સુરખાબથી સરહદ... ધોળાવીરાની ધરોહર... માણો પૂર્વ કચ્છની પરોણાગત

19 November, 2019 04:08 PM IST  |  Kutch | Sunil Mankad

સુરખાબથી સરહદ... ધોળાવીરાની ધરોહર... માણો પૂર્વ કચ્છની પરોણાગત

કચ્છી ભાષાની એક ઉક્તિ છે ‘ખાસો માલ ખડીર જો, બાજર, બાકર ને બોર.’ ખડીર વિસ્તાર એવો છે જ્યાં બાજરો (ધાન), બાકર (બકરાં-ઘેટાં, પશુઓ) અને બોર એટલે કે ખાવાલાયક દેશી ફળ શ્રેષ્ઠ મળે. આ ખડીર એટલે શું? કચ્છના પૂર્વ છેવાડાનો એવો વિસ્તાર જે હજી વણખૂંદાયેલો છે. ખડીર બેટ કહેવાય છે એટલે કે એ એક સમયે ત્રણ બાજુથી દરિયાથી ઘેરાયેલો ટાપુ હતો. હજારો વર્ષ પછી આજે એ દરિયો રણમાં ફેરવાઈ ગયો છે છતાં ચોમાસામાં એ સેંકડો ચોરસ કિલોમીટરમાં પથરાયેલા સૂકા રણમાં વરસાદના પાણી દરિયા જેવું જ સ્વરૂપ ધારણ કરે છે. એટલું જ નહીં, શિયાળા પછી એ પાણી સુકાય ત્યારે મીઠું (નમક)માં ફેરવાઈ જાય છે અને બને છે અદ્ભુત સફેદ રણ. 

પ્રકૃતિની આ અજાયબ સૃષ્ટિ તરફ હજી કોઈનું જોઈએ એવું ધ્યાન ખેંચાયું નથી. હા, સાઇબિરિયા-રશિયાથી, હજારો કિલોમીટર દૂરથી જેને એક વાર જોયા પછી જોયા જ કરવાનું મન થાય એવાં પક્ષી ફ્લૅમિંગો-સુરખાબ લાખોની સંખ્યામાં મૅટિંગ કરવા આવે છે અને માળા પણ બાંધે છે. સદીઓથી આવતાં આ પક્ષીઓ કચ્છના રાજવી લાખાને પ્રિય હતાં એથી એને કચ્છીમાં ‘રા’લાખેજા જાની’ પણ કહે છે. પૂર્વ કચ્છના છેવાડાના નાનકડા ગામ ધોળાવીરામાં તો ૮૦૦૦ વર્ષોથી વસતી હડપ્પન સંસ્કૃતિનું નગર મળી આવ્યું છે. આ ઉપરાંત પણ નીલોગર, ભાંજડો જેવા પ્રાકૃતિક સુંદરતા પાથરતા પર્વતો પણ છે છતાં આ વિસ્તારને પ્રવાસનમાં જોઈએ એવો મોકો નથી મળ્યો.

