લેખન અને દિગ્દર્શન ક્ષેત્રનું દ્વાર ખોલ્યું ટકો મૂંડો ટાઉં ટાઉંએ

19 November, 2019 04:15 PM IST  |  Mumbai | Sanjay Goradia

લેખન અને દિગ્દર્શન ક્ષેત્રનું દ્વાર ખોલ્યું ટકો મૂંડો ટાઉં ટાઉંએ

વો લમ્હેંઃ ગ્રીન રૂમમાં ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ’માં ટકોનું ભૂત બનેલા દિન્યાર કૉન્ટ્રૅક્ટર અને નાટકની બચ્ચા મંડળી.

‘આંખ મીંચીને બોલો જયહિન્દ’ નાટકની વાત આપણે ગયા વીકમાં કરી. આ નાટક બહુ ચાલ્યું નહીં, પણ આવક ચાલુ રહી. એ અરસામાં મારો સીધો અને સરળ નિયમ હતો કે નાટક કરવાનાં અને નાટક જોવાનાં. મારા નાટકના શો પછી જેવો હું નવરો પડું કે તરત જ નાટક જોવા બેસી જાઉં. નાટક કરો, નાટક જુઓ અને એ પછી સમય બચે તો વાંચન કરો. વાંચવાનું આજના સમયમાં ઘણું ઘટી ગયું છે, પણ વાંચન હોવું જોઈએ. કલ્પનાશીલતાને વધારવાનું અને દૃષ્ટિને વિશાળ બનાવવાનું કામ વાંચન કરે છે.

‘આંખ મીંચીને બોલો જયહિન્દ’ ચાલતું હતું એ દરમ્યાન હેમાંગ શાહ નામનો એક છોકરો મારી પાસે એક બાળનાટકની પ્રપોઝલ લઈને આવ્યો. ઑફર ઇન્ટરેસ્ટિંગ હતી. કહું તમને...

પાર્લા-ઈસ્ટમાં નવજીવન નામની એક પ્રાઇવેટ હૉસ્પિટલ છે. આ હૉસ્પિટલનાં માલિક ડૉક્ટર સી. કે. શાહ અને હીરાબહેન શાહ. આ શાહ-કપલને ત્રણ બાળકો હતાં. નામ તેમનાં સુરીન, મિહિર અને હિરેન. ઑફર એવી હતી કે આ ત્રણ બાળકોને લઈને મારે એક બાળનાટક બનાવવું. ભણવામાં બાળકો ખૂબ જ હોશિયાર હતાં. તેમનાં મમ્મી-પપ્પાની ઇચ્છા હતી કે હવે તેઓ ઇતર પ્રવૃત્તિમાં પણ ધ્યાન આપે અને એ રીતે દુનિયા જુએ. તેમણે કહ્યું કે નાટકમાં પૈસા અમે રોકીએ, તમે નાટક બનાવો. આ ઑફર પછી બન્યું ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ.’

બહુ જાણીતા ફિલ્મ-ઍક્ટર-ડિરેક્ટર પીટર ઉસ્તિનોવની ફિલ્મ હતી ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’. આ ફિલ્મની વાત કરતાં પહેલાં આપણે આ પીટર ઉસ્તિનોવની વાત કરી લઈએ. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એ દિવસ અને એ સમયે ચાલી રહેલી કેટલીક ઘટનાઓ યાદ કરશો તો તમને યાદ આવશે કે ઇન્દિરા ગાંધી એ દિવસે એક ઇન્ટરવ્યુ આપવાનાં હતાં, જેને માટે આખું ટીવી-યુનિટ પ્રાઇમ મિનિસ્ટરના બંગલે પહોંચી ગયું હતું. એ ક્રૂ ઇન્દિરા ગાંધીની રાહ જોતું હતું કે જેવાં તેઓ આવે કે તરત ઇન્ટરવ્યુ શરૂ કરીએ. ઇન્દિરા ગાંધી બંગલામાંથી બહાર આવ્યાં અને ઇન્ટરવ્યુવાળી જગ્યાએ જવા માટે ગાર્ડન વચ્ચેથી રવાના થયાં, પણ એ જગ્યાએ ઇન્દિરા ગાંધી પહોંચે અને તેમનો ઇન્ટરવ્યુ શરૂ થાય એ પહેલાં જ તેમના અંગરક્ષકોએ તેમને ગોળીઓથી ચાળણી કરી નાખ્યાં. ઇન્દિરા ગાંધીનો ઇન્ટરવ્યુ એ દિવસે પીટર ઉસ્તિનોવ જ કરવાના હતા. એ જ પીટરની ફિલ્મ ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’ જોવા માટે હું ડિરેક્ટર લતેશ શાહ સાથે સ્ટર્લિંગ ટૉકીઝમાં ગયો હતો. ફિલ્મ જોયા પછી મેં કહ્યું કે આ ફિલ્મ પરથી સરસ બાળનાટક બની શકે. મિત્રો, ઉઠાંતરી અને ઇન્સ્પિરેશન વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. તમે કોઈ ફિલ્મ કે વાર્તાને સીધેસીધી લઈ લો તો એ ઉઠાંતરી છે અને એ ક્યારેય ન કરવી જોઈએ, પણ એ વાર્તાના મૂળભૂત આઇડિયા પરથી પ્રેરણા લઈને સારી કૃતિ બનાવો તો એ ઇન્સ્પિરેશન છે અને પ્રેરણા પર કોઈનો અધિકાર નથી હોતો. તમે એ કરી શકો પણ હા, એ માટે તમારામાં આવડત હોવી જોઈએ એ પણ એટલું જ સાચું. નહીં તો એ ઉઠાંતરી જ થઈ જાય.

