સંતાનના સ્વસ્થ ભાવિ માટે જરૂરી છે ન્યુ બૉર્ન સ્ક્રીનિંગ

04 October, 2019 03:02 PM IST  |  મુંબઈ | યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

સંતાનના સ્વસ્થ ભાવિ માટે જરૂરી છે ન્યુ બૉર્ન સ્ક્રીનિંગ

ન્યુ બૉર્ન સ્ક્રીનિંગ

સંતાનના જન્મ બાદ પેરન્ટ્સની સૌથી પહેલી અને મહત્ત્વની ફરજ છે તેને હેલ્ધી લાઇફ આપવાની. સંતાનના સ્વસ્થ ભાવિથી વિશેષ બીજી કોઈ ગિફ્ટ તમે આપી ન શકો. ભારતના હેલ્થ બુલેટિનના આંકડા કહે છે કે નવજાત શિશુના મૃત્યુના દરમાં છેલ્લાં વર્ષોમાં જે ઘટાડો થયો છે એનું શ્રેય ન્યુ બૉર્ન સ્ક્રીનિંગ ટેક્નિકને જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પદ્ધતિ દ્વારા છ હજાર જેટલી આનુવંશિક બીમારીને ઓળખી શકાય છે. સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન વિભાગે ન્યુ બૉર્ન સ્ક્રીનિંગને Aછે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે નૅચરલ રુરલ હેલ્થ મિશન પ્રોગ્રામમાં ન્યુ બૉર્ન સ્ક્રીનિંગનો સમાવેશ કર્યો છે.

ન્યુ બૉર્ન સ્ક્રીનિંગ એ નવજાત શિશુના જીવનના શરૂઆતના દિવસોમાં અમુક પ્રકારના વિકારો અને આનુવંશિક રોગોનું પરીક્ષણ કરવાની પદ્ધતિ છે. બાળપણમાં જ શિશુના આરોગ્ય વિશે માહિતી મળી રહેતાં સારવાર શરૂ કરી તેને ગંભીર રોગોથી બચાવી શકાય છે. કેટલાક કેસમાં જીવલેણ બીમારી અને અક્ષમતા નિવારવામાં પણ ડૉક્ટરોને સફળતા મળે છે. આપણે ત્યાં ન્યુ બૉર્ન સ્ક્રીનિંગ ફરજિયાત નથી, પરંતુ બાળકના ભવિષ્ય અને સ્વસ્થ આરોગ્યને નજરમાં રાખી સ્ક્રીનિંગ કરાવવા પર ભાર મૂકવામાં આવે છે.

ન્યુ બૉર્ન સ્ક્રીનિંગનો હેતુ નવજાત શિશુને ભવિષ્યમાં થનારી સંભવતઃ જીવલેણ બીમારી અને અક્ષમ રોગને ઓળખી કાઢવાની ટેક્નિક છે. પ્રારંભિક તબક્કામાં રોગને શોધી કાઢવામાં આવે તો આગળની પ્રોસીજર વડે બાળકનું આરોગ્ય સુધારી શકાય છે. આ વિશે સરળ ભાષામાં સમજાવતાં નીઓનેટોલૉજિસ્ટ ઍન્ડ પીડિયાટ્રિશ્યન ડૉ. મુબાશ્શિર મુઝામ્મિલ ખાન કહે છે, ‘બોર ખાતાં પહેલાં આપણે સારાં અને બગડી ગયેલાં બોરને જુદાં તારવીએ છીએ, પરંતુ જુદાં તારવેલાં તમામ બોર મીઠાં હોય એ જરૂરી નથી. એ માટે એને ચાખવાં પડે. એ જ રીતે સ્ક્રીનિંગ દ્વારા સૌપ્રથમ નવજાત શિશુને બીમારી છે કે સ્વસ્થ છે એ જાણી શકાય છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની પ્રોસીજર થાય. ન્યુ બૉર્ન સ્ક્રીનિંગમાં પચાસ જેટલી બીમારીઓનું નિદાન શક્ય છે. બાળકનું વજન બે કિલોની ઉપર હોય તેમ જ એ બહારના તાપમાનમાં સ્ટેબિલાઇઝ થઈ જાય (જન્મના લગભગ ૭૨ કલાક બાદ) પછી બ્લડ સ્ક્રીનિંગ અને હિયરિંગ સ્ક્રીનિંગ કરવામાં આવે છે.’

