પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ-કૅન્સર

09 March, 2020 05:18 PM IST  |  Mumbai Desk

પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ-કૅન્સર

પ્રતીકાત્મક તસવીર

સ્તનનું કૅન્સર હવે માત્ર મહિલાઓ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પુરુષોમાં પણ આ બીમારીનું જોખમ હોવાના કેટલાક કેસ સામે આવ્યા છે ત્યારે જાણીએ કે એક્સપર્ટ પાસેથી જાણીએ કે પુરુષોમાં આ બીમારી કેમ થાય છે, થાય ત્યારે શું કરવું જોઈએ અને એનું જોખમ કેટલું હોય છે

બ્રેસ્ટ-કૅન્સર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળતું સૌથી સામાન્ય કૅન્સર છે એવું આપણે માનતા આવ્યા છીએ. હવે આ બાબત વધુ સ્પષ્ટ રિસર્ચ સામે આવ્યાં છે. રિસર્ચ કહે છે કે પુરુષોમાં પણ સ્તનપેશીઓ હોય છે જે કૅન્સર પેદા કરી શકે છે. નવા અભ્યાસ બાદ સામે આવેલા આંકડા દર્શાવે છે કે બ્રેસ્ટ-કૅન્સરનો રોગ ધરાવતા પુરુષોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯૯૫થી ૨૦૧૯ સુધી અમેરિકામાં પુરુષોમાં સ્તન-કૅન્સરની સંખ્યા લગભગ સ્થિર રહી હતી, પરંતુ આ વર્ષની શરૂઆતથી જે રીતે કેસ સામે આવી રહ્યા છે એ જોતાં સંશોધકોએ યુએસમાં ૧૫૬ નવા કેસનો ઉમેરો થવાનો અંદાજ લગાવ્યો છે. હવે પુરુષોના માથે પણ સ્તન-કૅન્સરનું જોખમ ઝળુંબે છે. કોઈ પણ પ્રકારના કૅન્સરથી બચવાનો સૌથી સચોટ ઉપાય છે જાગરૂકતા. આજે આપણે પુરુષોમાં જોવા મળતાં બ્રેસ્ટ-કૅન્સર વિશે એક્સપર્ટ સાથે વાત કરીએ.

ઉપરોક્ત રિસર્ચ સંદર્ભે વધુ ખુલાસો કરતાં એશિયન કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈના સર્જિકલ ઑન્કોલૉજિસ્ટ ડૉ. ધૈર્યશીલ સાવંત કહે છે, ‘અત્યાર સુધી થયેલા અભ્યાસ પ્રમાણે જોઈએ તો મહિલાઓની તુલનામાં પુરુષોમાં બ્રેસ્ટ-કૅન્સરનું પ્રમાણ ઘણું ઓછું છે. બ્રેસ્ટ-કૅન્સરના કુલ કેસમાંથી એક ટકા કેસમાં પુરુષોને આ બીમારી નિદાન થઈ છે. મારી પાસે વર્ષમાં એક અથવા બે વર્ષે ત્રણ કેસ આવે છે. વાસ્તવમાં આ દિશામાં વધુ રિસર્ચની આવશ્યકતા છે અને સંશોધન ચાલે છે, પરંતુ કેસ-સ્ટડી ઓછી છે તેથી વૈજ્ઞાનિકો ચોક્કસ તારણ પર આવ્યા નથી. હાલમાં કેસ-સ્ટડી ઉપરાંત અવેરનેસ પ્રોગ્રામ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.’

 

કેમ ખબર પડે?
ચાળીસ વર્ષની ઉંમર બાદ પુરુષોમાં બ્રેસ્ટ-કૅન્સરની શક્યતા વધી જાય છે. બ્રેસ્ટ-કૅન્સરનાં લક્ષણો સ્ત્રી અને પુરુષોમાં લગભગ સરખાં જ હોય છે એમ જણાવતાં ડૉ. સાવંત કહે છે, ‘છાતીના ભાગમાં ગઠ્ઠા જેવું ફીલ થવું, નિપલમાંથી બ્લીડિંગ કે ડિસ્ચાર્જ, નિપલની આસપાસના છાતીના ભાગમાં ખાડા પડી જવા કે સ્વેલિંગ થવું, છાતીના ભાગમાં કંઈક ચોંટી ગયું હોય એવું ફીલ થવું, બગલમાં ગાંઠ થવી જેવાં લક્ષણો હોય છે. મહિલાઓની બ્રેસ્ટમાં ગાંઠ જલદીથી પકડાતી નથી, જ્યારે પુરુષોની છાતી સપાટ હોય છે તેથી સામાન્ય રીતે પ્રાથમિક તબક્કામાં જ ડિટેક્ટ થઈ જાય છે. ઉપરનાં લક્ષણો જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. તેમના કેસમાં મૅમોગ્રાફી કરવાની નથી હોતી. ટ્રુ-કટ બાયોપ્સી, છાતીનો એક્સ-રે, પૅટ સ્કૅન અને ઑક્ઝિલરી સોનોગ્રાફી જેવા જુદા-જુદા પરીક્ષણ દ્વારા પુરુષોમાં સ્તન-કૅન્સરનું નિદાન થઈ શકે છે. અન્ય લક્ષણોમાં અંડકોષમાં સોજો, કોઈ કારણસર અંડકોષ કાઢી નાખવામાં આવ્યો હોય (મહિલાઓમાં બ્રેસ્ટ-કૅન્સરના કેટલાક કેસમાં ઓવરી દૂર કરવામાં આવે છે), લિવરની બીમારી, પ્રોસ્ટેટ કૅન્સર થયું હોય અથવા એવી શક્યતા જણાય ત્યારે ટેસ્ટીસ દૂર કરવામાં આવ્યું હોય, ફૅમિલી હિસ્ટરી જેવા કેસમાં પુરુષોમાં સ્તન-કૅન્સરનું જોખમ વધી જાય છે. કેટલાક રૅર કેસમાં હૉર્મોનની ઊથલપાથલને કાબૂમાં રાખવાની સારવાર મોટો ભાગ ભજવી જાય છે. પ્રોસ્ટેટ કૅન્સરના ઇલાજમાં ઍન્ટિ-એસ્ટ્રોજનની ગોળી આપવી પડે છે. આવા દરદીમાં બ્રેસ્ટ-કૅન્સરના ચાન્સિસ રહે છે.’

