નિર્ભયાકાંડ: જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ ન્યાય-અન્યાય

12 January, 2020 05:07 PM IST  |  Mumbai Desk | Raj Goswami

નિર્ભયાકાંડ: જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ ન્યાય-અન્યાય

૨૦૧૨માં થયેલા બળાત્કાર માટે ગુનેગારોને છેક સાત વર્ષ પછી ફાંસીની સજા થશે. પીડિતાને ન્યાય અપાવવા માટે આખો દેશ રોડ પર ઊતરી આવ્યો હોવા છતાં ન્યાય ઝડપી બની શક્યો નહીં. વિચારવા જેવી બાબત એ છે કે જ્યાં સુધી પરિવારમાં માતા, બહેન, દીકરી, વહુ સાથે સેકન્ડ સિટિઝન જેવો વ્યવહાર થશે ત્યાં સુધી સ્ત્રીઓની હાલત નિર્ભયા અને પ્રિયા જેવી થતી જ રહેવાની છે

આજથી બરાબર ૧૦ દિવસ પછી, બાવીસમી જાન્યુઆરીએ સવારે ૭ વાગ્યે દિલ્હીની તિહાડ જેલમાં, નિર્ભયા સામૂહિક બળાત્કારના ૪ આરોપીઓ - મુકેશ, વિનય શર્મા, અક્ષય સિંઘ અને પવન ગુપ્તાને ફાંસી આપવામાં આવશે. પાંચમો આરોપી, બસ-ડ્રાઇવર રામ સિંઘ, ૨૦૧૨માં તેની ખોલીમાં વેન્ટિલેટરથી લટકીને મરી ગયો હતો. છઠ્ઠો, એ વખતે ૧૭ વર્ષનો સગીર, ત્રણ વર્ષની સજા ભોગવીને છૂટી ગયો હતો અને અત્યારે ઓળખ બદલીને દક્ષિણ ભારતમાં રસોઇયાનું કામ કરે છે.
૨૦૧૨ની ૧૬ ડિસેમ્બરે દિલ્હીમાં આ ભયાનક કાંડ થયો હતો અને હવે બાવીસમી જાન્યુઆરીએ એનું આખરી પ્રકરણ લખાશે. એ વચ્ચે ૭ વર્ષ, ૧ મહિનો અને ૧૦ દિવસ પછી પસાર થઈ ગયાં. ૨૩ વર્ષની ફિઝિયોથેરપીની વિદ્યાર્થિની નિર્ભયા (જેનું મૂળ નામ જ્યોતિ સિંઘ હતું) અને તેનો મિત્ર અવિન્દ્ર પાંડે, હૉલીવુડની ફિલ્મ ‘લાઇફ ઑફ પાઈ’ જોઈને બસમાં ચડ્યાં હતાં ત્યારે આ સામૂહિક બળાત્કાર થયો હતો. એ વખતે બસમાં ડ્રાઇવર સહિત કુલ ૬ જણ હતા. બધાએ સાંજથી દારૂ પીધેલો હતો. તેમણે ચાલતી બસે નિર્ભયા અને અવિન્દ્રને લોખંડના સળિયાથી નિર્દયી રીતે માર માર્યો હતો. અવિન્દ્ર એમાં બેભાન થઈ ગયો અને નિર્ભયા પર તેમણે વારાફરતી બળાત્કાર કર્યો. તેમણે નિર્ભયાની યોનીમાં સળિયો પણ નાખ્યો હતો. તેનું એક આંતરડું બહાર આવી ગયું હતું. ચાલતી બસે જ, બન્નેને નગ્ન અને બેભાન હાલતમાં બહાર ફેંકી દેવાયાં. ગંભીર સ્થિતિમાં નિર્ભયાને પહેલાં દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં અને પછી સિંગાપોર શિફ્ટ કરવામાં આવી, પણ ૧૧ દિવસ પછી તેણે દમ તોડી દીધો.
આખા ભારતમાં ધ્રુજારી આવી ગઈ, જેના પડઘા પૂરા વિશ્વમાં પડ્યા. ભારતે વિરોધ, દેખાવો અને આંદોલનો તો ઘણાં જોયાં છે, પણ એક મહિલાના બળાત્કાર અને હત્યાને લઈને જે આક્રોશ પેદા થયો, એ ઇતિહાસમાં અસાધારણ હતો. ભારતમાં પહેલી વાર સ્ત્રીઓ પરની હિંસાનો મુદ્દો ચર્ચામાં આવ્યો. સરકારને ૨૦૧૩માં ક્રિમિનલ અમેન્ડમેન્ટ ઍક્ટ લાવવો પડ્યો જેમાં જાતીય અત્યાચાર, વોયરિઝમ અને સ્ટાકિંગને અપરાધના દાયરામાં મૂકવામાં આવ્યા, પરંતુ નિર્ભયા કેસે સામાન્ય પ્રજાજનમાં કાનૂનવ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ નથી એ પણ સાબિત કરી દીધું.
