કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 5)

18 January, 2019 11:56 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 5)

લઘુકથા - સંક્રાન્તિ

નીમાનું ચિત્ત એક જ વિચારમાં ગોથાં ખાય છે. રોજ બપોરે થાણે જઈને આધેડ વયના તપાસ-અધિકારી ઇન્સ્પેક્ટર મુખરજી સાથે ચર્ચા માંડતી.

‘એક બાબત સ્પષ્ટ છે. સવિતાના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સાફ લખ્યું છે કે મૃત્યુના પાંચથી છ કલાક અગાઉ તેણે સ્પર્શસુખ માણેલું. આ સમયે અતુલ્ય તો તેની ઑફિસમાં હતો!’ નીમા ઝળહળી ઊઠેલી, ‘મતલબ, સવિતાને અતુલ્ય સાથે ફિઝિકલ રિલેશન નહોતા!’

‘અથવા અતુલ્ય ઉપરાંત કોઈ બીજા સાથે પણ હતો.’ મુખરજીએ હડપચી પસવારેલી. વેલ, મામલો લાગે છે

એવો સીધો ન પણ હોય! ‘હવે રસિકભાઈ-મંજુલાબહેનને દમદાટી આપીને પૂછો કે બીજા કોને જતા જોયો તેમણે સવિતાભાભીના ઘરે?’ નીમાનાં નાખોરાં ફૂલી ગયેલાં, ‘ઘટનાના આગલા દહાડે અતુલ્ય જેન્યુઇનલી સવિતાને ત્યાં ગયેલા એમાં રસિકને અતુલ્યને ફસાવવાનો ચાન્સ મળી ગયો. એ માણસ ખરેખર તો અતુલ્યને તેની દીકરીને નકાર્યાનું વેર વાળી રહ્યો છે.’

‘તું રસિક બાબત સાચી પણ હોય નીમા, તોય સીધી પૂછપરછથી અત્યાર સુધી સાઇલન્ટ રહેલો બીજો માણસ ચેતી જશે... અત્યારે તો તેને ભ્રમમાં જ રહેવા દે.’

નીમા સમજતી કે પોલીસ તેમની રીતે તપાસ કરતી જ હોય. મુખરજીસાહેબ બધી જ વિગતો મને ન કહે, મીડિયાને પણ ન કહે. ‘બીજા’ માણસને ભુલાવામાં રાખીને મુખરજી જે કરવા માગે એ, મા૨ે શું કરવું જોઈએ?

તે સોસાયટીના પાડોશીઓમાં ભળીને સવિતાભાભી બાબત જાણવા મથતી, પણ ભાગ્યે જ કોઈ વાત મળતી. સવિતાભાભીનું ચારિત્ર્ય તો તેમના મૃત્યુ બાદ ઊઘડ્યું. ખુદ અતુલ્યને ક્યાં સવિતાની ચલગતનો અંદાજ હતો? છતાં કોઈ એક પુરુષ છે જે પોતે તો જાણે જ છે કે મને મરનાર સાથે સંબંધ હતો! જોકે એ વ્યક્તિ હવે કાચબાની જેમ ઢાલમાં છુપાઈ રહેવાની, નૅચરલી. અરે, તે જ ખૂની હોય એ સંભાવના સૌથી પ્રબળ છે!

દિવસમાં એક આંટો તે ટેરેસનો પણ મારતી. અહીં સવિતાને ખૂનમાં લથપથ જોઈને અતુલ્યએ કેવી થરથરાટી અનુભવી હશે! એ જ વખતે રસિકભાઈ આવ્યા ને...

ત્રણ પાત્રોના આ દૃશ્યમાં એક વ્યક્તિ હજી ખૂટે છે - ખૂની!

અતુલ્યએ સવિતાને ભાળી ત્યારે હજી તેના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. મતલબ ખૂની જો ટેરેસમાંથી નીકળ્યો હોય તો તેના જવા અને અતુલ્યના આગમન વચ્ચે કેવળ સેકન્ડ્સનો ફેર રહ્યો હોય. અતુલ્ય લિફ્ટમાં આવેલો - મતલબ ખૂની પગથિયાંના રસ્તે ભાગ્યો હશે?

