મિટાવવાની વાત બાજુએ રહી, ઊલટું પાકિસ્તાનને ટકાવી રાખવામાં આવે છે

24 February, 2019 12:42 PM IST  |  | રમેશ ઓઝા

મિટાવવાની વાત બાજુએ રહી, ઊલટું પાકિસ્તાનને ટકાવી રાખવામાં આવે છે

ફાઈલ ફોટો

નો નૉન્સેન્સ

૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ની સવારે ત્રાસવાદીઓએ ન્યુ યૉર્કના ટ્વિન ટાવર પર હુમલા કર્યા ત્યારે અમેરિકન પ્રમુખ જ્યૉર્જ બુશે પાકિસ્તાનને ધમકાવતાં કહ્યું હતું કે હવે કિંમત ચૂકવવા તૈયાર રહેજો. એક પણ અમેરિકન જિંદગી એળે જવાની નથી. ત્રાસવાદીઓની આટલી હિંમત કે અમેરિકા પર હુમલો કરવાની જુર્રત કરે અને એ પણ ન્યુ યૉર્કના ટ્વિન ટાવર જેવા પ્રતિષ્ઠિત સ્થળે? એમાં વળી પ્રમુખ જ્યૉર્જ બુશ જુનિયરના પિતા જ્યૉર્જ બુશે હજી દાયકા પહેલાં ઇરાક પર હુમલો કરીને તેને ખોખરું કરી નાખ્યું હતું.

ન્યુ યૉર્કના ટ્વિન ટાવર પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ભારતમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને લાલ કૃષ્ણ આડવાણી ગૃહ પ્રધાન હતા. તેઓ ત્રાસવાદીઓનું અમેરિકા પર હુમલો કરવા જેવું - તેમની ધારણા મુજબનું ગજાબહારનું - સાહસ જોઈને તેમ જ અમેરિકાની ધમકી જોઈને ગેલમાં આવી ગયા હતા. તેમને એમ લાગ્યું હતું કે હવે પાકિસ્તાન જગતના નકશા પરથી ભૂંસાઈ જશે અને અમેરિકાના ઑપરેશન ડિસ્ટ્રૉય પાકિસ્તાનના મિશનમાં ભારત પહેલી હરોળનું ભાગીદાર હશે. તેમણે અક્ષરશ: ગેલમાં આવીને ફિલ્મ અભિનેતા રાજકુમારની સ્ટાઇલમાં પાકિસ્તાનને કહ્યું હતું કે હવે મેદાનમાં આવી જાઓ. વક્ત ભી તુમ્હારા, જગહ ભી તુમ્હારી. એ સમયે ગોદી મીડિયા, ખાસ રચવામાં આવેલો સાઇબર સેલ, ટ્રોલ્સ અને પેદા કરવામાં આવતા ભક્તોની ભીડનો જમાનો નહોતો એટલે લાલ કૃષ્ણ અડવાણીનો લલકાર લડાઈ પહેલાં જ જયઘોષમાં નહોતો ફેરવાયો.

ગેલમાં આવી જઈને રાજકુમાર સ્ટાઇલ લલકાર કરવા માટે લાલ કૃષ્ણ અડવાણી આજે શરમાતા હશે. આનું કારણ એ છે કે તેમનો ભરોસો અમેરિકા પર હતો. અમેરિકા લડશે અને આપણે સુગ્રીવની જેમ એની સેનામાં આગલી હરોળમાં હોઈશું. રાવણનો વધ થશે અને પ્રભુ રામચંદ્રજી જીતેલી લંકા ડાહ્યાડમરા વિભીષણ (ભારત)ને તાસકમાં ધરી દેશે. ૧૯૪૭માં જે ગૂમડું પેદા થયું હતું એનો હવે અમેરિકા થકી અંત આવી જશે. આવી મુગ્ધતા માટે આજે તેઓ જરૂર શરમાતા હશે.