નિર્ભયાકેસ કેમ લાંબો ચાલ્યો?
ભારતમાં એક નવો શબ્દ આવ્યો છે; ફાસ્ટ-ટ્રૅક. નિર્ભયાનો કેસ ફાસ્ટ-ટ્રૅકની વ્યાખ્યામાં એકદમ બંધ બેસતો હતો છતાં ટ્રાયલ કોર્ટ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટને આ કેસમાં તેમનો ચુકાદો આપતાં સાડાચાર વર્ષ નીકળી ગયાં. સુપ્રીમ કોર્ટમાં પણ ચારે આરોપીઓને મૃત્યુદંડની સજા ૨૦૧૭માં કાયમ રાખવામાં આવી, એ પછી કેસ અપીલોમાં ઊલઝતો રહ્યો. કાનૂન માટે અંગ્રેજીમાં કહેવાય છે કે જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ - સમયસર ન્યાય ન થાય, એ ન્યાય ન કરવા બરાબર છે. કેમ મોડું થયું એનાં ૧૦ કારણો આ પ્રમાણે છે :
૧. સુપ્રીમ કોર્ટે ૨૦૧૭ની ૫ મેએ મૃત્યુદંડની સજા ફરમાવી, એ પછી દોષીઓએ નિયમ પ્રમાણે ૩૦ દિવસની અંદર પુનર્વિચાર માટેની અરજી કરવાની હોય. જોકે ઠોસ કારણ હોય, તો કાનૂન ૩૦ દિવસની મર્યાદામાં છૂટ આપે છે. દોષીતો આ જોગવાઈનો લાભ લેતા રહ્યા.
૨. ચારે જણે લાંબા વિલંબ પછી અલગ-અલગ તારીખોએ પુનર્વિચાર અરજીઓ દાખલ કરી. મુકેશે અરજી કરવામાં છ મહિના કાઢી નાખીને ૨૦૧૭ની ૬ નવેમ્બરે ઍડ્વોકેટ એમ. એલ. શર્મા મારફતે અરજી કરી. પવન, વિનય અને અક્ષય વતી ઍડ્વોકેટ એ. પી. સિંઘે ૨૦૧૭ની ૧૧ નવેમ્બરે કોર્ટને કહ્યું કે તેઓ ચાર અઠવાડિયાંમાં ત્રણેની પુનર્વિચાર અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૭ની ૧૨ ડિસેમ્બરે મુકેશની અરજીની સુનાવણી પૂરી કરી ત્યારે ઍડ્વોકેટ સિંઘે પાછું કહ્યું કે વિનય અને પવન ત્રણ દિવસમાં અરજી કરશે. ૨૦૧૮ની ૯ જુલાઈએ ત્રણેની પુનર્વિચાર અરજીઓ ખારીજ કરવામાં ન આવી ત્યાં સુધી અક્ષયે અરજી ન કરી.
૩. અક્ષયે ૨૦૧૯ની ૯ ડિસેમ્બરે પુનર્વિચાર અરજી દાખલ કરી ત્યારે સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા આપી એને અઢી વર્ષ થઈ ગયાં હતાં અને તેના સાથીદારોની પુનર્વિચાર અરજીને ખારીજ કરી એને દોઢ વર્ષ થઈ ગયું હતું. ઍડ્વોકેટ સિંઘે બચાવમાં કહ્યું હતું કે ‘આ વિલંબનું કારણ તેની માતાનું મૃત્યુ હતું. તેના સસરાની તબિયત સારી ન હતી. તે ઔરંગાબાદના ગરીબ ઘરનો છે. બીજાઓની જેમ સક્ષમ નથી.’
૪. નિયમ પ્રમાણે એક વાર પુનર્વિચાર અરજી ખારીજ થઈ જાય એ પછી ૩૦ દિવસની અંદર ક્યુરેટિવ પિટિશન કરવાની હોય છે. ક્યુરેટિવ પિટિશન ખારીજ થાય, એ પછી રાષ્ટ્રપતિને દયા અરજીનો માર્ગ ખૂલે છે. નિર્ભયા કેસમાં, વિનયે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તિહાડ જેલના સત્તાવાળાઓ મારફતે દયા અરજી કરી, પણ તેના ઍડ્વોકેટ સિંઘે કહ્યું કે મેં આવી કોઈ અરજી કરી નથી, આ જેલ સત્તાવાળાઓનું કાવતરું છે.
૫. મુકેશ, પવન અને વિનયની પુનર્વિચાર અરજીઓ ૨૦૧૮ની ૯ જુલાઈએ ખારીજ કરવામાં આવી એ પછી તેમણે ક્યુરેટિવ પિટિશન ન કરી. તેઓ સમયને ખેંચી રહ્યા હતા.
