કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 2)

15 January, 2019 01:26 PM IST  |  | Sameet Purvesh Shroff

કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 2)

લઘુકથા - સંક્રાન્તિ

નીમા અતુલ્યના સહવાસના કેફમાં હતી. સોમવારની મકરસંક્રાન્તિએ અતુલ્યને ઑફિસમાં રજા નહોતી એટલે પછી આગલે દહાડે નીમા મુંબઈનો આંટોફેરો કરી લે એવું વડીલોએ ગોઠવ્યું હતું.

ફ્લાઇંગ રાણીમાં મુંબઈ આવી પહોંચેલી વાગદત્તાને અતુલ્યએ બાઇક પર ઘુમાવી. અતુલ્યના સાથે હોવાનો અહેસાસ જ મને કેવું ખીલવી દે છે. બાઇક પર પાછળ બેસીને તેમની કમરે હાથ વીંટાળું છું એમાં તો મારા વિશ્વને બાથમાં લેતી હોઉં એવું અનુભવું છું. અતુલ્યને પણ એની કામના ઓછી નહીં હોય. એટલે જ તેઓ ઘરમાં એકલા પડવાનું ટાળે છે ને તેમની એ સૂઝ પર હું વારી જાઉં છું!

‘ચલો મૅડમ, ઘર આવી ગયું...’

અતુલ્યના સાદે ઝબકતી નીમા બાઇક પરથી ઊતરી. બપોરના ત્રણ થયા હતા. મુંબઈ સેન્ટ્રલથી પોણાછની ફ્લાઇંગ રાણી પકડતાં પહેલાં અતુલ્ય માટે સાંજની રસોઈ બનાવી જવાની છે, તેમને મારા હાથનાં બહુ ભાવતાં બટાટાવડાં અને તીખી ચટણી!

‘એ ભાઈ...’ પાર્કિંગમાંથી નીકળતાં અતુલ્ય-નીમા ચમક્યાં. જોયું તો પોતાનું સ્કૂટર કાઢતાં રસિકભાઈ.

‘જોડે છોકરી છે એટલે

જોશમાં-જોશમાં રૂમ પર હાલી ન નીકળો. ગાડી તો સરખી પાર્ક કરો. દોરી લાઇન નહીં પાળો તો બાજુવાળાને તકલીફ નહીં પડે?’

કેટલી તુમાખી, કેટલો અભદ્ર ટોન. છોકરી, જોશ અને ઘરને સાંકળીને કેટલો ભદ્દો ઇશારો આપ્યો તેણે. અતુલ્ય કંઈ બોલે એ પહેલાં પાર્કિંગના બીજા છેડેથી સ્ત્રીનો કોમળ સાદ પડ્યો, ‘આમાં તમે આટલા આકળવિકળ શું કામ થાઓ છો રસિકભાઈ?’

નીમાએ નજર ફેરવી. ઓહ, આ તો સવિતાભાભી! મુંબઈ અવરજવર કરતી થયા પછી નીમા બિલ્ડિંગના ઘણાને જાણતી-ઓળખતી થયેલી એમ તેનેય અતુલ્યની વાગદત્તા તરીકે સૌ જાણતા થયા.

અતુલ્યની જ વિન્ગમાં, તેની બરાબર ઉપર છેલ્લા દસમા માળે રહેતાં સવિતાભાભીના હસબન્ડ દિવાકરભાઈ એન્જિનિયર છે, દુબઈમાં નોકરી અર્થે ગયા છે. ત્યાં અપાર્ટમેન્ટ લઈને ફૅમિલી સાથે મૂવ થવું મોંઘું પડે એટલે ભાભી અહીં એકલાં રહે છે. વરસે માંડ બે-ત્રણ દિવસ પૂરતા દિવાકરભાઈ મુંબઈ આવી શકે. એ જ રીતે બે-ચાર દહાડા પૂરતાં સવિતાભાભી પતિ પાસે દુબઈ જાય. પરિવારમાં ત્રીજું કોઈ મળે નહીં. વધુ ને વધુ બેટર લાઇફસ્ટાઇલ માટે પતિ-પત્ની પણ આમ અલગ થઈને રહે એ આજના જમાનાનું સત્ય છે. આમાં તેમની જુદા રહેવાની હિંમતને બિરદાવવી કે ભૌતિક સુખની ઝંખનાને ટકોરવી એ નીમા નક્કી ન કરી શકી. છવ્વીસેક વરસનાં નમણાં સવિતાભાભી રૂપાળાં એવાં હસમુખા લાગતાં. આવતાં-જતા- લિફ્ટમાં કે કમ્પાઉન્ડમાં સવિતાભાભી ભેગાં થઈ જાય ત્યારે નીમાને બહુ પ્રેમથી

