કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 3)

16 January, 2019 11:28 AM IST  |  | Sameet Purvesh Shroff

કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 3)

લઘુકથા - સંક્રાન્તિ

અઠવાડિયાથી મુંબઈનાં ગુજરાતી છાપાંઓમાં જેની ચર્ચા ચાલે છે એ ઘટના નીમા માટે ભેદભરમની ભુલામણી જેવી બની ગઈ છે.

‘અતુલ્યે સવિતાભાભીનું ખૂન કર્યું!’ અતુલ્યના ફોન ૫૨ રસિકભાઈની ચીસો ગુંજી પછી કશું જ સાંભળી શકાયું નહીં. સાંભળવાની શક્તિ પણ ક્યાં હતી? ફોન જ વચકી પડેલો.

‘પપ્પા...’ તેણે ચીસ નાખી હતી, ‘ડ્રાઇવર તેડાવો, આપણે તત્કાળ મુંબઈ જવાનું છે.’

એકદમ શું થયું? કાકા-કાકીઓ તો ટાંપીને જ બેઠાં હતાં. તેમની હાજરીમાં ખૂનનો ફોડ પાડવો નહોતો એટલે બહાનું ઉપજાવતાં પણ સાચવવું પડવું. જાતને સ્વસ્થ કરવી રહી, ‘બધું બરાબર છે પપ્પા-મમ્મી, આ તો મારાં સાસુની એવી ઇચ્છા છે કે આજે કમુરતાં ઊતર્યાં એટલે સૌ સાથે મુંબઈ જઈ અતુલ્યે નવી કાર લેવી છે એની સરપ્રાઇઝ આપીએ.’

અતુલ્યના ફોનનો ફોડ નીમાએ કારમાં પાડતાં સુમનભાઈ-વિદ્યાબહેન હેબતાયાં. અતુલ્યનો ફોન લાગ્યો નહીં, પણ વલસાડ તેણે ખબર આપેલા એટલે મધુકરભાઈએ વકીલમિત્ર રામાનંદને પણ સાથે લઈ લીધા.

‘આ સવિતા છે કોણ?’ વિદ્યામા વારે-વારે પૂછતાં રહ્યાં. નીમાને માતા-પિતાની હાલત સમજાતી હતી. અજાણી સ્ત્રીની હત્યામાં થનારા જમાઈનું નામ સંડોવાય એટલે તેમને દીકરીના ભવિષ્યની ચિંતા થવી સ્વાભાવિક છે.

‘સવિતાભાભી અમારાં નેબર છે, ઉપલા માળે રહે છે...’ નીમાએ વિગતે કહેતાં ઊલટું તેમનું ટેન્શન બેવડાયું. જેનો ધણી ત્રર-ત્રણ વરસથી બહાર છે તે બાઈની નજર અમારા જમાઈ પર તો ન ટકી હોયને! મુંબઈમાં એકલા રહેતા જુવાન બાબત પિતરાઈઓએ કેટલું ચેતવેલા એ સાંભરીને સુમનભાઈ સમસમી ગયા.

‘મારો અતુલ્ય કોઈનું ખૂન કરે જ નહીં.’ સૂર્યાબહેનનો રણકો નક્કર હતો. નીમાએ ફિંગર ક્રૉસ રાખી હતી.

એક પણ બ્રેક વિના સીધા દાદર પહોંચ્યા ત્યારે રાતના દોઢ થયો હતો, પણ અરિહંત સોસાયટીમાં ચહલપહલ વર્તાણી. ચાર વિન્ગ વચ્ચે પડતા ચોગાનમાં સોસાયટીનો પુરુષવર્ગ ટોળે વળ્યો હતો. પોલીસજીપની હાજરી હતી. લાશને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયેલી. પેટમાં છરીના બાર-૫ંદર ઘા થવાથી સવિતાનું મૃત્યુ થયાનો પ્રાથમિક અડસટ્ટો હતો. જોકે મુંબઈ પહોંચનારાને નિસબત કેવળ અતુલ્ય સાથે હતી.

‘અતુલ્ય...’ કારમાંથી ઊતરતાં નીમાએ પાડેલા સાદમાં બાંકડાની બેઠકેથી તે ઊભો થઈ ગયેલો... પણ કેવો અતુલ્ય? થોડા કલાકમાં જાણે જિંદગીની બાજી હારી બેઠો હોય એવો ત્રસ્ત અને થોડી-થોડી પળોએ ધ્રૂજી જતા અતુલ્યને વળગીને નીમા રડી પડેલી. આ શું થઈ ગયું?

