અપના ટાઇમ આએગા : હા, પણ એના માટે મહેનત પણ અપાર કરવી પડશે

16 March, 2019 01:15 PM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

અપના ટાઇમ આએગા : હા, પણ એના માટે મહેનત પણ અપાર કરવી પડશે

અપના ટાઇમ આએગા.

આ એક વાક્ય એવી રીતે પૉપ્યુલર થઈ ગયું છે કે વાત ન પૂછો. કોઈ પણ નાસીપાસ થઈ જઈએ કે અપસેટ થઈ જઈએ એવા કરીઅર-રિલેટેડ સમાચાર મળે તો બેચાર ડાયલૉગ મારી દઈને તરત જ કહી દે: અપના ટાઇમ આયેગા.

સમય ક્યારેય એમ નથી આવતો અને એવી રીતે સમય આવી પણ ન શકે. જો સમયને લાવવો હોય તો અપાર અને અથાગ મહેનત કરવી પડે. દિવસ-રાત ભૂલવાં પડે અને તડકો-વરસાદ પણ વીસરી જવા પડે. સમય એમ કંઈ નવરો નથી પડ્યો કે એ ઑટોમેટિક રીતે તમારો થઈને આવી જાય. તક મળે, પણ એ તક મેળવવા માટે તમારે પ્રયાસો કરતાં રહેવા પડે, દોડતાં રહેવું પડે, ભટકતાં રહેવું પડે અને પુષ્કળ કામ કરતાં રહેવું પડે. જો તમે મહેનત કરવા માટે તૈયાર નહીં હો તો નિિત રીતે તમે કશું પામી નથી શકવાના. તમારો ટાઇમ ક્યારેય આવવાનો નથી. મહેનત પણ બુદ્ધિપૂર્વકની કરવાની છે. જો તમે ઇચ્છતા હો કે ગધેડાની જેમ કામ કરી લેશો તો યાદ રાખજો, જગતમાં એક પણ ગધેડાનું નામ ‘ફૉર્બ્સ’માં પ્રસિદ્ધ થતા માલેતુજારના લિસ્ટમાં નથી આવતું. એ લિસ્ટમાં તેમનું જ નામ છે જે મહેનત કરે છે અને સ્માર્ટ રીતે એ મહેનતનો ઉપયોગ કરે છે. સ્માર્ટ બનો અને મહેનત કરો. આ બે જ ચાવીઓ છે સફળ થવાની.

અપના ટાઇમ આએગા.

એમ ન આવે ભાઈ ટાઇમ. ટાઇમને પણ એવી જગ્યાએ જવું છે જે જગ્યાએ એનું મૂલ્ય જળવાય છે અને એ જ જગ્યાએ જવું જે જગ્યાએ એને સાચવી લેવાની માનસિકતા છે. જો તમે એને સાચવી નહીં શકો તો ટાઇમ ક્યારેય તમારો થશે જ નહીં. સમયને સાચવવો એ પણ એક કળા છે. જો સમયને તમે સાચવી ન શકો તો એ તમને ક્યારેય સાચવે નહીં, ઊલટું એ તમને રેઢા મૂકી દેશે અને તમે આખી જિંદગી ‘અપના ટાઇમ’ને શોધ્યા કરશો. જો તમે ઇચ્છતા હો કે તમારો સમય આવે તો એવું કહેવાને બદલે તમારા સમયને બનાવવાનું શરૂ કરી દો. ‘અપના ટાઇમ’ ત્યારે જ આવતો હોય છે જ્યારે તમે એને આકાર આપો છો અને તમારા આજના સમયને સુધારવાનું કામ કરો છો. સમયને સુધારવો અને એને તમારા મુજબનો બનાવવાની કળા તમારામાં હોવી જોઈએ. તક ક્યારેય હવામાંથી નથી જન્મતી. મહેનત નામનો શબ્દ આ તક નામના શબ્દને પોતાના ગર્ભમાં રાખે છે અને એ રાખ્યા પછી જ એનો જન્મ થાય છે. જો તક ઇચ્છતા હો તો તમારે એના માટે ભાગવું પડશે, મહેનત કરવી પડશે અને કહ્યું એમ દિવસ-રાત ભૂલવાં પડશે. સમયને બચાવતાં પણ શીખવું પડશે અને સમયને સાચી જગ્યાએ વાપરતાં પણ શીખવું પડશે. જો એ તમને આવડી જશે તો જ તમે કહી શકશો : અપના ટાઇમ આએગા.

manoj joshi columnists