મળો મુંબઈ પોલીસના દબંગ ડૉગ્સને

09 March, 2019 12:56 PM IST  |  | રુચિતા શાહ

મળો મુંબઈ પોલીસના દબંગ ડૉગ્સને

નવેમ્બરમાં મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ વિભાગમાં સામેલ થયેલા આ પાંચ બેલ્જિયમ શેફર્ડ એનાં મહિલા હૅન્ડલરો સાથે. તસવીરો : અતુલ કાંબળે

ક્રાફર્ડ માર્કેટ પાસે આવેલા મુંબઈ પોલીસ હેડક્વાર્ટરના ગેટ નંબર ૬માં પ્રવેશ્યા પછી થોડાક આગળ ચાલો છો એટલે ડાબી બાજુએ ડૉગ સ્ક્વૉડનું બિલ્ડિંગ દેખાય છે. સફેદ કલરના ત્રણ માળના બિલ્ડિંગ પર નજર પડે છે ત્યાં જ તમને કૂતરાઓનો અવાજ પણ સંભળાવા માંડે છે. ડૉગ સ્ક્વૉડના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના ક્રાઇમ બ્રાન્ચના બાર કૂતરાઓના નિવાસસ્થાનમાં પ્રવેશો એટલે એક સાવ જુદી જ ગંધ અને ક્લાઇમેટનો અનુભવ તમારા મગજને ઘેરી વળે છે. હજી તો તમે પ્રવેશ્યા છો ત્યાં ડાર્ક બ્રાઉન રંગના નાના-નાના ત્રણ-ચાર મસ્તી કરતા અને ભસતા કૂતરાઓ સાથે મહિલા પોલીસ અધિકારીઓની સ્ટ્રગલ પણ તમારા ધ્યાનમાં આવે છે અને તમે રોમાંચિત થઈ જાઓ છો. તમને ખ્યાલ પણ આવી ગયો છે કે આ એ જ ડૉગ છે જે ભારતના ઇતિહાસમાં પહેલી વાર મુંબઈ પોલીસ સ્ક્વૉડમાં જોડાયા છે. બેલ્જિયમ શેફર્ડની આ પ્રજાતિ વિશે પહેલેથી જ રિસર્ચ કરી ચૂક્યા છો એટલે તમને એની ચપળતા, નીડરતા અને આક્રમકતા વિશે ખબર છે. સાવ નાનકડાં ગલૂડિયાં હોવા છતાં બેલ્જિયમ શેફર્ડની અગ્રેસિવનેસમાં તમે ક્યાંક અડફેટે ન ચડી જાઓ એમ વિચારીને તમે સહેજ પાછા પણ હટી ગયા છો. મુખ્ય દરવાજાની સામે એક કૅબિનમાં તમને બેસવાનું કહેવામાં આવ્યું છે. એ તરફ બેસવા જતાં દૂર એક કાળા રંગની ભરપૂર રૂંવાટી ધરાવતો ડૉગ દેખાય છે જેનું નામ વિકી છે. તમે હજી એ ડૉગ પર ફોકસ કરી રહ્યા હતા ત્યાં જ એક બ્રાઉન રંગનો હાઇટમાં ઊંચો અને પાતળો ડોગ તમારી ખુરશી નજીક આવીને તમને સૂંઘવાના પ્રયત્નો કરીને પાછો વળી જાય છે. તમને કહેવામાં આવે કે આ છે હિના. હવે રિટાયર્ડ થઈ ગઈ છે. માદા કૂતરો છે અને ખૂબ જ ઇન્ટેલિજન્ટ અને ટૅલન્ટેડ.