સર્જરી એ જ સારવાર
નિદાન થયા બાદ સૌથી પહેલાં સર્જરીની પ્રક્રિયામાંથી પાર ઊતરવું પડે. આ જ ઇલાજ છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘સર્જરી વગર આગળની સારવાર શક્ય નથી. પ્રથમ તબક્કાનું કૅન્સર હોય તો સર્જરી બાદ ઇન્જેક્શન આપવાથી બધું સામાન્ય થઈ જાય છે. એ પછી જરૂર જણાય તો કીમો અને રેડિયેશન જેવી સારવારમાંથી પસાર થવું પડે છે. ઍડ્વાન્સ્ડ સ્ટેજના બ્રેસ્ટ-કૅન્સરમાં અન્ય કૅન્સરની જેમ જ સારવાર કરવાની ફરજ પડે છે. જોકે પુરુષોમાં બીજા-ત્રીજા સ્ટેજના કૅન્સરના ચાન્સિસ નહીંવત્ હોય છે. સારવાર પૂરી થયા બાદના પહેલા વર્ષે દર ત્રણ મહિને, એ પછીના વર્ષે દર છ મહિને અને ત્યાર બાદ દર વર્ષે ફૉલોઅપ કરવું જોઈએ. ફૉલોઅપમાં પણ ઑક્ઝિલરી સોનોગ્રાફીની પ્રક્રિયા જ કરવાની હોય છે. મહિલાઓની સરખામણીએ આ બાબત પુરુષોના ભાગે ભોગવવાનું ઓછું આવે છે.’

જીવનશૈલીમાં પરિવર્તન
બ્રેસ્ટ-કૅન્સર અથવા કોઈ પણ પ્રકારના કૅન્સર અને અન્ય બીમારીમાં તમારી જીવનશૈલીનો મોટો હાથ હોય છે એમ જણાવતાં ડૉ. સાવંત આગળ કહે છે, ‘સામાન્ય રીતે બ્રેસ્ટ-કૅન્સરની બીમારીની સારવાર દરમિયાન કોઈ ખાસ પ્રકારની ડાયટ પર ફોકસ રાખવાની સલાહ આપવામાં આવતી નથી, પરંતુ તમારા ઓવરઑલ સ્વાસ્થ્ય માટે ફૂડ હૅબિટ પર ધ્યાન આપવું જ જોઈએ. પુરુષોના
બ્રેસ્ટ-કૅન્સર માટે ઓબેસિટી જવાબદાર છે એવું તો ન કહી શકાય, કારણ કે ફ્લૅટ ચેસ્ટવાળા પુરુષોમાં પણ આ રોગ જોવા મળે છે. હા, ઓબીસ પુરુષોમાં રિસ્ક વધુ છે. આ ઉપરાંત આલ્કોહૉલ અને ધૂમ્રપાનની ટેવ બ્રેસ્ટ-કૅન્સરમાં જોખમી સાબિત થઈ શકે છે. આલ્કોહૉલની લતથી લિવરને અસર થાય છે અને લિવરની બીમારી બ્રેસ્ટ-કૅન્સરને આમંત્રણ આપી શકે છે. લાઇફ-સ્ટાઇલ પરિવર્તનથી કૅન્સર જેવી બીમારીઓમાં હેલ્પ થાય છે.’