‘તારા થનારા ધણીએ ખૂન કર્યું.’ રસિકભાઈએ ઊઠચા અવાજે નિર્લજ્જપણે કહીને હાજરી જતાવી. ત્યાં સુધીમાં વડીલો પણ આવી પહોંચ્યા. માતા-પિતાને વળગી અતુલ્ય થોડું રડ્યો પણ ખરો.

‘થયું શું?’ સુમનભાઈનો જીવ ઘટનાક્રમ જાણવા તલપાપડ હતો. જમાઈ ખરેખર વાંકમાં છે કે કેમ એ તો પહેલાં ખબર પડે.

તેમની પૃચ્છાની જ રાહ જોતા હોય એમ રસિકભાઈ શરૂ થઈ ગયા, ‘આમ તો અમારી સોસાયટીમાં પતંગનો કોઈને ખાસ ચાવ નહીં, પણ દુકાન બંધ એટલે મને થયું કે સાંજ ઢળી છે તો અગાસીમાં લટાર મારી આઉં. કન્ડીલ ચગતી હોય તો જોવાનો મને શોખ.’

તેમણે વાત માંડી. ધ્યાનથી સાંભળતી નીમા સમક્ષ એને અનુરૂપ દૃશ્યો તાદૃશ થતાં ગયાં.

‘એટલે સાડાછના સુમારે હું લિફ્ટમાં અગાસીએ પહોંચ્યો. લિફ્ટમાંથી ઊતરો એટલે સામે જ અગાસીનો દરવાજો પડે, જે ઠેલેલો હતો. આમ તો આ દરવાજો લૉક હોય. ચાવી બાજુની ખીંટીએ લટકાવીએ, જ્યારે બીજી અમારા વૉચમૅન પાસે રહેતી હોય. ખે૨, દરવાજો હડસેલીને ટેરેસમાં પગ મૂક્યો. દરવાજાના પૅસેજ પછી અમારી અગાસી ડાબે-જમણે ફેલાયેલી છે. હજી તો મેં ડાબી તરફ ચાર-છ ડગલાં જ માંડ્યાં કે સામે સોલર પૅનલની પાછળની બાજુથી અવાજ આવ્યો કે મારાથી સવિતાભાભીનું ખૂન થઈ ગયું છે!’

‘જૂઠ!’ નીમા હાંફી ગઈ, ‘અતુલ્યએ ફક્ત એટલું કહ્યું કે સવિતાભાભીનું ખૂન થયું છે. મારાથી થયું છે એવું તે બોલ્યા જ નથી.’

‘તો પોલીસ થર્ડ ડિગ્રી અજમાવીને બોલાવશે.’ રસિકભાઈએ ટાઢક રાખી, ‘બની શકે, અતુલ્ય તું કહે છે એટલું જ બોલ્યો હોય અને અવસ્થાને કારણે મને સાંભળવામાં ગફલત થઈ હોય; પણ હું સોલર પૅનલ આગળ પહોંચ્યો ત્યારે સવિતા લાશ બની પડેલી હતી. તેના પેટમાં ઝીંકાયેલા છરીના ઘામાંથી વહેલું લોહી હજી થમ્યું નહોતું અને એ ચાકુ લાશની બાજુમાં ઘૂંટણિયે બેઠેલા અતુલ્યના હાથમાં હતું!’

સાંભળીને આત્મજનોને કંપારી છૂટી.

‘ચાકુ તમારા હાથમાં હતું અતુલ્ય?’ નીમાએ તેને હચમચાવ્યો.

‘ઇટ વૉઝ શૉકિંગ, નીમા...’ અતુલ્યએ ભડાશ ઠાલવવાની ઢબે કહ્યું, ‘સંધ્યાટાણે હું પણ લિફ્ટમાં ટેરેસ પર પહોંચ્યો. દરવાજો ત્યારે પણ ઠેલેલો હતો. જોકે અગાસીમાં સૂનકાર વર્તાયો. તને ફોન જોડવાનું વિચારું છું કે હળવો કણસાટ સંભળાયો. અવાજની દિશામાં હું દોડ્યો. જોયું તો...’ અતુલ્યની કીકીમાં ખૌફ છવાયો, ‘લોહીથી લથબથ સવિતાભાભી ફર્શ પર ચટ્ટાપાટ પડ્યાં હતાં. આખરી ડચકાં ખાતાં હતાં. મને ભાળીને કશુંક કહેવા મથ્યા, પણ પછી તેમની ડોક ઢળી ગઈ... નજર સામે માણસ લાશ બન્યાની આ એવી ઘટના હતી. બુદ્ધિ બહેર મારી ગઈ... કોઈએ સવિતાભાભીને મા...રી નાખ્યાં? તેમના પેટમાં થયેલા ઘા આ ચા...કુથી થયા? બસ, આ વિચારે મેં તેમની બાજુમાં ફેંકાયેલું ચાકુ ઉઠાવ્યું...’ અતુલ્ય હાંફી ગયો, ‘એ ક્ષણે તારો ઝબકારો થયો. બીજા હાથમાં પકડેલા મોબાઇલથી પહેલાં મેં તને ફોન જોડ્યો ને એ જ અરસામાં રસિકભાઈ આવી પહોંચ્યા...’

