નવી જનરેશનનાં બાળકો બને છે પેરન્ટ્સ માટે ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ

07 February, 2020 07:24 PM IST  |  Mumbai Desk | aparna shirish

નવી જનરેશનનાં બાળકો બને છે પેરન્ટ્સ માટે ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ

બાળકો સાફ દૃષ્ટિએ અને નિષ્પાપ મને દુનિયાને નિહાળે છે અને એટલે જ કેટલીક વાર તેઓ એવાં સલાહસૂચનો આપી જાય છે જે મોટાઓને ખૂબ વિચાર કર્યા બાદ પણ ન સૂઝતા હોય. થોડા સમય પહેલાં ઐશ્વર્યા રાયે પણ કહ્યું હતું કે તેને જ્યારે મલેફિસન્ટ ફિલ્મ માટે ડબિંગની ઑફર મળી ત્યારે એ ઑફર તેણે દીકરી આરાધ્યાના કહેવાથી સ્વીકારી હતી. હૃતિક રોશને પણ અવારનવાર તેના બન્ને દીકરાઓ કઈ રીતે બેસ્ટ ક્રિટિક બનીને ફિલ્મો વિષે સજેશન આપતા હોય છે એની વાત કરી છે. રીસન્ટ્લી કાજોલે તેનો દીકરો યુગ તેને આટલી નાની ઉંમરે કઈ રીતે વર્તન કરવું એના પણ પાઠ શીખવે છે અને દીકરી નિસા તેને ટેક્નૉલૉજીની બાબતે હેલ્પ કરે છે એ શૅર કર્યું હતું. 

બાળકોના વિચારો ફ્રેશ હોય છે અને તેઓ આ રીતે મોટાઓનાં ગાઇડ બને એ મૅચ્યોરિટીની નિશાની ગણાય છે. આ વિષે વાત કરતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘આજના પેરન્ટ્સ બાળકોને વિચાર કરવાની અને એ વિચારોને રજૂ કરવાની ફ્રીડમ આપે છે અને આ એક હેલ્ધી ફૅમિલીનો ગુણ છે. તેમના વિચારો જુદા હોય છે, નજરિયો સાફ હોય છે પણ આખરે તેઓ બાળકો છે એટલે તેમની કહેલી વાતો કઈ હદ સુધી માનવી અને તેમને પોતાના વિચારો રજૂ કરવા માટે કેટલી છૂટ આપવી એ પેરન્ટ્સે નક્કી કરવાની જરૂર છે.’ આજકાલની જનરેશન આમેય બધી જ રીતે ખૂબ આગળ પડતી છે ત્યારે ચાલો મળીને આવા જ કેટલાક પેરન્ટ્સ અને તેમના ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ સંતાનોને.

વિચાર કરવાની છૂટ બાળકો માટે પૉઝિટિવ
પહેલાંના જમાનામાં બાળકોને પરિવારમાં શું થાય છે કે ઘરની સ્થિતિ શું છે એની જાણ નહોતી રહેતી. વધુમાં બાળકો કંઈ બોલે તોય મા-બાપ તેને ‘તને શું ખબર પડે? હજી નાનો છે’ એવું કહી ખૂણામાં બેસાડી દેતા. જોકે સમય બદલાયો છે અને પેરન્ટિંગ સ્ટાઇલ પણ. આજની જનરેશનના પેરન્ટ્સ બાળકોને શું ખાવું છે એ પણ પૂછે છે અને હું શું પહેરું એનાં સૂચનો પણ લે છે. આ વિષે ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘ઘરમાં વાતચીત દરમિયાન બાળકોને સહભાગી કરવાથી તેમની વિચાર કરવાની ક્ષમતામાં વધારો થાય છે અને સમજણ ખીલે છે. આજે ઘરમાં એક ટેબલ લેવું હોય તોય પેરન્ટ્સ એનો નિર્ણય બાળકોને પૂછીને લે છે. આ વાત સારી છે. ઘરના દરેક સભ્યને જ્યાં મહત્ત્વ આપવામાં આવે એવી પાર્ટિસિપેટિંગ ફૅમિલી સારી ગણાય. જોકે બાળકોની જ વાત માનવામાં આવે ત્યાં વાતાવરણ બગડી શકે. બાળકોનાં સજેશન લો, પણ જો એ યોગ્ય ન હોય તો એ કેમ યોગ્ય નથી એ તેમને સમજાવો પણ ખરા. ના પાડી વઢીને બેસાડી દેશો તો તે બીજી વાર કંઈ બોલશે જ નહીં અને સારું-ખરાબ બધું જ માનશો તો તે મોટો થઈને પેરન્ટ્સ પર હાવી થશે. આ બૅલૅન્સ કઈ રીતે જાળવવું એ પેરન્ટ્સે શીખવાનું છે.’