૬. નિર્ભયા કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો ૨૦૧૪ની ૧૫ માર્ચે અને એના પર અંતિમ ચુકાદો આવ્યો ૨૦૧૭ની ૫ મેએ. સુપ્રીમને આ કેસ માટે યોગ્ય બેન્ચ બનાવતા એક વર્ષ અને સાત મહિના લાગ્યાં.
૭. સુપ્રીમ કોર્ટે એક વર્ષ અને એક મહિનામાં ૪૦ સુનાવણીઓ કરી. અયોધ્યા કેસની માફક, જો નિર્ભયા કેસની રોજેરોજ સુનાવણી કરવામાં આવી હોત તો કેસ જલદી પતી ગયો હોત. હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ ફાસ્ટ-ટ્રૅક પર કેસ ચલાવવા માટે અલગથી બેન્ચ બનાવી શકે છે.
૮. હાઈ કોર્ટમાં એક અરજી એવી પણ થઈ હતી કે કોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં છે અને દોષીઓને અંગ્રેજી આવડતું નથી. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે રાત-દિવસ મહેનત કરીને હજારો કાગળો હિન્દીમાં અનુવાદિત કર્યાં.
૯. ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં બચાવ પક્ષના વકીલોએ એવાં બહાનાં ઊભાં કર્યાં કે અપરાધ થયો ત્યારે શકમંદો દિલ્હીમાં જ ન હતા. સરકારી પક્ષે કેસને મજબૂત કરવા દરેક બહાનાંને ખોટાં સાબિત કરવાં પડ્યાં.
૧૦. ચારમાંથી બે શકમંદોએ સગીર વયનો દાવો કર્યો. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે બિહાર અને ઉત્તર પ્રદેશમાં તેમનાં ગામોમાં જઈને તેમના જન્મના પુરાવા એકત્ર કરવા પડ્યા. ગામમાં પંચાયતો અને શાળાઓ બંધ હોય તો એમાં વિલંબ થાય. એમાં જ કેટલાય દિવસો નીકળી ગયા.
ફાંસીથી બળાત્કાર ઘટી જશે?
સવાલ એ છે કે આ સાત વર્ષમાં આપણે કશું શીખ્યા છીએ? દિલ્હી કમિશન ફૉર વિમેનના વડા માલીવાલ કહે છે કે ‘નિર્ભયાને ન્યાય મળ્યો છે, પણ મને લાગે છે કે જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ. આટલા બધા કાનૂનો બદલ્યા પછી, વર્મા સમિતિના રિપોર્ટ પછી પણ સાત વર્ષ લાગ્યાં.’ નૅશનલ કમિશન ફૉર વિમેનનાં ભૂતપૂર્વ ચૅરપર્સન મમતા શર્મા કહે છે કે ‘છેલ્લાં બે વર્ષમાં જનતામાં કે સરકારમાં કોઈ બદલાવ આવ્યો નથી. દેશની મહિલાઓ સલામત રહે એ માટે સરકારે કશું કર્યું નથી. ખાલી નારાબાજી કરી છે અને કાગળો ભર્યાં છે.’
નિર્ભયાના બળાત્કાર બાદ સરકારે જસ્ટિસ જે. એસ. વર્માની સમિતિ બેસાડી હતી. એનાં ઘણાં સૂચનોને બળાત્કાર-વિરોધી કાનૂનમાં સમાવવા આવ્યાં હતાં. છ ફાસ્ટ-ટ્રૅક કોર્ટ બેસાડવામાં આવી હતી જેણે એક વર્ષમાં ૪૦૦ કેસનો નિકાલ કર્યો હતો, પણ એકલા દિલ્હીમાં જ ૧૦૦૦ કેસો કોર્ટોમાં પેન્ડિંગ છે. સવાલ એ છે કે બળાત્કારના બધા કેસ ફાસ્ટ-ટ્રૅક પર ચલાવવામાં આવે અને આરોપીઓને (મૃત્યુદંડ જેવી) સખત સજા કરવામાં આવે, તો શું બળાત્કાર અટકાવી શકાય એમ છે?
ભારતમાં હત્યા કરતાં બળાત્કાર વધુ સામાન્ય અપરાધ છે. નૅશનલ ક્રાઇમ બ્યુરોના ૨૦૧૭ના આંકડા પ્રમાણે હત્યાની ટકાવારી ૨.૨ ટકા હતી, જ્યારે બળાત્કારની ટકાવારી ૫.૨ ટકા હતી. આમાં બળાત્કારના અમુક કિસ્સાઓ મીડિયામાં અને જનતામાં એટલો આક્રોશ પેદા કરે છે કે લોકો બળાત્કારીઓને લટકાવી દેવાની બુલંદ માગણી કરે છે. ભારતમાં અત્યારે ૧૨ વર્ષની નીચેના બાળક સાથે બળાત્કાર બદલ ફાંસીની સજાની જોગવાઈ છે. મૃત્યુદંડની આમ જોગવાઈ છે, પણ એ ‘અસાધારણમાં અસાધારણ’ (રેરેસ્ટ ઑફ ધ રેર) કિસ્સામાં વપરાય છે.