બટ વેઇટ. અતુલ્યના આગમનની ગણતરીની પળો પહેલાં ખૂની ભાગ્યો અને ગણતરીની પળો પછી રસિકભાઈ અગાસીમાં આવ્યા એ સમયનો હિસાબ મૂકો તો દાદરના રસ્તે છટકેલા ખૂનીનો નવમા માળે રસિકભાઈનો ભેટો થયો હોય, હોય ને હોય! લાશની પાસે બેસવામાં અતુલ્યનાં વસ્ત્રો લોહીવાળાં થયેલાં ત્યારે ખૂનીએ તો સવિતાને ચાકુના 12-15 ઘા કરેલા! તેનાં વસ્ત્રો પણ લોહીવાળાં હોવાનાં. આવા દીદારનો માણસ ભુલાય નહીં. છતાં રસિકભાઈ આ વિશે કેમ કંઈ નથી બોલતા?

નીમાના દિમાગમાં ટિક-ટિક થઈ. આનો અર્થ એ થાય કે રસિકભાઈ તો ખૂનીને જાણે જ છે! કે પછી રસિકભાઈ પોતે ખૂની છે?

- ના, રસિકભાઈ ખૂની હોય તો લોહીવાળાં વસ્ત્રો બદલીને આટલા જલદી પાછા ઘટનાસ્થળે પહોંચી ન શકે... અતુલ્ય લિફ્ટમાં ટેરેસ પર આવે છે એ જ અરસામાં દાદર વાટે ભાગેલો ખૂની નવમા માળે રસિકભાઈને ન ટકરાય એવું એક જ રીતે બને - તે દસમા માળે જ રોકાઈ ગયો!

દસમો માળ. ધીરે-ધીરે પગથિયાં ઊતરીને નીમા દસમા માળે આવી. બેમાંથી એક ફ્લૅટ ખાસ્સા સમયથી બંધ છે. હવે રહ્યો સવિતાનો ફ્લૅટ. ધ્યાનથી એને નિહાળતી નીમાની બુદ્ધિ ચાલી. હં, આ સંભવ છે! સવિતાને જેની સાથે આડો સંબંધ હતો તેણે તેને ગમે એ કારણે ટેરેસ પર માયાર઼્, પછી આ ફ્લૅટમાં આવીને લોહીવાળાં કપડાં ધોયાં, બદલ્યાં... હત્યા કરનારો પોસ્ટ-મર્ડર પ્લાનિંગ સાથે જ આવ્યો હોય. સવિતાભાભીના ફ્લૅટની ચાવી તેની પાસે હોય એમાં નવાઈ જેવું નથી. ચોખ્ખો થઈને તે લાગ જોઈને સરકી જાય એ વધુ બંધ બેસે છે!

‘ખૂની ટેરેસ પરથી નીકળીને સવિતાના ફ્લૅટમાં ગયો જ હોય. તે જે કોઈ છે, સોસાયટીની જ વ્યક્તિ છે. સવિતાને ત્યાં આવરોજાવરો બહારની વ્યક્તિનો હોય તો ક્યારેક તો લોકોએ તેને નિહાળ્યો હોત, ચોકીદા૨ના ધ્યાનમાં આવ્યું હોત...’

‘નીમા, તું અતુલ્ય ખૂની નથી એમ માનીને વિચારે છે એ હિસાબે તારી ગણતરી બંધબેસતી છે, પણ કાતિલ અતુલ્ય જ હોય તો તેણે ક્યાંય જવાની જરૂર ક્યાં રહી; રાધર, એવો અવકાશ જ ક્યાં મળ્યો?’

આવું સાંભળતી ને નીમાને થતું કે પોલીસ અતુલ્યમાંથી પાછળ હટવા નથી માગતી ને મને આગળનો રસ્તો નથી જડતો!

‘એમ કોઈના માનવાથી અતુલ્ય નિર્દોષ નથી છૂટવાનો. સોસાયટી આવા ક્રિમિનલ પાસેથી ફ્લૅટ ખાલી કેમ નથી કરાવતી?’ આવતાં-જતાં દસમા માળના પોતાના ઘરે રહેતો દિવાકર ભટકાઈ જાય ત્યારે નીમા વગેરેને આવાં કંઈક તીખાં વેણ સંભળાવે. નીમા જોકે કંઈ પણ કહેવાનું ટાળતી. સાંભYયું છે કે દિવાકર ફરી દુબઈ જઈ રહ્યો છે... આખરે તે બિચારા પર પણ ઓછું નહીં વીત્યું હોય!

સમય સાચે જ વીતતો જાય છે. ભલભલો કાબેલ ગુનેગાર એક ભૂલ તો કરતો જ હોય છે. જાણે એ ભૂલ ક્યારે ઉજાગર થશે?

€ € €

‘ગુનેગારની ભૂલ પકડાઈ ગઈ.’