શા માટે અમેરિકાએ પાકિસ્તાનને ખતમ નહીં કર્યું? શા માટે અમેરિકાએ પાકિસ્તાન સાથે ઇરાક કે અફઘાનિસ્તાનવાળી નહીં કરી? શા માટે અમેરિકા આજે પણ પાકિસ્તાનને નિભાવે છે અને પ્રસંગોપાત્ત ઔપચારિકતા પૂરતી પાકિસ્તાનની નિંદા કરીને અટકી જાય છે? શા માટે યુનોમાં પાકિસ્તાનને સાવ એકલું પાડવામાં નથી આવતું? શા માટે ચીન પાકિસ્તાનને છાવરે છે? જગતના ઇતિહાસમાં સૌથી મોટો ત્રાસવાદી હુમલો અમેરિકા પર થયો છે અને છતાં શા માટે અમેરિકા એ ઘા, ખરું પૂછો તો વાંદરો સિંહને લાફો મારી જાય એવો શરમજનક ઘા ખમી ગયું? અંદર-અંદર મનમાં તો ઘા અને અપમાન ઘણાં ચચરતાં હશે છતાં પાકિસ્તાનને બક્ષવામાં આવ્યું એટલું જ નહીં, પાકિસ્તાનને ત્રાસવાદ સામેની લડાઈમાં પ્રથમ હરોળના દેશ તરીકે સ્વીકારવું પડ્યું. જી હા, લાલ કૃષ્ણ અડવાણી ધારતા હતા એમ ભારત નહીં, પણ પાકિસ્તાન ત્રાસવાદ સામેની લડતમાં પ્રથમ હરોળનો દેશ હતો. આવું શા માટે બન્યું?

રુદાલીઓએ, દેશપ્રેમી ભક્તોએ અને અર્નબ ગોસ્વામીઓએ અહીં મેં જે સવાલો ઉપસ્થિત કર્યા છે એના જવાબ શોધવા જોઈએ. અમેરિકા માટે પાકિસ્તાન કોઈ પહેલા ખોળાનો દેશ નહોતો. હકીકતમાં ૧૯૯૧માં સોવિયેત રશિયાનું પતન થયું અને એના વરસ પહેલાં રશિયાએ અફઘાનિસ્તાનમાંથી રુસી સૈનિકોને પાછા ખેંચ્યા એ પછી અમેરિકાને પાકિસ્તાનનો ખપ મટી ગયો હતો ને પાકિસ્તાન તરફ જોવાનું અમેરિકાએ છોડી દીધું હતું. જે પાકિસ્તાનનો અમેરિકાએ ઉપયોગ કર્યો હતો, જનરલ ઝિયા ઉલ હક તેમ જ મુલ્લાઓ દ્વારા પાકિસ્તાનમાં પેદા કરવામાં આવેલા રેડિકલ ઇસ્લામને જે અમેરિકાએ ખાતર-પાણી પૂરાં પાડ્યાં હતાં, જે ઓસામા બિન લાદેનને અમેરિકન પ્રમુખ રોનલ્ડ રીગને વાઇટ હાઉસમાં મુલાકાત આપી હતી અને ખુદાના સાચા બંદા તરીકે શાબાશી આપી હતી, જે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને ખોબે ખોબે પૈસા આપ્યા હતા એ પાકિસ્તાનને અમેરિકાએ તરછોડી દીધું હતું; કારણ કે હવે નવી સ્થિતિમાં તેનો ખપ નહોતો. સોવિયેત રશિયાનું પતન થયું હતું અને એ સાથે શીતયુદ્ધનો અંત આવ્યો હતો.

