પાકિસ્તાન આવતા દિવસોમાં શું કરશે અને શું કામ કરશે?

09 March, 2019 12:43 PM IST  |  | મનોજ નવનીત જોષી

પાકિસ્તાન આવતા દિવસોમાં શું કરશે અને શું કામ કરશે?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

પાકિસ્તાન આવતા સમયમાં જે કંઈ રમત રમવાનું છે એને જરા સમજી લેવાની જરૂર છે. પાકિસ્તાન આવતા સમયમાં હવે કાશ્મીરના પ્રશ્નને આતંરરાષ્ટ્રીય સ્તર પર ઉછાળશે અને ભારતના રાજમાં કાશ્મીરીઓ પર જુલમ થઈ રહ્યા છે એવું દર્શાવીને કાશ્મીરને બદનામ કરી મૂકશે. કાશ્મીરને બદનામ કરવું એવી એની નેમ છે અને કાશ્મીરીઓ પણ એમાં આ પાકિસ્તાનને સાથ આપે એવું આ જ સુધી બનતું રહ્યું છે.

પાકિસ્તાન પાસે રહેલા કાશ્મીરને તમે જુઓ તો તમને ખબર પડે કે ભિખારીઓ જેવી હાલત વચ્ચે પણ આ પાકિસ્તાન અને કાશ્મીરીઓને ધર્મના નાતે એકબીજા માટે પ્રેમ અકબંધ રહ્યો છે; પણ સાહેબ, પ્રેમના આધારે દિવસ કાઢી શકાય, જિંદગી નહીં. પાકિસ્તાન સાથે ભળેલા કે પછી કહો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આજે ભૂખમરો છે અને લોકો દુખી છે. આતંકવાદીઓએ આ આખો એરિયા પોતાના કબજામાં રાખ્યો હતો અને કબજામાં લીધેલા એ વિસ્તારમાં આતંકવાદીઓના કૅમ્પ ચલાવતા. ભલું થજો ઇન્ડિયન ઍરર્ફોસનું કે એણે અત્યારે ત્યાં સફાઈ કરી નાખી છે અને આતંકવાદીઓનાં ઝુંડને જહન્નમમાં ધકેલી દીધાં છે. જોકે કોઈ એવો દાવા સાથે કહી નથી શકતું કે આ વિસ્તારમાં આ ઍક્ટિવિટી નવેસરથી શરૂ નહીં થાય. શું કામ એવું કોઈ કહી શકે એમ નથી. એનો જવાબ જો સમજવો હોય તો તમારે કાશ્મીરનો અભ્યાસ કરવો પડે. એ અભ્યાસ કરો તો જ તમને સમજાય કે કાશ્મીરની આંતરિક રચના જ એ પ્રકારની છે કે જેને અન્ય દેશોની સીમારેખાની જેમ સીમાંકન કરી શકાય એમ નથી. ખીણો અને પર્વતોથી ઘેરાયેલી આ સરહદ પર માત્ર અમુક નિશાનીઓના આધારે જ બે દેશને છૂટા પાડવામાં આવ્યા છે. કાશ્મીરનો જે હિસ્સો ભારતના ભાગમાં છે એ હિસ્સામાં સામાન્ય નાગરિકોને અવરજવર કરવા નથી મળતી અને એની સામે કાશ્મીરના પાકિસ્તાન પાસે રહેલા હિસ્સામાં કીડી-મંકોડાની જેમ અવરજવર ચાલુ છે. આ અવરજવરમાંથી નેવું ટકા અવરજવર આંતકવાદીઓની છે અને દસ ટકા પાકિસ્તાની સેનાના જવાનોની છે. પાકિસ્તાની સેના અને આતંકવાદ વચ્ચે એવો તો ગોટાળો થઈ ગયો છે જાણે કે ખાંડ અને નિમક એક થઈ ગયાં હોય અને બન્નેને જુદાં કરવાનું કામ કરવાનું આવ્યું હોય.

આ પણ વાંચો : હુમલો થયા પછી પુરાવાઓ માગનારાઓને જત જણાવવાનું કે...

પાકિસ્તાનના પેટમાં પાપ છે એવું કહેવામાં જરાય સંકોચ નથી થતો. પાકિસ્તાનના મનમાં પાપ છે એવું કહેવામાં પણ જરાસરખો સંકોચ નથી થતો. પાકિસ્તાનની મુરાદ મેલી છે એવું કહેવામાં પણ ખચકાટ નથી થતો અને આ બધું કહી શકાય છે એ પાછળનું કારણ પણ એ જ છે કે એ દેશને કોઈ જાતની નીતિમત્તા નથી. ગઈ કાલે પાકિસ્તાનના એક પત્રકાર સાથે લંડનમાં વાત ચાલતી હતી ત્યારે એ મિત્રે કહ્યું કે પાકિસ્તાન હવે કાશ્મીરમુદ્દે અને કાશ્મીરીઓના મુદ્દે ભારતને બદનામ કરી મૂકશે. નસીબજોગે અત્યારે જે સરકાર છે એ હિન્દુત્વતરફી સરકાર છે એટલે પાકિસ્તાન અને કાશ્મીરમાં બેઠેલા આતંકવાદીઓને સાથ આપતા મુસ્લિમોને ભારતને બદનામ કરવામાં સરળતા પણ રહેશે.

manoj joshi columnists