ચાણક્ય મૌર્ય સામ્રાજ્યના કરોડરજ્જુ હતા

09 February, 2019 11:15 AM IST  |  | મનોજ નવનીત જોષી

ચાણક્ય મૌર્ય સામ્રાજ્યના કરોડરજ્જુ હતા

ચાણક્ય

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

જો તમારે તમારી ટીમ ઊભી કરવી હોય, એવી ટીમ ઊભી કરવી હોય જે હાઈ-પર્ફોર્મન્સ આપવામાં માનતી હોય અને પોતાનું સર્વસ્વ તમારા માટે હોડમાં મૂકવા પણ તૈયાર હોય તો તમારે બે વાતનું ધ્યાન રાખવું પડે. ચાણક્યના કહેવા મુજબ તેમને ક્યારેય અસુરક્ષાની ભાવના ન આપો. જો તમારી ટીમમાં અસુરક્ષાની ભાવના હશે તો એ ટીમ ચોક્કસપણે ઑપ્શનની શોધમાં રહેશે અને જે ટીમના મેમ્બર ઑપ્શનની શોધમાં હોય છે એ ટીમ ક્યારેય હાઈ-પર્ફોર્મન્સ ટીમ નથી બનતી. એવા સભ્યોની બનેલી ટીમ ક્યારેય એક બનીને ચાલે એવી શક્યતા પણ ઘટી જાય છે અને એવી ટીમના સભ્યો હંમેશાં પોતાના વ્યક્તિગત દેખાવને જ ધ્યાનમાં રાખે છે. એનું પણ કારણ છે. તે હંમેશાં એવું ઇચ્છતો હોય છે કે પોતાનો પર્ફોર્મન્સ સુધારીને કે પછી પોતાના વ્યક્તિગત પર્ફોર્મન્સને દુનિયાની સામે મૂકીને તે કોઈ સુરક્ષિત જગ્યાએ ચાલ્યો જાય. ટીમ ઇન્ડિયાની ક્રિકેટ ટીમને જોશો તો એમાં પણ તમને કેટલાક પ્લેયર એવા દેખાશે કે જેમને ક્યારેય ટીમ-પર્ફોર્મન્સમાં રસ નથી હોતો, તે હંમેશાં પોતાના અંગત પર્ફોર્મન્સને જ ધ્યાનમાં રાખશે અને એના આધારે તે માર્કેટિંગ એન્ર્ડોસમેન્ટના સારા કૉન્ટ્રૅક્ટ મેળવી લેવાની પેરવીમાં હશે.

બીજી વાત. જો તમે હાઈ-પર્ફોર્મન્સ તૈયાર કરવા માગતા હો તો સાવચેતી રાખવાની છે કે જશ લેવા માટે ક્યારેય વ્યક્તિગત આગળ ન આવવું. ચાણક્યના જીવનને તમે જુઓ, તેમણે એક પણ વાતનો જશ જાતે નથી લીધો અને એ પછી આજે પણ બધો જશ તેમના હિસ્સામાં જઈ રહ્યો છે, તેમને મળી રહ્યો છે. હિન્દીમાં એક શબ્દ છે- રીડ કી હડ્ડી એટલે કે કરોડરજ્જુ. કરોડરજ્જુ ક્યારેય ટટ્ટાર ઊભેલી તમને જોવા નથી મળવાની પણ આ કામ એ જ કરી શકે છે, એનું આ કામ બીજું કોઈ નહીં કરી શકે. ચાણક્ય મૌર્ય સામ્રાજ્યની કરોડરજ્જુ હતા, મૌર્ય સામ્રાજ્ય દ્વારા વાપરવામાં આવતી તમામ સ્ટ્રૅટેજીની કરોડરજ્જુ હતા. તેમણે મૌર્ય સામ્રાજ્યને ક્યાંય ઝૂકવા નહોતું દીધું અને એ પછી પણ ક્યારેય જશ લેવા માટે આગળ પણ નથી આવ્યા. રાજતિલકની વાત આવી તો તેમણે ચંદ્રગુપ્તને આગળ કર્યો.

આ પણ વાંચો : સફળ નેતામાં કેવી ગુણવત્તા હોવી જોઈએ એની સૌથી પહેલી સ્પષ્ટતા ચાણક્યએ કરી

જીતની વાત આવી તો તેમણે સેનાપતિને આગળ મોકલ્યા અને તેના હિસ્સામાં સોનામહોરો મુકાવી. જશ માટે તમે જ્યારે બીજાને આગળ કરો છો ત્યારે આગળ વધેલી વ્યક્તિનું મનોબળ મજબૂત બને છે તો સાથોસાથ આગળ નહીં ગયેલા અન્ય સભ્યોના મનોબળને પણ નવું પીઠબળ મળે છે અને ભવિષ્યમાં તેને પણ આવી તક મળશે એવી આશાએ તે પણ પોતાનું તમામ જોમ ટીમ માટે વાપરે છે. ચાણક્ય બેસ્ટ ટીમ-બિલ્ડર હતા એવું કહેવામાં ક્યાંય પણ સંકોચ નહીં થાય. કેવી રીતે તેમણે ચંદ્રગુપ્ત માટે ટીમ તૈયાર કરી અને એ તૈયાર કરવામાં કઈ-કઈ વાતનું ધ્યાન રાખ્યું એની વાતો કરીશું આવતી કાલે, પણ એ પહેલાં લઈએ એક નાનકડો બ્રેક, મિલતે હૈ બ્રેક કે બાદ...

manoj joshi columnists