કેટલીક વાર સંબંધો વિષેની વાત દીકરી શીખવી જાય છે
ઘાટકોપરના ગારોડિયાનગરમાં રહેતાં હેતલ શાહને બે દીકરીઓ. ૨૪ વર્ષની હેલી અને ૧૨ વર્ષની મોક્ષી. મોટી દીકરી હેલી સર્વિસ કરે છે. મોટી બહેન ૧૨ વર્ષ મોટી હોવાને કારણે મોક્ષીને મમ્મી અને બહેન બન્ને પાસેથી માનો સ્નેહ મળે છે. મહેતા ફૅમિલીએ ઘરમાં હેલ્ધી વાતાવરણ રાખવા માટે ઘરની દરેક વ્યક્તિને પોતાના વિચારો મુક્તપણે રજૂ કરવાની સ્વતંત્રતા આપી છે. અને જો નિર્ણયો સારા હોય તો મોટા પણ નાનાના નિર્ણયોને માનવામાં કોઈ આનાકાની નથી કરતા. આ વિષે હેતલબહેન કહે છે, ‘મોટી દીકરી હવે વર્કિંગ હોવાથી બિઝી હોય છે, જ્યારે નાની સતત મારી સાથે હોય એટલે મારે શૉપિંગ કરવું હોય કે પછી હેરકટ દરેક ચીજમાં તે ગાઇડ કરે છે. તેની ચૉઇસ સારી છે. કપડાં પણ સારાં લાગે છે કે નહીં એ વિષે તેને પૂછું. અને તે પણ નિખાલસપણે સારાને સારું અને ખરાબને ખરાબ કહી દે છે. જોકે આ બધા કરતાં તેની માણસોને ઓળખવાની શક્તિ મને ખૂબ ગમે છે. જાણે સિક્સ્થ સેન્સ હોય એ રીતે તે સામેવાળી વ્યક્તિના મૂડને પારખી જાય છે. કોઈ સંબંધી જો ખૂબ આત્મીયતાથી ન વર્તે તો તે તરત જ કહી દે કે મમ્મી, તેમણે આપણી સાથે બરાબર વાત ન કરી તો આપણેય કરવાની જરૂર નથી. કોઈનો મૂડ સારો ન હોય તો ફક્ત હાય-હેલોથી તે કહી દે કે આજે આ આન્ટીનો મૂડ સારો નથી લાગતો. તેની આ વાતને લીધે હવે હું પણ લોકોને જુદી રીતે જોતાં શીખી છું. અમારી ફૅમિલીમાં બધા જ સભ્યો અઠવાડિયામાં એક વાર સાથે બેસીને વાત કરીએ અને આ દરમિયાન એકબીજાને કોઈ હેલ્પ કે સજેશન જોઈતાં હોય તો એ વિષેની વાત થાય. નાની છે એટલે તેને સજેશન આપવાની છૂટ જરૂર છે, પણ તેનાં સૂચનો કેટલી હદે માનવાં એ અમે નક્કી કરીએ. મોટા ભાગે કોઈ સંબંધી સાથે કંઈ થયું હોય તો તેની સામે વાત કરવાનું ટાળીએ, કારણ કે બાળકોના મનમાં પૂર્વગ્રહ તૈયાર થતાં વાર નથી લાગતી. કેટલીક વાર તેને કહેવું પણ પડે કે તારાં ફ્રી સજેશન નથી જોઈતાં, કારણ કે બાળકો સાથે બાળકોના લેવલનું જ ડિસકશન થવું જોઈએ. હા, તે મારી ગાઇડ અને ફિલોસૉફર છે, પણ તેના વિચારો રિયલિસ્ટિક ન લાગે તો તેને રોકવી એ પણ મારી જ ફરજ છે.’