મળે - હું તો સોસાટીમાં બધાને કહેતી હોઉં છું કે અતુલ્ય પરી લઈ આવ્યો! ફુરસદ કાઢીને મારે ત્યાં આવતી હો તો! કે પછી અતુલ્ય છોડતો નથી? હસી લઈને તે ગંભીર બને - અમારી સામેનો ફ્લૅટ બંધ છે એટલે આખા ફ્લોર પર હું એકલી જ હોઉં છું... તારાથી ત્રણેક વરસ જ મોટી હોઈશ, એટલે આપણે સરખેસરખા જ ગણાઈએ.

‘ભાભી કેવાં હસમુખાં છે.’ નીમા પછીથી અતુલ્યને કહેતી પણ, ‘મુંબઈ જેવા શહેરમાં પતિથી જુદા, એકલા રહેવું ખાવાનો ખેલ છે?’

‘હું એટલું જાણું નીમા કે જિંદગીના સંજોગ જ્યારે તમારી અપેક્ષા થકી કોતરાયા હોય ત્યારે એમાં સંઘર્ષ નથી લાગતો.’

આવી ગહેરી સોચ ધરાવતો અતુલ્ય અત્યારે પણ અકળાયો નહીં. હળવેથી પોતાની બાઇક સરખી કરી. ત્યાં સુધીમાં સવિતાભાભી પણ ત્રણેની નિકટ આવી ગયાં, ‘તમે અતુલ્ય પર ખોટા ઊકળી ઊઠ્યાï રસિકભાઈ. તેની આજુબાજુમાં તમારી ગાડી તો આવવાની નથી. જોડે તેની ફિયાન્સે છે ત્યારે તો વાણી પર જરા સંયમ રાખો.’

‘હવે કાલની આવેલી તું મને સંયમ શીખવે છે!’ રસિકભાઈનો મૂડ વધુ બગડ્યો, ‘અતુલ્યનું તને આટલું શાનું દાઝે છે?’ શબ્દો સાથે મનમાં ખદબદતો થયેલો મેલ પણ ઓકી નાખ્યો, ‘હાસ્તો, દાઝે એવા સંબંધ પણ હોય. તારો વર પરદેશમાં ને આ છુટ્ટા ઘોડા જેવો.’

હદ હોય! ઝંખવાતાં સવિતાભાભીની આંખમાં અશ્રુ ધસી આવ્યાં, નીમાની મુખરેખા તંગ થઈ, અતુલ્ય કાળઝાળ બન્યો.

‘ઇનફ રસિકભાઈ. હું બોલતો નથી એનો અર્થ એ નહીં કે મને બોલતાં આવડતું નથી. વડીલ તરીકે તમારો મલાજો રાખું છું. બીજું કોઈ હોત તો બત્રીસી ભાંગી દીધી હોત!’

અતુલ્યનું રૌદ્ર રૂપ નીમાએ પહેલી વાર જોયું. ગમ્યું.

‘જોયા હવે બત્રીસી તોડનાર!’ રસિકભાઈ ઠંડા તો પડી ગયા, પણ પડીનેય તંગડી ઊંચી રાખવાનું ચૂકે નહીં એમ ધીમા સાદે બબડતા ત્યાંથી સરકી ગયા : સાચું કહે એ બધાને કડવું જ લાગે!

‘આઇ ઍમ સૉરી ભાભી...’ અતુલ્યે હાથ જોડ્યા, ‘તમે મારી ફેવર કરવા ગયાં એમાં કેટલી અરુચિપૂર્ણ કમેન્ટ કરી ગયો એ આદમી.’

