સાલા, તું તો ઍક્ટર છો

29 November, 2019 01:36 PM IST  |  Mumbai | Jamnadas Majethia

સાલા, તું તો ઍક્ટર છો

ફાઈલ ફોટો

(આપણે વાત કરતા હતા મહેન્દ્ર જોષીની. ‘તાથૈયા’, ‘તોખાર’, ‘ખેલૈયા’, ‘કેસર ભીનાં’ વગેરે ગુજરાતી નાટકો તમને યાદ આવે અને ‘પશિયો રંગારો’, ‘અશ્વત્થામા’, ‘બોમણ’ (હા, ‘મોમણ’ નહીં ‘બોમણ’. બ્રાહ્મણો માટે અપભ્રંશ ગુજરાતીમાં આવું બોલાય અને નાટકનું નામ ‘બોમણ’ જ હતું, પણ ટાઇપિંગ એરરને કારણે એ નામ ખોટું ગયું હતું) અને ‘સંતાકૂકડી રમતાં રમતાં’ જેવાં અદ્ભુત નાટકોના સર્જક મહેન્દ્ર જોષી સાથેનાં મારાં સ્મરણોની વાતો ચાલતી હતી. ગુજરાતી રંગભૂમિ પર જોષીનું અનોખું યોગદાન છે. નરસી મોનજીમાં હું જનરલ સેક્રેટરી એટલે બીજી ઘણી પ્રવૃત્તિમાં ઍક્ટિવ હોઉં, એ જોઈને મને જોષીએ ‘તાથૈયા’માં કાસ્ટ નહોતો કર્યો, પણ હું, કોઈ ને કોઈ રીતે રિહર્સલ્સમાં પહોંચી જાઉં. મિત્રો ત્યાં હોય એટલે રિહર્સલ્સમાં બેસું, જેને લીધે લગભગ બધાની લાઇન યાદ હોય. પછી જ્યારે કોઈ રિપ્લેસમેન્ટ આવે કે આપણે ખડેપગે ત્યાં જ હોઈએ. આ વાત અને આ સ્વભાવને કારણે મેં મકરંદ દેશપાંડેનુ ‘તાથૈયા’માં થોડા શોમાં રિપ્લેસમેન્ટ કર્યું હતું.  ‘તાથૈયા’ અને ‘ખેલૈયા’નું પ્રોડક્શન હું સંભાળતો. એક વખત બન્નેના શો સાથે આવી ગયા એટલે થોડી ભાગદોડ વધારે. જોષીએ મને કહ્યું કે ગોડાઉનથી સીધો ટૅક્સી કરીને તું પૃથ્વી પર પાર્ટીમાં આવી જજે, પણ મેં ટૅક્સી કરવાને બદલે ટ્રેન વાપરી અને સમયસર પહોંચી પણ ગયો અને પ્રોડક્શનના ટૅક્સીના ખર્ચના ૭૫ રૂપિયા પણ બચાવ્યા. એ સમયે પાછા જઈને જોષીને મેં ૭૫ રૂપિયા આપ્યા. ત્યારે ત્યાં મનહર ગઢિયા બેઠા હતા. આ ઘટનાના સાક્ષી અને નાટકોની જાહેરખબરના સર્જક, પ્રચારક અને ઘણાં ઉમદા નાટકોના પ્રોડ્યુસર એવા મનહર ગઢિયાને આપણે દસેક દિવસ પહેલાં ગુમાવી દીધા અને ગયા અઠવાડિયે આપણે તેમની સાથેનાં મારાં સ્મરણો પણ વાગોળ્યાં. હવે આગળ...)

