કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 4)

17 January, 2019 10:34 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 4)

લઘુકથા - સંક્રાન્તિ

નીમા સહેજ ઘવાઈ. દર વખતે તો અતુલ્યનાં મમ્મી ફોન કરે ત્યારે કેવળ ‘હું મા’ બોલતાં હોય. આજે પરાયાની જેમ બોલે છે એ જોકે સમજાય એવું છે. અતુલ્યના વધુ દસ દહાડાના રિમાન્ડ મંજૂર થયા તોય પોતે નિર્ણયની સ્થિતિમાં નથી. પપ્પાએ તો કહી દીધું છે - હજીયે તારો અતુલ્ય માટે વિચાર હશે તો પણ હું સાંભળવાનો નથી. મર્ડરકેસમાં જામીન મળવા મુશ્કેલ છે. પખવાડિયું રાહ જોઈ એક દહાડો વલસાડ જઈ તારું શગુન પરત કરી આવીશું એમાં મીનમેખ નહીં થાય!

હું પોતે જ અવઢવમાં હોઉં ત્યારે તેમનો વિરોધ કેમ થાય, તેમને સમજાવાય પણ શું? આવામાં ઘટનાના બાર દિવસ પછી માનો ફોન.

‘મા, તમે મારાથી નારાજ છો મને સમજાય છે, પણ મારી તો જીવનનાવ જ ડામાડોળ થઈ રહી છે. અતુલ્યએ કહેલું કે તું વફા કરે તો પૂરેપૂરી કરજે... પણ નથી હું તેમને પૂરેપૂરા અપનાવી શકતી, નથી સાવ છેડો ફાડી શકતી.’

તેની લાચારી માના હૈયાને સ્પર્શી, ‘તારી હાલત સમજું છું મારી બચ્ચી, પણ એનો એક ઉકેલ મારી પાસે છે. એ માટે આપણે રૂબરૂ મળવું પડશે નીમા. તું અહીં ન આવી શકે તો હું નવસારી આવી જાઉં.’

સામે છેડે પળની ચુપકી રહી, પછી સંભળાયું, ‘નહીં મા, હું જ આવું છું. એ બહાને પપ્પાજીને પણ મળી લઉં.’

‘મને તારાથી આ જ અપેક્ષિત હતું વહુ.’

વહુ. પરાયાની જેમ વાતચીત માંડનાર મા છેવટે મને વહુ કહી ગયાં એમાં તેમની નારાજગી દૂર થયાનો સંકેત છે. ઓહ, માને હું વધુપડતી આશ તો નથી દઈ બેઠીને? જાણે મા પાસે કેવો ઉકેલ હશે?

‘તારી સમસ્યા વિશ્વાસની છે નીમા. આ કસોટી વિશ્વાસની છે અને પોતાની વ્યક્તિમાં વિશ્વાસ મૂકવાનું એક ઉદાહરણ મારી પાસે છે. એના પરથી તને પ્રેરણા મળે એ જ મારો ઉકેલ.’

સૂર્યાબહેનના શબ્દે નીમા ટટ્ટાર થઈ.

પોતે ઘરે કહીને ભલે નીકળી, અહીં આવવું મમ્મી-પપ્પાને ખાસ રુચ્યું નહોતું. જે સંબંધ તોડવો જ છે એને પોષણ શાનું? તેમનાથી ઇનકાર તો ન થયો, પણ એટલું જરૂર કહ્યું કે તારે તેમનીયે માયા મૂકવી રહી! વલસાડના ઘરે પગ મૂકતાં જ માબાપની શિખામણ વિસરાઈ ગઈ હોય એમ નીમા અતુલ્યના પેરન્ટ્સને જોઈ- મળીને રડી પડેલી. કેવાં નંખાઈ ગયાં બેઉ!

‘અમને સમાજનાં મહેણાં નહીં, દીકરાની પીડા પ્રેરે છે. વગર વાંકે તે દંડાઈ રહ્યો છે.’