કાર સિલેક્ટ કરવામાં મદદ કરી દીકરાએ
ઘાટકોપરમાં રહેતા નીલેશ પારેખના ૧૦ વર્ષના દીકરા સુહાનના વિચારો તેમની ફૅમિલીને ફ્રેશ અને આઉટ ઑફ ધ બૉક્સ લાગે છે. ફૅમિલીમાં ફાઇનૅન્સ વિષેની વાતચીત ડિનર ટેબલ પર રોજ થાય અને માટે જ સુહાનને ફાઇનૅન્સનું નૉલેજ પણ સારું છે. ઘરના હેલ્ધી ડિસકશનમાં તેને સહભાગી કરવામાં આવે છે અને કેટલીક વાર નીલેશભાઈ તેમને મૂંઝવણ હોય તો એ દીકરા સાથે શૅર કરે છે. સુહાનને વાતચીત અને શોધખોળ આ બે ચીજો ખૂબ પસંદ છે. આ વિષે વાત કરતાં નીલેશભાઈ કહે છે, ‘સુહાન ખૂબ જ ઇન્ટરૅક્ટિવ છે. તાજેતરમાં અમે કાર લીધી અને એ કાર તેણે સિલેક્ટ કરી છે એવું કહી શકાય. ફક્ત લુક પરથી તેને ગાડી ગમી ગઈ અને અમે લઈ લીધી એવું નથી. કાર લેતાં પહેલાં શૉર્ટ લિસ્ટ કરેલી કારો વિષે તેણે શોધખોળ કરી, એનાં ફીચર્સ વિષે વાંચ્યું અને પછી અમે કઈ કાર લેવી એનો નિર્ણય લિધો હતો. મારો દીકરો અત્યારથી જ મારો ફ્રેન્ડ છે. ઘરમાં ફાઇનૅન્સ પણ અમે ઓપનલી ડિસકસ કરીએ જેથી તેને પણ બધી જ ચીજોની જાણ થાય અને શીખવા મળે. આ સિવાય તેણે આપેલાં સૂચનો યુનિક હોય છે. અમલમાં મૂકવા જેવાં લાગે તો મૂકીએ પણ ખરા. જોકે તેની ઉંમર યોગ્ય ન હોય એવી વાતચીત તેની સામે નહીં જ કરવાની એવો પણ રૂલ છે.’

મારી દીકરીની ચૉઇસ ખૂબ સારી હોય છે
બોરીવલીમાં રહેતી નિશા ગાલાની આઠ વર્ષની દીકરી મિહિકા પોતાની વયનાં બીજાં બાળકોથી થોડી જુદી છે. તેનું કલર અને ડિઝાઇનનું સિલેક્શન બાળકોને ગમે એવું કાર્ટૂન પ્રિન્ટ અને લાઉડ કલર-કૉમ્બિનેશનવાળું નહીં પણ સટલ અને સિમ્પલ છે. નિશા બીજા ધોરણમાં ભણતી તેમની દીકરીને ઘરમાં થતા ડિસકશનમાં પૂરેપૂરો ભાગ લેવાની સ્વતંત્રતા આપે છે અને એટલે જ તેની નિર્ણયો લેવાની મૅચ્યોરિટી વધી છે. આ વિષે વાત કરતાં નિશા કહે છે, ‘ઘરમાં ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કરાવ્યું ત્યારે મિહિકાએ બધી જ ચીજો સિલેક્ટ કરવામાં તેમ જ કઈ ચીજને ક્યાં રાખીએ તો એ સારી લાગશે એનાં સજેશન આપ્યાં છે અને અમે એ માન્યાં પણ છે, કારણ કે તેનાં અમુક સૂચનો ખરેખર મોટાઓને પણ ન સૂઝે એવાં હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે કિચનમાં ગ્લાસ માટે શેલ્ફ લગાવવાનો હતો ત્યારે તેણે જ સજેસ્ટ કરેલુ કે હાઈટ થોડી નાની રાખજો એટલે હું પહોંચી શકું અને ત્યારે અમને થયું કે આ તો આપણે વિચાર્યું જ નહોતું. એ સિવાય શોપીસ પણ ક્યાં રાખવાના એ તેણે જ સૂચવ્યું છે. આ બધું તે વિચારી શકે છે અને અમે એ અમલમાં પણ મૂકીએ છીએ. જો અમે તેને આજે આ સ્વતંત્રતા નહીં આપીએ તો તે મોટી થઈને તેના નિર્ણયોમાં અમને સહભાગી નહીં કરે. તેની ચૉઇસ સાથે જ તેની મારા મૂડને સમજવાની સમજણ પણ સારી છે. એક દિવસ મારો મુડ ખૂબ ખરાબ હતો અને હું કોઈની સાથે જ વાત નહોતી કરતી ત્યારે મિહિકાએ મને પર્સનલ નોટ લખી હતી કે ‘મમ્મા, ઑલ વિલ બી સૉર્ટેડ. ડોન્ટ વરી, ગો ઍન્ડ સ્લીપ.’ આ નોટ તેની મૅચ્યોર થયાની નિશાની છે જેને હું આજીવન સાચવીને રાખવાની છું. યસ, મારી ડૉટર મારી બેસ્ટ ગાઇડ અને ફ્રેન્ડ છે.’

columnists