આ તો અમે કર્યું, આ તો અમે કર્યું, પણ કહો પહેલાં અમલમાં કોણે મૂક્યું?

14 January, 2019 12:18 PM IST  |  | Manoj Navneet Joshi

આ તો અમે કર્યું, આ તો અમે કર્યું, પણ કહો પહેલાં અમલમાં કોણે મૂક્યું?

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

કૉંગ્રેસની હંમેશાં કાગારોળ એવી રહી છે કે આ કે આ તો અમે કર્યું અને પેલું તો અમે કર્યું, પણ મારે કહેવું છે આ મિત્રોને કે અમે કર્યું ત્યારે કર્યું કહેવાય જ્યારે તમે એને અમલમાં મૂકવાનું કામ કર્યું હોય અને તમે એને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય, પણ ના, એ કામ તમે નથી કર્યું. તમે વિકાસને કાગળ પર લાવ્યા અને એ વિકાસને કાગળ પરથી વાસ્તવિકતામાં લઈ આવવાનું કામ BJP અને નરેન્દ્ર મોદી દ્વારા થયું. આજે કૉંગ્રેસ નરેન્દ્ર મોદીને હટાવવા માટે જે મહેનત અને જહેમત ઉઠાવે છે એ મહેનત અને જહેમત જો એણે સિત્તેર વર્ષ દરમ્યાન દેશને આગળ લઈ આવવામાં કે પછી દેશના વિકાસ માટે કરી હોત તો એકેય મોદીનો જન્મ જ ન થયો હોત અને આ દેશની જનતાએ એકેય મોદીને પેદા થવા પર મજબૂર જ ન કર્યો હોત. આ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતા સૌકોઈએ સમજવાની જરૂર છે. ઑફિસ હોય કે ઘર, પરિવાર હોય કે મિત્રતા, દોસ્તી હોય કે વ્યવહાર, વ્યક્તિ એવા જ સમયે વિરોધમાં ઊભી થતી હોય છે જે સમયે અયોગ્યતા ચરમસીમા પર પહોંચતી હોય છે. ગુજરાતમાં અને દેશમાં પણ એ જ બન્યું છે. કૉંગ્રેસને જાકારો આપવામાં કોઈને રસ નહોતો અને કોઈ એવું કરવા રાજી પણ નહોતું, પણ કૉંગ્રેસની નિષ્ક્રિયતા અને પછી એમાંથી શરૂ થયેલો ભ્રષ્ટાચાર જ્યારે માઝા મૂકી ગયો ત્યારે દેશવાસીઓએ નવા ઑપ્શનને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું. આપવામાં આવેલા આ પ્રાધાન્ય પછીનું પહેલું સ્ટેપ એ હતું કે કૉંગ્રેસ બહુમતી સુધી પહોંચતી અટકી, પણ એટલે કૉંગ્રેસે સાથીપક્ષોનો સાથ લેવાનું શરૂ કર્યું અને એ પછી આ દોર ચાલ્યો. અંતે લોકો ત્રાસી ગયા અને લોકોએ સાંબેલાધાર મતો આપીને એકલી BJPને જિતાડવાનું કામ કર્યું.

આ પણ વાંચો : કીમત દોનોં કી ચુકાની પડતી હૈ બોલને કી ભી ઔર ચૂપ રહને કી ભી

BJPને લોકસભામાં મળેલો જાકારો એ હકીકતમાં તો કૉંગ્રેસના ગાલ પર પડેલો તમાચો હતો અને એ તમાચો હતો કે જેનો અવાજ છેક વિદેશ સુધી પહોંચ્યો હતો, પણ એમ છતાં કૉંગ્રેસે પેલા કૂતરાની પૂંછડી જેવું કામ કર્યું. વાંકી વળેલી પૂંછડી વચ્ચે પણ કૉંગ્રેસે એ જ દેખાડવાનું કામ કર્યું કે BJP અને નરેન્દ્ર મોદીએ કોઈ કામ નથી કર્યું. વિકાસની માત્ર વાતો થઈ છે અને વિકાસ માત્ર કાગળ પર જ રહ્યો છે. સાહેબ, જો વિકાસની વાતો થઈ હોત તો આજે સબસિડીના નામે પાછાં લેવાયેલાં સિલિન્ડર ગરીબ લોકોના ઘર સુધી પહોંચ્યા ન હોત. સાહેબ, જો વિકાસ ન થયો હોત તો આ દેશના સુપરસ્ટારો અને ઉદ્યોગપતિઓ ઝાડુ લઈને મોદીસાહેબની સાથે કચરો સાફ કરવા માટે નીકળી પડ્યા ન હોત અને જો વિકાસ ન થયો હોત તો બૅન્કને એવો આદેશ પણ ન મળ્યો હોત કે જનધન યોજના હેઠળ દેશના એક પણ નાગરિકને તમે બૅન્ક-અકાઉન્ટ માટે ના નહીં પાડી શકો.

columnists