મેં લતેશભાઈને કહ્યું એટલે લતેશભાઈએ તરત જ જવાબ આપ્યો કે ના, આ ફિલ્મ પરથી નાટક કોઈ હિસાબે બને નહીં, પણ મેં કહ્યું કે જોજો તમે, હું આ નાટક બનાવીશ.

ડૉક્ટર સી. કે. શાહે તેમનાં ત્રણ બાળકોને લઈને બાળનાટક બનાવવાની ઑફર આપી ત્યારે એક સર્કલ પૂરું થયું. મેં મારા કરીઅરની શરૂઆત બાળનાટકથી કરી હતી. બાળનાટકમાં શું કરવું એના સબ્જેક્ટની ચર્ચા ચાલતી હતી એટલે મને ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’ ફિલ્મ યાદ આવી ગઈ. એ ફિલ્મ પરથી પ્રેરણા લઈને ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ’ નાટક બનાવ્યું. નાટકની વાર્તા અત્યારે પણ મને યાદ છે. નાટકના ટાઇટલમાં જે ટકો આવે છે એ અમારો હીરો ટકો, ટપુદાસ કોલસાવાળા છે.

પોહા-પીર : પૌંઆ અનેક રીતે જોયા છે, પણ નાગપુરમાં જોયેલા પૌંઆ અને એ પીરસવાની રીત આ અગાઉ ક્યારેય જોઈ નહોતી.

નાટકમાં ટપુદાસ કોલસાવાળા એક સ્કૂલના ટ્રસ્ટી હતા. બહુ ભલા માણસ. સમાજની બાજુમાં ઊભા રહીને સમાજની સેવામાં માનનારા. ટપુદાસના જીવનમાં એક એવો ગુંડો આવ્યો જે આ સ્કૂલ તોડાવીને ત્યાં કસીનો બનાવવા માગતો હતો, પણ તેને માટે નડતર એક જ હતું, ટપુદાસ કોલસાવાળા. ટપુદાસ પ્રૉપર્ટી હડપ કરવા નહોતા દેતા. ગુંડાએ બહુ ધમકી આપી, પણ ટપુદાસને કોઈ ફરક ન પડ્યો એટલે ગુંડાએ ટપુદાસનું ખૂન કરાવી નાખ્યું. હવે ટપુદાસ ભૂત બનીને પેલા ગુંડાનો હેતુ બર ન આવે એ માટે પાછો આવે છે. માથે ટકો છે એટલે આ ટકાવાળું ભૂત સ્કૂલમાં ફરે છે અને એ દેખાય છે માત્ર સ્કૂલના છોકરાઓને. સ્કૂલના છોકરાઓ કઈ રીતે આ ભૂતની મદદથી બધા ગુંડાને ભગાડીને સ્કૂલ બચાવે છે એની વાત ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ’માં હતી. આખું ફુલલેન્ગ્થ નાટક લખવાનો મારામાં કૉન્ડિફન્સ નહોતો એટલે મેં મારા મિત્ર સતીશ રાણાને સાથે લીધો અને તેને કહ્યું કે આપણે બે લખીશું અને ડિરેક્ટ પણ આપણે જ કરીશું. હા, મિત્રો આ નાટક પણ મેં અને સતીશે જ ડિરેક્ટ કર્યું હતું. નાટક લખવાનો અને ડિરેક્ટ કરવાનો આ મારો પહેલો અનુભવ. નાટકની વાર્તાનો ફર્મો બનાવ્યા પછી હું અને સતીશ અમે કિરણ પુરોહિત પાસે ગયા. કિરણ ખૂબ મંજાયેલો કલાકાર અને સરસ લાઇટ-ડિઝાઇનર પણ ખરો. કિરણ એ સમયે શૈલેશ દવેને અસિસ્ટ પણ કરતો હતો. અત્યારે તો કિરણ લંડનમાં છે. ભારતીય વિદ્યા ભવને તેને લંડનમાં નાટક ડિરેક્ટ કરવા બોલાવ્યો અને એ પછી તે કાયમ માટે ત્યાં જ સ્થાયી થઈ ગયો. કિરણને અમે વાર્તા કહી એટલે તેણે અમુક સરસ સજેશન આપ્યાં, જે મુજબ અમે ચેન્જિસ કર્યા.
અમારા આ નાટકમાં લીડ કૅરૅક્ટર ટપુદાસ કોલસાવાળા માટે કોને લેવા એ માટે મંથન શરૂ થયું. નક્કી થયું કે દિન્યાર કૉન્ટ્રૅક્ટરને આપણા નાટકમાં કાસ્ટ કરવા. દિન્યારભાઈ હવે આપણી વચ્ચે હયાત નથી, પણ મને કહેવા દો કે તેમણે હંમેશાં ગુજરાતી રંગભૂમિ પર રાજ કર્યું છે. એ સમયે તેમનો સિતારો ચાલતો હતો. ટકા ઉપરાંતની કાસ્ટમાં બીજાં અનેક બાળકો સાથે લીડ ચાઇલ્ડ આર્ટિસ્ટમાં પેલા ડૉક્ટરસાહેબનાં સંતાનો અને અમી ત્રિવેદી. અમી ત્રિવેદી આજે નિર્માત્રી અને ખૂબ સારી ઍક્ટ્રેસ છે અને યોગાનુયોગ પણ જુઓ અમી અત્યારે કૉલેજમાં પ્રિન્સિપાલ છે. ગુંડાનું કૅરૅક્ટર તીરથ વિદ્યાર્થી કરતો હતો. તીરથ આજે હયાત નથી. આ ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’ પરથી હિન્દીમાં પણ બે ફિલ્મો બની છે, પણ એ ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ’ પછી. એ ફિલ્મોની વાત આવતા અઠવાડિયે...