‘તાથૈયા’માં અમે લોહીપાણી એક કર્યાં હતાં, ખૂબ મહેનત કરી હતી. ‘તાથૈયા’ અમુક વર્ષ પછી જ્યારે જોષીએ બંધ કરી દીધું ત્યારે અમે તેમની પાસે રજૂઆત કરી કે અમારે એના પરથી સિનેમા કરવું છે, અમને પરમિશન આપે. જોષી માની ગયા હતા. શોના બરોબર આગલા દિવસે અમારા બધાની વચ્ચે એક બહુ મોટી ડિબેટ થઈ હતી, ઝઘડો પણ કહી શકાય, પણ એમાં કોઈએ ગભરાવાનું નહીં. વિષય બદલાય કે બધા પાછા હતા એવા થઈ જાય.

અમારા સંબંધો કલાકાર અને દિગ્દર્શક કરતાં મિત્રો જેવા વધારે હતા અને એમાં જોષીનું યોગદાન બહુ મોટું. તેઓ પોતે જ અમને બધાને પોતાની વાત રજૂ કરવા માટે પ્રેરતા અને તમે સાચા હો તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ સાથે, વ્યક્તિ સામે લડી લેવાનું. જરા પણ ગભરાયા કે ડર્યા વિના અને, અને એક તબક્કે અમારે જ લડવાનું આવ્યું. શો તો થયો, પણ અફસોસ પણ થયો. આટલા સારા સંબંધો, આટલી મોકળાશ તો પછી આ વાત ઘણી સારી રીતે થઈ શકી હોત, પણ આમ જોઈએ તો અંદરખાને ગભરાટ નહોતો. કારણ, જોષી એટલે જોષી. તેઓ બધું ભૂલીને ફરી પાછા તમારા મિત્ર બનીને તમારી સાથે રહેતા હોય.

જોષી વર્ષો પછી મારું નાટક ‘સૂર્યવંશી’ જોવા આવ્યા. નાટક જોઈને તેમણે મારાં વખાણ કરતાં કહ્યું હતું, ‘સાલા, તું તો ઍક્ટર છે.’

અમે ખૂબ હસ્યા. તેમના આ શબ્દો મને હજી પણ નથી ભુલાયા. તેમનું આ પાંચ શબ્દોનું એક વાક્ય મને ખૂબ ગમ્યું. કૉમ્પ્લીમેન્ટ્સ આપવાની બાબતમાં જોષી કંજૂસ એટલે. તેમના મોઢે વખાણ આવે, તારીફ આવે એ બહુ મોટી વાત કહેવાય. તેમની સાથે કામ કરતા દરેક કલાકારને ખબર કે તેઓ કૉમ્પ્લીમેન્ટ્સ આપવામાં બહુ કંજૂસ. હું કહીશ કે કંજૂસ જ નહીં સમજદાર પણ ખરા. બીજી બધી વાતોમાં ઉદાર, મોટા મનના પણ ‍કૉમ્પ્લીમેન્ટ્સ આપવામાં કંજૂસ સમજદાર. કોઈને ખોટી રીતે ઍન્કરેજ ન કરે અને સાથોસાથ તમને સારું કામ કરવા માટે સતત પ્રેરતા રહે. તમારી ફરજ છે કે બહુ સારું કામ કરવું અને સારો અભિનય કરવો. આ વાત એ તમારા મનમાં દૃઢપણે ઘુસાડી દે. તમે માનશો નહીં પણ જોષી વખાણ કરે એ અમારે માટે આનંદનો ઉત્સવ બની જતો.

મારા નાટક ‘સૂર્યવંશી’ પહેલાનો એક પ્રસંગ કહું તમને.

