાં થાય કે તેને જીવવાનું કોઈ એક કારણ પણ નહીં મળ્યું હોય? પોતે જેને જન્મ આપ્યો છે એ નિર્દોષ બાળકોના ભવિષ્યનો વિચાર નહીં આવ્યો હોય? કે એમના ભવિષ્યના વિચારે જ ડરી-થથરીને તેણે એ રસ્તો અપનાવ્યો હશે? એ જે હશે તે, પણ એટલું તો નક્કી કે કોઈ વ્યક્તિ જ્યારે આત્મહત્યા કે પોતાના પર આધારિત વ્યક્તિઓની હત્યા જેવું એક્સ્ટ્રીમ પગલું ભરે છે ત્યારે કાં તો એ ડિપ્રેશનમાં એટલે કે ભયંકર હતાશામાં હોય છે જેમાં વ્યક્તિએ ધાર્યું હોય એવું જીવન ન હોય, તેણે ઇચ્છી હોય તેવી કારકિર્દી ન બને કે અપેક્ષા કરી હોય તેમાંનું કંઈ મળે નહીં ત્યારે કેટલાક લોકો ભાંગી પડે છે. જ્યાં જાય ત્યાંથી કે જે કરે તેમાં તેમને રિજેક્શન કે નકાર જ મળે ત્યારે કેટલાક લોકો નિરાશ થઈને જીવનથી જ હાથ ધોઈ નાખે છે. તેમણે આવું નહોતું કરવું જોઈતું એમ કહેનારા ઘણા હોય છે. કેટલાક તો તેમની આસપાસના લોકો જ હોય છે. આવા સમાચારો વાંચનારને પણ એવી જ લાગણી થાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પોતે મુકાય તો? એવી કલ્પના કરવાની હિમ્મત પણ તેઓ નથી કરી શકતા.
તો બીજી તરફ દુનિયામાં એવા પણ વિરલાઓ છે જેમણે જીવનના તમામ નકાર, નિષ્ફળતાઓ અને અપેક્ષાભંગથી ડર્યા વિના જિંદગીને ધબકવાની તક આપી છે. પડ્યા છતાં પાછા ઊભા થઈને પોતાના ધાર્યા મુકામે પહોંચવા પ્રયાસ કર્યા છે અને એમાં સફળ થયા છે. હકીકતમાં અનેક વિખ્યાત લેખકો, વિજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, કલાકારો કે અન્ય વિભૂતિઓની જિંદગીના શરૂઆતી વર્ષો અને પછીના જીવન પર નજર કરીએ તો ચોંકી જવાય કે આ એક જ વ્યક્તિની જિંદગીની કિતાબનાં પાનાં છે? ઍપલના સ્ટીવ જોબ, જગવિખ્યાત હૅરી પોટર પુસ્તકશ્રેણીની લેખિકા જોઆન રૉલિંગ, આપણાં ઘરઆંગણાના અમિતાભ બચ્ચન કે તેમના જેવી અનેક શખ્સિયત વર્ગમાં આવે છે. એ સહુએ અનેક રિજેક્શન્સ સહન કર્યાં છે. પરંતુ રિજેક્શન આગળ હથિયાર નાખી દેવાને બદલે તેમણે તેનો સામનો કર્યો છે. એ દરેકે એ કેવી રીતે કર્યો એમ કોઈ પૂછે તો જવાબ મળે કે કોઈની અખૂટ ધીરજ, કોઈની પ્રચંડ સહનશક્તિ, કોઈની અનન્ય લગન તો કોઈની અથાક મહેનતે તેમને રિજેક્શન સામે અડીખમ રહેવાની તાકાત આપી હતી.
કૅનેડાના જૅસન કમ્લી નામના એક ઉદ્યોગસાહસિકે રિજેક્શનનો સામનો કરવામાં લોકોને મદદરૂપ થાય એવી એક રમત બનાવી છે. રિજેક્શન થેરપી’ નામની આ રમતમાં ખેલાડીએ કોઈ પણ વ્યક્તિ કે જૂથ દ્વારા પોતે રિજેક્ટ થાય એટલે કે પોતાનો અસ્વીકાર થાય, પોતાની વાતને નકારી કાઢવામાં આવે એવા જ પ્રયત્નો કરવાના. ત્રીસ દિવસની આ ચૅલેન્જમાં ખેલાડીએ તેને વધારેમાં વધારે વાર ખેલાડીને રિજેક્શન મળે તેવા પ્રયત્નો કરવાના. જૅસન કહે છે કે આ રમત રમવાથી ખેલાડીનો રિજેક્શનનો ભય કે હાઉ ખતમ થઈ જાય છે.