‘ઇટ્સ ઓકે અતુલ્ય.’ સવિતાભાભીએ પાંપણ લૂછીને સ્વસ્થતા કેળવી, ‘એકલી રહેતી સ્ત્રીએ આવા વહેવારથી ટેવાઈ જવાનું હોય.’

‘પણ હવે તમે એકલાં ક્યાં?’ નીમા બોલી, ‘દિવાકરભાઈ અહીં શિફ્ટ થઈ રહ્યા છે એવું તમે જ લાસ્ટ ટાઇમ કહેતાં’તાં.’

‘યા.’ સવિતાભાભીએ ખુશી જતાવી, ‘અમારા વિરહનો હવે સાચે જ અંત આવવાનો! તેમની ફ્લાઇટ હજી કન્ફર્મ નથી થઈ, પણ કાલ-પરમમાં આવવા જ જોઈએ.’

આશાના રણકાભેર ત્રણે પાર્કિંગમાંથી છૂટા પડ્યા. નીમાને ત્યારે જાણ નહોતી કે સવિતાભાભી સાથે તેની આ આખરી મુલાકાત હતી!

ïનીમાને સ્ટેશન પર મૂકીને અતુલ્ય નવમા માળે લિફ્ટમાંથી નીકળ્યો કે ઉપરથી બૂમ પડી : અતુલ્ય, ફ્રી હોય તો જરા મારી રૂમ પર આવશો? લાઇટ બહુ ફ્લક્ચ્યુએટ થાય છે...

‘જી સવિતાભાભી.’ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે અતુલ્યના ઘરમાં ટૂલકિટ પણ હતી. એ લઈને તેણે સીડી ચડવા માંડી એટલે આખો તાલ જોતાં મંજુલાબહેને ટલ્લા ફોડ્યા : બળ્યો જાણે ફ્યુઝ નાખવા ગયો કે કાઢવા!

તેને પાછા ફરતાં પૂરા બે કલાક થયા એ પણ તેમણે નોંધ્યું! રામ રામ.

- અને સંક્રાન્તની સોમની સવારે લતા-રફીનું પતંગગીત ગણગણતી નીમાએ અતુલ્યને ફોન જોડ્યો, ‘હૅપી મકરસંક્રાન્તિ! જુઓ, આભમાં પ્રભાત ફૂટી રહ્યું છે. કેસરિયા કિરણો હજી પથરાતાં જાય છે ત્યાં તો પતંગો દેખાવા પણ માંડી.’

‘મુંબઈમાં આવો માહોલ બહુ ઓછી જગ્યાએ જોવા મળે... અમારી સોસાયટીમાં પણ પતંગબહાદુરો ખાસ નથી. આફિસથી આવતાં હું એકાદ માંજો લેતો આવીશ ને અગાસીમાં ચગાવવા જઈશ ખરો..’

‘અરે બાપ રે, આટલી ફિક્કી ઉતરાણ. અમારે તો પપ્પા રાત સુધી ધાબેથી ઊતરશે નહીં. રાબેતા મુજબ કાકા-કાકીઓની ફૅમિલી અહીં જ ધામા નાખવાની...’ વિસ્તારથી કહીને નીમા ઉમેરવાનું ન ચૂકી, ‘સાંજે તમે ટેરેસ પર જાઓ ત્યારે સાચવજો હોં...’

ટેરેસ પર શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

ફાઇનલી ટુ હોમ!

દુબઈથી અમીરાતની ફ્લાઇટે મુંબઈની ઉડાન ભરી. બારી બેઠકે ગોઠવાયેલા દિવાકરે ધરપતનો શ્વાસ લીધો. ત્રણ-ત્રણ વરસ પછી હવે કાયમ માટે મુંબઈ શિફ્ટ થવાનો રોમાંચ જ અનેરો. સવિતાના સાથ વિના આ શક્ય ન બન્યું હોત...