૧૯૮૪માં ધોળાવીરામાં હડપ્પન નગર હોવાના પુરાવા મળ્યા. ૧૯૯૩થી સાડાપાંચ હજાર વર્ષ પહેલાંના હડપ્પન સંસ્કૃતિના ભવ્ય અવશેષો વિશ્વભરના પ્રવાસીઓને અહીં ખેંચી લાવવા સમર્થ છે. શરૂઆતમાં એવી ફરિયાદ સામાન્ય રહેતી કે પ્રવાસીઓ આવે ક્યાંથી? માળખાકીય સુવિધાઓ જ નથી. રહેવા-જમવાની અગવડનું કારણ અપાતું, પરંતુ હવે તો એવું પણ નથી. કચ્છની સંસ્કૃતિથી પૂર્ણ રીતે અવગત છે એવા તજ્જ્ઞોનું માનવું છે કે દર વર્ષે રણોત્સવમાં ઘોરડોના સફેદ રણ-કાળો ડુંગર આવતા હજારો પ્રવાસીઓ જો એ જ ખાવડા માર્ગે ઘડુલી-સાંતલપુરનો રસ્તો પૂર્ણ કરી દેવાય તો છેક ખડીર સુધી ઓછા અંતરે પહોંચી શકે અને કચ્છના પ્રવાસન નકશામાં પૂર્વ કચ્છ પણ જોડાઈ જાય. ખાવડાથી કાઢવાંઢ-ઘડુલી થઈ ખડીર માર્ગનું કામ પૂરું કરવાનું સરકારની ઢીલી નીતિમાં અટવાયું છે. એ પૂર્ણ થઈ જાય તો ૯૦ કિલોમીટર જેટલું અંતર પણ ઘટી જાય. આ વહેલી તકે કરવાની જરૂર છે.
આ સીઝનમાં એવું લાગે જાણે ધોળાવીરા આસપાસ દરિયાનાં પાણી ફરી વળ્યાં છે, પરંતુ સૂકા રણમાં વરસાદી પાણી ત્રણ-ચાર મહિના સુકાતાં નથી. છીછરાં પાણી જ સુરખાબ જેવાં અનેક વિદેશી પક્ષીઓને આકર્ષે છે. ધોળાવીરાથી દસેક કિલોમીટર દૂર બીએસએફની કરણી ચોકી પાછળ આવેલા ભાંજડા ડુંગરની તળેટીમાં અત્યારે આવાં જ પાણી ભરાયાં હોય છે. આ એક સુંદર સનસેટ પૉઇન્ટ પણ છે. કચ્છના બે મોટા કાળો ડુંગર અને ભાંજડો ડુંગર વચ્ચે સૂરજને કલરવ કરતાં હજારો સુરખાબ, કુંજ પક્ષીઓની હાજરીમાં ક્ષિતિજમાં ડૂબતો જોવો એ અલૌકિક અનુભવ છે. સંભવત: પ્રકૃતિએ છૂટા હાથે વેરેલા સૌંદર્ય સાથેનું આ દૃશ્ય વિશ્વમાં ક્યાંય જોવા ન મળે.

આ સ્થળની નજીક જ ફોસિલ્સ પાર્ક છે. આ ફોસિલ્સ પાર્કમાં એક વૃક્ષના અવશેષો જોવા મળે છે. વન વિભાગે આ વૃક્ષ ૬-૭ કરોડ વર્ષ જૂનું હોવાનું તારણ કાઢ્યું હતું. એ પછી વડોદરાની યુનિવર્સિટીએ એ ૮-૧૦ કરોડનું હોવાનો અંદાજ બાંધ્યો, પણ છેવટે એના નમૂના અમેરિકા મોકલાયા અને અમેરિકાએ આ વૃક્ષ ૧૯ કરોડ વર્ષ જૂનું હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે. જોકે કમનસીબે આ ફોસિલ્સની દેખરેખ માટે ત્યાં કોઈ જ નથી. પૂર્વ કચ્છના પ્રવાસનને ગળે ટૂંપો દેવામાં પ્રવાસન વિભાગની ઉદાસીનતા અહીં દેખાય છે.

ખડીર અને ધોળાવીરાના સૌંદર્યને માણવા રાત્રિરોકાણ કરવું જરૂરી છે. રિસૉર્ટ નજીક જ કાચા રસ્તે ૧ કિલોમીટર જતાં એક તળાવ ગામલોકોએ બનાવ્યું છે., જેને ઢોયાંવાળું તળાવ કહે છે. જ્યાં વહેલી સવારે ગ્રેટર ફ્લૅમિંગો જોવાનો લહાવો અનેરો છે. સુરખાબ અતિ શરમાળ પક્ષી છે એથી એને આપણી હાજરીનો જરા પણ અણસાર આવે તો એ ઊડી જાય. પાંચથી દસ હજાર ગ્રેટર ફ્લૅમિંગો ત્યાં પાંખો ફફડાવતાં જોવા મળે એ દૃશ્ય અદ્ભુત હોય છે. છીછરા ક્ષારવાળા પાણીમાં માળો બાંધતાં ફ્લૅમિંગો મીઠા પાણીમાં? હા, આખો દિવસ ખારા પાણીમાં રહેવાથી તેમની પાંખોમાં ક્ષાર બાઝી ગયો હોય એથી દરરોજ સવારે આટલા મોટા ટોળામાં જ ખડીરમાં જ્યાં પણ મીઠા પાણીનું તળાવ હોય ત્યાં આ પક્ષીઓ નાહવા (ક્ષાર દૂર કરવા) આવે છે.

