દેશની વન પર્સન્ટ પ્રજા પાસે દેશનું ૯૯ ટકા બ્લૅક મની સચવાયેલું હોય છે

03 January, 2020 06:45 PM IST  |  Mumbai Desk | manoj joshi

દેશની વન પર્સન્ટ પ્રજા પાસે દેશનું ૯૯ ટકા બ્લૅક મની સચવાયેલું હોય છે

હા, આ સાવ સાચી વાત છે, જુઓ તમે તમારી જાતને. તમારી પાસે નથી, મારી પાસે બ્લૅક મની નથી. તમારા અને મારા પાડોશી પાસે પણ નથી, મારા ડ્રાઇવર પાસે, શાકભાજીવાળા અને ઑફિસ સામે રસ્તા પર બેસીને વડાપાંઉ વેચનારા પાસે કાળું નાણું નથી. સવારે ઘરે દૂધ આપવા આવતા પેલા ભૈયા પાસે પણ કાળો પૈસો નથી અને પેપર નાખતો ફેરિયો પણ શ્યામ ધન ધરાવતો નથી. દેશનું ૯૯૯ ટકા કાળું ધન દેશની એક ટકા વસ્તી પાસે જ હોય છે. આ સનાતન સત્ય છે અને આ સનાતન સત્ય તમામ દેશને લાગુ પડતું હોય છે. 

જેણે જીવનઆખામાં ક્યારેય કાળું નાણું એકત્ર‌િત કર્યું નથી, જેણે ક્યારેય કલ્પના અને સપનામાં પણ આ નિયમ નથી તોડ્યો એવા પણ આપણે ત્યાં અઢળક લોકો છે અને એ પેલા એક પર્સન્ટ કરતાં વધારે છે. મારા એક અંગત મિત્રની વાત કહું તમને. બિલ્ડર છે એ મિત્ર, તેની પાસે બ્લૅકનું પેમેન્ટ આવે તો પણ તે વ્યક્તિ એ બ્લૅકનું પેમેન્ટ ઑફિશ્યલ પેપર પર લઈને એના પર ટૅક્સ ભરીને એ રકમ વાઇટની કરી લે છે. આવા લોકોનો આપણા દેશમાં તોટો નથી. કહોને દેશના ૯૯ ટકા લોકો આ પ્રકારના છે, જેની પાસે માંડ એક ટકો બ્લૅકનો પૈસો નીકળે. એક ટકો. એક પર્સન્ટ. આ એક પર્સન્ટમાં પણ એવી રકમ આવી ગઈ જે રકમ વાઇફ કે માએ ઘરમાં સંઘરી રાખી હોય અને તેમના અકાઉન્ટમાં દેખાડવાની રહી ગઈ હોય. ટેક્નિકલી તો એ રકમ પણ વાઇટની જ છે અને સરકાર પણ એવી અમાઉન્ટ સામે ક્યારેય પ્રશ્ન નથી ઊભા કરતી. ધારો કે એ રકમને પણ બ્લૅકની ગણવામાં આવે તો પણ એનો રેશિયો સાવ ફાલતુ કહેવાય એવો છે.
આ પ્રકારનું કાળું નાણું જો એક ટકો હોય અને એ સંઘરનારાની ટકાવારી ૯૯ ટકાની હોય તો એનો અર્થ એવો થયો કે જે ૯૯ ટકા બ્લૅક મની છે એ દેશના એક ટકા પબ્લિક પાસે છે અને તેમણે પોતાના ઘરમાં, પોતાના વિદેશના અકાઉન્ટમાં કે પછી બીજી-ત્રીજી અને ચોથી રીતે સંતાડીને રાખ્યાં છે. હંમેશાં આ એક ટકા લોકોને કારણે દેશની ૯૯ ટકા પ્રજા હેરાન થતી હોય છે. આ એક પર્સન્ટ લોકોને કારણે દેશની બાકીની જનતા પર પણ અપ્રામાણિકનું સ્ટિકર લાગતું હોય છે.
ખોટી રીતે, ખોટા પ્રકારે કોઈને સાથ આપવાથી જ આ પ્રકારનું કાળું નાણું સર્જાતું હોય છે. તમને ખબર હશે કે લાંચ લેવી ગુનો છે, પણ લાંચ આપવી એ પણ ગુનો જ છે. લોકોએ લાંચ આપીને જે ગુનો કર્યો એ ગુનાની સજા આજે સૌકોઈ ભોગવી રહ્યું છે. લાંચ આપવાનું કામ ૯૯ ટકા લોકોએ કર્યું, ચૂપ રહેવાનું કામ આ ૯૯ ટકા લોકોએ કર્યું અને એટલે જ નોટબંધી જેવા સમયે દેશઆખાએ કફોડી હાલત સહન કરવાનો વારો આવ્યો. બ્લૅક મની માટે હું એટલું કહીશ કે કાળું નાણું ક્યારેય ચલણમાંથી હટી ન શકે. જો તમારી તૈયારી ન હોય તો અને જો તમે એને માટે માનસિકતાનું ઘડતર ન કરો તો. તમારે એ દિશામાં કામ કરવું પડશે, તમારે એ પ્રકારની માનસિકતા ઊભી કરવી પડશે અને તમારે તમારા પરિવારજનોને પણ એ પ્રકારનું ઘડતર આપવું પડશે. નોટબંધી એ જ ‌દેશમાં આવતી હોય છે જે દેશમાં કાળાં નાણાંનો પ્રવાહ મોટો થઈ ગયો હોય.

manoj joshi columnists