મિશન પાકિસ્તાન : દર વખતે એક જ ચર્ચાની જરૂર નથી, ઇલાજ સિવાય છૂટકો નથી

19 February, 2019 10:04 AM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

મિશન પાકિસ્તાન : દર વખતે એક જ ચર્ચાની જરૂર નથી, ઇલાજ સિવાય છૂટકો નથી

તમે હિન્દુ હો કે મુસ્લિમ હો, ક્રિશ્ચિયન હો કે પછી પારસી હો. તમે જે વતનમાં રહેતા હો એ વતનના પ્રેમને તમારે અકબંધ રાખવો જોઈએ, એના પ્રત્યેની તમારી જે કોઈ જવાબદારી છે એ નિભાવવાની હોય. મારું કહેવું એટલું જ છે કે જો તમે ઇન્ડિયન હો અને એ પછી પણ તમે અમેરિકામાં રહેતા હો તો તમારી પહેલી ફરજ અમેરિકા પ્રત્યેની આવે છે અને ધારો કે તમે હિન્દુ છો અને પાકિસ્તાનમાં રહો છો તમારી પહેલી ફરજ એ રાષ્ટ્ર માટેની આવે છે જે રાષ્ટ્રના તમે નાગરિક છો. રાષ્ટ્રવાદ એક જવાબદારી છે. એમાં ક્યાંય ધર્મની વાત કે લાગણીનો ભાવ નથી આવતો. જો જવાબદારી તમે નિભાવશો તો આપોઆપ તમારામાં એ ભાવના જન્મશે, પણ જો તમે ધર્મ અને મઝહબની ખોટી દિશામાં અથડાયા કરશો તો ક્યારેય રાષ્ટ્રવાદને સમજી નહીં શકો.

પુલવામા હોય કે પછી બીજી કોઈ પણ આતંકવાદી ઘટના હોય, એ બધામાં એક જ ભાવ બહાર આવ્યો છે. ધર્મ, મઝહબ અને એના નામે જ ઉશ્કેરાટ આપવામાં આવ્યો છે. જરા વિચાર તો કરો કે કાશ્મીરનો આતંકવાદ કેટલો વાહિયાત છે. ઈશ્વરે તમને જન્નત જેવો વિસ્તાર રહેવા માટે આપ્યો છે અને એ જન્ïનતને તમે તમારા આતંકવાદની મદદથી જહન્નમમાં ફેરવીને જન્નતમાં જવાની આશાએ મોતને પામો છો. કાશ્મીર કોનું છે અને એ કેવી રીતે કોના હિસ્સામાં આવ્યું છે એના વિશે વાત કરવાનો હવે કોઈ અર્થ નથી, પણ એટલું કહેવાનો ભાવ તો ચોક્કસ છે કે આતંકવાદ માત્ર અને માત્ર પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રેરિત સંગઠનો દ્વારા જ ફેલાવવામાં આવી રહ્યો છે. આ સંગઠનોને જ્યારે આંતરિક સહકાર મળે છે ત્યારે જ એ પોતાનું કામ પૂરું કરવા માટે સક્ષમ બને છે. શું માનો છો તમે, પુલવામામાં થયેલા આતંકી હુમલામાં લાવવામાં આવેલો RDXનો સો કે બસ્સો કિલોનો જથ્થો એકસાથે આવ્યો હતો? એ શક્ય પણ છે?

આ પણ વાંચોઃ મિશન પાકિસ્તાન : યાદ રહે કે દુશ્મન માત્ર સામે જ નથી, આપણી બાજુમાં પણ છે

તમે જરા વિચાર તો કરો કે ઘઉંની એક બોરીથી પણ વધારે મોટો જથ્થો થયો અને એ જથ્થાને એકસાથે લઈ આવવા માટે બીજી પણ અનેક પ્રકારની તકેદારી રાખવાની હોય, જેથી એને કોઈ પણ જાતનો સ્પાર્ક સ્પર્શે નહીં અને લાવનાર કૅરિયર પોતે જ એમાં તબાહ થાય નહીં. આ જે કોઈ જથ્થો આવ્યો એ બેચાર કિલોના પૅકમાં જ આવ્યો હોય અને જો એ સાઇઝમાં એ આવ્યો હોય તો એનો અર્થ એવો થયો કે વીસથી ચાલીસ વખત એ લાવવા-લઈ જવામાં આવ્યો. આ કામ એક જ વ્યક્તિ ક્યારેય કરી શકે નહીં. એના માટે તમને સ્થાનિક લોકોનો સાથ મળ્યો જ હોય. પુલવામાની આસપાસનાં ગામોમાં આતંકવાદીઓને સહકાર મળી રહ્યો છે એ વાત છેલ્લાં ત્રણ વર્ષથી ફરિયાદના સ્વરૂપમાં પહોંચી રહી છે અને એ પછી પણ ઇન્ડિયન આર્મી આ વિસ્તારમાં કોઈ ઍક્શન લઈ શકતી નથી. કારણ માત્ર એક જ કે પુલવામા ડિસ્ટ્રિક્ટનાં એ ગામોને પાકિસ્તાન અને જૈશ-એ-મોહમ્મદનો સહકાર છે. નાનાંએવાં એ ગામો પાસે હાથબૉમ્બ પણ છે અને એની પાસે અદ્યતન હથિયારો પણ છે. આ બધું પહોંચે છે ત્યારે જ્યારે સ્થાનિક લોકોના મનમાં ઝેર ભરી દેવામાં આવ્યું છે. આ ઝેર કાઢવાનું કામ પણ કરવું પડશે, એ નહીં કરીએ તો વધુ એક વખત આતંકવાદ સુષુપ્ત અવસ્થામાં આવશે, પણ પછી, પછી એ ફરી વખત બ્લાસ્ટના રૂપમાં ફૂટશે.

manoj joshi columnists