મશીન છો કે માણસ : શરીરને મશીન માનનારાઓને ક્યારેય પ્રેમ ન કરતા

15 January, 2019 12:48 PM IST  |  | Manoj Navneet Joshi

મશીન છો કે માણસ : શરીરને મશીન માનનારાઓને ક્યારેય પ્રેમ ન કરતા

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

માનવનિર્મિત મશીનની જેમ જ આપણા શરીરના જુદા-જુદા સ્પેરપાર્ટ્સ (અવયવો) અન્ય મશીનની જેમ નિયત ઍક્ટિવિટી કરે છે. કોઈ પણ ટેક્નૉલૉજિકલ મશીનને વ્યવસ્થિત ચલાવવા માટે જેમ નિયમિત સર્વિસિંગ આપતા રહો, મશીનમાં તેલ પૂરો અને ગ્રિસિંગ કરો એ જરૂરી છે એમ જ માનવશરીરમાં પણ નિયમિત ખોરાક પૂરતા રહો, કસરત અને આરામના સંતુલન સાથે સર્વિસિંગ કરો તો એ બરાબર કામ કરશે. મશીન પાસે જો ઓવરલોડ કામ લો તો મશીન ખોટકાય, બિલકુલ એ જ રીતે માનવશરીર પાસે પણ ક્ષમતાની બહાર કામ લેવા જાઓ તો એ ખરાબ થાય અને બીમાર પડે. માનવરચિત મશીન અને ઈશ્વરરચિત મશીનમાં ઘણી સામ્યતાઓ છે, પરંતુ એક બહુ મોટો ફરક છે જે કહેવા પ્રેરે છે કે ભલા માણસ તમે માણસ છો અને મશીન નથી. ભલે તમારું શરીર કોઈક સુપર પાવરે બનાવેલા ઉત્કૃષ્ટ કોટિના મશીન જેવું હોઈ શકે, પરંતુ તમે મશીન નથી એટલે જ તમારી ક્રિયામાં જડતા આવે એ નહીં ચાલે, કારણ કે તમે મશીન નથી એટલે તમારા પ્રત્યેક કાર્યમાં પણ પ્રાણ ભળતા હોય છે. જોકે આપણી મર્યાદા ગણો કે કમનસીબી, મોટા ભાગના લોકોની પ્રત્યેક ક્રિયા આજે મશીન જેવી બની છે. સવારે ઊઠવાથી લઈ રાત્રે પાછા સૂવા સુધીની આખી પ્રોસેસ એક મશીનની જેમ પાર પાડવામાં આવે છે.

મજાની વાત એ છે કે આજકાલના કેટલાક સો કૉલ્ડ ધાર્મિકો અને પોતાને વિદ્વાન માનતા ભણેશરીઓ જડતા અને મક્કમતાને એક જ ગણી રહ્યા છે. પોતે કોઈક વસ્તુને વળગી રહે છે, જડતાપૂર્વક પણ દેખાડો કરે છે પોતાની મક્કમતાનો. ખૂબ તકલીફો સહન કરવાની વાત હોય કે બિનજરૂરી ત્યાગને દર્શાવવાનો હોય કે પછી સંઘર્ષના માર્ગ પર ચાલવાનું હોય, જડતા ક્યાંય ન ચાલે. તમે બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના જડવત્ કોઈ બાબતને પકડી રાખો અને પછી એમાં તમારી દૃઢ ઇચ્છાશક્તિ કે મક્કમતાનું પ્રદર્શન કરો તો એ ખોટું છે, સાવ ખોટું. જડતા મશીનનો ગુણ છે, માનવનો નહીં, કારણ કે મશીન પાસે વિચારો નથી, મશીન પાસે પોતાનું કોઈ મગજ નથી, માણસ પાસે છે. મશીન સેટ કરેલા પ્રોગ્રામ અનુસાર કામ કરે છે જ્યારે માનવ પાસે સ્વતંત્ર વિચાર છે, સ્વતંત્ર બુદ્ધિ છે અને સ્વતંત્ર નર્ણિય લેવાની શક્તિ છે.

આ પણ વાંચો : પતંગ માટેની પાગલપંતી

મશીન પાસે એ નથી એટલે જ આપણે મશીનથી જુદા છીએ. એટલે જ ઉપાવાસો કરવાની વાત હોય, ધાર્મિક ક્રિયા કરવાની વાત હોય, તમારા જીવનના લક્ષ્ય સુધી પહોંચવાની વાત હોય કે બીજી કોઈ પણ વાત કેમ ન હોય, જડતા ક્યાંય નહીં ચાલે, કારણ કે તમે મશીન નથી, તમે માણસ છો અને માણસ સમય, સંજોગ અને સ્થાન મુજબ તેની જીવનશૈલીમાં ફેરફાર કરતો રહે એ જરૂરી છે અને એવું કરવું હોય તો જડતા ન ચાલે. જડતામાં વિવેકનો, સમજદારીનો અને બુદ્ધિનો અભાવ છે. મશીનને લાગણી નથી, માણસને છે એટલે જ માણસ જડ ન હોઈ શકે. તમે જો તમારા જીવનની કોઈ પણ ક્રિયામાં જડતા ધારણ કરી રહ્યા હો તો એક વાર એ વિશે ફેરવિચાર જરૂર કરજો.

columnists