જોકસમ્રાટ

પતિઃ એલી ગાંડી, તેં લેટર કેમ લખ્યો? આજના આ મોબાઇલના જમાનામાં લેટર શું કામ?
પત્નીઃ મેં પહેલાં ફોન જ કર્યો હતો, પણ એમાંથી અવાજ આવ્યો કે ‘પ્લીઝ ટ્રાય લેટર’ એટલે...
પતિ હજી બેભાન છે.

ફૂડ ટિપ્સ

મિત્રો, હમણાં અમારા નાટક ‘બૈરાંઓનો બાહુબલી’નો શો નાગપુરમાં હતો. સવારની ફ્લાઇટ પકડીને હું મારા સાથીકલાકાર અને મારા ભાઈબંધ જગેશ મુકાતી સાથે પહોંચ્યો નાગપુર. ૮ વાગ્યે તો પહોંચી ગયા. સવારે નાસ્તો નહોતો કર્યો એટલે ભૂખ લાગી હતી કકડીને. મેં અમારા ઑર્ગેનાઇઝરને પૂછ્યું કે સવારના સમયે નાગપુરમાં લોકો શાનો નાસ્તો વધારે કરે. તેમણે કહ્યું પોહા. આપણે કહ્યું, ચાલો લઈ લો ગાડી સીધી ત્યાં જ.

અમે પહોંચ્યા સીતાનગર, રામજી શામજી પોહેવાલેને ત્યાં.

ખૂબ ગિર્દી હતી. લોકો જૉગિંગ કરીને આવે, નાસ્તો કરે અને ફરી પાછા જૉગિંગ કરતા નીકળી જાય. રામજી શામજી પોહેવાલેના પૌંઆ આપણે ત્યાં હોય છે એવા બટેટાપૌંઆ જેવા જ પણ એમ છતાં આપણા પૌંઆ કરતાં એ જુદા. કેવી રીતે એ કહું તમને.
રામજી શામજીના બટેટાપોહાને તરી-પોહા કહે છે. તરી એટલે રસો કે ગ્રેવી. પૌંઆમાં બટાટાનું પ્રમાણ ઓછું હોય અને આ પૌંઆની સાથે તમને ચણાનું જાડી ગ્રેવીવાળું શાક આપે. આ ગ્રેવી ખૂબ તીખી હોય. ગ્રેવી સાથે પૌંઆની ઉપર ઘરે બનાવેલો ચેવડો નાખે, જેમાં લાલ મરચું પણ નાખ્યું હોય. પૌંઆ ઉપર ચેવડો અને સાથે ચણાનો રસો. હું તો આ કૉમ્બિનેશન પર જ આફરીન થઈ ગયો. પલાળેલા પૌંઓની સૉફ્ટનેસ, કરકરો ચેવડો અને ગ્રેવીની તમતમાટ બોલાવી દે એવી તીખાશ. મિત્રો, જ્યારે પણ નાગપુર જવાનું બને ત્યારે સીતાનગરના રામજી શામજી પોહેવાલેને ત્યાં જવાનું ભૂલતા નહીં. એક વખત ચાખશો પછી તમે તમારા ઘરે પણ આ રીતે પૌંઆ પીરસવાનું શરૂ કરી દેશો એની મારી ગૅરન્ટી.

columnists Sanjay Goradia