નરસી મોનજીમાંથી પાસ થઈને મેં અને આતિશે એમબીએ કરવા સોમૈયા કૉલેજમાં ઍડ્મિશન લીધું. અમારું એટલું નક્કી હતું કે ઇન્ટરકૉલેજયેટ નાટક તો કરીશું જ કરીશું. અમે બેપાત્રી નાટક તૈયાર કર્યું. એ નાટકની વાર્તા અમે જોષીને સંભળાવી. જોષી એ સમયે નરસી મોનજીમાં પ્લે કરે અને અમે સોમૈયામાંથી, એટલે એ રીતે જુઓ તો અમે સામસામે. અમારી વાર્તા સાંભળીને જોષી ખૂબ ખુશ થયા, જરૂરી અને મહત્વનું ગાઇડન્સ પણ આપ્યું અને અમારી તથા નાટકની લાઇટ-ડિઝાઇન પણ જોષીએ કરી. હું કહીશ કે અમારા નાટક કરતાં વધારે સરસ કહેવાય એવી અદ્ભુત લાઇટ-ડિઝાઇન. એ લાઇટ-ડિઝાઇન માટે તો અમને ઇનામ પણ મળ્યાં. બીજો કોઈ હોય તો સામસામે હોય ત્યારે મદદ કરવાનું કે સૂચન કરવાનું ટાળે, પણ જોષીમાં એવું કશું મળે નહીં. આવી બધી બાબતમાં તેઓ ખૂબ દિલેર અને એકદમ સ્પોર્ટી. બધું પતી જાય એટલે તેઓ અમારી સાથે બેસીને પાર્ટી પણ કરે અને અમને ઍક્ટિંગના સાચાં-ખોટાં, મહત્વનાં કહેવાય એવાં પાસાં વિશે સમજ પણ આપે. ઇન્ટેન્સિટી, ટોનેશન, ક્લૅરિટી, ઍટિટ્યુડ જેવા ઍક્ટિંગનાં મહત્વનાં પાસાં જોષી પાસેથી જ અમે શીખ્યા છીએ, હું તો ખાસ.

જોષીની ફિલોસૉફીમાં એક દમ હતો, તેઓ જે રીતે નાટકોની દુનિયા જોતા અને તમને સમજાવતા કે તમારા ભેજામાં એ એવી રીતે ઊતરી જાય કે જીવનમાં ક્યારેય ન ભુલાય. કૉલેજના છેલ્લા વર્ષમાં તેમની સાથે આંતર-કૉલેજ સ્પર્ધા માટે કરેલું નાટક ‘રીતુ’ ક્યારેય નહીં ભુલાય. એ નાટકની બહુ બધી યાદો છે. એ નાટક વખતે અમે સ્ક્રિપ્ટ પર બહુ મહેનત કરી હતી. પહેલેથી છેલ્લે સુધી સાથે રહેતાં, સવાર પડે કે અમે સાથે થઈ જઈએ. તેઓ દહિસર રહે અને હું કાંદિવલી. ઘણી વાર એવું બન્યું છે કે પાછા આવવાની છેલ્લી ટ્રેન જતી રહી હોય અને હું અને જોષી નરસી મોનજીના કૉમન રૂમમાં સૂઈ ગયા હોઈએ. એક વાર તો ભૂલથી અમે ગર્લ્સ કૉમન રૂમમાં સૂઈ ગયા હતા અને અમને પ્રિન્સિપાલનો ઠપકો પણ ખાવો પડ્યો હતો. આ જ નાટકમાં હું અને નિપા પહેલી વાર મળ્યાં, નજીક આવ્યાં અને રેસ્ટ ઇઝ હિસ્ટરી.