મધુકરભાઈ સામે તો નીમા ન બોલી, પણ એકલા પડતાં માને કહેવાનું ન ચૂકી : માબાપે પણ સંતાન પર આંધળો વિશ્વાસ મૂકવો ન જોઈએ... એના સંદર્ભમાં મારી સમસ્યા વિશ્વાસની હોવાનું કહીને મા કયું ઉદાહરણ આપવા માગે છે એ હવે જોઈએ.

‘આ વાંચ...’

આ શું? પોસ્ટકાર્ડ! સૂર્યાબહેને ધરેલું પોસ્ટકાર્ડ ગ્રહીને નીમાએ વાંચવા માંડ્યું:

સ્નેહીશ્રી,

તમે તમારા દીકરાનું સગપણ નવસારી નિવાસી સુમનભાઈ ધીરજભાઈ ગાંધીની પુત્રી નીમા સાથે નક્કી કર્યું છે, પણ આમાં તમે જબરા છેતરાયા છો. નીમા ઘમંડી તો છે જ, તેની ચલગત સા૨ી નથી. એક નંબરની ચારિત્ર્યહીન છોકરી છે. બે વાર તો અબૉર્શન કરાવી ચૂકી છે. મુંબઈની સ્વતંત્ર હવામાં તો આ છોકરી શું નહીં કરે!

આ બધુ જાહેરમાં કહેવાય નહીં એટલે પત્ર લખીને તમને ચેતવીએ છીએ કે ગામની ગંદકીમાં હાથ નાખતાં અટકી જાઓ!

લિ. આપનો અનામી શુભચિંતક!

નીમાનાં નાખોરાં ફૂલી ગયાં. પત્રનો શબ્દેશબ્દ કાળજે વાગ્યો. આટલું જૂઠ! મારા ચારિત્ર્ય પર આવું આળ!

‘પોસ્ટકાર્ડ તમારા વિવેશાળના ત્રણ દિવસ અગાઉ અમને મળ્યું. મોકલનારે નામ નથી લખ્યું, પણ સ્ટૅમ્પ સુરતનો છે.’

આની ખાતરી કરીને નીમા માને પ્રfનાર્થભર્યાં નેત્રે તાકી રહી.

‘હવે જરા કલ્પના કર નીમા. સગાઈના ત્રણ દિવસ પહેલાં આવો પત્ર મળવાથી અમારે ત્યાં કેટલું ટેન્શન સર્જાયું હશે.’

યા. દાખલા તરીકે આવો પત્ર અતુલ્ય માટે અમનો મYયો હોત તો પપ્પાએ સંબંધ ફોક કરવામાં જ શાણપણ માન્યું હોત.

‘અમે પણ એ જ મતના હતા. પત્રમાં એક ટકો પણ સાચો હોય તો એવી કન્યાને આપણે શા માટે પોંખવી?’ સૂર્યાબહેન સહેજ હાંફી ગયાં, ‘અહીં મારા અતુલ્યનો વિશ્વાસ જો.’

નીમા ટટ્ટાર થઈ. મને જોઈતો ઉકેલ આમાં જ ક્યાંક હોવાનો!

‘તેણે કહી દીધું કે પત્રની ચાર લીટી કરતાં મને મારી નજર પર ભરોસો છે અને એથી વધુ મને નીમામાં વિશ્વાસ છે.’

નીમા આભી બની. ત્યારે તો અમે માંડ બે-એક વાર મળ્યા હોઈશું, અતુલ્યે મને એટલી જાણી?

‘જાણવાનો તો પ્રશ્ન જ નથી નીમા. બીજી વ્યક્તિમાં વિશ્વાસ મૂકવા માટે પહેલાં તમને તમારામાં વિશ્વાસ હોવો જોઈએ. અતુલ્યને પોતાના એ વિશ્વાસમાં શ્રદ્ધા હતી. તેણે તારી પાસે આની સફાઈ કે ખુલાસા નથી માગ્યાં. વિશ્વાસ હોય ત્યાં સવાલ-જવાબ ન હોય, ઊલટતપાસ ન હોય, એમાં જો-તોની શરત ન હોય. ’