જરૂર હતી ત્યારે ઉપયોગ કર્યો અને ઉપયોગ અમાનવીય હતો. જે મૂળભૂતવાદી મૌલવીઓને પાકિસ્તાનીઓ ખાસ કોઈ ઘાસ નહોતા નાખતા તે શક્તિશાળી બની ગયા. આધુનિક શિક્ષણની જગ્યા મદરસાઓએ લેવા માંડી. દેશમાં ત્રાસવાદીઓ પેદા થયા અને વિદેશી ત્રાસવાદીઓની પાકિસ્તાન આશ્રયભૂમિ બની ગયું. આમાં અલબત્ત પાકિસ્તાનના શાસકો ભાગીદાર હતા અને તેઓ તેમનો સ્વાર્થ જોતા હતા. શું હતો સ્વાર્થ? એક, અમેરિકા પાસેથી મળતાં પૈસા અને શસ્ત્રોનો ભારતને અસ્થિર કરવા માટે ઉપયોગ કરવો. બે, ઇસ્લામ સામ્યવાદને કારણે ખતરે મેં હૈ અને પાકિસ્તાન ભારતના કારણે ખતરે મેં હૈ એવા ભાવનાત્મક રાજકારણનો ખપ હતો. એ એક તો પાકિસ્તાનને જોડી રાખતું હતું અને બીજું, લશ્કરની આવશ્યકતા અનિવાર્ય સિદ્ધ કરતું હતું. આપણે ત્યાં આજકાલ નરેન્દ્ર મોદીને અનિવાર્ય અને આવશ્યક તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે એમ. ધર્મ આધારિત તકલાદી રાષ્ટ્રવાદનાં લક્ષણો સાવર્ત્રિ ક એકસમાન હોવાનાં. ત્રણ, પાકિસ્તાની શાસકોને, ત્લ્ત્ના તેમ જ લશ્કરી અધિકારીઓને અમેરિકા પાસેથી સીધા અને શસ્ત્રોની ખરીદીમાં ખૂબ પૈસા મળતા હતા.

ઇસ્લામ ધર્મની, પાકિસ્તાન દેશની અને પ્રજા માટેની જો સાચી નિસબત હોત તો પાકિસ્તાનના શાસકોએ પાકિસ્તાનનો ઉપયોગ ન થવા દીધો હોત. પણ એવી પડી હતી કોને? જ્યાં અમેરિકા અને આર્મી ત્યાં અલ્લાહની મહેર એવી પાકિસ્તાનમાં કહેવત હતી. આમ પાકિસ્તાનના શાસકો પાપમાં અમેરિકા સાથે બરાબરના ભાગીદાર હતા, પણ જ્યારે શીતયુદ્ધ પૂરું થયા પછી અમેરિકાએ જે રીતે મોઢું ફેરવી લીધું એનાથી પાકિસ્તાનીઓને માઠું લાગ્યું હતું. હવે ગિન્નાયેલા પાકિસ્તાને ત્રાસવાદનો ઉપયોગ અમેરિકા સામે થવા દીધો. સામ્યવાદ અને ઇસ્લામનું સહઅસ્તિત્વ શક્ય નથી એમ જે કહેવાતું હતું એ હવે પાશ્ચત્ય સંસ્કૃતિ અને ઇસ્લામ વચ્ચે સહઅસ્તિત્વ શક્ય નથી એમ કહેવાવા લાગ્યું. થિયરીઓ બદલાઈ અને ટાર્ગેટ પણ બદલાયાં. આમાં પાકિસ્તાનની છૂપી મદદ હતી અને અમેરિકા આ જાણતું હતું. એટલે તો ૯/૧૧ પછી અમેરિકન પ્રમુખ જ્યૉર્જ બુશે પાકિસ્તાનને ધમકી આપી હતી કે પરિણામ માટે તૈયાર રહેજો. એટલે તો ભારતના ગૃહ પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી રાજકુમાર સ્ટાઇલમાં ડાયલૉગ બોલી ગયા હતા; જગહ ભી તુમ્હારી, વક્ત ભી તુમ્હારા.

તો પછી એવું શું બન્યું કે પાકિસ્તાન ટકી ગયું? શા માટે ઇરાકવાળી કે અફઘાનિસ્તાનવાળી પાકિસ્તાન સાથે ન કરવામાં આવી? શા માટે ઔપચારિક નિંદા કરવાથી વધુ પાકિસ્તાનને શિક્ષા કરવામાં નથી આવતી? આગળ કહ્યું એમ રુદાલીઓએ, દેશપ્રેમી ભક્તોએ અને અર્નબ ગોસ્વામીઓએ અહીં મેં જે સવાલો ઉપસ્થિત કર્યા છે એના જવાબ શોધવા જોઈએ. એ ન ભૂલવું જોઈએ કે અમેરિકાએ વાંદરો સિંહને લાફો મારી જાય એવા અપમાનના ઘૂંટડાને પી જવો પડ્યો છે. કોઈક તો એવું કારણ હશે કે જેને કારણે પાકિસ્તાન ટકી રહ્યું છે.