નીમા સમજી. બહુ સ્વાભાવિક પ્રતિક્રિયાથી અતુલ્યએ ચાકુ ઉઠાવ્યું હોય એ સાવ સંભવ છે. અરે, અતુલ્યએ સવિતાભાભીને મારવાનું કારણ જ શું હોય?

‘પૂછો તમારા પ્રિયજનને.’ આ જ પ્રશ્નની વાટ જોતા હોય એમ રસિકભાઈએ પત્ની પાસેથી જાણવા મળેલો ભેદ ઓકી નાખ્યો, ‘હજી ગઈ કાલે તમારા ગયા બાદ તે બબ્બે-ચચ્ચાર કલાક સવિતાભાભીની સોડમાં ભરાણો હતો કે નહીં?’

હાય-હાય. વિદ્યામા બેસી પડ્યાં. સુમનભાઈએ કળતર અનુભવ્યું. સૂર્યાïમા આગળ આવ્યાં. દીકરાના ખભે હાથ મૂકીને આંખો મેળવી, ‘આ માણસ ક્યારનો શું બકવાસ કરે છે? તું સવિતાના ઘરે જતો?’

‘ઘરે જતો નહીં મમ્મી, કાલે ગયો હતો.’

નીચી મૂડીએ તેણે કહેતાં નીમાએ ધક્કો અનુભવ્યો. પૂછી બેઠેલી, ‘એ પણ બે-ચાર કલાક માટે?’ તેના પ્રશ્નમાં તકાજો હતો.

‘નીમા, તેના ફ્લૅટમાં વાયરિંગનો ઇશ્યુ હતો. ફૉલ્ટ શોધવામાં સમય લાગ્યો.’

‘એ તમારું કામ નહોતું અતુલ્ય. સવિતાભાભીને ત્યાં લાઇટનો પ્રૉબ્લેમ હોય તો તે ઇલેક્ટ્રિશિયનને તેડાવે, તમે કેમ ગયા?’

તેના અવાજની ધાર અતુલ્યની કીકીમાં તીવþતાથી ઝબકી, ‘કેમ ગયા એટલે? તારો મતલબ શું છે નીમા? અરે, રવિની રજાના દહાડે કયો ઇલેક્ટ્રિશિયન મળવાનો? પાડોશીભાવે મદદ માટે ગયો એમાં કયું આભ તૂટી પડ્યું?’

‘આભ નહીં, બિચારીનું દિલ તૂટ્યું છે. સ્વીકારી લે બેન, અતુલ્ય-સવિતાનું ચક્કર સ્વીકારી લે.’ રસિકભાઈએ નીમા પરત્વે સહાનુભૂતિ દાખવી, ‘મેં તો ઘણી વાર કહ્યું કે સોસાયટીમાં CCTV લગાવો... લાગ્યા હોત તો બેઉનો મેળ ક્યારનો ઝડપાઈ ગયો હોત. ’

નીમા કમકમી ગઈ. અતુલ્યનો સંયમ સાંભરી ગયો. ખરેખર એ સંયમ નહીં, સ્પર્શસુખની બિનજરૂરિયાત હતી? જેનું પેટ ઠર્યું હોય તેને ભૂખ કેમ જાગે? સવિતા પાસેથી બેસુમાર કામસુખ મળતું હોય પછી નીમાના ચૂમવા-ચૂંથવામાં રસ શું હોય?

નીમા સમસમી ગઈ. દિમાગ ધમધમ થવા માંડ્યું. રસિકભાઈ કંઈ આજે જ બોલે છે એવું નથી.... અતુલ્ય-સવિતાના સંબંધનો ઇશારો પેલે દહાડે પાર્કિંગમાં પણ તેમણે ક્યાં નહોતો આપ્યો? એકમેકનું દાઝે એવા સંબંધ બેઉ વચ્ચે હોય પણ ખરા... સવિતાનો વર વિદેશ ને અહીં અતુલ્ય છુટ્ટા ઘોડા જેવો... હે ભગવાન!