નીમાની સમજબારી ખૂલતી ગઈ. મને પસંદ કર્યાની ઘડીથી અતુલ્યએ મારામાં વિશ્વાસ મૂક્યો, મારી વિરુદ્ધની કોઈ વાત તેમણે ગણકારી નહીં. એ હિસાબે એ ઘડીથી અમારું સહજીવન તેમના માટે શરૂ થઈ ચૂક્યું ગણાય. છતાં ધરાર જો એનો હક બજાવ્યો હોય, ધરાર જો મર્યાદાની સીમારેખા લાંઘી હોય... શું કામ? મારામાં તેમનો વિશ્વાસ રોપવા, દૃઢ કરવા જેથી સહજીવનનો મારો પાયો પણ એટલો જ મજબૂત બને. ઓહ, આટલી ખેવના કરનારો પુરુષ સપનામાં પણ જીવનસાથીથી છેહ આચરી ન શકે! આ જ તો પ્રીત. અતુલ્યને જે શાણપણથી સુલભ હતું એ વિશ્વાસના મોલ હું હવે સમજી... નીમાની અશ્રુધારા વહી. અંતરને દ્વિધા ન રહી.

નીમાએ કરવા શું ધાર્યું છે? સુમનભાઈ-વિદ્યાબહેન અકળાય છે. વલસાડથી જમી-પરવારીને પરત થયેલી દીકરી જુદા જ મૂડમાં લાગી. કહો કે મૂળભૂત આત્મવિશ્વાસમાં લાગી. આવતાંની સાથે જ તેણે પિતરાઈઓને તેડાવી લીધા, ને તેમના આગમને કાગળ-પેન આપી દીવાનખંડમાં હારબંધ ગોઠવી તે કરવા શું માગે છે?

‘આપણે એક ફની ગેમ રમી રહ્યા છીએ. હું તમને થોડાં વાક્યો લખાવીશ. એમાંથી સવાલ-જવાબ કરીશું. બહુ મજા આવશે.’

તેણે ભલે મજાનું કહ્યું, કાકા-કાકીઓમાંથી કોઈને મજા આવી હોય એવું લાગ્યું નહીં. ખરી છે આ છોકરી. એક તો કામનો ફોડ પાડ્યા વિના શૉર્ટ નોટિસમાં બોલાવે છે ને પછી ગેમ રમવા બેસાડી દે છે?

‘લખો...’

એવી જ દરેકની પેન કાગળ પર અટેન્શનમાં ટેકવાઈ ગઈ.

‘સ્નેહીશ્રી, તમે તમારા દીકરાનું સગપણ નવસારી નિવાસી સુમનભાઈ ધીરજભાઈ ગાંધીની પુત્રી નીમા સાથે નક્કી કર્યું છે, પણ આમાં તમે જબરા છેતરાયા છો.’

હેં! બધા ભેગા સુમનભાઈ-વિદ્યાબહેન પણ ચોંક્યાં. નીમા આ શું લખાવે છે? નીમાએ અતુલ્યને લખાયેલો બાકીનો પત્ર લખાવતાં મીનાકાકીના કાંડામાં કળતર થવા લાગ્યું. શુભચિંતક લખતાં પેન ફસડાઈ પડી.

‘આટલો પસીનો કેમ કાકી?’ નીમાએ દાઢમાં પૂછ્યું, ‘કહો તો, તમે મારા વેવિશાળ પહેલાં સુરતના પિય૨ ગયેલાંને? કાકાને યાદ હશે...’

‘મીના ગયેલીને. મને બરાબર યાદ છે. તારા વિવાહમાં પહેરવાની સાડી તેની ભાભી પાસેથી લા...વવા.’ પત્નીને ડોળા કાઢતી ભાળીને રઘુકાકા થોથવાયા.

‘આ પત્ર તમે ત્યારે જ અતુલ્યને સુરતથી વલસાડ પોસ્ટ કરેલો, યાદ આવ્યું કાકીજી?’ દાંત ભીંસીને તેણે મીનાબહેને અત્યારે લખેલો પત્ર ખૂંચવી પોસ્ટકાર્ડ સાથે બધાને દેખાડ્યો. ‘જુઓ, તેમના હસ્તાક્ષર પણ કેવા સરખા લાગે છે!’

