કીમત દોનોં કી ચુકાની પડતી હૈ બોલને કી ભી ઔર ચૂપ રહને કી ભી

14 January, 2019 12:11 PM IST  |  | Pravin Solanki

કીમત દોનોં કી ચુકાની પડતી હૈ બોલને કી ભી ઔર ચૂપ રહને કી ભી

પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

દ્રૌપદી બોલી એટલે મહાભારત થયું અને સીતાજી ચૂપ રહ્યાં એટલે રામાયણ રચાયું. શબ્દ અને મૌન બન્નેનો એકસરખો મહિમા છે. બન્ને સમયે સારા લાગે. કસમયે બોલાયેલા શબ્દો એ ખોટા સમયે ધારણ કરેલું મૌન ક્યારેક જિંદગીમાં ઝંઝાવાત પેદા કરી શકે છે. બોલવું એક કળા છે તો ચૂપ રહેવું એ સૌથી વધુ અઘરી કળા છે. ‘બોલે એનાં બોર વેચાય’ ને ‘મૌન જેવું કોઈ શસ્ત્ર નથી’ જેવી ઉક્તિઓ બન્નેને બિરદાવે છે, પણ બન્ને માટે એક ચોક્કસ સમય અને સંજોગ હોય છે. શબ્દો ન બોલાય ત્યાં સુધી એ આપણા ગુલામ હોય છે, બોલાયા પછી આપણે એના ગુલામ થઈ જવું પડે છે. એટલે જ કહેવાયું છે કે વાણી અને પાણી બન્ને ગાળીને પીવાં જોઈએ.

કડવી વાણી કે અવળી વાણી વિનાશ સર્જે છે, મૌન વિકાસ અટકાવે છે. અવિચારી વાણી વિપદા નોતરે છે. ભગવાન શ્રીકૃષ્ણને માથે પણ આવી વિપદા આવી હતી જે બહુ ઓછા જાણે છે. કૃષ્ણ દ્વારકા આવ્યા ત્યારે ઉગ્રસેનના ભોજવંશી અને ઉગ્રસેનપક્ષી કેટલાક યાદવો પણ તેમની સાથે દ્વારકા આવી વ્ાસ્યા હતા જેમાં અક્રૂર અને સત્રજિત જેવા મહારથીઓ પણ હતા. સત્રજિતની આભા કંઈ ઓર હતી. તે સૂર્યનો ખાસ મિત્ર કહેવાતો. સૂર્ય સાથે ઘનિષ્ઠ દોસ્તી. એક વાર સત્રજિત બપોરે નાહવા માટે દરિયાકાંઠે ગયા. સામે સૂર્ય ધગધગતા ગોળાની જેમ ચમકતો હતો. સત્રજિત એનાં બરાબર દર્શન ન કરી શક્યો. સત્રજિતે સૂર્યને ઠપકો આપ્યો કે હું તારાં દર્શન કરી નથી કરી શકતો, આવા આગના ગોળા જેવા મિત્રનો અર્થ શું? સૂર્યદેવ સામે પ્રગટ્યા, પણ સત્રજિત તેજથી અંજાયેલા જ રહ્યા; કારણ કે તેમણે ગળામાં સ્યમંતક મણિનો તેજોમય હાર પહેર્યો હતો. સૂર્યદેવે એ હાર પણ ગળામાંથી બહાર કાઢી બાજુએ મૂક્યો. બન્ને મિત્રો ભેટ્યા. સ્યમંતક મણિ વગર સૂર્યદેવ કેવા લાગતા હતા એનું વર્ણન વિષ્ણુ પુરાણમાં સુંદર રીતે કર્યું છે. ‘સૂર્યદેવે મણિ બાજુમાં મૂક્યા પછી ધગાવેલા ત્રાંબા જેવા ઉજ્જવળ, બેઠી દડીના, રતુંબડી આંખોવાળા દેહધારી દેખાતા હતા.’ બન્ને મિત્રો ભાવભેર મળ્યા, પણ સત્રજિતના મનમાં સ્યમંતક મણિ જ દેખાતો હતો. આïવો મણિ પોતાની પાસે હોય તો વટ પડી જાય એવું વિચારી સૂર્ય પાસે એ મણિ ભેટ માગવાની ધૃષ્ટતા તે કરી બેઠો. સૂર્યદેવે ઉદાર ભાવે એ મણિ સત્રજિતને આપી દીધો અને પોતાના મોતને આમંત્રણ આપ્યું. વાર્તા આગïળ વધારીએ એ પહેલાં કેટલાક મણિઓ વિશે રસપ્રદ વાતો જાણીએ.

