કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 1)

14 January, 2019 01:44 PM IST  |  | Sameet Purvesh Shroff

કથા-સપ્તાહ : સંક્રાન્તિ - (એક ઘટનાની બીજી બાજુ - 1)

લઘુકથા - સંક્રાન્તિ

દૂર ક્યાંક મંદિરમાં લતા મંગેશકરના કંઠમાં ગૂંજતી ગણેશધૂને તેના હોઠ મલકી પડ્યા. અતુલ્ય સાંભરી ગયો.

‘મને ઈશ્વરમાં આસ્થા છે. બીજાં વþત-નિયમ તો હું ખાસ નથી પાળતો, પણ મહિને એક વાર શિવાજી પાર્કના મારા ઘરથી સિદ્ધિવિનાયકના મંદિરે ચાલીને જવાની ટેક રાખી છે.’

આમાં માનતાની શ્રદ્ધા કે પછી ભક્તિ-અંધશ્રદ્ધાને બદલે નવો જ આયામ પોતે ભાળ્યો હતો - શિસ્તબદ્ધતા! જે ઈશ્વર આપણને સુખમાં રાખે એના દ્વારે માથું ટેકવવાની ભાવના હોય તો એ પૂરી શિસ્ત સાથે નિભાવવાની નિયમિતતા મુંબઈ જેવા શહેરમાં એકલો રહેતો જુવાન પાળે એ પહેલાં તો અચરજરૂપ લાગેલું, પણ વેવિશાળના આ છ મહિનામાં પરખાઈ ગયું કે અતુલ્યનાં વાણી-વર્તનમાં ભેદ નથી હોતાં.

‘હું માનું છું કે વિશ્વાસ લગ્નજીવનનો પાયો છે અને એનું ખેડાણ નિખાલસપણાથી થતું હોય છે... તનનાં નહીં, મનનાં આવરણ હટે એ ઘડીથી ખરું સહજીવન શરૂ થાય છે.’

સંબંધને, સંસારને સમજવાની કેવી ઊંડી સૂઝ છે અતુલ્યમાં!

‘કોણ કહે કે તમે એન્જિનિયર છો?’ ક્યારેક પોતે મેશના ટપકા જેવું બબડી લેતી.

‘મારામાં થોડો ડૉક્ટરીનો કસબ પણ છે.’ અતુલ્ય લુચ્ચું હસતા, ‘કહેતી હો તો તારી નાડી પકડીને કહી દઉં કે તારા કયા અંગમાં કેવો દુખાવો છે.’

બેશરમ. અત્યારે પણ નીમા શરમથી લાલચોલ બની. ઠરેલ-ઠાવકો અતુલ્ય તોફાની બની જાય ત્યારે તો એવો વહાલો લાગતો કે સંયમ જાળવવો અઘરો થઈ પડે. અતુલ્ય માટે પણ એ એટલું જ દુષ્કર હોય, પણ પછી ધરાર જો તે તેની મર્યાદા ભૂલે. તે નવસારીના મારા પિયર આવે કે હું વલસાડના સાસરે જાઉં ત્યારે તો ઘરનાની હાજરીનું બહાનું હોય, પણ મુંબઈના એકાંતમાં ઊલટો તે હિમાલય જેવો અચળ થઈ જાય. હા, પોતે તેને છંછેડવાની ખૂબ મજા માણે. મારી હરકતોથી અતુલ્યને તંગ કરીને હું છેવટે તેમના મજબૂત ખભે માથું ઢાળી જાઉં : હું નદી જેવી ચંચળ રહી શકું છું અતુલ્ય, કેમ કે મારો સાગર તમે છો...

નીમાએ પોતાના શબ્દોનો રોમાંચ અનુભવ્યો.

‘મારે દીકરીને મુંબઈ સુધી નથી મોકલવી...’

એકની એક દીકરી મા-બાપની લાડલી. બૅન્કમાં જૉબ કરતા સુમનભાઈ શૅરબજારમાં સારું કમાયેલા. વિદ્યાબહેન પણ માધ્યમિક શાળાનાં શિક્ષિકા એટલે ગાડી-બંગલાની જાહોજલાલી પણ ખરી. સુમનભાઈના નજીકના સંબંધીઓમાં પિતરાઈ ભાઈઓ જ કેવળ. ક્યારેક સમૃદ્ધિ ઈર્ષાનું કારણ પણ બને એમ પિતરાઈઓની જીભ સખણી ન રહે. ઉંમરમાં બધા મોટા એટલે તેમની પરણેતરો પણ વિદ્યાબહેન પરત્વે જેઠાણીપણું દાખવવાનું ચૂકે નહીં. સુમનભાઈનો જતું કરવાનો સ્વભાવ વિદ્યાબહેને અપનાવી લીધેલો. જરૂર પડ્યે તેમની જ પાસે પાંચ-પંદર હજારની મદદ માગીનેય કાકા-કાકીઓ મમ્મી-પપ્પાને બે શબ્દો સંભળાવી જાય એ જોકે મોટી થતી નીમાને કનડતું.

