ચાણક્યએ ક્યારેય શીખવા માટે સમય, તક અને પરિસ્થિતિનો વિચાર નથી કર્યો

23 January, 2019 11:50 AM IST  |  | મનોજ નવનીત જોષી

ચાણક્યએ ક્યારેય શીખવા માટે સમય, તક અને પરિસ્થિતિનો વિચાર નથી કર્યો

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

બહુ ઓછા લોકોને ખબર છે કે ચાણક્યના અવસાન સમયે ચાણક્ય હીબ્રૂ ભાષા શીખી રહ્યા હતા. મહાત્મા ગાંધીએ તો બહુ પછી કહ્યું કે શીખવા માટે એક પણ ઉંમર નાની નથી, માણસે જિંદગીભર શીખતાં રહેવું જોઈએ. ચાણક્ય આ વાતનો અમલ કરી જાણતા હતા. શીખવા માટે કોઈ પણ ઉંમર નાની નથી અને શીખેલું ક્યારે કામ લાગશે એની કોઈને ખબર નથી. ચાણક્યની શીખવાની આ જે નીતિ છે એ નીતિ દરેકે જીવનમાં ઉતારવાની જરૂર છે. જો જીવનમાં આ ભાવના લાવી શકશો તો જીવન ખરેખર સરળ બની જશે.

આજે તકલીફ કઈ વાતની છે. એ જ કે શીખવું કોઈને નથી અને પામવાનું કંઈ છોડવું નથી. બધું જોઈએ છે, બધું મેળવવું છે પણ એના માટેની લાયકાત કેળવવાની તૈયાર નથી અને એટલે જ સપનાં પળભરમાં તૂટે છે. ક્ષણવારમાં દુનિયા અળખામણી બની જાય છે અને પલકવારમાં જગતને બધું મિથ્યા લાગવા માંડે છે. હાર્દથી શીખવામાં આવેલી વાતનો સૌથી મોટો લાભ એ છે કે એ તમને એ પણ સમજાવે છે કે તમારી લાયકાત શું છે અને તમારી આવડત શું છે. ચાણક્યએ કહ્યું છે, જો તમને તમારી આવડત ખબર હશે તો તમારી લાયકાત પણ તમે સારી રીતે જાણી શકશો અને જો તમે તમારી લાયકાત જાણી શકતા હશો તો તમે ક્યારેય અણછાજતી માગણી નહીં કરો. તમે તમારી મર્યાદામાં રહીને જ માગ કરશો અને જો તમે મર્યાદા મુજબનું માગશો તો તમે ક્યારેય નિરાશ નહીં થાઓ. ચાણક્યની આ વાત આજે કેટલા લોકોને યાદ રહી છે? ભાગ્યે જ કોઈને અને એ યાદ નથી એની જ આ તકલીફો છે. ચાણક્યએ જ કહ્યું છે તમારું શિક્ષણ તમને વધુ મેળવવા નહીં દે અને તમારી આવડત તમને ઓછું આવવા નહીં દે.

આ પણ વાંચો : મણિચિહ્ન અને ચાણક્ય : ચાણક્ય હંમેશાં કિંગમેકર શું કામ રહ્યા? સત્તાથી દૂર રહેવાનું કારણ શું?

ચાણક્યની આ નીતિ તમારે તો સમજવાની છે પણ સાથોસાથ તમારે એ પણ સમજવાનું છે કે આ નીતિ નવી જનરેશનને પણ સમજાવવાની છે. જે એ કામ કરી શકશે તેના પરિવારના હિતમાં જ રહેશે. જ્યારે પણ હું નાની ઉંમરના સુસાઇડના કિસ્સાઓ સાંભળું કે સ્ટ્રગલથી કંટાળીને ખોટું પગલું ભર્યું હોય એવું જાણું ત્યારે મને દરેક તબક્કે ચાણક્ય યાદ આવે છે, ચાણક્યની આજના સમયની પ્રસ્તિુત આંખ સામે આવે છે. આજે જેટલી ભગવદ્ગીતા પૉપ્યુલર છે એટલી જ ચાણક્યની વાતો પણ વિખ્યાતિ પામવી જોઈએ એવું મને લાગે છે. ચાણક્ય નીતિ અને ભગવદ્ગીતા આ બે એવાં શાસ્ત્રો છે જેને જીવનમાં અપનાવનારો ક્યારેય દુખી નથી થતો. તેને ક્યારેય તકલીફ નથી આવતી અને આવે એ તકલીફને તે ક્યારેય પીડાદાયી નથી માનતો. આવી તકલીફોમાંથી રસ્તો કાઢવાનું તે સુપેરે જાણે છે અને તે હસતે મોઢે રસ્તો કાઢી પણ લે છે.

columnists