કેટલાક મણિ-રત્નો માટે લોકોમાં જાતજાતની માન્યતાઓ છે. એક માન્યતા એવી છે કે અમુક જાતિના મણિ, હીરા, રત્નો ઘરમાં આવ્યા પછી ઉલ્કાપાત મચાવે છે તો કેટલાક તારણહાર પણ બને છે. રત્નોની અમુક ચોક્કસ પરખ કરી વિધિવત પૂજા કરીને પછી જ ખરીદવા જોઈએ એવું અમુક લોકો માને છે. કેટલાક લોકો રત્નોની કુંડળી કઢાવી પોતાની કુંડળી સાથે મૅચ કર્યા પછી જ ખરીદે છે. કેટલાક લોકો એવા પણ છે કે મહામૂલાં રત્નો ઝવેરી પાસે ખરીદતાં પહેલાં એ શરત મૂકે છે કે છ મહિના રત્નો ઘરમાં રાખીશું. એના લાભાલાભ જોઈશું. જો કંઈ અમંગળ દેખાયું તો રત્ન પરત કરીશું. જુદા-જુદા મણિના ઉલ્લેખો ધાર્મિક ગ્રંથો, પુરાણો, લોકકથાઓમાં અસંખ્ય ઠેકાણે છે. મહાભારતમાં અશ્વત્થામા પાસે આવો એક મણિ હતો. રાવણે પોતાના ભાઈ કુબેર પાસેથી ચંદ્રકાન્ત મણિ પડાવી લીધાની વાત પણ છે. મણિ વિશે જાતજાતની દંતકથાઓ પણ છે. શાસ્ત્રોમાં મુખ્યત્વે મણિના નવ પ્રકારના ઉલ્લેખ છે.

સૌથી વધુ પ્રચલિત નામ ‘નાગમણિ’નું છે. વધારેમાં વધારે દંતકથાઓ નાગમણિ માટે પ્રચલિત છે. શેષનાગ ભગવાન નાગમણિ ધારણ કરતા હતા. કહેવાય છે કે જેની પાસે નાગમણિ હોય તે વ્યક્તિને જïળ આપોઆપ માર્ગ કરી આપે. એટલે જ નાગકન્યા પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પહેલાં નાગમણિની શોધ કરતો. નાગમણિમાં વિવિધ શક્તિઓ છે અનેક ચમત્કાર કરી શકે છે. એની ચમક સામે હીરાની ચમક સાવ ફીકી લાગે છે. એવું પણ કહેવાય છે કે જેને નાગમણિ પ્રાપ્ત થઈ જાય તેનો બેડો પાર થઈ જાય. ધન અને શક્તિ અમાપ બની જાય. છત્તીસગઢના સાહિત્યમાં નાગ-નાગલોક અને નાગમણિ માટે ઘણીબધી દંતકથાઓ જોવા મળે છે. સમકાલીનથી માંડીને આદિ-અનાદિ દરેક જમાનામાં નાગમણિનો મહિમા રહ્યો છે.