‘તમારી પાસે આટલો પૈસો શું કામનો?’ દીકરાની ફી માટે ચાર હજાર રૂપિયા માગવા આવેલાં સૌથી મોટાં મીનાકાકીને માને કહેતાં તેણે કાનોકાન સાંભળેલાં, ‘તારા પેટે દીકરો તો પાક્યો નહીં કે વારસો જળવાય! ગમે એટલો પૈસો હોય, શેર માટીની ખોટ એથી ઓછી પૂરી થવાની!’

ત્યારે દસમામાં ભણતી નીમા નાદાન યા અબૂધ નહોતી રહી. કાકી એક તો માગણ બનીને આવ્યાં છે ને પાછાં મારી માને જ સંભળાવે છે? મારી મા સાંભળી પણ લે છે? તેનાથી જોકે ચૂપ ન રહેવાયું.

‘કાકી, જે પોતે જ ખોટમાં છે એ તમને શું મદદ કરવાના?’ તરાપ મારીને તેણે કાકીના હાથમાં માએ મૂકેલું બંડલ ખૂંચવતાં મીનાકાકી એવાં તો ગલવાયાં, ‘અરે હોતું હોય બેટા! આ તો લોકો બોલે, હું એટલી જુનવાણી નથી હોં...’ નીમાના માથે હાથ ફેરવીને મલાવા કરતાં કાકીની ગરજે મીઠાશ ઘોળી, ‘છોકરા-છોકરીમાં બળ્યો ભેદ હોતો હશે? તું તો આપણા ગાંધીકુટુંબની શાન છે!’

‘થૅન્ક યુ કાકી.’ નીમાએ ઉપકારની ઢબે લીધેલા પૈસા થમાવ્યા, ‘વિરલ (કઝિન)ને કહેજો કે આવતી ટર્મની ફી ટuુશન કરીને જાતે કાઢે.’

‘હા હોં બેટા...’ ખિસિયાણું મલકી ઘરની બહાર નીકળતાં જ મીનાકાકીએ ટલ્લા ફોડ્યા હતા : સુમનની દીકરી તો બહુ જબરી!

‘તારી કાકી આપણને સમાજમાં વગોવી નાખશે.’ વિદ્યાબહેન દીકરીના તેવરે જરા ફફડી ગયેલાં.

‘મા, એ લોકો આમ પણ આપણું સારું નહીં બોલતા હોય. કમસે કમ હવે તમારા મોં પર તો સખણા રહેશે.’

એ રીતે જુઓ તો અમારી દીકરીએ દીકરાની ગરજ સારી... સુમનભાઈ-વિદ્યાબહેનને આનો પોરસ હોય જ. નીમાના સંસ્કારમાં આમેય કહેવાપણું નહોતું. રૂપાળી નીમાનું યૌવન વય સાથે મહોર્યું, આત્મવિશ્વાસ પાંગરતો ગયો. ભણવામાં હોશિયાર પણ ખરી. કૉલેજમાં હતી ત્યા૨થી માગાં આવતાં થઈ ગયેલાં. સુમનભાઈ દીકરી માટેના લગ્નના પ્રસ્તાવ જુદી રીતે જોતા : પાત્ર બહુ-બહુ તો વલસાડથી સુરત વચ્ચેનું હોવું જોઈએ. મારે નીમાને ઝાઝે દૂર નથી મોકલવી!