સાથે જ હિનાએ સૉલ્વ કરેલા કેસનો પટારો તેના હૅન્ડલર વિકાસ શેણગે દ્વારા ખોલવામાં આવે છે. ૨૦૧૮ના જૂન મહિનાની ચોથી તારીખના આ મર્ડર કેસથી વાતની શરૂઆત કરતાં વિકાસ કહે છે, ‘સવારે સાડા પાંચ વાગ્યે ભોઈવાડા વિસ્તારમાંથી એક છોકરીની લાશ મળી. મર્ડર કેસ સૉલ્વ કરવા અમે પ્રારંભિક તપાસનું કામ હિનાને સોંપ્યુ. આશ્ચર્ય વચ્ચે લગભગ એકાદ કલાકની રેકીમાં હિનાએ કેસ સૉલ્વ કરી નાખ્યો. સવારે સાડા નવ વાગ્યે આરોપી પોલીસના પગમાં હતો. લવ ટ્રાઇન્ગલમાં પ્રેમિકાના મિત્રે જ તેનું મર્ડર કરી નાખ્યું હતું. આ જ મહિનાની ૧૩ અને ૨૧ તારીખે બીજા બે મર્ડર કેસ હિનાએ આમ ગણતરીના કલાકોમાં સૉલ્વ કરી દીધા હતા. એક પ્રેમીએ પ્રેમિકાનું મર્ડર કર્યું અને પોતે જ અજાણ્યો બનીને પોલીસ કમ્પ્લેન કરવા પોલીસ-સ્ટેશન પહોંચી ગયો. હિનાને ક્રાઇમ સીન પર લઈ જવામાં આવી અને તે બધે ફરીને પાછી પોલીસ-સ્ટેશન પર પહોંચતી. એ જોઈને અમે બધા ગૂંચવાઈ ગયા હતા અને હિનાની તપાસ પૂરતી નથી એવું ધારી રહ્યા હતા. જોકે બીજા બે પુરાવા મળ્યા પછી ખબર પડી કે જેણે ખૂન કર્યું હતું એ છોકરો જ જાતે પોતાની પ્રેમિકાના મર્ડરની ફરિયાદ કરવા આવ્યો હતો, જેથી હિનાની આરોપીની તલાશ પણ પાછી પોલીસ-સ્ટેશને આવીને અટકતી હતી.’

આવા લગભગ ૪૫ જેટલા મહત્વપૂર્ણ કેસ હિનાએ પોતાના કાર્યકાળમાં સૉલ્વ કર્યા છે. ૨૦૧૦ના સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા સિરિયલ રેપિસ્ટ અને મર્ડર કેસના આરોપીને પકડવાનું શ્રેય પણ આ ડૅશિંગ ડૉગને જાય છે. લૅબ્રૅડોર પ્રજાતિની હિના બે મહિનાની હતી ત્યારે મુંબઈ પોલીસ સાથે જોડાઈ છે. ૨૦૧૮ના ઑક્ટોબર મહિનામાં રિટાયર્ડ થઈ ત્યારે તેને પૂરાં માન-સન્માન સાથે શ્રીફળ, શાલ અને સર્ટિફિકેટ આપીને વિશેષ કાર્યક્રમ દ્વારા નિવૃત્ત કરવામાં આવી હતી.

હવે રિટાયર થઈ ગયેલી શ્વાનની ડોબરમૅન પ્રજાતિની હિના એના હૅન્ડલર સાથે. ગયા વર્ષે સવા કલાકમાં મર્ડર કેસ સૉલ્વ કરીને આરોપીને પકડાવનારી આ કૂતરીએ લગભગ ૪૫ જેટલા ધમાકેદાર કેસ સૉલ્વ કર્યા છે.

વિકાસ સાથે ઉમેશ સાયતે પણ હિનાના હૅન્ડલર તરીકે સક્રિય છે. હૅન્ડલર એટલે જે ડૉગને હૅન્ડલ કરે એ. તે કૂતરાનો મુખ્ય ટ્રેઇનર ગણાય, જેને ડૉગ પોતાનો માલિક માને અને હૅન્ડલરના જ આદેશનું ડૉગ પાલન પણ કરે. મોટા ભાગના હૅન્ડલર પોતાના ડૉગને પોતાનું બાળક સમજતા હોય છે અને ડૉગ પણ પોતાના હૅન્ડલરને જ પોતાના સર્વેસર્વા માનતા હોય. હૅન્ડલર પર તકલીફ આવે તો ડૉગ આક્રમક થઈને પોતાના હૅન્ડલરને તકલીફ આપનારાને સીધાદોર પણ કરી શકે. હૅન્ડલરની જ કમાન્ડને આ ડૉગ ફૉલો કરતા હોય છે. વિકાસ કહે છે, ‘મારી હિના એક નંબર છે. તેને જોઈને હું રિલૅક્સ થઈ જાઉં. હિના મારા શબ્દોને અને મારી કમાન્ડને સમજી જાય છે. હું પણ હિનાની હિન્ટને આસાનીથી સમજી શકું છું.’