બીજો પ્રકાર છે પારસમણિ. પારસમણિ શબ્દ કોણે નહીં સાંભળ્યો હોય? પારસમણિ લોખંડને સ્પર્શે તો સોનું થઈ જાય એ ઉક્તિ તો જગપ્રસિદ્ધ છે. જે માણસ જ્યાં હાથ નાખે ત્યાં સફળતા મળે એને આપણે પારસમણિનો સ્પર્શ કહીએ છીએ. પારસમણિનો ઉલ્લેખ અનેક પુરાણ કથા-લોકકથામાં થયો છે. એક વાત એવી પણ પ્રચલિત છે કે પન્નાની ખાણ જે મધ્ય પ્રદેશમાં છે, ત્યાંથી ૭૦ કિલોમીટર દૂર એક હનવાટા ગામના એક કૂવામાં રાતના પ્રકાશનો ઝગમગાટ થાય છે. લોકોની માન્યતા છે કે એ કૂવામાં પારસમણિ છે. એવી પણ માન્યતા છે કે કાગડાઓ પારસમણિને જલદી ઓળખી જાય છે.

મણિનો એક પ્રકાર ‘કૌસ્તુભ મણિ’ તરીકે ઓળખાય છે. ભગવાન વિષ્ણુ આ મણિ ધારણ કરે છે. આ મણિ સમુદ્રમંથનમાંથી મળ્યો હતો. એ સમયે ૧૪ રત્નો પ્રાપ્ત થયાં હતાં. એમાં આ મણિ મુખ્ય હતો. આ મણિ અત્યંત કાન્તિમય મણિ છે. આ મણિ કોઈ પણ આપત્તિ, વિપત્તિ, મુશ્કેલીઓ, મુસીબતો, કષ્ટોથી દૂર રાખે છે. એવી વાતો પ્રચલિત છે કે આજે પણ આ મણિ સમુદ્રના તળિયે કે પાતાળમાં ધરબાયેલો છે.

નીલમણિ. આ એક રહસ્યમય મણિ છે. લોકો એને નીલમ તરીકે પણ ઓળખે છે. શનિનું રત્ન નીલમ અને નીલમણિમાં ફેર છે. આ મણિ જેની પાસે હોય તેને રાજયોગ આવે છે. ભૂમિ, ભવન, વાહન, અન્ન, સુખન પામે છે. આ મણિ ઇન્દ્રનીલ, કૃષ્ણગૃહી નીલમણિ તરીકે પણ ઓળખાય છે. વાયકા એવી છે વિશ્વનો સૌથી મોટો ૮૮૮ કૅરેટનો મણિ શ્રીલંકામાં છે, જેની કિંમત ૧૪ કરોડની અંકાય છે. નીલમના બે પ્રકાર છે, જલનીલ અને ઇન્દ્રનીલ. જમ્મુ-કાશ્મીરમાં નીલમ મળી આવે છે. કહેવાય છે કે કાશ્મીરમાં પુરાણકાળમાં નાગવંશીઓનું શાસન હતું. નેપાલના પશુપતિનાથમાં નીલમણિ રાખવામાં આવ્યો છે.

સ્ફટિક મણિ. આ મણિ સફેદ રંગનો હોય છે. દરેક મણિ ચમકદાર તો હોય જ છે, પણ આ મણિની ચમક સહેજ ઓછી હોય છે. બજારમાં આ મણિ સહેલાઈથી મળી આવે છે. આપણે ઘણી વાર સાંભïળ્યું કે વાંચ્યું છે કે ફલાણી વ્યક્તિના ગળામાં સ્ફટિક મણિની માળા શોભતી હતી.

સ્ફટિક મણિનાં ફળ શુભ-અશુભ બન્ને હોય છે. એટલે આ મણિ ધારણ કરતાં પહેલાં કે ઘરમાં લાવતાં પહેલાં એની કસોટી કરવામાં આવે છે. મંત્રજાપ કરવામાં આવે છે. જયોતિષશાસ્ત્રોમાં સ્ફટિક મણિ માટે ઘણીબધી ચમત્કારિક વાતો કહેવામાં આવી છે. એવી માન્યતા છે કે સ્ફટિક મણિ ધારણ કરવાથી બળ, બુદ્ધિ, ધૈર્ય, યશ પ્રાપ્ત થાય છે.

