જ્યોતિષ, સામુદ્રિક અને હસ્તરેખા શાસ્ત્રમાં ચાણક્યને વિશ્વાસ

21 January, 2019 12:15 PM IST  |  | મનોજ નવનીત જોષી

જ્યોતિષ, સામુદ્રિક અને હસ્તરેખા શાસ્ત્રમાં ચાણક્યને વિશ્વાસ

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?  

અનેક માને છે કે આ એક પ્રકારનું ડિંડક છે અને અનેક આ ત્રણ શાસ્ત્રો પર ખૂબ જ સારો વિશ્વાસ ધરાવે છે. મુદ્દો વિશ્વાસ કે અવિશ્વાસનો નથી, મુદ્દો ચાણક્યનો છે અને ચાણક્ય આ ત્રણેત્રણ શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવતા અને એટલું જ નહીં, તે આ ત્રણેય શાસ્ત્રોમાં પારંગત પણ હતા. તેમણે આ શાસ્ત્રનો ક્યારેય બીજા માટે ઉપયોગ નથી કર્યો, પણ તેમણે આ શાસ્ત્રનો ઉપયોગ અત્યંત ઉચ્ચ કોટીના નેતાની જેમ રાષ્ટ્ર અને રાજ્ય માટે કર્યો હતો. સમય કેવો ચાલે છે અને ચાલી રહેલા આ સમયમાં ગ્રહોની દશા કેવી છે એ જોઈને તે અમુક નિર્ણયો લેતા, જ્યારે પણ એવું લાગે કે માત ખાવી પડશે ત્યારે તે સમય પસાર કરવાની નીતિ પર પણ રહેતા અને જ્યારે તેને એવી ખબર પડતી કે આ સમયે ઘા થઈ જવો જોઈએ ત્યારે તે પૂરતો અભ્યાસ કરીને એ પગલું લઈ પણ લેતા.

આગળની વાત કરતાં પહેલાં થોડી બીજી વાત કરી લઈએ, આ શાસ્ત્રોને સમજી લઈએ.

જ્યોતિષ શાસ્ત્ર વ્યક્તિના ગ્રહોની દશા દર્શાવે છે, જ્યારે હસ્તરેખા શાસ્ત્ર એ વ્યક્તિના હાથમાં રહેલું ભવિષ્ય દર્શાવે છે. યાદ રહે, હાથ ન હોય તેનું પણ પોતાનું ભવિષ્ય તો છે જ, પણ હસ્તરેખા શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રને સહકાર આપે એ પ્રકારનું એક શાસ્ત્ર હોવાથી એનું પણ જ્ઞાન હોય તો એ ખૂબ ઉત્તમ પરિણામ આપે છે. ત્રીજા નંબરે આવે છે સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્ર વ્યક્તિના ચહેરા, હાવભાવ તથા શરીરના બાંધાને કેન્દ્રમાં રાખીને કામ કરે છે. વ્યક્તિ વાત કરતી વખતે મનમાં શું વિચારે છે અને હાવભાવ આપતી વખતે તેની ભાવના કેવી છે એ બધા પર આ શાસ્ત્ર આધારિત છે.

ચાણક્ય આ ત્રણેત્રણ શાસ્ત્રોમાં પારંગત હોવાનો સીધો લાભ તેમના ખાતામાં જમા થતો હતો, પણ તે એનો અંગત ઉપયોગ કરવાને બદલે સહજ રીતે એનો ઉપયોગ પોતાના રાજવી અને રાજ્ય માટે કરતા હતા. અનેક મુલાકાતમાં ચંદ્રગુપ્ત મૌર્યએ તેમને સાથે રાખ્યા છે અને ઇતિહાસમાં એની નોંધ પણ છે. મુલાકાતમાં સાથે રાખવામાં આવ્યા પછી તે મૌર્યને એ મુલાકાત દરમ્યાનની હરીફ રાજાની વર્તણૂક વિશે વાત પણ સમજાવતા અને એ પણ કહેતા કે એ મુલાકાતને કેટલી સાચી, કેટલી સારી માનવી. મૌર્ય તેમની વાતોનો વિશ્વાસ કરતા અને એ વિશ્વાસ ચરમસીમાના સ્તર પર હતો. ચાણક્યનીતિમાં ચાણક્યએ કહ્યું છે, ‘સામેની વ્યક્તિની વાતનો ભરોસો કરતાં પહેલાં તેમની આંખોમાં જુઓ, જીભ જે બોલવું હોય એ ભલે બોલતી પણ આંખો બધું સાચું કહી દેશે એ નક્કી છે.’

તમારે પણ આ અનુભવ કરવો હોય તો કરી લેજો.

manoj joshi columnists