અરે હા! પછી સંમત થવાનો અર્થ સમજાતાં પિતરાઈઓ ગલવાયા, સુમનભાઈ-વિદ્યાબહેનનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો, ‘આ તમારી નીયત! અમારું જ ખાઈને અમારું ખોદો છો? ચૂપ, તમે બધા સરખા છો. અમારી ફૂલ જેવી દીકરીના ચારિત્ર્યની તેની સાસરીમાં વગોવણી? આ લખતી વેળા મીનાભાભી તમને એટલુંય ન થયું કે અમારી ઓથે તો તમારો દીકરો ભણે છે. એનીયે શરમ નહીં? નીકળો અબી હાલ, મારા ઘરમાં કોઈ ન જોઈએ!’

આ હંમેશનો જાકારો હતો. બહુ વસમો લાગ્યો, પણ શું થાય? મીનાભાભીને તો ત્રેવડો માર હતો! એક તો આ પત્ર લખવાથી કશું નહોતું બન્યું, વ૨થી પણ છુ૫ાવેલું કાવતરું આજે બધાની વચ્ચે ખૂલ્યું, ને એ જ જાકારામાં નિમિત્ત બન્યું! અરેરેરે.

‘આ બધું શું છે દીકરી? આ પત્ર...’ માબાપની પૃચ્છાના વિગતવાર ખુલાસા કરતાં સુમનભાઈ-વિદ્યાબહેન આભા બન્યાં. આવું જાણીનેય તેમણે કંઈ પૂછ્યું નહીં, વેવિશાળ પછીયે વર્તાવા દીધું નહીં? ધન્ય.

નીમાએ નિર્ણય સંભળાવ્યો, ‘અતુલ્યને પોતાના વિશ્વાસમાં શ્રદ્ધા હતી. પોતાની સ્ત્રીનું સન્માન કરનારો માણસ કદી પરસ્ત્રી પર કુદૃષ્ટિ કરી ન શકે, હત્યા તો બહુ દૂરની વાત થઈ. અતુલ્ય નિર્દોષ છે. હવે બસ, મારા વિશ્વાસને મારે સાચો કરી દેખાડવાનો છે - પણ એ માટે તમારા આર્શીવાદ જોઈએ.’

આમાં હવે ઇનકા૨ કેમ હોય!

‘ની...મા...’ અતુલ્ય ખીલી ઊઠ્યો.

‘આ ઘડીની આશને મેં મરવા નહોતી દીધી. છેવટે તે જેલની વિપદામાંય આવી ખરી!’

ચમત્કાર પાછળનો ઘટનાક્રમ જાણીને ગદ્ગદ થવાયું. પોતે તો માને એ કાગળ ફાડી નાખવા કહેલું, પણ માએ જાળવી રાખેલો - આપણું તો એક કોઈ વિઘ્નસંતોષી છે નહીં. નીમા વહુ બનીને આવે ત્યારે તેને જરૂર પત્ર બતાવીને પૂછીશ કે આ હરકત તમારે ત્યાંથી કોણે કરી હોઈ શકે! વહુએ જાણવાનો હક છે... બાદમાં પોતાને તો અહેસાસ હતો જ કે પત્રનું કાવતરું પિતરાઈઓનું જ હોય. નીમાએ તેમની સાથે છેડો ફાડીને ડહાપણનું કામ કર્યું. નીમાએ તેના, મારા પેરન્ટ્સને મુંબઈ તેડાવી લીધા છે - સાથે રહીશું તો એકબીજાને જાળવી લઈશું!

‘મને ક્ષમા કરજો અતુલ્ય, મેં આવવામાં મોડું કર્યું. ખરેખર મારે જવાનું જ નહોતું.’ તેણે નેત્રો મેળવ્યાં, ‘પણ હવે આવી છું તો પૂરેપૂરી થઈને. મકર રાશિમાં સૂર્યના આગમને સંક્રાન્ત કહે છે અતુલ્ય. હું પણ શંકા-કુશંકા, અધૂરા-અપૂર્ણ વિશ્વાસના દાયરામાંથી કેવળ ને કેવળ વિશ્વાસના ક્ષેત્રની સંક્રાન્તિ પામી છું. સહજીવનના, પ્રણયના ભેદ મને હવે સમજાય છે. મારો દરેક ભરમ ભાંગી ચૂક્યો છે.’