લાજવર્ત મણિ. આ મણિ બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એનો રંગ મોરની ગરદન જેવો નીલ-શ્યામ સ્વર્ણિમ છાંટવાળો હોય છે. એવું માનવામાં આવે છે આ મણિ મંગળવારે વિધિવત્ ધારણ કરવામાં આવે તો ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રહેતો નથી. બળ, બુદ્ધિ વધે છે.

ઉલૂક મણિ. કહેવાય છે કે આ મણિ ઉલ્લુ-ઘુવડ પક્ષીના માળામાં મળી આવે છે. પણ હજી સુધી એ સત્ય સાબિત થયું નથી. એવી પણ કિંવદંતી છે કે અંધ વ્યક્તિની આંખે આ મણિ અડાડવાથી દેખતી થઈ જાય છે. (હકીકતમાં આવું માનનારને અંધશ્રદ્ધાળુ-આંધળો જ કહેવો જોઈએ).

ચંદ્રકાન્તા મણિ. આ મણિ ભારતમાં ઉપલબ્ધ નથી, એનું ઉપરત્ન ઉપલબ્ધ છે. આ મણિનો સંબંધ ચ્ાંદ્રમા સાથે છે. ઝારખંડના બૈન્નાથ મંદિરમાં આ મણિ છે. રાવણે આ મંદિરમાં મણિ જડાવ્યો હતો. ચંદ્રકિરણો સામે આ મણિ ધરવાથી જળ ટપકે છે અને આ જળમાં અદ્ભુત ઔષધીય ગુણો હોવાનું મનાય છે.

‘રૂક્ષોદન શીતલમ્ હરદિજારહાહ વિષામહમ્ ચંદ્રકાન્તાહ્વમ્

વારિ વિતધનં વિમલ સમૃત્મ’ એટલે કે ચંદ્રકાન્તા મણિથી પેદા થયેલું જળ કિટાણુઓનો નાશ કરવાવાળું, શીતળ, આહ્લાદક, જ્વરનાશક, દાહ અને વિષને શાંત કરનારું હોય છે અને હવે છેલ્લે...

આપણી વાતનો સ્યમંતર મણિ! જે મણિને કારણે કૃષ્ણ ભગવાન ચોર ઠર્યા, પોતાની જાતને નર્દિોષ ઠરાવવા તેમને કેટકેટલા પેંતરા રચવા પડ્યા એ વાત આવતા સપ્તાહે કરવી પડશે. કારણ? સ્થïળસંકોચ મણિ.

કેટલાક મણિ-રત્નો માટે લોકોમાં જાતજાતની માન્યતાઓ છે. એક માન્યતા એવી છે કે અમુક જાતિના મણિ, હીરા, રત્નો ઘરમાં આવ્યા પછી ઉલ્કાપાત મચાવે છે તો કેટલાક તારણહાર પણ બને છે. રત્નોની અમુક ચોક્કસ પરખ કરી વિધિવત્ પૂજા કરીને પછી જ ખરીદવા જોઈએ એવું અમુક લોકો માને છે. કેટલાક લોકો રત્નોની કુંડળી કઢાવી પોતાની કુંડળી સાથે મૅચ કર્યા પછી જ ખરીદે છે. કેટલાક લોકો એવા પણ છે કે મહામૂલાં રત્નો ઝવેરી પાસે ખરીદતાં પહેલાં એ શરત મૂકે છે કે છ મહિના રત્નો ઘરમાં રાખીશું. એના લાભાલાભ જોઈશું. જો કંઈ અમંગળ દેખાયું તો રત્ન પરત કરીશું.

સમાપન

કૃષ્ણ એવી અવસ્થામાં ફસાયા હતા કે આજનો યુગ હોત તો રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ ઉચ્ચારી હોત.

કીડી સમી ક્ષણોની આવજાવ શું છે?

આ પણ વાંચો : ઉત્તરાયણઃઆ 10 શબ્દો યાદ કરાવી દેશે બાળપણ!

મારું સ્વરૂપ શું છે? મારો સ્વભાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી આ ઘેન જેવું શું છે? આ કારી ઘાવ શું છે?

columnists