ધોળાવીરામાં બધું જ છે. જ્યાં જુઓ ત્યાં હજારોની સંખ્યામાં સુરખાબ. પાકિસ્તાનની સરહદ નજીક હોવાથી બીએસએફની ચોકીઓ અને હડપ્પન સંસ્કૃતિની ધરોહર સાચવી બેઠેલી સાઇટ તો ખરી જ. નજીક જ આવેલા હડપ્પન નગરની ૧૦૨ હેક્ટરમાં પથરાયેલી રક્ષિત સાઇટ છે, જ્યાં એકની નીચે એક એમ સાત નગર હોવાના અવશેષ પ્રાપ્ત થયા છે. છેલ્લું સાડાપાંચ હજાર વર્ષ જૂનું નગર આખેઆખું જાણે બોલતી તવારીખ જેમ ઉત્ખનન થયેલું ઊભું છે. કોઈ પણ સંસ્કૃતિને ટકી રહેવા માટે બે વસ્તુ અતિજરૂરી છે, પાણી અને વેપાર. પૂર્વ કચ્છનો આ વિસ્તાર ત્રણ તરફ દરિયાથી ઘેરાયેલો હતો એટલે દરિયાઈ માર્ગે વેપાર શક્ય હતો જ. નગરપ્રવેશે જ ભવ્ય કિલ્લો હોવાનું પ્રમાણ. આ કિલ્લાની દીવાલો ૧૭-૧૮ ફુટ જેટલી જાડી છે એટલે કે અભેદ્ય સુરક્ષાકવચ.

પાણીની જરૂરિયાત માટે વરસાદ પર જ આધારિત રહેવું પડતું હશે એથી એ સમયના દીર્ઘદ્રષ્ટા લોકોએ તમામની પાણીની ખપત પૂરી કરવા વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા મોટા ૧૬-૧૭ જેટલા વિશાળ ટાંકા (રિઝર્વોયર) અને નગર બહાર દક્ષિણ તરફ મનહર અને ઉત્તરમાં માનસર નદીઓ પણ આવેલી છે. એ નદીઓ પર બંધ બાંધીને એના પાણીને રોકવા વ્યવસ્થા કરેલી જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રનો પણ કેટલો ખ્યાલ. કિલ્લાના દક્ષિણ સિવાય ત્રણ દ્વાર. દક્ષિણ દિશામાં દ્વાર રખાયું જ નથી. રહેવા માટે ગોળાકાર બે રૂમમાં વિભાજિત કૂબા, અદ્ભુત ડ્રેનેજ સિસ્ટમ, મીઠા પાણી માટે કૂવો, પાણી ફિલ્ટર થઈને આવે એવી આજના આરઓ સિસ્ટમને ભૂ પાય એવી વ્યવસ્થા અહીં જીવંત પુરાવાસ્વરૂપે જોવા મળે છે.

