પતંગ માટેની પાગલપંતી

14 January, 2019 01:27 PM IST  |  | Ruchita Shah

પતંગ માટેની પાગલપંતી

કાય પો છે! પંતગ ચગાવવાની મજા માણતા

મૅન્સ વર્લ્ડ

સુરતમાં બરેલીનો માંજો ઇન્ટ્રોડ્યુસ કરવાનું શ્રેય આ ભાઈને જાય

તમારી ઉત્તરાયણ કદાચ એક દિવસની હોય, બહુ-બહુ તો બે દિવસ વીક-એન્ડ પકડીને તમે પતંગની રંગત માણી લેતા હશો; પરંતુ કાલબાદેવીમાં રહેતા કલ્પેશ કેરાવાળાની ઉત્તરાયણ એક અઠવાડિયું ચાલે. અઠવાડિયાના સાત દિવસ સવારે ધાબા પર ચડીને પતંગો ચગાવવાની. અડધી રાત જાગીને કન્ની બાંધવાની. છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતનાં જુદાં-જુદાં શહેરોમાં જઈને કલપેશભાઈ પતંગ ચગાવે છે. આ વર્ષે સુરતમાં છે. તેઓ કહે છે, ‘હું પોતાનો બિઝનેસ કરું છું, પણ પતંગ માટે ક્યારેય કોઈ કૉમ્પ્રોમાઇઝ કર્યું નથી. એક અઠવાડિયું ધંધો ન થાય તો એનો કોઈ રંજ પણ નથી. જીવનમાં એક જ શોખ છે અને એ છે પતંગ. આમ તો ઉત્તરાયણ માટે આખા ગુજરાતનાં લગભગ બધાં જ શહેરોમાં ગયો છું. સુરતમાં સૌથી વધુ વાર. એક અઠવાડિયું પતંગ માટે આપ્યા પછી હાથ તો એવા થઈ જાય કે જાણે ખૂબ મોટો જંગ લડી આવ્યા હોઈએ. માલિશ કરવી પડે, આંગળીઓમાં એટલા કાપા પડ્યા હોય કે આખી આંગળી બૅન્ડેજથી રંગાયેલી હોય. લગભગ બેતાળીસ વર્ષથી પતંગ ચગાવું છું અને પ્રાઉડલી કહી શકું છું કે સુરતમાં બરેલીનો માંજો ઇન્ટ્રોડ્યુસ કરનારો હું હતો. લગભગ ત્રીસેક વર્ષ પહેલાં અમારા ધંધાના બરેલીના ડિસ્ટ્રિબ્યુટર પાસે હું માંજો મંગાવતો અને એ જ માંજાથી ચગાવતો. સુરતમાં પણ હું મારો પોતાનો માંજો લઈને જતો. એની ખૂબી એ કે હાથ ન કપાય, પણ પેચ કપાય. મારા પિતાએ મને આ શીખવેલું. સુરતમાં બધાને આ માંજાની ખબર પડી અને પછી મિત્રો મારી પાસે મંગાવતા. ધીમે-ધીમે ત્યાં પણ દુકાનોમાં બરેલીનો માંજો ઉપલબ્ધ થયો હતો.’

એક આખી આંગળી કપાયેલી છે છતાં દર ઉત્તરાયણે પતંગ તો ચગાવવાની જ

ભાઈંદરમાં રહેતા અને પતંગનું નામ પડતાં થાક, ભૂખ અને તરસ તો શું પણ પોતાનાં દુ:ખદર્દ પણ ભૂલી જનારા પિંકેશ રાવલ આ વર્ષે વાપીમાં ઉત્તરાયણ મનાવવા પહોંચી ગયા છે. ગયા વર્ષે તેઓ સપરિવાર અમદાવાદ હતા. એના ગયા વર્ષે વડોદરા. આ ભાઈની ખાસિયત એ છે કે તેઓ ઉત્તરાયણ સપરિવાર જ કરે. તેમની પત્ની અને બાળકો પણ ઉત્તરાયણ ટૂરમાં તેમની સાથે જોડાય. વર્ષો પહેલાં એક અકસ્માતમાં જમણા હાથની રિન્ગ-ફિંગર એટલે કે અનામિકા આંગળી કપાઈ ગઈ હતી. હાથમાં જોર ઓછું છે છતાં પતંગમાં તેમનો પાવર કોઈ બીટ ન કરી શકે. પિંકેશભાઈ કહે છે, ‘બે દિવસ ઉત્તરાયણના મનાવું. સ્ટૉક ટ્રેડિંગનું કામ કરું છું, પણ બે દિવસ કોઈ કામ નહીં. બે દિવસમાં ઓછામાં ઓછી બસો પતંગ ઉડાવી હોય. સવારે સાતથી રાત્રે બાર વાગ્યા સુધી ટેરેસ પર જ ધામા નાખેલા હોય. સ્વાભાવિક રીતે જ આંગળીઓમાં લોહીની ધારા વહેતી હોય એટલી જગ્યાએથી એ કપાયેલી હોય. જોકે એનાથી કોઈ ફરક ન પડે. આ વર્ષે મેં હિંમતનગરથી માંજો મંગાવ્યો છે. દર વર્ષે દેશના જુદા-જુદા હિસ્સામાંથી કાં તો જાતે જઈને અથવા તો મિત્રો પાસેથી ઑર્ડર કરીને સ્પેશ્યલ માંજો મંગાવવાનો.’

દર ઉત્તરાયણમાં લગભગ દસ હજાર વાર દોરી જેટલો માંજો પિંકેશભાઈ વાપરી લેતા હોય છે. મજાની વાત એ છે કે પિંકેશભાઈ પતંગ ચગાવતા હોય અને તેમનાં પત્ની ફીરકી પકડે. ફીરકી પકડતાં તેઓ થાકે, પણ પિંકેશભાઈ પતંગ ચગાવતાં ન જ થાકે.