બ્લડ સ્ક્રીનિંગમાં નવજાત શિશુની પગની એડીમાંથી માત્ર ચાર ટીપાં બ્લડ લઈ સ્ક્રીનિંગ થાય છે. રક્ત પરીક્ષણ દ્વારા કરવામાં આવતા સ્ક્રીનિંગના ત્રણ પૅરામીટર છે. જિનેટિક, હૉર્મોનલ ડિસઑર્ડર અને મેટાબોલિક. જિનેટિક અને મેટાબોલિક સ્ક્રીનિંગ કો-રિલેટેડ છે. એમાં એન્ઝાઇમ્સ વૅલ્યુ કાઉન્ટ કરી આનુવંશિક બીમારીઓનું નિદાન શક્ય છે. જ્યારે હૉર્મોન ડિસઑર્ડરમાં જુદા-જુદા ચયાપચય વિકારોનું પરીક્ષણ કરવામાં આવે છે.

આ સંદર્ભે વધુ માહિતી આપતા ડૉ. ખાન આગળ કહે છે, ‘ન્યુ બૉર્ન સ્ક્રીનિંગમાં CAH (કન્જેનિટલ એડ્રિનલ હાયપરપ્લેસિયા), CH (કન્જેનિટલ હાયપોથાઇરૉડિઝમ), G6PD (ગ્લુકોઝ-6-ગેફોસ્ફેટ-ડિહાયડ્રોજનેસ) અને ગ્લેક્ટોસેમિઆ નામની નવજાત શિશુમાં જોવા મળતી ચાર કૉમન બીમારીનું નિદાન કરવામાં આવે છે. CAHમાં સ્ટેરૉઇડ હૉર્મોનની ખામી અને ખનિજ તત્ત્વોમાં ઊણપ હોય તો જાણી શકાય. CH પરીક્ષણમાં થાઇરૉઇડની ગ્રંથિ હૉર્મોન બનાવે છે કે નહીં એનું નિદાન થાય. જો ખામી હોય તો બાળક મંદબુદ્ધિ બને અથવા શારિરીક ખોડ રહી જવાની શક્યતા છે. G6PD ડેફિશ્યન્સી એટલે નવજાત શિશુમાં જોવા મળતો કમળો. આ જિનેટિક છે. ગ્લેક્ટોસેમિઆ પરીક્ષણમાં રક્તમાં શુગર પ્રોસેસની પ્રક્રિયાનું નિદાન થાય. આ બીમારીના લક્ષણ બાળક માતાનું ધાવણ શરૂ કરે પછી સામે આવે છે. ડિલિવરી પ્રાઇવેટ હૉસ્પિટલમાં કરો કે સરકારી હૉસ્પિટલમાં ન્યુ બૉર્ન સ્ક્રીનિંગના આ સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા છે.’

આ સિવાય હીમોગ્લોબિનોપેથિસ (લોહીમાં લાલ રક્તકણની ઉણપ) અને સિકલ સેલ એનીમિયા (જન્મજાત પાંડુ રોગ) જેવા રક્ત સંબંધિત આનુવંશિક રોગ તેમ જ મેપલ સિરપ યુરિન ડિસીઝ (હૉર્મોન ડિસઑર્ડર) કે જેમાં બાળકનું શરીર પેશાબમાં પ્રોટીનની માત્રાને તોડવા અસમર્થ હોય જેને મીઠો પેશાબ કહેવાય અને છ મહિનાથી નીચેના બાળકની આંખમાં મોતિયો હોય તો એ પણ અગાઉથી જાણી શકાય છે. આ બાબત તેઓ વધુમાં કહે છે, ‘સિકલ સેલ એનીમિયા લોહીની બીમારી છે. આપણી રક્તપેશીઓનો આકાર ગોળ હોય છે. આ રોગમાં ચાઇલ્ડની કેટલીક રક્તપેશીઓ ગોળની જગ્યાએ કર્વ આકારમાં હોય છે તેથી શરીરમાં રક્તની માત્રા જલદી ઘટે છે. ગુણસૂત્ર પ્રમાણે મેલ ચાઇલ્ડ પર જિનેટિક પ્રૉબ્લેમની અસર વધુ જોવા મળે છે. જેટલા પણ આનુવંશિક રોગો છે એમાં મેલ ચાઇલ્ડ વધુ અફેક્ટેડ હોય છે. કેટલાક કિસ્સામાં બાળકનું મૃત્યુ થઈ જાય છે.’