મહિલાઓની બ્રેસ્ટમાં ગાંઠ જલદીથી પકડાતી નથી, જ્યારે પુરુષોની છાતી સપાટ હોય છે તેથી ફર્સ્ટ સ્ટેજમાં જ ડિટેક્ટ થઈ જાય છે. છાતીના ભાગમાં લમ્પ્સ જેવું ફીલ થવું, નિપલમાંથી બ્લીડિંગ કે ડિસ્ચાર્જ, નિપલની આસપાસના એરિયામાં ખાડા પડી જવા, છાતીના ભાગમાં કંઈક ચોંટી ગયું હોય એવું ફીલ થવું, બગલમાં ગાંઠ થવી વગેરે સામાન્ય લક્ષણો છે. ટ્રુ-કટ બાયોપ્સી, છાતીનો એક્સરે, પેટ સ્કૅન અને ઍક્ઝિલરી સોનોગ્રાફી જેવાં જુદા-જુદા પરીક્ષણ દ્વારા પુરુષોમાં સ્તન- કૅન્સરનું નિદાન સરળતાથી થઈ શકે છે - ડૉ. ધૈર્યશીલ સાવંત, સર્જિકલ ઑન્કોલૉજિસ્ટ

રીકન્સ્ટ્રક્શન સર્જરી કેમ જરૂરી?
પુરુષોમાં બ્રેસ્ટ-કૅન્સરની સારવાર બાદ રીકન્સ્ટ્રક્શન સર્જરી અત્યંત જરૂરી છે એમ જણાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલનાં પ્લાસ્ટિક અને રીકન્સ્ટ્રક્ટિવ સર્જ્યન ડૉ. શ્રદ્ધા દેશપાંડે કહે છે, ‘ઘણા લોકો એવું માનતા હોય છે કે આ એક પ્રકારની કૉસ્મેટિક સર્જરી છે. અહીં એક વાત સમજી લેવાની જરૂર છે કે પુરુષોના કેસમાં આ કોઈ બ્યુટી ટ્રીટમેન્ટ નથી. તેમની છાતીનો ભાગ જુદો હોય છે. મહિલાઓમાં બ્રેસ્ટ-કૅન્સર બાદ સર્જરી કરાવવી કે નહીં એવા ઑપ્શન છે અને પ્રક્રિયા પણ જુદી છે, જ્યારે પુરુષોમાં રીકન્સ્ટ્રક્શન સર્જરી ફરજિયાત છે. સરળ શબ્દોમાં કહીએ તો કૅન્સરની સારવાર (રેડિયેશન અને કીમો) દરમિયાન છાતીના ભાગમાં પડી ગયેલા ખાડાની ભરણી કરવાની છે. સ્કિનગ્રાફ્ટિંગથી આ ભરણી થતી નથી તેથી તેમના માટે સર્જરી એકમાત્ર ઉપાય છે. તબીબી ભાષામાં એને ફ્લૅપ સર્જરી કહે છે. આ પ્રક્રિયામાં પુરુષની પીઠમાંથી સ્કિન અને મસલ્સ કાઢીને છાતીના ભાગમાં એક્સટેન્શન આપવું પડે છે. આમ કરીએ તો જ છાતીનું પ્રેઝન્ટેશન જળવાઈ રહે.’

ઇન્ડિયામાં પુરુષોમાં બ્રેસ્ટ-કૅન્સરના કેસ ખૂબ ઓછા છે. અત્યાર સુધીમાં મારી પાસે માત્ર બે જ કેસ આવ્યા છે એમ જણાવતાં ડૉ. શ્રદ્ધા કહે છે, ‘બ્રેસ્ટ-કૅન્સર બાદ પુરુષોએ સર્જરી કરાવવી અનિવાર્ય છે, હવે પુરુષો તકેદારી રૂપે આ સર્જરી કરાવતા થયા છે. બ્રેસ્ટ-કૅન્સર અનુવંશિક બીમારી છે. હમણાં સુધી આપણે એવું માનતા હતા કે માતાને આ કૅન્સર હોય તો દીકરીમાં આવે. હવે જાણી લો કે માતાને બ્રેસ્ટ-કૅન્સર હોય તો દીકરામાં પણ આવી શકે છે. જેમને બીઆરસીએ (વારસામાં મળનારી બીમારીની સંભાવના) હોય, ઓબીસ પુરુષો કે જેમના બૂબ્સ મોટા હોય અથવા ગાયનેકોમૅસ્ટિઆ (સ્તનનું વિસ્તરણ)નાં લક્ષણો હોય એવા પુરુષોમાં
બ્રેસ્ટ- કૅન્સરનું જોખમ રહેલું છે તેથી તેઓ સર્જરી કરાવતા થયા છે. છાતીનો ભાગ સપાટ હોય તો નિદાનમાં સરળતા રહે છે. પોસ્ટ સર્જરી કોઈ ખાસ સંભાળ લેવાની આવશ્યકતા પડતી નથી, કારણ કે દરદીના પોતાના જ શરીરમાંથી ટિશ્યુ કલેક્ટ કરી એનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. રીકન્સ્ટ્રક્શન સર્જરી બાદ તદેકારીના પગલા રૂપે સેલ્ફ-એક્ઝામિનેશન કરતા રહેવું તેમ જ કૅન્સરની સારવાર જ્યાં કરાવી હોય એ ડૉક્ટરની સલાહ અનુસાર રેગ્યુલર ફૉલોઅપ કરવું.’