થોડી વાર પહેલાં મુખરજીસાહેબનું તાકીદનું તેડું આવતાં થાણે દોડી આવેલી નીમા સાંભળી રહી.

‘ઘટના તમારા પાડોશીને ત્યાં બની, એની કડી મારા પાડોશમાંથી મળી. અમેરિકા ફરવા ગયેલા મારા નેબર સંક્રાન્તના દહાડે પરત થતા હતા એ ફ્લાઇટમાં એક પૅસેન્જરને હાર્ટ-અટૅકનો હુમલો થતાં પ્લેને નૉન-શેડ્યુલ લૅન્ડિંગ કરવું પડ્યું. વાયા દુબઈ થઈને આવનારું પ્લેન સાંજને બદલે મધરાતે મુંબઈમાં લૅન્ડ થયું.’ મુખરજી મર્માળું મલક્યા, ‘આ એ જ પ્લેન જેમાં મિસ્ટર દિવાકર મુંબઈ આવ્યા.’

‘એ કેમ બને?’ નીમાને સમજાયું નહીં, ‘દિવાકર તો સાંજના મુંબઈ ઊતર્યાનું કહે છે.’

‘દિવાકર ભલે ઊતર્યા, તેનું પ્લેન તો મધરાતે જ આવ્યું’ કહીને તેમણે ફોડ પાડ્યો, ‘આનો અર્થ એ નીમા કે દિવાકર બીજા કોઈ પ્લેનમાં મુંબઈ આવ્યો!’

હેં. નીમામાં પ્રકાશ પથરાયો.

‘યસ, ગઈ કાલે ઘરે આવેલા નેબરે વાત-વાતમાં ફ્લાઇટ ડિલે થવાની વાત ન મૂકી હોત તો દિવાકરની લૅન્ડિંગ ડીટેલ્સ ક્રૉસ ચેક કરવાનું સૂઝ્યું ન હોત.’ મુખરજીની મુખરેખા તંગ થઈ, ‘જાણે છે, દિવાકર સવારે અગિયારની ફ્લાઇટમાં અહીં પધારી ચૂકેલો! ’

મતલબ તેને ઘરે આવતાં સહેજે દોઢ-બે થયા હશે... એ દરમ્યાન સવિતાભાભી તેના યાર જોડે રંગરેલી માણતી હોય, પત્નીને મળવા થનગનતો પતિ તેની બદચલની ભાળીને કેવો આઘાત થઈ જાય! એનો પ્રત્યાઘાત એટલે સવિતાની હત્યા? નીમાનું હૈયું ધડકી ગયું. હવે?

€ € €

કુલટા! દિવાકરનો રોષ ઝળહળ્યો. આવું જ થતું. ઘરે રહેતો ને પરપુરુષ સાથે કામવાસનામાં મગ્ન પત્ની તરવરતી. લોહી ધગી જતું.

સંક્રાન્તિના દહાડે સવિતાની બદચલની નજરે નિહાળીને પોતે અણીના સમયે ઠંડા કલેજે કામ લીધું. ચૂપચાપ ફ્લૅટમાંથી સરકી ગયો. બૈરીનો યાર પાછો મારો કાંટો ખેરવવા માગતો હતો! અરે, એના કરતાં હું જ તેમનો ખેલ ખતમ ન કરી દઉં!

નક્કી થઈ ગયું. ભુલેશ્વરની બજારમાંથી ધારદાર ચાકુ ખરીદ્યું. પાછો આવ્યો ત્યાં સુધીમાં જુવાન જોકે નીકળી ચૂકેલો, પણ મારી ખરી દોષી તો સવિતા જને! તેને ફોન કરીને કહી દીધું - ટેરેસ પર પહોંચ, તારા માટે સરપ્રાઇઝ મોકલી છે! નૅચરલી, ગામના ઉકરડાને ઘરમાં બાળવાનો ન હોય! ટેરેસમાં સંક્રાન્તના દહાડે પણ પૂરતું એકાંત મળી રહેવાનું.

તેની પાછળ જ હું પહોંચ્યો. સાચે જ મને જોઈને તે થોડી બઘવાઈ.

‘તમે વહેલા આવી ગયા!’ કાલી થઈને તે મને વળગવા ગઈ કે કોટના ગજવામાંથી ચાકુ કાઢીને સીધો ઘા કર્યો મેં.... બેવફા ઔરત, તારા વ્યભિચારની સજા! ખચખચાખચ જાણે કેટલા ઘા કરતો રહ્યો. સવિતાને ચીસ પાડવાનીયે છૂટ ન મળી.