આવામાં અતુલ્યની વાત આવી. વલસાડ નગરપાલિકામાં ફરજ બજાવતા મધુકર મહેતા ખમતીધર ગણાય. તેમનાં ધર્મપત્ની સૂર્યાïબહેન સ્વભાવનાં એટલાં જ સાલસ. કુંવારી કન્યાના અરમાન જેવા અતુલ્યને વધાવવાનો જ હોય. દેખાવમાં અત્યંત આકર્ષક અતુલ્ય ઇજનેર થઈ મુંબઈની મલ્ટિનૅશનલમાં જૉબ કરે છે. ત્યાં પોતાનો બે બેડરૂમનો ફ્લૅટ પણ લોન પર લીધો છે... પહેલી જ મુલાકાતમાં નીમાને તે ગમી ગયો એ કેવળ દેખાવને કારણે નહીં; તેની ઊંડાણપૂર્વકની સમજશક્તિને કારણે, ઊર્મિશીલતાના ગુણે. સામા પક્ષે નીમાના ગુણ અતુલ્યને પ્રભાવિત કરી ગયા.

કેવળ સુમનભાઈ મુંબઈના નામે ઢચુપચુ હતા. ચાર-ચાર વરસથી અતુલ્ય મુંબઈમાં એકલો રહે છે. અહીં બધું સારું લાગતું હોય, ત્યાંની રિયલિટી કોણે જાણી! આપણાં કોઈ સગાંવહાલાંય ત્યાં નથી કે પૂછપરછ કરાવી જોવાય...

તેમણે પિતરાઈઓની સલાહ લીધી. નીમાને આટલું સારું પાત્ર મળતું જોઈને અદેખાઈમાં તેમણે અવળી વાણી કાઢી : આટલે દૂર દીકરી દેવાતી હોય! તમારે દીકરો નથી કે વહુ આવીને ઘડપણ જાળવશે. નીમાને નજીકમાં પરણાવી હોય તો માંદે-સાજે તેની ઓથ તો રહે.

‘તમે કોની સલાહ કાને ધરો છો?’ બાદમાં વિદ્યાબહેન પતિને હળવું ઠપકારતાં, ‘તમારા ભાઈઓને આપણા સુખનો પૂર્વગ્રહ છે. તેમની ચાલે ચાલવાને બદલે નીમાના સુખનું વિચારો. અતુલ્ય તેને ગમ્યો છે. તેના ચારિત્ર્યમાં ખોટી શંકા સેવવાને બદલે ખુલ્લા મનથી કહો કે તે તમને નથી ગમ્યો? તો બસ કરો કંકુના. સુરતમાં ઍરપોર્ટ છે, પછી મુંબઈ ક્યાં દૂર છે? નીમાની પરખ પર ભરોસો રાખો. ’

ત્યારે સુમનભાઈની અણખટ ઓસરી, સગપણ લેવાયું. નીમાનાં વર-ઘર જોઈને કાકા-કાકીઓની આંખો પહોળી થઈ ગયેલી. મીનાકાકી જેવાં તો પછીથી હવેલીનાં દર્શને બોલી પણ જતાં : સુમનભાઈએ મુંબઈનો છોરો શોધ્યો છે, પણ અમારી ભત્રીજીનાં લગ્ન સમાસૂતરાં પાર ઊતરે તો સારું! એકલા રહેતા જુવાનનો શું ભરોસો?

ઊડતી-ઊડતી આવી વાતો કાને આવતી. વિદ્યાબહેનને પરેશાની રહેતી કે પીઠ પાછળ બદબોઈ કરીના જેઠ-જેઠાણીઓ મારી દીકરીના સુખમાં વિઘ્ન ન નાખે તો સારું! નીમા પણ સમસમી જતી. અતુલ્યને કહેતી, તે હસી નાખવાનું કહેતો : તમારી પાછળ બીજા ભસે ત્યારે એટલું જરૂર માનવાનું કે તમારું કદ હાથી જેવડું થયું છે!

નીમા અતુલ્યના રંગે રંગાઈ જતી. અતુલ્ય નીમામય થતો.

‘તમારી ખુશી એ જ અમારું સ્વર્ગ...’ સૂર્યામા કહેતાં.

લગ્નનું મુરત ઠેઠ ફેબ્રુઆરીમાં નીકળ્યું એટલે વેવિશાળ અને લગ્ન વચ્ચે ખાસ્સા આઠ-નવ મહિનાનો ગાળો પડ્યો એમાં નીમા સાસરીમાં ભળી ગઈ હતી. શનિ-રવિ અતુલ્યની છુટ્ટી હોય એટલે ક્યારેક સવારથી સાંજનો મુંબઈનો આંટોફેરો પણ કરી લેતી.

