પોસ્ટ-હૅપી ન્યુ યર : પૂછો તમારી જાતને, તમને તમારી કંપની ગમે છે કે નહીં?

02 January, 2019 11:05 AM IST  |  | મનોજ નવનીત જોષી

પોસ્ટ-હૅપી ન્યુ યર : પૂછો તમારી જાતને, તમને તમારી કંપની ગમે છે કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

તમને તમારી કંપની ગમે કે નહીં? જો તમારા સવાલનો જવાબ હકારમાં હોય તો હરખાઈ જવાની જરૂર નથી, કારણ કે જૂજ લોકો એવા હોવાના જે આ જવાબ નકારમાં આપશે અને મુદ્દો પણ અહીંથી જ શરૂ થાય છે. જો તમને તમારી કંપની ગમતી હોય, જો તમને તમારી સાથે રહેવું ગમતું હોય તો-તો જોવાનું એ છે કે કોને તમારી કંપની ગમતી નથી. તે લોકોને તારવીને, તે લોકોના પૉઇન્ટ ઑફ વ્યુ સાથે હવે તમારે તમારી જાતનું મૂલ્યાંકન કરવાનું છે અને નક્કી કરવાનું છે કે એવું તે શું છે કે તમને તમારી કંપની ગમે પણ તે લોકોને તમારાથી ત્રાસ છૂટે છે. ખરેખર આ વાત સમજવાની કોશિશ કરશો તો તમને બે વાત સમજાશે.

એક તો એ કે સારા માણસોને તમે નથી ગમતા કે પછી અયોગ્ય કહેવાય એવા લોકોને તમે નથી ગમતા.

ધારો કે, ધારો કે તમને તમારી કંપની ગમે કે નહીં એ સવાલ તમે તમારી જાતને પૂછો અને જવાબ નકારમાં આવે એટલે ખબર પડે કે તમને તમારી કંપની ન ગમે તો પછી જાતને પહેલાં તો એ કહેવાનું છે કે જો તમને જ તમારી કંપની પસંદ ન હોય તો પછી દુનિયા કેવી રીતે તમારી સાથે રહી શકે અને શું કામ રહે પણ ખરી? જાતને આ સવાલ પૂછવાની સાથોસાથ તમારે પહેલાં તો એ લોકોનો આભાર માનવાનો છે જેઓ તમારી સાથે સતત રહે છે અને એ પછી પણ તેઓ કોઈ જાતની ફરિયાદ નથી કરતા. ધન્ય છે તે લોકોને અને આ ધન્યતા તમારે તેમના સુધી પહોંચાડવી પણ જોઈએ, કારણ કે જે માણસની સાથે રહેવાનું તમને જ નથી ગમતું એ જ માણસ સાથે તે લોકો આખો દિવસ રહે છે, તેનાં કામો કરે છે, તેની જવાબદારીઓ નિભાવે છે અને તેને ઘરમાં કે ઑફિસમાં સાચવે છે અને એ પછી પણ કોઈ જાતની રાવ નથી કરતા.

તમને તમારી કંપની ગમે કે નહીં? આ એક જ સવાલ આ ૨૦૧૯ના વધુ કલાકો પસાર થાય એ પહેલાં તમારી જાતને પૂછી લેજો અને એમાં જે જવાબ મળે એ જવાબના આધારે જાતમાં સુધારા-વધારા કરીને ૨૦૧૯ને આગળ જીવવાની શરૂઆત કરજો. બીજા કોઈ રેઝોલ્યુશન લેવાના નથી અને બીજા કોઈ જાતના ફાંકાઓ પણ મનમાં રાખવાની આવશ્યકતા નથી. માત્ર ને માત્ર ૨૦૧૯માં આપણે આપણા થવાનું છે, આપણે આપણી જાતને શોધવાની છે અને એ શોધ પછી આપણે જવાબદારીઓ સમજવાની છે અને એ સંભાળી લેવાની છે.

આ વાતને ખૂબ જ યોગ્યતા સાથે જોશો તો જ તમને સમજાશે કે વાસ્તવિકતા સાથે આગળ વધવાની જરૂર છે અને વાસ્તવિકતા એ જ છે કે જો તમને જ તમારી સાથે રહેવું ન ગમે તો પછી દુનિયાને કેવી રીતે તમારી સાથે રહેવું ગમી શકે? જો દુનિયા તમારી સાથે રહી શકતી ન હોય તો પછી આ જગત ખરાબ છે કે પછી આ વિશ્વમાં જીવવાલાયક કશું નથી એવું કહેવું પણ અયોગ્ય છે, કારણ કે દુનિયાએ તમને જાકારો આપી જ દીધો છે અને આ જાકારો તમને તમારા કારણે મળ્યો છે. બહેતર છે કે એ જાકારો વારંવાર સાંભળવો પડે એ પહેલાં તમે તમારી જાતને ઓળખો, એનું મૂલ્યાંકન કરો.

columnists