પેરન્ટ્સમાં પહેલેથી કોઈ રોગ હોય તો ચોક્કસ રોગનું સ્ક્રીનિંગ ખાસ કરાવવું જોઈએ એવું નિષ્ણાતો ભાર દઈને કહે છે. ઘણી વાર સારવાર શક્ય ન બને એવું પણ થાય એમ જણાવતા ડૉ. ખાન કહે છે, ‘જેમ કે જન્મજાત પાંડુ રોગ હોય તો અમે પેરન્ટ્સને કહી દઈએ કે તમારા બાળકની ત્વચાનો રંગ સફેદ થઈ જાય તો ડરવું નહીં. તેના શરીરમાં રક્તની ઊણપ કાયમ રહેવાની જ છે. લાઇફટાઇમ મેડિકેશન, ડાયટ અને અન્ય લડત માટે પણ પેરન્ટ્સે તૈયાર રહેવું પડે. ઘણી વાર જુદી-જુદી થેરપી દ્વારા રોગને સ્ટેબલ રાખી શકાય છે. રોગનું નિદાન થાય અને સારવાર દ્વારા રોગને નિવારી શકાય એમ ન હોય એવા સંજોગોમાં તમે સંતાનના ગ્રોથ પર વિશેષ ધ્યાન આપી શકો. તમારા સંતાનની આગળની લાઇફ બૅટર બનાવવા ન્યુ બૉર્ન સ્ક્રીનિંગ ખૂબ જ જરૂરી છે.’

આ પણ વાંચો : મજેદાર મખાણા

હિયરિંગ સ્ક્રીનિંગ

ન્યુ બૉર્ન સ્ક્રીનિંગમાં હિયરિંગ સ્ક્રીનિંગ ફરજિયાત છે. એમાં લગભગ સો ટકા રિઝલ્ટ આવે છે. આ પરીક્ષણમાં બન્ને કાનમાં અવાજ પહોંચે છે કે નહીં, અવાજ રિફ્લેક્ટ થઈને પાછો આવે છે કે પછી એક કાનમાં તકલીફ છે એનું નિદાન થાય. જન્મના થોડા દિવસ પછી સ્ક્રીનિંગ કરવામાં આવે તો બેસ્ટ કહેવાય. બાળક જ્યારે માતાના ઉદરમાંથી બહાર આવે છે ત્યારે તેના કાનમાં પાણી ભરાયેલું હોય છે. કાનની ઇન્દ્રિય બ્લૉક હોય તેથી ઘણી વાર તાત્કાલિક ખબર પડતી નથી તેથી થોડા સમય પછી ચકાસણી કરવાથી ક્લિયર નિદાન થાય છે એવી માહિતી આપતાં ડૉ. ખાન કહે છે, ‘નવજાત શિશુના કાનમાં એક મશીન નાખી સાઉન્ડ કેટલો પાછો આવે છે એની ચકાસણી કરવામાં આવે છે. અવાજ પડદા સાથે અથડાઈને આવે છે કે નહીં એ જોવું પડે. બાળક કુકરની સીટીથી ડરે છે, રમાડતી વખતે રિસ્પૉન્સ નથી આપતું જેવી ફરિયાદ સાથે મમ્મીઓ પોતાના છ-સાત મહિનાના સંતાનને લઈને અમારી પાસે આવે છે. ત્યારે પણ જોકે બહુ મોડું નથી, પરંતુ જન્મના ત્રણ મહિનાની અંદર હિયરિંગ સ્ક્રીનિંગ કરાવી લેવાથી કાયમી બહેરાશ છે કે ટેમ્પરરી એનું નિદાન થઈ જાય તો સારવાર સરળ બને. જન્મજાત બહેરાશ હોય તો પેરન્ટ્સે માનસિક તૈયારી રાખવી પડે. સમસ્યા થોડી હોય તો ત્રણેક મહિના સતત સાઉન્ડના રિફ્લેક્શન પર મૉનિટરિંગ કરવું પડે. આ સારવાર લાંબી ચાલે છે. હજાર પ્રકારનાં પરીક્ષણ છે. તમે બધાં ન કરાવો તો પણ મુખ્ય પાંચ-સાત રોગ અને કાનનાં પરીક્ષણ કરાવવાં જ જોઈએ.’

health tips Varsha Chitaliya columnists