ટિકિટ કે સામાન વિના ઉત્તરાયણ માટે પકડી સીધી મુંબઈથી અમદાવાદની ટ્રેન

મલાડમાં રહેતા અને પોતાની કૅફેટેરિયા ચલાવતા પાર્થ પટેલ લગભગ દર વર્ષે સુરત, અમદાવાદ કે વડોદરા જઈને પતંગ ચગાવે. જોકે કોઈ પ્લાનિંગ ન હોય. અચાનક ઊપડી જવાનું. માંજા અને પતંગની વ્યવસ્થા તે જ્યાં જાય ત્યાં તેના મિત્રએ કરેલી જ હોય. ગયા વર્ષનો કિસ્સો શૅર કરતાં પાર્થ કહે છે, ‘ગયા વર્ષે અમારી કૅફેમાં મુંબઈ મહાનગરપાલિકાએ તોડફોડ કરી હતી. આમ જોવા જાઓ તો ખૂબ ટેન્શન હતું. એના બીજા દિવસે ઉત્તરાયણ હતી. મુંબઈમાં એટલો ક્રેઝ નથી ઉત્તરાયણનો એટલે અહીં રહીને મૅટર ઝડપથી સૉર્ટ આઉટ કરવાનો એક પર્યાય હતો. બીજી બાજુ ઉત્તરાયણ બગડવાનો અફસોસ થઈ રહ્યો હતો. ઑફિસરો અને કૅફેના લોકો સાથે મગજમારી કરવામાં દિવસ ક્યાં પૂરો થઈ ગયો કે ઉત્તરાયણનું શું એ વિચારવાનો સમય નહોતો રહ્યો. જોકે સાંજે ટ્રેનમાં બોરીવલીથી મલાડ ઘરે જવા પ્લૅટફૉર્મ પર આવ્યો ત્યારે સામે અમદાવાદ જનારી ટ્રેન ઊભી હતી. મારી સાથે મારો પાર્ટનર પણ હતો. લગભગ લોકશક્તિ ટ્રેન હતી. અચાનક નક્કી કર્યું અને વગર ટિકિટ કે વગર કપડાંએ ટ્રેનમાં ચડી ગયા. ધબકારા ફાસ્ટ હતા, કારણ કે પહેલી વાર આમ વગર ટિકિટે પ્રવાસ કરવાનો અનુભવ હતો. જોકે સહીસલામત અમદાવાદ પહોંચી ગયા. એક દિવસ પહેરવાનાં કપડાં ખરીદ્યાં અને પછી ફ્રેન્ડના ઘરે ગયા.’

પાર્થ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં કાઇટ પર ડાન્સ પણ કરી ચૂક્યો છે. ગુજરાતમાં ઉત્તરાયણની સાથે દિવાળી અને નવરાત્રિ પણ લોકો મનાવી લેતા હોય છે. એટલે કે પતંગ ચગાવવાની સાથે સાંજે ગરબા પણ રમાય અને ફટાકડા પણ ફોડાય. આ બાબત પાર્થને વધુ ગુજરાત તરફ ખેંચી જાય છે.

ઉત્તરાયણ સિવાય પણ હું મનાવું છું દર શનિ-રવિ ઉત્તરાયણ

વિરારમાં રહેતા અને ઍક્વેરિયમની દુકાન ચલાવતા હિતેશ બ્રાહ્મણિયા મુંબઈની ગોલ્ડન કાઇટ ક્લબના સભ્ય છે. પતંગ માટેનું તેમનું પૅશન એટલું આગળ વધ્યું છે કે ઘણી આંતરરાષ્ટ્રીય સ્તરની કૉન્ટેસ્ટમાં પણ કાઇટ ફ્લાઇંગ માટે ગયા છે એટલું જ નહીં, એ સ્પર્ધાઓમાં તેઓ જીત્યા પણ છે. તેઓ કહે છે, ‘નાનપણથી એક જ શોખ છે. ઘરે વાઇફ સાથે આ બાબતે ઝઘડો થાય, કારણ કે પતંગ માટે જેટલો સમય આપું છુ એનો અડધો સમય પણ તેને ન આપું. ઉત્તરાયણ મોટા ભાગે હું ગુજરાતમાં મનાવું, પણ એ સિવાય આખું વર્ષ મીરા રોડ (વેસ્ટ)માં પતંગ ઉડાવીએ છીએ. ગોલ્ડન કાઇટ ક્લબના અમારા પ્રમુખ દિલીપ કાપડિયા ૮૭ વર્ષની ઉંમરે અમદાવાદમાં અત્યારે પતંગ ઉડાવવા ગયા છે. વરસાદ છોડીને બધા જ દિવસે ઉડાવીએ. બરેલી, મુરાદાબાદ અને લખનઉથી ખાસ પતંગ અને માંજા મંગાવીએ. હવે આંગળીઓ કપાતી નથી, પણ ટેવાઈ ગઈ છે.’

આ પણ વાંચો : ભૂલોને ભૂલી જવામાં જ સાર છે

હિતેશભાઈએ અમદાવાદમાં પોતાની નજર સામે ચાઇનીઝ માંજાથી એક મહિલાનું ગળું કપાતું જોયું છે. તેઓ કહે છે, ‘ચાઇનીઝ માંજા ન વાપરવામાં ભલાઈ છે, પણ લોકો સમજતા નથી. કૉટનના થ્રેડથી એટલું નુકસાન નથી થતું જેટલું નાયલૉનથી થાય છે. લોકોએ એની ગંભીરતા સમજવી જોઈએ.’

columnists