ખોટ તો જોકે મુંબઈમાંય નહોતી. વિશાળ અપાર્ટમેન્ટમાં અમે વર-બૈરી સુખેથી રહેતાં હતાં. બેયની ફૅમિલીમાં ત્રીજું કોઈ મળે નહીં. સવિતાએ તો સ્વર્ગ રચી દીધું હતું મારા માટે. શયનેષુ રંભાનો ગુણ તો એવો કે દુબઈમાં કેટલીયે રાતો તેના વિના ઊંઘ નહોતી આવી! લગ્નના બીજા જ વરસે કંપનીમાંથી દુબઈ જવાનો મોકો મળ્યો ત્યારે પોતે ઢચુપચુ હતો, પણ સવિતાએ હામ બંધાવી : ગ્રોથની ભૂખ તો પુરુષને હોવી જોઈએ. આવી તક વારંવાર નથી મળતી. ત્રણ વરસનો વિરહ વેઠી લઈશું તો બુઢાપાની ચિંતા ન રહે એટલું રળી લાવશો. આપણા બાળકને બેટર ફ્યુચર આપી શકીશું. ત્રણ વરસ તો ચપટીકમાં વીતી જશે...

આજે પાછો વળું છું ત્યારે થાય છે કે વરસો ક્યાં વહી ગયાં! રોજ રાત્રે વિડિયોકૉલ થાય. વરસે બે વાર ભેળા થઈએ ત્યારે પોતે સંઘરાયેલી તમામ વાસના ઠાલવી દેતો. સવિતા ઉફ સુધ્ધાં ન કરતી. કેટલા નસીબે મને આવી પત્ની મળે હશે! દુબઈથી તેના માટે હીરાનો હાર લઈ જાઉં છું અને એથીયે મોટી સરપ્રાઇઝ તો હું ખુદ છું! આમ તો મારી શેડ્યુલ્ડ ફ્લાઇટ આજે સાંજની હતી, પણ પછી વહેલી સવારની ફ્લાઇટમાં નંબર લાગી શકે એમ જાણતાં પોતે ફ્લાઇટ પ્રીપોન કરી છે એની જાણ જોકે સવિતાને કરી નથી. બપોરે બાર-એક વાગ્યે ડોરબેલ રણકાવીશ તો મને દ્વારે જોઈને તે કેવી હેબતાઈ જવાની!

તેનું એ અચંબિત રૂપ મારે મારી આંખોમાં જડી લેવું છે... ઓહ, હવે જલદી આવ મુંબઈ!

થનગનતા પતિને ત્યારે તોળાઈ રહેલા આઘાતની ક્યાં જાણ હતી?

‘આજે આપણું આ છેલ્લું મિલન.’ સંક્રાન્તની બપોરે સવિતાભાભીએ પોતાના આશિક બનેલા જુવાનનાં વસ્ત્રો સરકાવવા માંડ્યાં. તેના ઉઘાડની કલ્પનાથી સવિતાભાભીના સ્વરમાં ઉત્તેજનાની ધ્રુજારી ભળી, ‘તારી મર્દાનગીએ મને દિવાકર વિનાનાં વરસોમાં પ્યાસી ન રાખી, પણ હવે આ મેળાપ પર પૂર્ણવિરામ. આજે સાંજની ફ્લાઇટમાં દિવાકર હંમેશ માટે આવી રહ્યો છે....’

‘પણ મને તારા વિના નહીં ગમે.’ જુવાને પણ સવિતાની કાયાને ધમરોળવા માંડી, ‘તું દિવાકરને છોડી દે.’

‘વૉટ!’ સવિતા ચમકી, પછી હસી, ‘પાગલ હૈ ક્યાં? અઢળક કમાઈને આવેલા વરને છોડીને મારે રસ્તે રઝળવું નથી!’

‘રસ્તે રઝળતી શું કામ? હું તને રાણી બનાવીને રાખીશ...’

તોય સવિતાભાભી ચૂપ રહી એટલે જુવાને ગોખી રાખેલો ભેદ ઉલેચ્યો, ‘અને તું કહેતી હો તો દિવાકરને હટાવી દઉં... પછી આપણા માર્ગમાં કોઈ કાંટો નહીં રહે!’