આવી તો અઢળક વાતો મુંબઈ ડૉગ સ્ક્વૉડની આ મુલાકાત દરમ્યાન જાણવા મળી. એવું પણ ઘણી વાર બન્યું કે દોડાદોડ કરતા ડૉગને જોઈને શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું હોય, પણ ત્યાં હાજર બાર ડૉગમાંથી એક પણ ડૉગ તમને ઊની આંચ પણ નહીં આવવા દે એવો આત્મવિશ્વાસ ત્યાં હાજર રહેલા તમામ પોલીસ અધિકારીઓ અને ડૉગ હૅન્ડલરની આંખમાં તમને જોઈને નિરાંત થાય. પાંચ બેલ્જિયમ શેફર્ડ પ્રજાતિનાં ગલૂડિયાં, બે રિટાયર્ડ ડૉગ અને અત્યારે ફરજ પર રહેલા સ્ટેફી, ગોલ્ડી, શાયના નામના લૅબ્રૅડોર ડૉગ અને જૅક તથા લિયો નામના બે ડોબરમૅન ડોગ મળીને કુલ બાર કૂતરાઓના કાફલા સાથે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ડૉગ સ્ક્વૉડની મુલાકાતમાં જાણેલી અઢળક માહિતીઓની વાતોને આગળ વધારીએ...

દેશની પહેલી ડૉગ સ્ક્વૉડ

પોલીસ અધિકારીઓની તપાસમાં વિશેષ રીતે ટ્રેઇન થયેલા ડૉગ ઑફિસરોનું અનન્ય મહત્વ હોય છે. કૂતરાઓની સૂંઘવાની અકલ્પનીય ક્ષમતાને કારણે ગુનેગારને સૂંઘીને પકડવાની ઝડપ વધી જાય છે. એ સિવાય કૂતરાઓની વિચક્ષણતા, સાહસ અને પ્રામાણિકતાને કોઈ બીટ કરી શકે એમ નથી. જટિલમાં જટિલ કેસને સૉલ્વ કરવામાં પણ આ કૂતરાઓ નોંધનીય ભૂમિકા ભજવી શકતા હોય છે. આ વાત ભારતમાં સૌથી પહેલી મુંબઈ પોલીસના ડેપ્યુટી જનરલ પોલીસ મિ. કાણીના ધ્યાનમાં આવી હતી. તેઓ લંડનપ્રવાસે ગયા ત્યારે ત્યાંથી મુંબઈ પોલીસ વિભાગ માટે ત્રણ ડૉગ પણ લઈ આવ્યા અને એ રીતે ૧૯૫૪માં દેશની પહેલી ડૉગ સ્ક્વૉડની સ્થાપના થઈ. એ પછી શિમલા અને મદ્રાસમાં ડૉગ સ્ક્વૉડ બની. બોર્ડર સિક્યૉરિટી ફોર્સ અને આર્મીમાં પણ એ પછી કૂતરાઓનો ઉપયોગ ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશનમાં શરૂ થયો.

ડૉગ સ્ક્વૉડનો સારો એવો અનુભવ ધરાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વિનોદ બલાલ કહે છે, ‘અત્યારે ક્રાઇમ બ્રાન્ચ પાસે ઑન ડ્યુટી પાંચ કૂતરાઓ છે, જેમાં ત્રણ ટ્રેકર ડૉગ છે અને બે નાર્કોટિક્સ ડૉગ છે. એ સિવાય ગોરેગામમાં પ્રોટેક્શન ઍન્ડ સિક્યૉરિટી બ્રાન્ચમાં બાર કૂતરાઓ છે. કોઈ પણ વીઆઇપીની મુલાકાત પહેલાં આ ડૉગ્સ ત્યાં કોઈ એક્સપ્લોઝિવ છે કે નહીં એ જાણવા જગ્યાની બરાબર ચકાસણી કરી લે છે. કાલા ચૌકીમાં બૉમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વૉડમાં બાર ડૉગ્સ છે. નાર્કોટિક્સ ડૉગ્સ મોટા ભાગે ડ્રગ્સની શોધખોળનું કામ કરતા હોય છે. આખા મહારાષ્ટ્રમાં પોલીસ પાસે અત્યારે કુલ ૪૮૨ ડૉગ્સ છે. ડૉગ્સનું મુખ્ય ટ્રેઇનિંગ સેન્ટર પુણેમાં છે.’