એટલું જ નહીં, કિલ્લાની બહાર મિડલ ટાઉન, લોઅર ટાઉન અને એની વચ્ચે મનોરંજન માટે દસ હજાર માણસો બેસી શકે એવું ઍમ્ફી થિયેટર આજના સ્થપતિઓ-એન્જિનિયરોને અચંબામાં મૂકી દે એવાં છે. બધું જ લખવા બેસીએ તો એક પુસ્તક બને. શું પૂર્વ કચ્છની પરોણાગત માણવા માટે આ ઓછું છે? જોકે ૨૦૦૫ પછી ઉત્ખનનકામ અટકાવી દેવાયું છે, પરંતુ વિશ્વભરમાં અભ્યાસુઓ માટે આટલું અદ્ભુત સંસ્કૃતિદર્શન કરી શકાય એવું કોઈ સ્થળ નથી છતાં પ્રવાસનને અહીં વેગ કેમ નથી મળતો એવો અફસોસ ચોક્કસ થાય. હડપ્પન નગરમાં શાવર બાથટબ, વૉટર કૂલર સિસ્ટમ જેવી અનેક અજાયબીઓ પણ જોવા મળે છે.

રાપરથી ૩૫ કિલોમીટર દૂર અમરાપર અને શિરાની વાંઢ કે ખડીર જ્યાંથી શરૂ થાય છે એ રણપ્રદેશ એટલો જ લીલોછમ પણ છે. બાલાસર નજીક કચ્છનો બીજો એક લીલોછમ ડુંગર આવેલો છે. અહીં રમણીય નીલોગર મહાદેવના સ્થાનક પરથી એનું નામ પડ્યું છે નીલિયો ડુંગર. કેટલાય કિલોમીટરમાં વિસ્તરેલા આ ડુંગરની કોતરો વચ્ચે કચ્છનું બીજું એક અને ઘોરડોથીય મોટું એવું સફેદ રણ આવેલું છે. વણખૂંદાયેલા આ સફેદ રણનું સૌંદર્ય જીરવી ન શકાય એવું છે. કચ્છ આવતા પ્રવાસીઓ ઘોરડો-કાળો ડુંગર સુધી જઈ અચરજ પામી જાય છે. પણ સાચા અર્થમાં ખડીરનું આ સૌંદર્ય તો જોવાનું હજી બાકી છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ એ વાક્ય ભલે જાણીતું થયું, પણ પૂર્વ કચ્છને જોયા વગર પૂણ કચ્છ જોયાનો સંતોષ કેટલો વામણો છે એ ખડીરની સુંદરતા જોયા પછી લાગે. આ ભવ્ય લીલાછમ પ્રદેશમાં લોકો આવે કે ન આવે, પક્ષીઓ સાથે અનેક પ્રાણીઓ પણ વન્યજીવનનો આનંદ ઉઠાવે છે. અમરાપર રહેતા અને પૂર્વ કચ્છમાં વન્ય જીવોને જોવા આવતા અનેક પ્રવાસીઓને મદદરૂપ થતા ઇસ્માઇલભાઈ નારેજા કહે છે કે શિરાની વાંઢ એટલે સુરખાબ અને અન્ય પક્ષીઓ માટે જાણે સ્વર્ગ. અહીં લાખોની સંખ્યામાં સુરખાબ બતાવતાં તેઓ કહે છે કે વિશ્વના અનેક દેશોમાંથી શોખીનો આવે છે અને આ પક્ષીઓની ફોટોગ્રાફી કરવા આખી રાત તપસ્યા કરે છે. અહીં જરખ, નીલગાય અને વરુ જેવાં પ્રાણીઓ પણ જોઈને રાજી થાય છે.

દર વર્ષે અહીં ૨૦ ટકા પ્રવાસીઓ વધે છે. આ વિસ્તાર તરફ પ્રવાસીઓનું ધ્યાન ખેંચવા ‘રન ધ રન’ જેવા રણમાં મૅરથૉન દોડનાં આયોજન થાય જ છે જેમાં વિદેશી પ્રવાસીઓ પણ ભાગ લે છે. ધોળાવીરામાં આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ પણ છે. જોકે મોટા ભાગના કીમતી અવશેષો-નમૂનાઓ દિલ્હી લઈ જવાયા છે. પૂર્વ કચ્છ પ્રવાસનની દૃષ્ટિએ સ્વર્ગ સમાન છે.

columnists kutch