મુંબઈ મેરી જાન : જો આ શહેર તમને સાચવી શકે તો તમે આ શહેરને સાચવી ન શકો?

13 February, 2020 10:32 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

મુંબઈ મેરી જાન : જો આ શહેર તમને સાચવી શકે તો તમે આ શહેરને સાચવી ન શકો?

બધું જોઈએ છે, ફટાફટ જોઈએ છે અને એની માટે જેટલું પણ ભાગવું પડે, જેવું પણ ભાગવું પડે એની પૂરતી તૈયારી છે. સુવિધા અને સગવડ પાછળની આ દોટના કારણે લાઇફ કેવી ઝડપી થઈ ગઈ છે એની જરાસરખી પણ કલ્પના કરવા કોઈ રાજી નથી. ખાસ કરીને મુંબઈગરાઓ. ભાગતા, દોડતા મુંબઈગરાઓ એ પણ જોવાનું ચૂકી ગયા છે કે તેમની આસપાસનો માહોલ નરકનું રૂપ ધારણ કરી રહ્યો છે. અંગત સુવિધાઓની લાય એ સ્તર પર છે કે શહેર આખું અસુવિધાઓથી ભરાવા માંડ્યું છે. અસુવિધા અને અગવડતાની ભરમાર આ શહેરના એ સ્તર પર પહોંચી ગઈ છે કે હવે લોકોને આ તકલીફોની પણ આદત પડી ગઈ છે. રસ્તા પર કચરો ન હોવો જોઈએ એવું તેઓ કલ્પી પણ નથી શકતા અને ગંદકી વિનાના રસ્તાઓની કલ્પના પણ નથી કરી શકતા. હવે ગંદકી એ તેમના જીવનનું એક અવિભાજ્ય અંગ છે એવું તેમણે સ્વીકારી લીધું છે.

મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, પણ આ આર્થિક રાજધાનીની સડકો તમે જુઓ. બિલ્ડિંગનાં બાંધકામ આડેધડ થઈ જાય છે અને થઈ ગયેલાં એ બાંધકામ માટે કોઈ પૂછવાવાળું નથી. ફુટપાથ રહી નથી, ચાલવા માટે બનાવવામાં આવેલી ફુટપાથ તો હરતીફરતી દુકાન બની ગઈ છે. આ જે પરિસ્થિતિ છે એ મુંબઈને બદથી બદતર બનાવવાની દિશામાં લઈ ગયું છે. પ્રદૂષણ ઓછું થાય એ માટે કોઈ પ્રકારનાં કડક પગલાં લેવામાં નથી આવતાં. કોઈ પણ ફ્લાયઓવર પરથી જુઓ તો તમને મુંબઈ પર ધુમ્મસ ફરી વળ્યું હોય એવું દૃશ્ય જોવા મળે. આ પ્રદૂષણ આજે એકેક મુંબઈકરની લાઇફનાં અમૂલ્ય વર્ષો ઓછાં કરવાનું કામ કરે છે. ભાગદોડ પણ એટલી વધી ગઈ છે કે અપૂરતી ઊંઘ પણ ટ્રેનમાં કે ટૅક્સીમાં લેવાની આદત ઘર કરી ગઈ છે. ભાગવું આવકાર્ય છે, દોડવું જોઈએ. અસંતોષ જીવનને નવો વિકાસ આપવાનું કામ કરે, પણ એની એકમાત્રા હોય અને એની ઇચ્છાઓ હોવી જોઈએ. જો નાછૂટકે એવી જિંદગી જીવવાની આવે તો એ ક્યાંક અને ક્યાંક જીવનમાં તણાવ ઉમેરવાનું કામ કરે જ કરે. આ સ્ટ્રેસને લીધે આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે સરેરાશ મુંબઈવાસીનું આયુષ્ય બીજી સિટીમાં રહેતા લોકો કરતાં ઓછું થઈ ગયું છે અને એવું ન બને તો બાકીનું આયુષ્ય કોઈ ને કોઈ બીમારી સાથે જીવવું પડે છે.

મુંબઈને સુધારવાની તક હવે હાથમાંથી નીકળી જાય એ પહેલાં એના માટે કામ શરૂ કરવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર મુંબઈમાં ઘણુંબધું કામ કરી શકાય એમ છે અને એ કરવું જરૂરી પણ છે. જો એ ન થયું તો મુંબઈમાં રહેવું અસંભવ થઈ જશે અને કામ કરવું અકલ્પનીય થઈ જશે. મુંબઈ એવું શહેર છે કે એ દરેકને સાચવી લે છે અને દરેકને તેમની મહેનત મુજબનું રિઝલ્ટ આપે છે. હજારો લોકો એવા છે જે મુંબઈના નથી, પણ મુંબઈએ તેને કરોડપતિ બનાવ્યા છે અને આ સંખ્યા હજારોની નથી, લાખોની છે. પૉઝિટિવિટી ધરાવતાં સિટી જગતમાં બહુ ઓછાં હોય છે અને એમાં મુંબઈ એક શહેર છે. આ શહેરમાં સ્થાયી થનારો આર્થિકપણે ક્યારેય દુખી નથી થતો, પણ તો પછી શહેર શું કામ દુખી થાય, શહેર શું કામ હેરાન થાય. જે શહેરે તમને સાચવ્યા, તમને મોટા થવાની તક આપી એ શહેરને તમે સાચવશો તો ખરેખર ઉપકાર કહેવાશે. જેટલો સમય ફાલતુ વાતો કરવામાં પસાર કરો છો એમાંથી અડધો સમય, કોઈ પણ હિસાબે બચાવીને એ સમય શહેરને આપો. આ શહેર તમારું ઘર છે, આ શહેર તમારું કર્મસ્થાન છે.
અસ્તુ.

manoj joshi columnists mumbai mumbai news