‘ઇનફ રસિકભાઈ...’ નીમાની માનસસ્થિતિનો અંદાજો આવતાં અતુલ્ય બરાડ્યો, ‘તમારી દીકરીને મેં રિજેક્ટ કરી એનો બદલો આમ વાળો છો? જૂઠ પર જૂઠ બોલ્યે જાઓ છો. હવે તો થાય છે કે મેં ઊર્મિને નકારીને ડહાપણનું કામ કર્યું. તે પણ બાપ જેવી જૂઠાડી હોત તો મારો સંસાર કેમ ચાલત?’

તેના આવેશે રસિકભાઈ ઢીલા પડ્યા. બધાની વચ્ચે ઊર્મિને નકાર્યાનું જાહેર થયું એથી પોતાની જુબાનીની અસર મંદ થતી લાગી ત્યાં...

‘શક્ય છે, આજે રસિકભાઈ પણ ઈશ્વરને થૅન્ક્સ કહેતા હોય કે સારું થયું મારી દીકરીનો સંબંધ તારા જેવા વહેશી જોડે ન બંધાયો!’

કોણ, નીમા આમ બોલે છે? અતુલ્યે આઘાત અનુભવ્યો. બેઉનાં માવતર ઢીલા પડ્યાં.

‘નીમા? તારા પર જે વીતી રહ્યું એ મને સમજાય છે, પણ બાહોશીથી કામ લે. મને સવિતામાં રસ હોય તો હું તને શું કામ હા પાડું?’

‘કેમ કે સવિતા સાથેના સંબંધનું કોઈ ભવિષ્ય નહીં હોય... શક્ય છે તેણે તેના વરને છોડવો નહીં હોય. આ બાજુ ઘરેથી તમને લગ્નનું દબાણ વધ્યું હોય...’ નીમાનો જીવ વલોવાતો હતો. આ કલ્પનાઓ ખરેખર તો તેને રહેંસી રહી હતી, ‘યા સંભવ છે, સવિતાને તમારાં લગ્નનો વાંધો પડ્યો હોય... આડા સંબંધને અંજામ આપવો મુશ્કેલ બને ત્યારે એનો અંત આ જ રીતે આવતો હોય છે, ઘણી વાર.’

‘નહીં...’ સૌ ચમક્યા. સામા બાંકડે ચૂપચાપ બેઠેલો આદમી એકાએક કેમ ચીખ્યો? ત્રીસેક વરસનો એ પુરુષ દિવાકર હતો - સવિતાનો વર - એ તો પછી જાણ્યું.

‘મારી સવિતા તો કેવી ભોળી. ત્રણ-ત્રણ વરસનો વિરહ તેણે હસતા મુખે વેઠ્યો. મારા આગમનના સમાચારથી તે કેટલી ખુશ હતી. મારાથી કશું છુપાવતી હોય એવું ક્યારેય લાગ્યું નહોતું. અમીરાતની ન્યુ યૉર્ક-મુંબઈ ફ્લાઇટ વાયા દુબઈ આવે છે એમાં મારું બુકિંગ હતું. સાંજે છ વાગ્યે ઍરપોર્ટ ઊતરીને અહીં નવ વાગ્યે પહોંચું છું ત્યારે જાણ થાય છે કે...’ તેણે ધ્રુસકું ખાળ્યું, ‘મારા સ્વાગત માટે જે હારતોરા લઈને દરવાજે ઊભી રહેવાની હતી તેની લાશ જ મને ઓળખ માટે જોવા મળી! ના, ના, મારી સવુ બેવફા નહોતી.’ તે અતુલ્ય તરફ ધસ્યો, ‘તેં જ તેને ભોળવીને ફસાવી... તે મને છોડવા નહીં માગતી હોય એટલે જ તેં તેને મારી નાખીને? હત્યારા! ’

તેનો આક્રોશ સૌને વધતાઓછા અંશે સ્પર્શી ગયો. પોલીસે હવે દરમ્યાનગીરી કરવી પડી. ‘બાજુ હટો. યે (અતુલ્ય) અભી હિરાસત મેં હૈ.’

સાંભળીને મધુકરભાઈ રામાનંદસાહેબ જોડે મસલત કરવા લાગ્યા. સુમનભાઈ-વિદ્યાબહેન જિંદગી હારી ગયાં હોય એમ કિસ્મતને કોસવા બેઠાં એ જોઈને સૂર્યાબહેનનું હૈયું કાંપતું હતું.

‘નીમા...’ અતુલ્યના સાદે પૂતળા જેવી થયેલી નીમાની પાંપણ ફરકી.