નવી જ નીમાને નિહાળવાનો આનંદ વર્ણનાતીત હતો.

‘બસ અતુલ્ય, હવે તમે પણ ઝાઝા દિવસ લૉક-અપમાં નહીં રહો, આપણે આમ સમય માગીને મળવું નહીં પડે.’

‘તેં મારો વિશ્વાસ કયોર્ નીમા, મારા માટે એટલું પૂરતું છે. બાકી મને ઘેરી વળેલા આરોપના વમળમાંથી છટકવું મુશ્કેલ લાગે છે. તું કઈ રીતે મને નિર્દોષ સાબિત કરીશ?’

‘સિમ્પલ છે અતુલ્ય...’ નીમાનું તેજ ઝળહળ્યું, ‘સાચા ખૂનીને ઝડપાવીને.’

નીમા રોજ બપોરે થાણે જઈને તપાસ-અધિકારી ઇન્સ્પેક્ટર મુખરજીનું માથું ખાય છે. આધેડ વયના અધિકારી નીમાના જુસ્સાથી તાજુબી પણ અનુભવે છે. આ કેસમાં તેમને કોઈ હોપ નહોતી, અતુલ્યને ગુનેગાર સાબિત કરતા પૂરતા પુરાવા હતા. છતાં દીકરીની ઉંમરની નીમાનું મંગેતરને નિર્દોષ સાબિત કરવાનું પૅશન ગમતું એટલે થોડો સમય ફાળવીને તેને સાંભળતા, ખાતાની ચકાસણીમાં કોઈ મુદ્દો ધ્યાન પર આવ્યો હોય અને યોગ્ય લાગે તો શૅર પણ કરે.

અને ૫છી...

રાજન યોગા ક્લાસ.

દિવાકરે બહાર લટકતું બોર્ડ વાંચ્યું. પછી ગ્લાસડોર પુશ કરી ભીતર પ્રવેશ્યો. ખભે લટકતા થેલામાં હાથ નાખીને જોઈતી ચીજ પંપાળી લીધી. આજે આ ક્લાસરૂમની દીવાલોએ નહીં જોયેલું દૃશ્ય ભજવાવાનું!

અંદર જતાં દરેક ડગલે તેનું મન તો ભૂતકાળમાં ડગ માંડી રહ્યું હતું.

સંક્રાન્તને દહાડે, સાંજને બદલે સવારની ફ્લાઇટમાં આવી પોતે સવિતાને સરપ્રાઇઝ દેવા ચુપકેથી બિલ્ડિંગમાં દાખલ થઈ ગયો. બપોરની વેળા અવરજવર આમેય જંપી ગઈ હોય. લિફ્ટમાં સડસડાટ દસમે માળે પહોંચી ડોરબેલ રણકાવવા જતો હાથ અડધે જ રોકાઈ ગયો. પત્નીને સરપ્રાઇઝ આપવા તો ખરો જ, બહાર દરવાજે મર્દાના શૂઝ જોઈને ખચકાઈ જવાયું - અત્યારે કોણ આવ્યું હશે?

જોવા તો દે. ડોરબેલ રણકાવવાને બદલે દિવાકરે પોતાની પાસે રહેતી બીજી ચાવીથી દરવાજો ખોલ્યો... અને પત્ની સવિતાનું ચારિત્ર્ય ઊઘડી ગયું! ના, પત્ની જેને ઊલટભેર માણી રહી હતી એ જુવાન સૌ માને છે એમ અતુલ્ય નહોતો...

દિવાકરે ઊંડો શ્વાસ લીધો : આડો સંબંધ બાંધીને મને છેતરનાર સવિતા તો સ્વર્ગે સિધાવી ચૂકી. હવે... તેણે વળી થેલામાં હાથ નાખ્યો ને ધારદાર ચાકુ પંપાળી લીધું!

આ પણ વાંચો : કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 3)

- એ જ વખતે વળી બહારનો દરવાજો ખૂલ્યો ને પોતાની પાછળ પણ કોઈ પ્રવેશ્યું છે એ હરકતથી દિવાકર અજાણ જ રહ્યો!

columnists