શિવાજી પાર્કની અરિહંત સોસાયટી ખરેખર તો દસ માળનું ત્રણ વિન્ગનું ઝૂમખું હતું ને રહેનાર મોટા ભાગના ગુજરાતીઓ. અતુલ્યનો ફલૅટ

‘એ’ વિન્ગમાં નવમે માળે. એક

ફલોર પર બે જ ફલૅટ એટલે જગ્યાની મોકળાશ વર્તાતી.

‘આ બહેન કોણ છે?’ શરૂ-શરૂમાં નીમા જતી ત્યારે સામેવાળા પાડોશી તાકીને જોતા. એક વાર નીમાની હાજરીમાં જ સીધું પૂછી લીધું.

‘મારી ફિયાન્સે છે, નીમા ગાંધી.’

નીમાના ધ્યાનમાં આવ્યું કે અતુલ્યએ મને તેમનો પરિચય તો આપ્યો જ નહીં! ‘અચ્છા’ કહી પીઠ ફેરવી લેનારા આધેડ વયના નેબરે ઘરે આવવાનો વહેવાર પણ કર્યો નહીં! અતુલ્યને કોઈ જોડે ન ફાવે એવું બને નહીં અને અતુલ્ય સાથે ન ફાવવા જેવું તો કોઈને શું હોય? કે પછી મુંબઈમાં પાડોશીધર્મ જેવું હોતું જ નહીં હોય? બેઉ પાછા ગુજરાતી, તો પણ?

‘આની પાછળ નાનકડી સ્ટોરી છે.’ છેવટે દરવાજો બંધ કરી અતુલ્યએ ખુલાસો કરેલો, ‘આ કાકાનું નામ રસિકલાલ. આણંદ તરફના છે. ગલીના નાકે કટલરીની દુકાન છે. ધંધો સારો ચાલે છે.’

નીમા સાંભળી રહેલી.

‘તેમનાં ધર્મપત્ની મંજુલાબહેન અને પરિવારમાં એક દીકરી અને એક દીકરો. તું એ તો જાણે છે, આ ફ્લૅટ મેં સાઉથ ઇન્ડિયન ફૅમિલી પાસેથી ખરીદ્યો. મદ્રાસી પરિવારની જગ્યાએ ગુજરાતી કુટુંબ આવવાનું જાણી પતિ-પત્ની હરખ કરવા આવેલાં- સોસાયટી બહુ સારી છે, અમને આવો જ પાડોશ જોઈતો હતોના મલાવા પછી જોકે ફલૅટ રિનોવેશન બાદ મમ્મી પણ વલસાડ જશે ને હું અહીં એકલો રહીશ જાણ્યું ત્યારે તેમનો અણગમો છૂપો ન રહ્યો- જુવાન છોકરો એકલો રહેવાનો, એટલે જાણે શું-શું નહીં કરે!’

‘એ તો પ્રારંભિક પ્રત્યાઘાત થયો... પણ પછી તો તેમણે તમારા ગુણ પારખ્યા હશે.’

નીમાના અનુમાને અતુલ્ય મલકેલો, ‘ધીરે-ધીરે તેમને ભરોસો બેઠો... એટલો કે તેમણે તેમની દીકરીનું માગું નાખ્યું.’

‘અચ્છા!’ નીમાને નવાઈ ન લાગી. અતુલ્ય જેવો જુવાન પાડોશમાં હોય તો કયો બાપ તેને જમાઈ બનાવવાનું ન વિચારે? પણ પછી આમાં શું થયું?

‘મેં ના પાડી દીધી.’ અતુલ્યએ નકારનું કારણ પણ આપેલું, ‘રસિકભાઈની ઊર્મિ રૂપાળી હતી, ફાઇન આર્ટ્સનું ભણતી હતી, પણ અમારો વિચારમેળ બેસે એમ નહોતો. રસિકભાઈએ ઇન્સિસ્ટ કરતાં

પપ્પા-મમ્મીની હાજરીમાં અમે એક ઇન્ટરવ્યુ પણ કર્યો. એમાં ઊર્મિની એક જ કન્સર્ન હતી- તમારા પેરન્ટ્સ તો આપણી સાથે નહીં રહેને? મને જૉઇન્ટ ફૅમિલી પસંદ નથી!’

પત્યું. અતુલ્ય ફૅમિલી વૅલ્યુઝમાં નહીં માનતી કન્યાને પસંદ કરે જ નહીંને!

‘છતાં, ઇન અ વે, મને ગમ્યું કે ઊર્મિએ પોતાની મરજી છુપાવી નહીં. મેં તેને ત્યારે જ ઇનકાર ફરમાવ્યો, તેણેય ખેલદિલીથી નિર્ણય સ્વીકાર્યો.’