‘હેં!’ સવિતા ધારણા બહારનું સાંભળીને ડઘાઈ. દિવાકરની સરખામણીએ શય્યાસાથી શારીરિક સ્ટૅટિસ્ટિક્સમાં તો ક્યાંય વધુ ચડિયાતો હતો. પથારીમાં અવર્ણનાતીત સુખ વરસાવતો. પણ કેવળ એથી દિવાકરને ધોકો દેવો?

ધોકો. સવિતાભાભીનું ભીતર બોલી ઊઠ્યું : પરપુરુષ સાથે સૂઈને તું તારા ધણીને છેતરી તો ચૂકી છે. આ તો મૃત્યુદંડ દેવાની વાત છે!

થોડા થથરી જવાયું.

ના, દિવાકર સાથેનો સંસાર સુખી જ હતો. તેને દુબઈ જવા પ્રેરતી વેળા ત્રણ-ચાર વરસનો વિરહ વેઠવાની કટિબદ્ધતા હતી જ. પણ બે-ત્રણ મહિનામાં જ એનું પોત પાતળું પડવા માંડ્યું. સૂની પથારીનો ડંખ એવો વળગ્યો કે આના જેવા ખડતલ જુવાનને તાણીને કાંટો કાઢવો જ પડ્યો. પછી એ આદત બનતી ગઈ. વચમાં દિવાકર આવે કે હું દુબઈ જાઉં એ દિવસો ફિક્કા-ફિક્કા લાગે...

પણ હવે બસ. મારે દિવાકરનું પત્તું સાફ કરાવવાની હદ સુધી પણ નથી જવું. થોડા દહાડામાં દિવાકરની પણ આદત થઈ જશે. ચપટીક સુખ ખાતર મારે સંસાર નથી રઝળાવવો. માણસને મારવો રમત વાત છે? કંઈ ઊંધુંચત્તું થયું તો લેવાના દેવા થઈ જાય!

‘સબ્ર સે કામ લેના શીખો...’ છેવટે સવિતાભાભી બોલી, ‘તું તને ગમતી જગ્યાએ પરણ, મને મારો સંસાર સંભાળવા દે... મન થયું ત્યારે મળતાં રહીશું, મુંબઈમાં હોટેલોની કમી ક્યાં છે? એને માટે ખૂન-બૂનની વાતો છોડ મારા રાજ્જા...’ï

અને સવિતાભાભીની હરકતે જુવાન પણ બીજું બધું ભૂલીને કામક્રીડામાં આક્રમક બન્યો.

બેડરૂમની બહારની દુનિયામાં શું બની રહ્યું છે એનાથી જોડી સાવ બેખબર હતી!

અને સંક્રાન્તનો સૂરજ ડૂબ્યો. સુમનભાઈએ કન્ડીલ ચગાવવાની તૈયારી આરંભી. બધું ભૂલીને પતંગોત્સવમાં રમમાણ બનેલી નીમાનો ફોન રણક્યો -અતુલ્ય કોલિંગ.

‘હાય અત્તુ! તમે આવી ગયા? ટેરેસ પર છો?’

તેના છલકાતા ઉત્સાહ સામે અતુલ્યનો ધ્રુજારીભર્યો સ્વર સંભળાયો, ‘નીમા... હું ટેરેસ પર છું... અહીં... અહીં... એક ખૂ...ન થયું છે.’

‘હેં! શું કહો છો?’ નીમાએ બીજા કાન પર આંગળી દાબી. એવું લાગ્યું જાણે પોતે સાંભળવામાં થાપ ખાધી.

‘સવિતાભાભીની કોઈએ ચા...કુ મારીને હ...ત્યા...’ હજી તો અતુલ્ય આટલું બોલ્યો ત્યાં તેની પાછળથી રસિકભાઈની ચીસો નીમાને પણ સ્પષ્ટ સંભળાઈ - ખૂન! ખૂન! આ અતુલ્યએ તેની સવિતાભાભીને મારી નાખ્ાી! ધાજો રે ધાજો.

આ પણ વાંચો : કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 1)

નીમાના હાથમાંથી ફોન વચકી પડ્યો. આ શું થઈ ગયું?

columnists