ટ્રેઇનિંગ કેવી રીતે થાય?

કૂતરાની સૂંઘવાની ક્ષમતાનો લાભ લેવા માટે ૨૦૧૬થી દારૂબંધી રાજ્ય ઘોષિત કરનારા બિહારની પોલીસે એક સ્પેશ્યલ ડૉગ સ્ક્વૉડની રચના કરી છે, જેમાં કૂતરાઓને દારૂ સૂંઘીને એને ઓળખી પાડવાની ટ્રેઇનિંગ આપવામાં આવશે. એક પ્રશ્ન લગભગ દરેક સામાન્ય વ્યક્તિને થયો જ હોય કે આ ડૉગને કેમ ખબર પડે કે તેણે આરોપીને શોધવાનો છે. આ સૂંઘવાની ક્ષમતાને ટ્રેઇન કેવી રીતે કરવામાં આવે? તેને કેવી રીતે ખબર પડે કે ફલાણામાં ડ્રગ્સ છે અને ઢીંકણામાં આરડીએક્સ છે? આ પ્રfનોના જવાબ આપે છે ૧૯૯૩ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ડૉગ સ્ક્વૉડમાં હૅન્ડલર તરીકે કામ કરી ચૂકેલા સબ-ઇન્સ્પેક્ટર જૅકોબ ગાયકવાડ. કોઈ પણ ડૉગ એકથી બે મહિનાનું હોય ત્યારથી જ એની ટ્રેઇનિંગ ચાલુ થઈ જતી હોય છે એમ જણાવીને જૅકોબ કહે છે, ‘જેમ બાળપણમાં આપવામાં આવેલી શીખ આખી જિંદગી સાથે રહે છે એમ કૂતરાઓને પણ નાનપણમાં આપવામાં આવેલી પ્રોપર ટ્રેઇનિંગ તેઓ ક્યારેય ભૂલતા નથી. ડૉગ પોલીસ ખાતામાં આવે ત્યારે શરૂઆતના પાંચ-છ મહિનાનો સમય તો એના હૅન્ડલર સાથનો રેપો બિલ્ડ કરવામાં જ જાય છે. સામાન્ય રીતે એક ડૉગ દોઢસોથી બસો શબ્દ યાદ રાખી શકતા હોય છે. એટલે બને ત્યાં સુધી એકથી બે શબ્દના કમાન્ડ જ બનાવાતા હોય છે. ધીમે-ધીમે એ કમાન્ડ આપીને હૅન્ડલર શું ઇચ્છે છે એ એમને એક્સપ્લેઇન થતું હોય છે અને અનુભવે ડૉગ્સ પોતાના હૅન્ડલરની ભાષા સમજી શકતા હોય છે.’

કમાન્ડ કેવા હોય? એના જવાબમાં જૅકોબ કહે છે, ‘સીટ, રેસ્ટ, સ્લીપ, રોલ, સેલ્યુટ, કમ, અપ, સ્ટે જેવા શબ્દો તેને સૌથી પહેલાં શીખવવામાં આવે. એ પછી કૂતરાએ પોતાના હૅન્ડલરની ડાબી બાજુએ જ ચાલવાનું, હૅન્ડલરને સૂંઘીને તેની વસ્તુઓ શોધવાની. આ બધી પ્રારંભિક ટ્રેઇનિંગમાં તેના મગજનું કંડિશનિંગ કરવામાં આવે છે. ટૉઇલેટ બહાર જ એની જગ્યાએ જવાનું એની પણ ટ્રેઇનિંગ હૅન્ડલર આપે. સ્નિફર ડૉગ પહેલાં હૅન્ડલરનાં કપડાંથી કે તેની કોઈ વસ્તુથી શોધવાનું શરૂ કરે એ પછી તેને ધીમે-ધીમે ક્રાઇમ સીનમાં તેની સ્નિફિંગ કૅપેસિટી એટલે કે સૂંઘવાની ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં બીજી એક વાતની સ્પષ્ટતા પણ કરી દઉં કે કૂતરાઓને જ્યારે પણ તમે કોઈ વસ્તુ સૂંઘવા આપો તો એ વ્યક્તિની ગંધ નહીં, પણ તેની ડેડસ્કિનને સૂંઘતા હોય છે. વ્યક્તિ જ્યાં જ્યાં પણ ગયો હોય ત્યાં તેની ડેડસ્કિન સતત વેરાઈ જ હોય. એ ડેડસ્કિનની ગંધ લેતો-લેતો એ આરોપીનું પગેરું શોધી કાઢતો હોય છે.’