પણ તેને મારીને મારે ઝડપાવું નહોતું એટલે ફર્શ પર પછાડીને હું ભાગ્યો. દાદરના રસ્તે ઘરમાં દાખલ થઈ લોહીવાળાં વસ્ત્રો ધોઈ, નવાં કપડાં પહેરી મારી બૅગ સાથે સરકી ગયો એ આખા ઘટનાક્રમમાં હું કોઈની નજરે ન ચડ્યો એ કેવળ સુખદ જોગાનુજોગ હતો. પછીથી પ્રવેશ લઈને મેં અતુલ્યને ફસાવા દીધો. મને એનો ગમ નથી. મેં ફરી દુબઈની ટ્રાન્સફર મેળવી લીધી છે.... પરમ દિવસની ફ્લાઇટ છે.

અને બપોરની વેળા ઘરનો ફોન રણકે છે.

‘માન ગએ ઉસ્તાદ...’ સામેથી અજાણ્યા પુરુષસ્વરમાં સંભળાયું, ‘બૈરીને મારીને મફતમાં દુબઈ નીકળી જવું છે? ન જવા દઉં. કાલ સુધીમાં ત્રણ પેટીની તૈયારી કરો, બાકીનું પછી!’

ફોન કટ થયો. રિસીવરને ફાટેલાં નેત્રે તાકતો દિવાકર ધ્રૂજી ઊઠ્યો : બ્લૅકમેઇલિંગ! મને ખૂની તરીકે કલ્પનાર તે જ હોય જે જાણતો હોય કે અતુલ્યનો સવિતા સાથે ક્યારેય કોઈ સંબંધ નહોતો અને આ વ્યક્તિ તે જ હોય જેનો ખરેખર સવિતા સાથે સંબંધ રહ્યો હોય!

મારી ગેરહાજરીમાં સવિતાનો શય્યાસાથી બનેલો જુવાન હવે મને ખંખેરવા માગતો હોય તો... દિવાકરનાં જડબાં તંગ થયાં. તેને પણ સવિતા પાસે પહોંચાડવો પડશે!

- અને એ જ મોડી સાંજે દિવાકર રાજન યોગ ક્લાસમાં પ્રવેશ્યો. છેલ્લો બૅચ છૂટી ચૂકેલો. ઑફિસ સમેટતો રાજન તેની કૅબિનમાં એકલો હોવાનો...

રાજન. અમારા જ બિલ્ડિંગમાં ચોથા માળે વિધવા મા સાથે રહેતો હટ્ટોકટ્ટો જુવાન યોગ-એક્સપર્ટ છે. ગલીના નાકે ભાડાની રૂમમાં તેણે પોતાના ક્લાસિસ જમાવ્યા છે અને પ્રાઇવેટ ટ્યુશન્સ દેવા પણ જાય છે.

‘મેં યોગ શીખવાનું શરૂ કર્યું છે... કોઈ ઍક્ટિવિટી તો રહે.’ સવિતાએ ફોન પર કહેલું, ‘આપણા બિલ્ડિંગમાં રાજન નામનો છોકરો છે. મહિનોએક ઘરે આવીને મને શીખવી જશે.’

આમાં ક્યાંય વાંધાજનક નહોતું લાગ્યું. સવિતા યા રાજનનો એવો ઇરાદોય નહોતો, પણ મહિનાનો સહેવાસ જુદો જ રંગ ભરતો ગયો. પતિની ગેરહાજરીમાં રાજનની મર્દાનગીભરી કાયાનો થઈ જતો સ્પર્શ સવિતાને વિહ્વળ કરી જતો. એક સેશનમાં બૅલૅન્સ ન રહેતું હોય એમ તે રાજન ૫૨ ઢળી પડી. રાજનનું માથું તેના સીના સાથે ચંપાયું. કુંવારા જુવાનનો આવેગ ભડકાવવા આટલી ક્રિયા પૂરતી હતી. અવશપણે રાજન સવિતા પર તૂટી પડ્યો. પછી તો એ શિરસ્તો સવિતાના મૃત્યુદિન સુધી ચાલ્યો! બપોરની વેળા બિલ્ડિંગમાં સૂનકારો હોય. જમીને રાજન ક્લાસમાં જવાને બદલે દસમા માળે ચડી જાય એની કોઈને જાણ પણ ન થતી...

‘પણ હું જાણી ગયો, બદમાશ!’

પોતાની કૅબિનમાં ખુરસી પર ગોઠવાઈ ફીની કૅશ ગણતો રાજન ચમક્યો, ખુન્નસભેર ધસી આવેલા દિવાકરને ભાળીને ભડક્યો, ‘તમે!’