એ કારણ છે અણુબૉમ્બ. પાકિસ્તાન પાસે અણુશસ્ત્રો છે અને પાકિસ્તાનના સત્તાવાળાઓ ધમકી આપે છે કે જો પાકિસ્તાનને રાજકીય તેમ જ લશ્કરી રીતે અસ્થિર કરવામાં આવશે તો અણુશસ્ત્રો અને આખું ન્યુક્લિયર એસ્ટાબ્લિશમેન્ટ ત્રાસવાદીઓના હાથમાં જઈ શકે છે. એ ગાંડાઓ એનો કોની સામે ઉપયોગ કરશે એ કહેવાય નહીં. પગલું ભરતાં પહેલાં વિચારી જુઓ. અમેરિકાને એમ લાગે છે કે ત્રાસવાદીઓનું પહેલું દુશ્મન તો અમેરિકા જ છે. ઇઝરાયલને લાગે છે કે ત્રાસવાદીઓનું પહેલું દુશ્મન ઇઝરાયલ અને યહૂદી ધર્મ છે. અન્ય પાશ્ચત્ય દેશોને એમ લાગે છે કે ત્રાસવાદીઓનું દુશ્મન પાશ્ચત્ય સભ્યતા છે. ભારતને એમ લાગે છે કે ત્રાસવાદીઓનું પહેલું દુશ્મન ભારત છે. દરેક ડરેલા છે અને દરેક એમ ઇચ્છે છે કે જેવું છે એવું, પણ પાકિસ્તાન ટકી રહેવું જોઈએ. સાવ અરાજકતા કરતાં થોડુંક તો લાજવું પડે એવું રાજ સારું. જ્યૉર્જ બુશે ગુસ્સામાં આવ્યા પછી અને લાલ કૃષ્ણ અડવાણીએ ગેલમાં આવ્યા પછી એ સમયે ૯/૧૧ જેવી ઘટના બનવા છતાં પાકિસ્તાન સામે કોઈ પગલાં લેવામાં નહીં આવ્યાં એનું કારણ અણુશસ્ત્રો છે. ચોરીછૂપીથી પાકિસ્તાન અણુશક્તિ બન્યું એમાં પણ પાછી અમેરિકાની મદદ હતી.

તો વાતનો સાર એ કે જેવું છે એવું પાકિસ્તાન ટકાવી રાખવામાં આવે છે અને ટકાવી રાખનાર દેશોમાં ભારત પણ છે. દરેકને એમ લાગે છે કે એ ત્રાસવાદીઓનો પહેલો દુશ્મન છે. બીજું, ત્રાસવાદીઓને અણુશસ્ત્રો (મિઝાઇલ્સ, રૉકેટ વગેરે)ની જરૂર નથી, અણુપદાર્થની જરૂર છે. અણુભઠ્ઠીમાં સમૃદ્ધ કરવામાં આવેલું યુરેનિયમ હાથમાં આવે એ પછી કોઈ પણ જગ્યાએ જઈને ભાંગફોડ કરી શકાય છે. એનાથી કેવો હાહાકાર મચે એની કલ્પના કરતાં પણ લખલખું પસાર થઈ જાય. આમ પાકિસ્તાનના નઠારા શાસકો ન્યુક્લિયર એસ્ટાબ્લિશમેન્ટને ત્રાસવાદીઓના હાથમાં જતું રોકે તો પણ ઘણું છે. રુદાલીઓને અને ડોળા કાઢનારાઓને કદાચ આની જાણ નથી અથવા તો રુદાલીનો અને ગુસ્સામાં કાંપતા રાષ્ટ્રવાદીઓનો ચૂંટણી ટાણે ખપ છે.