પ્રારંભિક ટ્રેઇનિંગ હૅન્ડલર સાથે થયા પછી મુંબઈ પોલીસના કૂતરાઓને પુણેમાં ઍડવાન્સ ટ્રેઇનિંગ અપાય છે. ત્રણથી છ મહિનાની ટ્રેઇનિંગમાં નાર્કોટિક્સ, એક્સપ્લોઝિવ અને માત્ર સ્નિફર ડૉગ તરીકે સ્પેશ્યલાઇઝ્ડ ટ્રેઇનિંગ તેમને આપવામાં આવે છે. ધીમે-ધીમે ડૉગ પોતાનું કામ સમજી પણ જાય. જોકે ડૉગ પાસે જે પણ કરાવવું હોય એ કરાવવા માટે એના હૅન્ડલરનો રોલ મહત્વનો હોય. જૅકોબ ગાયકવાડ કહે છે એમ દરેક ડૉગની એક સાઇકોલૉજી છે અને સાઇકોલૉજી તમને સમજાય તો તમે એ ડૉગને તમારા બાળકની જેમ હૅન્ડલ કરી શકો છો અને એમાં કોઈ તમને નડતરરૂપ બની શકે એમ નથી. ડૉગ બીમાર હશે, અપસેટ હશે કે પોતાના માલિકથી ગુસ્સે હશે તો પણ તેના બિહેવિયરમાં વરતાશે. એક સારા હૅન્ડલરને પોતાના ડૉગના એ તમામ બિહેવિયરને કળતાં આવડવું જોઈએ. જો તમે એને સમજી શક્યા તો એ તમને સમજશે અને પછી તમારા એકેય ટાસ્કમાં તેની એક્સ્ટ્રા ઑર્ડિનરી ક્ષમતાનો લાભ તમને મળ્યા જ કરશે.

બેલ્જિયમ શેફર્ડની ખાસિયત

ડોબરમૅન અને લૅબ્રૅડોર ડૉગ પ્રજાતિના કુતરાઓ લગભગ ૨૫ હજાર રૂપિયામાં મળતા હોય છે. જ્યારે બેલ્જિયમ શેફર્ડની કિંમત ૮૦ હજાર રૂપિયા હોય છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પોતાની ડૉગ સ્ક્વૉડમાં સામેલ કરેલા બેલ્જિયમ શેફર્ડ પ્રજાતિના કૂતરાઓને વિશ્વની ઘણી બધી આર્મીમાં તેની મલ્ટિપલ ખૂબીઓને કારણે સ્થાન આપવામાં આવ્યું છે. ડૉગ ટ્રેઇનર સચિન રાવતે કહે છે, ‘બેલ્જિયમ શેફર્ડ જેવા ઍક્ટિવ, ચકોર અને હૅન્ડલ કરવા માટે અઘરા ગણાય. આ ખૂબ જ અગ્રેસિવ ડૉગ્સ છે. પુરુષો પણ હૅન્ડલ ન કરી શકે એટલા સ્પીડી હોય છે. આ મલ્ટિપર્પઝ ડૉગ શીખવામાં ખૂબ જ ફાસ્ટ અને ઓવર-ઍક્ટિવ હોવાને કારણે તેની લોકપ્રિયતા આખા વિશ્વમાં છે. બીજું એ કે આ ડૉગ ડાયટના પાક્કા હોય છે. કોઈ પણ વેધર કંડિશનમાં રહી શકતા હોય છે. અત્યારે મુંબઈમાં કેટલાક ડૉગ્સ ઍક્ટિવિટી ન હોય ત્યારે વેઇટ ગેઇન પણ કરી દેતા હોય છે જ્યારે આ ડૉગ જાડા નથી થતા. તેમને સતત કામ આપો એ જરૂરી છે. એટલે જ પૅટ્રોલિંગ, સ્નિફિંગ, નાર્કોટિક્સ અને બૉમ્બ ડિટેક્શન એમ બધા માટે આ કૂતરાઓ સબ બંદર કે વેપારી જેવા છે.’