નિર્ભયાના કેસમાં તેના પરિવારજનોએ અને અનેક પ્રદર્શનકારીઓએ અપરાધીઓને જાહેરમાં ફાંસીની માગણી કરી હતી. હૈદરાબાદમાં નવેમ્બર મહિનામાં ૨૭ વર્ષની વેટરિનરી વિદ્યાર્થિની પ્રિયંકા રેડ્ડી સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યા કરનાર ચાર અપરાધીઓ સામે પણ નિર્ભયા જેવો જ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને એવી વ્યાપક માન્યતા છે કે લોકોના આક્રોશને ઠંડો પાડવા માટે હૈદરાબાદ પોલીસે ચારેયનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અશોક કુમાર ગાંગુલીના મત પ્રમાણે ‘દુનિયામાં ક્યાંય મૃત્યુદંડની બીકથી બળાત્કાર અટક્યા નથી. એવું હોત તો આટલા બધા અપરાધ હજી કેમ છે?’ નૅશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટી, બૅન્ગલોરના કાનૂની સલાહકાર સ્વાગત રહા કહે છે કે ‘મૃત્યુદંડમાં બધાને સબ મંજર કી દવા દેખાય છે. કાયદાઓ વધુ ને વધુ દંડાત્મક બની રહ્યા છે, પણ વ્યવસ્થાને મજબૂત કરે એવા પાયાના ફેરફારો ક્યાં છે? અમુક લોકોને લટકાવી દેશો તો ન્યાય તોળાઈ જશે?’
ઉપાય શું?
એવું માનવાને પૂરતાં કારણો છે કે અપરાધીઓને દોષી ઠરવાનો ડર નથી. ભારતમાં તમામ અપરાધોમાંથી ૪૬.૨ ટકા કેસોમાં જ ગુનો પુરવાર થાય છે. સ્ત્રીઓ સામેના ગુના સાબિત થવાનો દર ૨૦ ટકા છે. બીજું એ છે કે ભારતમાં ૯૯ ટકા ગુનાઓની સ્ત્રીઓ ફરિયાદ જ નથી કરતી. આનો મતલબ એ થયો કે સંભવિત અપરાધીને પોલીસ-કોર્ટની કાર્યક્ષમતાની ખબર છે એટલે તેને વિશ્વાસ છે કે પકડાઈ ગયા પછી પણ ગુનો સાબિત થવા કરતાં છૂટી જવાની તકો વધુ છે. આ કારણથી ગમેતેવી સખત સજા અપરાધ રોકી શકતી નથી.
હૈદરાબાદના બળાત્કારના કિસ્સામાં લોકોનો ગુસ્સો ભડક્યો એની પાછળ પણ એ વિશ્વાસ હતો કે નિર્ભયાની જેમ જ, આ કેસમાં પણ વર્ષો નીકળી જશે. નિર્ભયા સામૂહિક બળાત્કારના કારણે મહિલાઓની સલામતી અને અધિકારોને લઈને એક આગ તો પ્રગટી હતી, પરંતુ એ જ્વાળા પાછી ઠંડી પડી ગઈ. મૂળ કારણ એ છે કે ભારતીય સમાજ અને રાજનીતિક વ્યવસ્થામાં સ્ત્રીઓ અને સ્ત્રીઓના મુદ્દાઓને ક્યારેય સમાન મહત્ત્વ અપાયું નથી. એ બાબતમાં ભારત હજી ય સામંતવાદી માનસિકતાવાળો સમાજ છે અને સ્ત્રીને જ તેની પરના જાતીય અત્યાચાર માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. બળાત્કારની માનસિકતા ઘરોમાંથી જ આવે છે, એમાં કોઈ રૉકેટ સાયન્સ નથી અને આપણે એ તરફ જોવાને બદલે ‘જાહેરમાં ફાંસી’ આપોના નારા પાડીને ‘શુદ્ધ’ થઈ જઈએ છીએ.
જ્યાં સુધી ભારતીય પરિવારોમાં માતા, બહેન, દીકરી, વહુ સાથે સેકન્ડ સિટિઝન જેવો વ્યવહાર થશે ત્યાં સુધી બહાર રસ્તા પર, બજારમાં, કામનાં સ્થળોએ, ટ્રેનો-બસોમાં સ્ત્રીઓની હાલત નિર્ભયા અને પ્રિયા જેવી થતી જ રહેવાની છે.

columnists raj goswami weekend guide