‘તું તો મારો આધાર નીમા. પહેલી જાણ મેં તને કરી. કેસનો નિવેડો ક્યારે-શું આવે ખબર નથી, મને હતું કે પપ્પા-મમ્મીને જાળવવાનું તને કહેવું નહીં પડે...’ અતુલ્ય ભીનું મલક્યો. ‘જીવનસાથી પ્રત્યે એટલી અપેક્ષા હોય કે આપણી મુસીબતમાં તે ચટ્ટાનની જેમ પડખે રહે. પણ એ ત્યારે જ સંભવ બને જ્યારે એકબીજા પરત્વેનો વિશ્વાસ અતૂટ હોય. આજે એક ઠોકરે તારામાં મારા પ્રત્યેનો વિશ્વાસ મને ડગમગતો દેખાય છે.’

નીમા અતુલ્યના સ્વરની ધ્રુજારી અનુભવી શકી. ‘તું મને છોડી દે કે તરછોડે તો હું તને દોષ નહીં દઉ, તને બેવફા નહીં કહું..’ અતુલ્યે ઉમેર્યું, ‘પણ તારે વફા કરવી હોય તો પૂરેપૂરી કરજે. સહજીવનમાં આંશિક, આધુંઅધૂરું કંઈ ન ચાલે. ક્યાં સંપૂર્ણ, ક્યાં બિલકુલ નહીં.’

અતુલ્યના શબ્દોનું સંસ્મરણ અત્યારે પણ નીમાને સહેજ અજંપ કરી ગયું.

વીત્યા આ અઠવાડિયામાં કંઈકેટલું બની ગયું. મળસકે પંચનામું પતાવીને પોલીસ અતુલ્યને લઈ ગઈ. ઊઘડતી કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર રખાયા.

‘આ રિશ્તામાં આપણે આગળ વધવું જ નથી...’ પપ્પાએ તો ત્રીજા દહાડે ઘરે પહોંચતાં જ કહી દીધું. માની એમાં સંમતિ હતી. સવિતા મર્ડરકેસ છાપે ચડ્યો હોવાથી પિતરાઈઓથી પણ છૂપો ન રહ્યો. એ લોકો મોકો ચૂકે?

‘અમને તો તમે ત્રણે સંક્રાન્તના દહાડે માર-માર કરતાં ભાગ્યા ત્યારનો શક હતો કે તમારા જમાઈએ જરૂર કશો કાંડ કયોર્! બહુ ચેતવેલા તમને, પણ તમારી દીકરીમાંય ઓછી રાઈ નથી, તે હવે ભોગવો!’

કેમ મેં સાંભળી લીધું? કેમ અતુલ્યના બચાવમાં કૂદી ન પડી? હાલ અતુલ્યના પેરન્ટ્સ પણ આઘાતમાં હોવાથી પપ્પા વિવાહફોકની વાત કરવા નથી માગતા, પણ આજનું મુરત કાલે નીકળવાનું ત્યારે હું તેમને વારી શકીશ ખરી? વારવા માગું છું ખરી?

આ તમામ પ્રfનોનો જવાબ એક જવાબ પર ટક્યો છે : હું અતુલ્યને ગુનેગાર માનું છું ખરી?

સંજોગોથી પ્રેરાતું દિમાગ લગભગ સ્વીકારી ચૂક્યું છે - હા, ગુનો અતુલ્યએ કયોર્ છે. પ્રથમદર્શી પુરાવા તેમની વિરુદ્ધ છે. સવિતા સાથેના અનૈતિક સંબંધ સરેઆમ કૂથલીનો વિષય બની ચૂક્યા છે. કશું જ અતુલ્યને તરફેણમાં નથી.

અને છતાં દિલ તેને ગુનેગાર સ્વીકારવા તૈયાર થતું નથી.. તેની પાસે તણખલા જેવું એક જ કારણ છે - અતુલ્યે ગુનો કબૂલ્યો નથી, આડા સંબંધનો ઇનકાર ફરમાવ્યો છે.

નક્કી તારે કરવાનું છે નીમા. અતુલ્યના શબ્દો પર વિશ્વાસ મૂકવો છે કે પુરવાર થયેલા નિષ્કષોર્ પર?

નીમા સમજે છે કે આ એક જવાબ મને સુખના હિમાલયના શિખરે બેસાડી શકે એમ દુ:ખની તળેટીમાં પણ ગબડાવી શકે.

આ પણ વાંચો : કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 2)

હું શું કરું? મારે શું કરવું જોઈએ?

columnists