‘કેમ હોશ ઊડી ગયા? તારે મને બ્લૅકમેઇલ કરવો છે?’ દિવાકરે થેલામાંથી ચાકુ કાઢ્યું. ‘ચલ, તને પણ સવિતા પાસે પહોંચાડી દઉં.’

રાજન ધ્રૂજ્યો. સવિતાનું ખૂન અણધાર્યું હતું. પોતાને તેની લત જેવી વળગેલી. તેને પામવા આ દિવાકરનું પત્તું સાફ કરવા જેવો તુક્કોય રમાડતો થઈ ગયેલો, પણ સવિતાએ વાર્યો. બપોરે માણી એ સ્ત્રી સાંજે હતી ન હતી થ્ાઈ ગઈ. પાછો તેની હત્યામાં અતુલ્ય ઝડપાયો. તેના સવિતા સાથેના સંબંધોનો ફણગો આર્યજનક હતો. પોતે તેને જૂઠ જાણતો, પણ કહેવું કોને અને શું કામ? નાહક હું કોઈની આંખે ચડ્યો તો... ન બોલવામાં નવ ગુણ માનીને પોતે ખરેખર તો ખરા ગુનેગારને લાભ આપી રહ્યો છે તો ભલે. મારે કોઈ લફરામાં ફસાવું નથી. રાબેતા મુજબ તે ક્લાસ લેતો. ઘરે માને પણ ગંધ આવવા નથી દીધી.

આમાં હવે દિવાકરનું આગમન.

તેને અમારા લફરાની જાણ થતાં તેણે જ સવિતાને માર્યાનું સત્ય રાજનને ડઘાવી ગયું.

‘હું... હું તમને બ્લૅકમેઇલ શું કામ ક...કરું?’ ગૂંચળા જેવા શબ્દો પૂરા નીકળ્યા પણ નહીં ત્યાં દિવાકરનો હાથ વીંઝાયો.

પણ આ શું? ચાકુ હજી મારા શરીરમાં ખૂંપ્યું કેમ નહીં? બંધ થયેલી આંખો હળવેથી ખોલતાં રાજન ચોંકી ઊઠ્યો.

દિવાકરનું પગેરું ચાંપતી પોલીસ આવી પહોંચી હતી અને મુખરજીસાહેબે તેનું કાંડું પકડીને કાતિલને રંગેહાથ ઝડપી લીધો હતો!

એનો સૌથી વધુ હરખ તેમના પડખે ઊભી નીમાના વદન પર વર્તાયો.

€ € €

દિવાકરે ગુનો કબૂલી લીધો. જે ફ્લાઇટમાં પોતે આવ્યો હોવાનું ગાઈ-વગાડીને કહેલું એ એ જ દહાડે મોડી પડેલી એ જાણીને નિ:શ્વાસ જ નાખી શક્યો તે. મને એક વધુ ભૂલ કરવા બ્લૅકમેઇલિંગનો આશરો લઈને ઇન્સ્પેક્ટરે સાચે જ ભાંડો ફોડી નાખ્યો. પછી કબૂલાત સિવાય રહ્યું શું? તેના બયાનમાં રાજનનું નામ સવિતાના આશિક તરીકે નીકળતાં તેનાં મા આઘાત પામ્યાં, બિલ્ડિંગવાળા આંચકો ખાઈ ગયા. રસિકભાઈ જેવા ગલવાઈ ગયા. અતુલ્ય નિર્દોષ હોવાના ખબર પિતરાઈઓ જેવાને ચચર્યા પણ હશે, જેવી જેની વૃત્તિ.

‘નીમા, તારી લગનીએ મને મુક્તિ અપાવી.’ અતુલ્ય અભિભૂત બનેલો. ‘નીમા મચી રહી તો ગુનેગાર ઝડપાયો’ એવું મુખરજીસાહેબ ખુદ કહેતા હોય છે.

‘મેં એ જ કર્યું અતુલ્ય જે તમે મારી જગ્યાએ કર્યું હોત.’ નીમાની વાણીમાં દંભ નહોતો.

આ પણ વાંચો : કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 4)

અતુલ્ય નિષ્કલંક થઈને મુક્ત થયો, પણ વડીલોએ તરત તેને નીમા સાથે જનમટીપમાં બાંધી દીધો! લાંબી યાતના પછી સુખ પામેલા અતુલ્યને નીમા હવે કોઈ દુ:ખ સ્પર્શવા નહીં દે એટલું તો ચોક્કસ!

columnists