નીમા સમજી. અહીં સામે રહેતા જુવાન પ્રત્યે પ્રેમ કે આકર્ષણ નહોતાં. હોત તો ઊર્મિ સ્પષ્ટ થવાને બદલે મીંઢી બની હોત. અતુલ્યને પોતાનો કરી પછી જુદાં રહેવાનાં ત્રાગાં કયાર઼્ હોત! પણ તેને અતુલ્યની ગરજ નહોતી.

‘આ સત્ય રસિકભાઈ-મંજુલાબહેન આજેય સમજી નથી શક્યાં. મારો ઇનકાર તેમના હૈયે એવો ચોંટ્યો કે આજેય તેઓ મારા પ્રત્યે ઊખડેલા રહે છે. અરે, પાર્કિંગમાં મારી કારની હવા કાઢવા જેવી બાલિશ હરકતો પણ કરતા મેં ખુદ જોયા છે. સોસાયટીની મિટિંગમાં તેમનો મત મારાથી વિરુદ્ધમાં જ હોય!’

અતુલ્યએ ખભા ઉલાળેલા, ‘યુ કાન્ટ હેલ્પ ઇટ. તમે જગતમાં બધાને સુધારી ન શકો. તેમનો દીકરો પુણેમાં રહી ભણે છે. ઊર્મિ તો બીજે પરણીયે ગઈ, તેને જોઈતું’તું એવું સાસરું મળ્યું તોય રસિકભાઈ-મંજુલાબહેનની ટમ્ર્સ નથી સુધરતી.’

હવે નીમા માટે ચિત્ર સ્પષ્ટ બન્યું.

‘નો પ્રૉબ્લેમ. હું કદીમદી પિયર આવતી ઊર્મિ જોડે બહેનપણા કરી લઈશ, પછી જુઓ બે પાડોશી વચ્ચે કેવો મનમેળ થાય છે!’

‘તારામાં જોડવાનો ગુણ છે નીમા, મને એ ગમે છે.’

અતુલ્યના શબ્દો અત્યારે પણ નીમાને મહોરાવી ગયા.

‘પાછી તું તારા પિયુના શમણામાં ખોવાણી.’ પીઠ પાછળ સાદ પાડતાં વિદ્યામાએ લાડથી કાન આમળવા જેવું કર્યું, ‘કહું છું, જમાઈને ફોન તો જોડ. ૧૪મીએ તમારી સજોડે પહેલી સંક્રાન્ત છે, તેમને સાસરે પધાારવાનું નિમંત્રણ તો પાઠવું. ’

અતુલ્યે મા-પપ્પાનાં હૈયાં પણ જીતી લીધાં છે. તેમના આગમનનો તેમનેય ઇન્તેઝાર હોય છે.

‘મારી વાત થઈ ગઈ મા. મુંબઈમાં ઉત્તરાણની રજા નથી હોતી, એટલે તેમને તો નહીં ફાવે. તેમણે તારા માટે સંદેશો કહેવડાવ્યો છે કે માને કહેજો તેમની દીકરીને અહીં મોકલી આપે.’ કહેતાં નીમાના ચહેરા પર સુરખી છવાઈ.

‘સંક્રાન્તના દહાડે તને કેમ મોકલું બેટા? તું આગળ-પાછળ જઈ આવજે, તારા વિના તારા પપ્પાને તેમના પ્રિય તહેવારમાં નહીં ગમે! આમેય પિયરમાં તારે છેલ્લી ઉતરાણ...’

સાંભળીને નીમાએ મન વાળ્યું. અતુલ્યને સમજાવી દીધો. સંક્રાન્તને દહાડે શું થવાનું હતું એની જોકે કોઈને ક્યાં ખબર હતી?

‘આ...હા.’ સવિતાભાભીએ પોતાના પર છવાયેલા જુવાનની પીઠમાં નખ ખૂંતાડ્યા. શારીરિક પરિતૃãપ્ïતની એ નિશાની હતી.

બે બદનની હાંફ થોડી ઓસરી ત્યારે સવિતાભાભીએ જુવાનના ગાલે આંગળી રમાડતાં ખટકો ચ્ચાર્યો, ‘આ મેળ હવે લાંબો નહીં ચાલે... ત્રણ વરસે મારો ધણી દુબઈથી હંમેશ માટે પાછો ફરી રહ્યો છે!’

(ક્રમશ:)

columnists