ત્યારે જે પ્રકારનાં નાટકો થતાં એનાથી જોષી ખુશ નહોતા. સતત વિચારતા, નવું અને જુદું કરવાનો તેમનો સ્વભાવ હતો અને એવી જ ખેવના તેઓ રાખતા, જેને લીધે બહુ બધાનું સામાન્ય કામ જોઈને તેમને રંજ રહેતો. શ્રેષ્ઠ ન કરો ત્યાં સુધી તેમને ચેન ન પડે. ભૂલો પણ કરે અને એક્સપરિમેન્ટલ પણ કરે, એક્સપરિમેન્ટ છે આ તો. રૉન્ગ પણ જાય, પરંતુ એમ છતાં સતત તેઓ એક્સપરિમેન્ટ‍્સ કરવામાં માનતા. વિચારોમાં અને વિચારોમાં, આખો દિવસ વિચારોમાં જ હોય અને સાચું કહું તો ચિંતામાં પણ બહુ રહેતા. તેમની સાથેના અમે બધા કલાકારો ક્યાંક બીજે નીકળી ગયા હતા એટલે મને ક્યાંક એવું લાગે છે કે આ મારું અંગત મંતવ્ય છે કે તેઓ બહુ એકલા પડી ગયા હતા. બહુ વિચારતા અને મનોમંથન કરતા અને એમનેએમ અકાળે તેમણે આ દુનિયામાંથી એક્ઝિટ લઈ લીધી.

ગમ્યું નહીં જોષીને આ વાતાવરણ એટલે તેઓ જતા રહ્યા બધાને છોડીને. બહુ દુખી થયા હતા. થોડી વાર સુધી તો સમજાયું જ નહીં કે જોષી જતા રહ્યા. એ શોક જ એવો લાગ્યો હતો. તેમની પ્રાર્થનાસભા યોજાઈ. જોષીની પ્રાર્થનાસભા પણ અલગ જ હોવી જોઈએ એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે જેકોઈને જોષી વિશે જે કહેવું હોય એ કહી શકે. તેમના ઘણાબધા કલાકારમિત્રો બોલ્યા, મને પણ બોલવાનું મન થયું. હું ઊભો થયો, મારો સ્વભાવ સ્પષ્ટવક્તાનો, જે જોષીને ગમતી કૅરૅક્ટરિસ્ટિક હતી. હું એ મુજબ બોલ્યો.

મેં કહ્યું હતું, જોષી બહુ સારા માણસ હતા, બહુ સારા હતા અને બધાની સાથે સારા હતા એવું બોલવાને બદલે સાચું બોલીએ કે જોષી બહુ ગુસ્સાવાળા હતા, જોષીના બધા સાથે ઝઘડા થયા છે. તેઓ બહુ ટૅલન્ટેડ હતા એ બોલીએ તો તેમને ગમશે. જોષી જે હતા એને સેલિબ્રેટ કરવા જોઈએ, તેમને સેલિબ્રેટ કરવા માટે મેં તેમના નાટકોના ઉત્સવની એક વાત રજૂ કરી હતી જેને બધાએ વધાવી લીધી અને પછી પૃથ્વી થિયેટરમાં એક ફેસ્ટિવલ થયો. બધા જૂના કલાકારો પાછા આવ્યા, ક્યાંક રિપ્લેસમેન્ટ થયાં, ક્યાંક એક જ નાટકમાં બે-બે અને ત્રણ-ત્રણ કલાકારોએ કામ કર્યું હતું તો એક શો બીજાએ કર્યો તો બીજો શો કોઈ ત્રીજા જ કલાકારે કર્યો અને એ રીતે એ ફેસ્ટિવલ ખૂબ લોકોએ સુંદર રીતે માણ્યો, પ્રેક્ષકોએ માણ્યો, કલાકારોએ માણ્યો અને સાચા અર્થમાં જોષીને શ્રદ્ધાંજલિ આપી. જોષીની શ્રદ્ધાંજલિ હજીયે ચાલે છે. જોષી આજે અમારા બધાની વચ્ચે જીવંત છે, અમારા બધામાં જીવંત છે. જોષીની જે વાતો અમારામાં છે અને અમારામાંથી નીકળીને પ્રેક્ષકોમાં જઈ રહી છે એ વાતો, એ કલાનું પ્રદર્શન એ બધું જોષીને જીવંત રાખે છે. સ્વર્ગીય મહેન્દ્ર જોષી મારા જેવા અનેક લોકો માટે અમર છે અને અમર રહેશે.

JD Majethia columnists