આ કૂતરાઓને થકાવવા જરૂરી છે. કામ ન હોય ત્યારે હૅન્ડલરે પણ તેમની સાથે દોડવું પડતું હોય છે. સવારે છ વાગ્યે તેમની સાથે તેમના હૅન્ડલરનો દિવસ પણ શરૂ થાય તો રાતે નવ વાગ્યા સુધી એમની આગળ-પાછળ રહેવું પડતું હોય છે. કૂતરાઓ એક મિનિટમાં લગભગ ૩૦૦ વાર શ્વાસ લે છે. એમનું આયુષ્ય લગભગ ૧૦થી ૧૨ વર્ષનું હોય છે. કૂતરાઓ મોટા થતા જાય તો પણ એમની અપેક્ષા બાળક જેવી જ હોય. એમને અટેન્શન જોઈએ, એમને વહાલ જોઈએ. એકાદ વાર પણ એનો હૅન્ડલર અથવા માલિક એને ન બોલાવે તો એ નિરાશ થઈ જતા હોય છે. પોલીસથી લઈને આર્મીમેન માટે આ વફાદાર જાનવર અનેક રીતે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

- એક કૂતરાનું સામાન્ય આયખું લગભગ બાર વર્ષનું હોય છે. એક મિનિટમાં ૩૦૦ વાર એ શ્વાસોશ્વાસ લેતા હોય છે અને માણસ કરતાં કૂતરાની સૂંઘવાની ક્ષમતા ૧ લાખ ઘણી વધારે હોય છે.

-કૂતરાઓ કોઈ વ્યક્તિ કે વસ્તુમાંથી આવતી વાસને આધારે નહીં પણ તમારા શરીરમાંથી સતત ખરી રહેલી ડેડ સ્કિનને ફૉલો કરતા હોય છે.

ક્રાઇમ બ્રાન્ચ પાસે ઑન ડ્યુટી પાંચ કૂતરાઓ છે, જેમાં ત્રણ ટ્રેકર ડૉગ છે અને બે નાર્કોટિક્સ ડૉગ છે. એ સિવાય ગોરેગામમાં પ્રોટેક્શન ઍન્ડ સિક્યૉરિટી બ્રાન્ચમાં બાર કૂતરાઓ છે. કોઈ પણ વીઆઇપીની મુલાકાત પહેલાં આ ડૉગ્સ ત્યાં કોઈ એક્સપ્લોઝિવ છે કે નહીં એ જાણવા જગ્યાની બરાબર ચકાસણી કરી લે છે. પોલીસ તપાસમાં ડોગ દ્વારા જ પ્રારંભિક તપાસ થાય છે જે વધુ અક્સીર હોય છે.

-વિનોદ બલાલ, પોલીસ સબ ઇન્સપેક્ટર, મુંબઈ પોલીસ ડૉગ સ્કવોડ

સીટ, રેસ્ટ, સ્લીપ, રોલ, સેલ્યુટ, કમ, અપ, સ્ટે જેવા શબ્દો તેને સૌથી પહેલાં શીખવવામાં આવે. એ પછી કૂતરાએ પોતાના હૅન્ડલરની ડાબી બાજુએ જ ચાલવાનું, હૅન્ડલરને સૂંઘીને તેની વસ્તુઓ શોધવાની. આ બધી પ્રારંભિક ટ્રેઇનિંગમાં તેના મગજનું કંડિશનિંગ કરવામાં આવે છે.

- જૅકોબ ગાયકવાડ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર

આ પણ વાંચો : જીવનમાં ક્યારે સમજાય Sky is the limit?

અત્યારે મુંબઈ પોલીસે પોતાના કાફલામાં શામેલ કરેલા બેલ્જિયમ શેફર્ડ જેવા ઍક્ટિવ, ચકોર અને હૅન્ડલ કરવા માટે અઘરા ગણાય. આ ખૂબ જ અગ્રેસિવ ડૉગ્સ છે. વિશ્વની ઘણી બધી આર્મીમાં તેની મલ્ટિપલ ખૂબીઓને કારણે સ્થાન આપવામાં આવ્યું છે. પૅટ્રોલિંગ, સ્નિફિંગ, નાર્કોટિક્સ અને બૉમ્બ ડિટેક્શન એમ બધા માટે આ કૂતરાઓ સબ બંદર કે વેપારી જેવા છે.

સચિન રાવતે, ડૉગ ટ્રેઇનર

mumbai police columnists