૯/૧૧ની રાતે જ્યૉર્જ બુશે પાકિસ્તાનને ધમકી આપી હતી. બીજા દિવસે અડવાણીએ ગેલમાં આવીને પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો. એ જ દિવસે પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ મુશર્રફે ૧૮૦ ડિગ્રીની ગુલાંટ મારીને ત્રાસવાદ સામેની લડાઈમાં પાકિસ્તાન કોઈ પણ કિંમતે મોખરે રહીને લડવા તૈયાર છે એવી જાહેરાત કરી. ત્રીજા દિવસે જ્યૉર્જ બુશે પાકિસ્તાનનો ત્રાસવાદ સામેની લડાઈમાં પહેલી હરોળના દેશ તરીકે સ્વીકાર કર્યો હતો અને માનવતાના પક્ષે ઊભા રહેવા માટે મુશર્રફનો આભાર માન્યો હતો. એ પછી ત્રણ-ચાર દિવસમાં અમેરિકાના વિદેશ પ્રધાન કોલિન પોવેલ પહેલાં ઇસ્લાબાદ ગયા હતા અને એ પછી દિલ્હી આવ્યા હતા. નિરાશ થયેલા લાલ કૃષ્ણ અડવાણીને કહેવામાં આવ્યું હતું ત્રાસવાદ સામેની લડાઈમાં અમેરિકાનો મુખ્ય ભાગીદાર દેશ ભારત નથી, પાકિસ્તાન છે.

અહીં સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તો પછી આ બીમારીનો ઉપાય શું? જ્યાં સુધી ભારત અણુ કાર્યક્રમ સંકેલી નહીં લે ત્યાં સુધી પાકિસ્તાન સંકેલવાનું નથી અને ભારત સંકેલે એવી કોઈ શક્યતા નથી. અમેરિકા, ઇઝરાયલ અને ભારત મળીને પાકિસ્તાનની અણુભઠ્ઠીઓ પર હુમલો કરીને એનો નાશ કરે એ બીજી વિકલ્પ છેદ, પણ એ વહેવારુ નથી. આ વિકલ્પ ચકાસી જોવામાં આવ્યો હતો એમ કહેવાય છે. ભારત પોતાની આંતરિક સુરક્ષા સાબદી કરે જે રીતે અમેરિકાએ કરી છે, પરંતુ એ વિકલ્પ પણ ભારત માટે વ્યવહારુ નથી. અમેરિકા દૂર છે, જ્યારે ભારત પાડોશમાં છે અને ઉપરથી ભારતમાં અમેરિકા જેવી ફુલપ્રૂફ સિક્યૉરિટી વ્યવસ્થા શક્ય પણ નથી.

તો પછી? તો પછી એક જ વિકલ્પ બચે છે અને એ છે ઘરમાં સંપીને રહેવું. કાશ્મીરીઓને પ્રેમ આપો. સમાન તક આપો અને સાચું લોકતંત્ર આપો. કાશ્મીરીઓને નારાજ કરશો તો દેશના અને માનવતાના દુશ્મનોને પ્રવેશવાની તક મળશે. સતાવો તો કોઈ પણ માણસ વેર લે અને કાં વેર લેવાતું હોય તો મૂંગો રહે. કાશ્મીરમાં આજે આવું જ બની રહ્યું છે. જો ત્રાસવાદીઓને પાકિસ્તાનની બહાર ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા માટેની અનુકૂળતા નહીં રહે તો તેઓ પાકિસ્તાનમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરશે જેમાં સરવાળે પાકિસ્તાનને ત્રાસવાદીઓને જેર કરવાની ફરજ પડશે. આવું બન્યું પણ છે. જો બીમારીનો જડમૂળથી અંત લાવવા સર્જરી કરવી અશક્ય કે જોખમી હોય તો એ અન્યત્ર ન પ્રસરે એટલું તો થઈ શકે કે નહીં? એ તો આપણા હાથમાં છે.

ટૂંકમાં વાતનો સાર એટલો કે પાકિસ્તાનનું અસ્તિત્વ મિટાવી શકાય એમ નથી, ઊલટું ટકાવી રાખવું પડે છે અને પાકિસ્તાનને ટકાવવામાં અમેરિકા અને ભારત બન્ને રસ લે છે. જો ઉરીમાં કરવામાં આવી હતી એવી સર્જિકલ સ્ટ્રાઇક કરવાથી પરિણામ આવતાં હોત તો પુલવામામાં હુમલો ન થયો હોત. પુલવામા સાબિત કરે છે કે સર્જિકલ સ્ટ્રાઇક નિરર્થક હતી.

જો આ વાસ્તવિકતા હોય તો રુદાલીઓ, ગુસ્સાથી લાલચોળ થરથર કાંપનારાઓ અને અર્નબ ગોસ્વામીઓ શા માટે ઉધામા મચાવી રહ્યા છે? બાકીના ભારતમાં ચૂંટણી જીતવા.

columnists