આપણે કોઈક વસ્તુ કે નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હોય કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય, તેમાં આપણને સફળતા મળી જ જશે તેવી અપેક્ષા રાખી હોય અને સફળ ઉમેદવારોની યાદીમાં આપણું નામ જોવા ન મળે ત્યારે જે સિન્કિંગ ફીલિંગ અનુભવાય છે તે યાદ છે? કોઈએ સીધી કે આડકતરી, ખાનગીમાં કે જાહેરમાં આપણને નકારી કાઢ્યા હોય ત્યારે અપમાનિત થયાની જે લાગણી અનુભવી હોય તે આપણને રાતોની રાત સૂવા નથી દેતી. ક્યાંય સુધી દિમાગનો કબજો કરીને પડી રહે છે. જિંદગીમાં આગળ વધતાં અટકાવવામાં રિજેક્શન કરતાં પણ વધુ જવાબદાર આવી લાગણીઓ જ હોય છે. એ લાગણીઓ દિમાગમાં જળોની જેમ વળગી રહે છે અને નવી તક આવે ત્યારે માથું ઊંચકે છે. ‘રિજેક્શન થેરપી’ રમત આવી લાગણીઓને આપણા પર હાવી થતી રોકે છે. આપણને તેના ગુલામ બનતાં અટકાવે છે અને રિજેક્શન મળે ત્યારે સ્વસ્થતા ગુમાવ્યા વગર કેવી રીતે તેને હૅન્ડલ કરવું તેની તાલીમ આપે છે. એ કેવી રીતે થાય છે? વારંવાર રિજેક્શન મળવાથી તેનો ડર ધીરે ધીરે ખતમ થઈ જાય છે અને સાથેસાથે જ એ ડરથી ઉત્પન્ન થતી નકારાત્મક અસરથી પણ વ્યક્તિ મુક્ત થઈ જાય છે.
જિયા જિઆંગ નામના એક યુવા ચીની ઉદ્યોગપતિએ સો દિવસ સુધી આ રમત રમીને વરસોથી તેનામાં ઘર કરી ગઈ હતી એવી પીડાથી મુક્તિ મેળવી છે. જિયા અમેરિકામાં રહે છે. ત્યાં તેણે આ રમત અજમાવી હતી. આ રમતમાં વધુ ને વધુ રિજેક્શન મેળવવા માટે જિયાને લોકો સમક્ષ વિચિત્રમાં વિચિત્ર માગણીઓ મૂકી હતી. જેમ કે તેણે અજાણ્યા વૉચમૅન પાસે જઈને સો ડૉલર્સ ઉધાર માગ્યા! સ્ટારબક્સમાં જઈને તેના મૅનેજરને કહ્યું કે હું સ્ટારબક્સ ગ્રીટર બનું? પેલો તો બીચારો સમજ્યો જ નહીં કે આ શું કહેવા માગે છે. એટલે જિયાએ તેને સમજાવ્યું કે જેમ ડ્રીન્ક રિફિલ કરો એમ જ બર્ગર રિફિલ કરી દ્યો. પેલો કહે અમારે ત્યાં એવી સેવા નથી અપાતી પણ મારા મૅનેજરને તમારું સૂચન જરૂર કન્વે કરીશ. એક વાર ડૉનટની બેકરીશોપમાં જઈને કહ્યું કે તમે ઑલિમ્પિક્સના સિમ્બલ જેવી ડિઝાઇનનું ડૉનટ બનાવી આપો. મુંઝાયેલી સેલ્સગર્લે વિનયથી પૂછ્યું, એ વળી કેવું?’ તો જિયાએ કાગળમાં એક્બીજામાં પરોવાયેલી પાંચ રિંગવાળું ઑલિમ્પિક્સનું પ્રતીક દોરી બતાવ્યું. પેલી કાગળ લઈને અંદર બૅકરીમાં ગઈ અને થોડીવારમાં પાંચ રિંગવાળું ડૉનટ બનાવીને લઈ આવી! જિયાએ ઇચ્છ્યું હતું એમ રિજેક્શન તો ન મળ્યું પણ એ ઑલિમ્પિક્સ ડૉનટનો વિડિયો એવો તો વાઇરલ થઈ ગયો કે તેને યુ ટ્યુબ પર પચાસ લાખ લોકોએ જોયો! અને જિયાભાઈ તો અખબારોમાં ને ટીવી ચેનલો પર છવાઈ ગયા. દુનિયાભરમાં ફૅમસ થઈ ગયા. હજારો લોકો જિયાને ઇ-મેલ કરીને પૂછવા લાગ્યા કે આ તમે શું કરી રહ્યા છો? જિયા પોતાના પ્રયોગ વિશે તેમને જણાવતો અને લોકો તેની સાથે સંવાદના કાર્યક્રમ યોજવા લાગ્યો. પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ રમતે જિયાને ઘણું બધું શીખવ્યું. પોતાની જાતને એ બદલી શક્યો. સૌથી વધુ તો સવાલો પૂછીને તેને એ જાણવા મળ્યું કે કઈ અને કેવી રજૂઆતો શા માટે રિજેક્ટ થતી હોય છે. દરેક વખતે રિજેક્શન એ વ્યક્તિની કોઈ ઊણપ કે ખામીને કારણે નહીં પણ સામી વ્યક્તિની જે જરૂરિયાત હોય તેના કરતાં જુદી લાયકાત આપણી પાસે હોય એ કારણે પણ રિજેક્શન મળતું હોય. આમ સો દિવસનો આ ખેલ જિયા માટે માનસચિકિત્સા જેવો પુરવાર થયો. રિજેક્શનની રાક્ષસી પકડમાંથી જિયા પોતાની જાતને મુક્ત કરી શક્યો, પોતાને બદલી શક્યો અને સક્ષમ બનાવી શક્યો.

columnists